કંબ દિ કલાઈ (1950) : પંજાબી ભાષાનો કાવ્યસંગ્રહ. આધુનિક પંજાબી સાહિત્યના નિર્માતા, કવિ-નાટકકાર, નવલકથાકાર અને ગદ્યકાર ભાઈ વીરસિંહના આ કાવ્યસંગ્રહનું 1950માં પ્રકાશન થતાં આધુનિક પંજાબી કવિતામાં એક નવો વળાંક આવ્યો. સંગ્રહમાં અનેક મુક્તકો છે અને પંજાબી કવિતાસાહિત્યમાં મુક્તકનો આ પ્રથમ પ્રયોગ છે. પંજાબી કવિતામાં આ સ્વરૂપને પ્રચલિત કરવાનો યશ વીરસિંહને જાય છે. મુક્તકો સિવાય પ્રણયકાવ્યો, પ્રકૃતિકાવ્યો, ઊર્મિકાવ્યો, ચિંતનપ્રધાન કાવ્યો એમ કાવ્યપ્રકારોની સાથેસાથે શૈલીનું પણ પ્રચુર વૈવિધ્ય એમાં મળે છે. એમણે પંજાબી કવિઓની નવી પેઢીને પ્રેરણા આપી. આ કાવ્યસંગ્રહ માટે પંજાબ વિશ્વવિદ્યાલયે એમને માનાર્હ ડૉક્ટરેટની પદવી આપી. આ સંગ્રહમાં શીખદર્શન-વિષયક કાવ્યો પણ છે અને એમાં તેમણે સમન્વયનો સંદેશ આપ્યો છે તથા માનવતાવાદને બિરદાવ્યો છે.

પ્રમીલા મલ્લિક