કંદ (ganglion) : મોટેભાગે કાંડાં, આંગળીઓ, ઢીંચણ, ઘૂંટણ અને પગના પંજાના આગળ અને પાછળના ભાગમાં, સાંધા કે સ્નાયુબંધ(tendon)ની પાસે જોવા મળતી, ચોખ્ખા જિલેટીન જેવા પ્રવાહીથી ઠસોઠસ ભરેલી કોથળીઓનો સોજો. તેમાં દુખાવો થતો નથી. સોજો જ્યાં હોય ત્યાં જ રહે છે, પણ કોઈક વાર એક કંદ બીજા કંદ સાથે સંબંધિત હોવાથી પ્રવાહી સામસામું ફરે છે અને ક્યારેક સાંધાના હલનચલનમાં યાંત્રિક દોષ ઊભો કરે છે. કંદ થવાનાં કારણો નિશ્ચિત હોતાં નથી. ઘણીવાર સતત ઘર્ષણ કે ઈજા થવાથી સ્નાયુબંધનાં આવરણ (tendon sheath) કે સાંધાને ફરતી સંધિકલા(synovial membrane)માં કાણું પડવાથી ચીકણું પ્રવાહી ધીરે ધીરે ઝમવા માંડે છે અને તેની આસપાસ સ્નાયુતંતુઓનું આવરણ બની જાય છે. તે કંદ તરીકે ઓળખાય છે. કંદના બે પ્રકાર છે : (1) સામાન્ય કંદ : જે મોટેભાગે કાંડાં, આંગળીઓ અને પગના આગળના ભાગમાં જોવા મળે છે. હાથની આંગળીઓના આગળના ભાગમાં થતાં નાનાં કંદ ખૂબ કષ્ટદાયક હોય છે; (2) સંયુક્ત કંદ : હાથના પંજા અને કાંડાંની આગળની બાજુ ઉપર. હાડકાના સાંધાની સંધિકલાના ક્ષયના જીવાણુથી થતા ચેપને કારણે સંયુક્ત કંદ થાય છે.

નાની ઉંમરમાં થતા કંદ ઘણીવાર કુદરતી વિકાસની ખામીને આભારી હોય છે, વૃદ્ધોમાં થતાં કંદ સાંધાની સંધિકલામાં ખામી ઊભી થવાથી થાય છે અને તે વૃત્તક (pedicle) દ્વારા સાંધા સાથે સંબંધ ધરાવે છે.

સારવાર : કંદને એકાએક એકધારું સખત દબાણ આપવાથી કે સોય દ્વારા પ્રવાહી ખેંચી લેવાથી મટી જાય છે. ક્યારેક શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. ક્ષયના રોગનું નિદાન થયે તેની સારવાર કરાય છે.

રાજહંસ ઈ. દવે