કઝિન્સ, જેમ્સ એચ. (ડૉ.) [જ. 22 જુલાઈ 1873, બેલફાસ્ટ, ઉત્તર આયર્લૅન્ડ; અ. 20 ફેબ્રુઆરી 1956, મદનપલ્લી (Madanapalle)] : ભારતીય કલા અને સંસ્કારના સાચા અને નિષ્ઠાવાન સેવક અને કવિ. તરુણ વયે તેઓ આયર્લૅન્ડના જ્યૉર્જ રસેલ (એ.ઈ.) અને કવિ યેટ્સ જેવા કવિઓથી પ્રભાવિત થયા હતા. 1894થી કવિ તરીકેની તેમની કારકિર્દી શરૂ થઈ હતી.

60 વર્ષની કારકિર્દીમાં તેમણે 32 કાવ્ય-નાટ્ય-સંગ્રહો અને 48 નિબંધ-સંગ્રહો આપ્યા છે. તેમાં ‘ફિલૉસૉફી ઑવ્ બ્યૂટી’ (1925), ‘સમદર્શન’ (1925), ‘ધ ફેઇથ ઑવ્ ધી આર્ટિસ્ટ’ (1941) અને ‘ધી એસ્થેટિક નેસેસિટી ઑવ્ લાઇફ’ ખાસ ઉલ્લેખનીય અને મનનીય ગ્રંથો છે.

મિસિસ ઍની બેસન્ટનું એક વ્યાખ્યાન સાંભળીને તેઓ ભારતીય તત્વજ્ઞાન તરફ આકર્ષાયા અને મદ્રાસ(ચેન્નઈ)માં તેમની થિયૉસૉફિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયામાં જોડાવા ભારત આવ્યા. મિસિસ બેસન્ટે તેમને ‘હોમરૂલ’ ચળવળના તેમના મુખપત્ર ‘ન્યૂ ઇન્ડિયા’ના સહતંત્રી નીમ્યા. ત્યારબાદ તેઓ મદનપલ્લી ખાતે બેસન્ટ કૉલેજના અંગ્રેજીના  પ્રાધ્યાપક બન્યા. સાથોસાથ રાષ્ટ્રીય કેળવણીના પ્રચાર માટે ભારતના ખૂણે ખૂણે ઘૂમી વળ્યા. 1919માં જાપાનની કેઉયોગી જુકુ યુનિવર્સિટીના આમંત્રણથી તેઓ અધ્યાપન અર્થે એક વર્ષ માટે ત્યાં ગયા અને તેમણે ‘ન્યૂ જાપાન’ અને ‘કલ્ચરલ યૂનિટી ઑવ્ એશિયા’ નામક બે મનનીય ગ્રંથો આપ્યા. તે બદલ જાપાન યુનિવર્સિટીએ તેમને ‘ડૉક્ટરેટ’ની ઉપાધિ એનાયત કરી હતી, જેનો તેમણે પાછળથી ત્યાગ કર્યો હતો.

જાપાનથી પાછા ફરીને તેમણે બૅંગ્લોર(બૅંગાલુરુ)માં સતત ત્રણ વર્ષ સુધી ‘કલા-ઉત્સવ’નું સુંદર અને સફળ સંચાલન કર્યું. ત્યારબાદ મૈસૂરના મહારાજાના નિમંત્રણથી ત્યાંના મહેલમાં તેમણે ‘જગમોહન ચિત્રાલય’ ઊભું કર્યું, જે વિદ્યમાન ભારતીય કલાકારોની કૃતિઓનો દેશભરનો સર્વપ્રથમ ચિત્રસંગ્રહ બન્યો. 1925માં તેમણે ભારતીય કલાના અભ્યાસના પ્રચારાર્થે યુરોપનો પ્રવાસ ખેડ્યો. ત્યાંથી પાછા ફર્યા બાદ અદ્યારમાં જગતના સર્વ ધર્મોના અભ્યાસ માટે સ્થપાયેલી ‘બ્રહ્મવિદ્યા’ સંસ્થાના સંચાલક તરીકે તેમને નીમવામાં આવ્યા. 1928માં તેમણે ભારતીય કલાના પ્રચાર અર્થે ફરીથી વિશ્વની સફર કરી અને અનેક જગ્યાએ કલાપ્રદર્શનો યોજ્યાં.

સફરેથી પાછા ફર્યા બાદ ચેન્નઈમાં મદનપલ્લી કૉલેજના આચાર્યપદે રહ્યા અને પછી મદ્રાસ યુનિવર્સિટીના સેનેટર બન્યા. 1937માં તેઓ ત્રાવણકોર રાજ્યના કલાના સલાહકાર નિમાયા. ત્યાં પણ તેમણે મૈસૂર જેવું જ કલા-ચિત્ર-સંગ્રહાલયનું નિર્માણ કર્યું. પછી તેઓ ત્રાવણકોર યુનિવર્સિટીના કલાવિભાગના અધ્યક્ષ નિમાયા.

આમ, ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રાણ સાથે તેઓ એટલી હદે ઓતપ્રોત થઈ ગયા હતા કે પાછલી વયે તેમને અપાયેલ ભારતીય નામ ‘જયરામ’ સ્વીકારીને તેઓ ભારતીય નાગરિક બન્યા હતા. તેમનાં પત્ની માર્ગરેટે પણ તેમના પતિની જેમ ભારતને પોતાની માતૃભૂમિ બનાવેલી. તેમણે બંનેએ ‘વી ટૂ ટુગેધર’ નામની સંયુક્ત આત્મકથા લખી છે. ડૉ. કઝિન્સ શાકાહારના પ્રખર હિમાયતી હતા. ભારતીય નાગરિક બનીને ભારતની સંસ્કૃતિ અને સંસ્કારની સેવા કરનાર અને તે ક્ષેત્રે વ્યાપક જાગૃતિ આણનાર ડૉ. કઝિન્સ સિસ્ટર નિવેદિતા અને ઍની બેસન્ટની હરોળના ગણાય તેવા ભારતીયતાના પુરસ્કર્તા ત્રીજા પરદેશી હતા.

બળદેવભાઈ કનીજિયા