કંસવહો (કંસવધ) (અઢારમી સદી) : કેરળનિવાસી બહુશ્રુત કવિ રામપાણિવાદ(1707-1775)ની પ્રાકૃત કાવ્યરચના. વિષ્ણુભક્ત રામપાણિવાદે સંસ્કૃત, પ્રાકૃત અને મલયાળમ – આ ત્રણે ભાષાઓમાં રચના કરેલી છે. પ્રાકૃતમાં તેમણે ‘કંસવહો’ ઉપરાંત ‘ઉસાણિરુદ્ધ’ (ઉષાનિરુદ્ધ) નામે કાવ્ય તથા વરરુચિના ‘પ્રાકૃતપ્રકાશ’ની ટીકા રચી છે.
‘કંસવહો’ 233 પદ્યોનું, ચાર સર્ગોમાં રચાયેલું ખંડકાવ્ય છે. સંસ્કૃત મહાકાવ્યોનો, વિશેષે કરીને માઘના ‘શિશુપાલવધ’નો કૃતિ પર ઘણો પ્રભાવ છે. ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત છે છતાં ક્વચિત્ શૌરસેનીનાં રૂપો મળે છે. વ્યાકરણના આધારે રચાઈ હોવાથી આ કૃતિની ભાષા કૃત્રિમ સાહિત્યિક પ્રાકૃત છે.
કાવ્યનું કેન્દ્રીય વસ્તુ કૃષ્ણ દ્વારા કંસનો કરાતો વધ છે. પહેલા સર્ગમાં અક્રૂર ગોકુળ જઈને કૃષ્ણ અને બલરામને કંસનો સંદેશ આપે છે કે ધનુષ ઉત્સવના બહાને કંસે તેમને બંનેને મથુરા આવવા આમંત્રણ આપ્યું છે, કૃષ્ણ અને બલરામ અક્રૂર સાથે રથ પર સવાર થઈ મથુરા જવા નીકળે છે અને કૃષ્ણના વિયોગથી દુ:ખી ગોપીઓને અક્રૂર ઉપદેશ આપે છે, એટલી કથા છે. બીજા સર્ગમાં કૃષ્ણ અને બલરામ મથુરા પહોંચે છે અને કંસની ધનુષશાળામાંનું ધનુષ્ય વાતવાતમાં તોડી નાખે છે તેની કથા છે. અહીં મથુરા નગરીનું સરસ વર્ણન મળે છે; જેમાં કવિએ ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, ર્દષ્ટાંત આદિ અલંકારોનો પ્રયોગ કર્યો છે. ત્રીજા સર્ગમાં પ્રાત:કાળમાં બંદીજનોની સ્તુતિ પછી જાગેલા કૃષ્ણ-બલરામ નગરીના દ્વારે પહોંચી ચાણૂર અને મુષ્ટિક મલ્લો સાથે યુદ્ધ કરી તેમને હણે છે. આથી કોપાયમાન થયેલ કંસ તેમને જેલમાં નાખવા માગે છે પરંતુ અંતે કૃષ્ણના હાથે તેનો વધ થાય છે. ચોથા સર્ગમાં નગરીમાં છવાયેલા આનંદનું અને કૃષ્ણની બાલલીલાઓનું સુંદર વર્ણન છે.
રમણિકભાઈ મ. શાહ