કજરી : પૂર્વી ઉત્તરપ્રદેશનો પ્રસિદ્ધ લોકગીત પ્રકાર. આ ગીતો મુખ્યત્વે શ્રાવણ માસમાં ગવાય છે. આ મહિનામાં આકાશમાં આચ્છાદિત વાદળોની કાલિમા, જે કાજળ જેવી કાળી હોય છે તે પરથી તેનું નામાભિધાન થયાનું જણાય છે. પૂર્વી ભારતમાં ભાદરવા કૃષ્ણ ત્રીજને કજરી ત્રીજ કહેવામાં આવે છે અને વિવાહિત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરતી હોય છે. કજરીમાં વર્ષાઋતુમાં નાયિકાનું વિરહવર્ણન અને રાધાકૃષ્ણની લીલાઓનું વર્ણન અધિક થયું છે. બનારસ અને મીરજાપુરની કજરી ખૂબ પ્રસિદ્ધ છે.
સહુ પ્રથમ કજરી ગીત આજથી 150–200 વર્ષ પહેલાં થયેલા ભોજપુરી સંત કવિઓમાં – ખાસ કરીને લક્ષ્મી સખીની રચનાઓ રૂપે કજલી ગીતપ્રકાર પ્રાપ્ત થાય છે. મીરજાપુરમાં કજલીગીતોની સ્પર્ધા યોજાય છે, જેમાં સ્ત્રીઓની સાથે પુરુષો પણ ભાગ લેતા હોય છે. ગવૈયાઓ બે જૂથોમાં વહેંચાઈ જઈને ગીતો ગાય છે. એક દળની વ્યક્તિ પ્રશ્ન કરે છે અને બીજા દળની વ્યક્તિ એનો ઉત્તર આપે છે. આ ક્રમ ક્યારેક આખી રાત સુધી ચાલતો રહે છે. કજરીમાં હૃદયવિદારક કરુણ રસની સાથોસાથ શૃંગાર રસનું પણ મધુર નિષ્પત્તિ હોય છે. કજરીનો લય મીઠો, મધુર અને મનમોહક હોય છે, જેને સાંભળીને શ્રોતાઓ મુગ્ધ થઈ જાય છે. હિંદી ફિલ્મોમાં કજરી ગીતોના પ્રવેશ પછી આ ગીતપ્રકાર ખૂબ લોકપ્રિય થયો છે. કજરીના દૃષ્ટાંત રૂપે શૈલેન્દ્રનું રચેલ, આશા ભોંસલેએ ગાયેલ અને રાગ પીલુમાં ઢાળેલ કજરી ગીત – અબ કે બરસ ભેજ ભૈયાકો બાબુલ, શ્રાવનકો બીજો બુલાય રે – અત્યંત પ્રસિદ્ધ છે.
કજરીના ગાયકોના ચાર અખાડા પ્રસિદ્ધ છે : (1) પંડિત શિવદાસ માલવીય અખાડા, (2) જહાંગીર અખાડા, (3) વૈરાગી અખાડા અને (4) અક્કડ અખાડા. આ અખાડાઓની રમઝટ મુખ્યત્વે બનારસ, બલિયા, ચંદૌલી અને જૌનપુર જિલ્લાઓમાં નિહાળવા મળે છે.
પ્રવીણચંદ્ર પરીખ