કંબન (જ. 1180, તિરુવળુન્દુર; અ. 1250, નાટ્ટરાસાનકોટ્ટાઇ, હાલ શિવગંગા, તમિલનાડુ) : તમિળ કવિ. જન્મ ઓલનાડુ તિરુવળુન્દુર નામના ગામમાં એક વૈષ્ણવ કુટુંબમાં. તેમનાં માતાપિતા, જન્મ, જાતિ વગેરે વિશે અનેક કિંવદન્તીઓ છે. તિરુવેણ્ણેય નલ્લુરના શડૈય્યપ વળ્ળલ એમનું ઘણું સન્માન કરતા હતા. એમણે એમના રામાયણમાં કંબનની પ્રશસ્તિનાં દશ પદો લખ્યાં છે. કંબને રચેલી મુખ્ય કૃતિઓ છે ‘રામાયણમ્’, ‘સટકોપર-એનઇત’, ‘ઈરેળુપટુ’, ‘શિલૈએસુપદુ’, ‘તિરુક્કેવષક્કમ્’, ‘સરસ્વતી અંદાદિ’ ઇત્યાદિ. એમાં એમનો કીર્તિદા ગ્રંથ તો ‘રામાયણમ્’ છે, જે ‘કંબરામાયણ’(1885)ને નામે વિખ્યાત છે. જોકે એમણે વાલ્મીકિ રામાયણને એમની કૃતિનો આધાર બનાવ્યો હતો, તોપણ એમની મૌલિક પ્રતિભા, પ્રખર કલ્પનાશક્તિ તથા અપૂર્વ પાંડિત્યને આધારે મૂળ રામાયણને નવે રૂપે જ રજૂ કર્યું છે. તમિળમાં એમની પૂર્વે અને એમની પછી જે રામાયણોની રચના થઈ એ બધી કૃતિઓ ‘કંબરામાયણ’ આગળ ફિક્કી લાગે છે. ‘સટકોપર-એનઇત’માં એમણે સટકોપર(નમ્માળવાર)નું મહિમાગાન કર્યું છે. તે માત્ર તમિળના જ નહિ, પણ સંસ્કૃતના પણ પ્રકાંડ પંડિત હતા. તેઓ લલિતકલાના – સંગીત, ચિત્રકલા અને નૃત્યના નિષ્ણાત હતા તેમજ વિજ્ઞાન, તત્વજ્ઞાન, ગણિત, જ્યોતિષશાસ્ત્રમાં પ્રભુત્વ ધરાવતા હતા. એમણે એમના રામાયણમાં સંસ્કૃત અને તમિળ બંને કાવ્યશૈલીઓનો સમન્વય સાધ્યો છે. તમિળની અભિવ્યંજનાશક્તિનો વ્યાપ વિસ્તારીને તેમણે એને નવીન સૌષ્ઠવ અને સૌંદર્ય અર્પ્યું છે. તેમની અપૂર્વ પ્રતિભાને કારણે લોકોએ એમને ‘કવિચક્રવર્તી’, ‘જ્ઞાનસાગર’ આદિ ઉપાધિઓ પણ આપેલી છે. તમિળ સાહિત્યમાં મહાકવિ તરીકે એમનું ઊંચું સ્થાન છે.
કે. એ. જમના