ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ
આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે બંને રીતે લીધેલી હોય છે. ઔષધ કુપ્રયોગની વ્યાપક વ્યાખ્યામાં ઔષધનો દુરુપયોગ (misuse) તથા ખોટી રીતનો ઉપયોગ (wrong use) પણ સમાવેશ પામે છે. નશાકારક ઔષધ કે દ્રવ્યને વારંવાર લેવાથી તેમના તરફની સહ્યતા (tolerance) વધે છે તેમજ શારીરિક અને માનસિક ફેરફારો થાય છે. તેને કારણે ઔષધ પર શારીરિક અને માનસિક અવલંબન વધતું જાય છે. પછી વ્યક્તિ જે તે ઔષધ કે દ્રવ્યને વધુ ને વધુ માત્રામાં લેવા માંડે છે. તેના વગર તે ઔષધરહિતતા કે ઔષધવિયોગિતા(withdrawal)નાં લક્ષણોથી પીડાય છે. કાળક્રમે તેને તેનું વ્યસન બંધાઈ જાય છે. વ્યસનાસક્તિ એક પ્રકારનો ફરજિયાત કુપ્રયોગ છે. એમાં માનસિક અવલંબનને કારણે તે કુટેવ રૂપે જોવા મળે છે. દરેક સમાજમાં મન:સ્થિતિ (mood), વિચાર અને લાગણીઓ પર અસર કરતાં ઔષધોનો ઉલ્લેખ આવે છે.
નશાકારક ઔષધ કે દ્રવ્યને ફરજિયાતપણે વારંવાર લેવાની અદમ્ય ઇચ્છાને વ્યસનાસક્તિ કહે છે. આવી વર્તણૂકવાળી વ્યક્તિ નશાકારક પદાર્થો વાપરવાની પ્રવૃત્તિને જિંદગીની અન્ય પ્રવૃત્તિઓ કરતાં વધુ પ્રાધાન્ય આપે છે તથા જો તે આવી વર્તણૂક છોડી દે તોપણ તેનામાં વ્યસનાસક્તિ વારંવાર થઈ આવવાની શક્યતા રહે છે. વ્યસનાસક્તિ બે પ્રકારની હોય છે : શારીરિક તથા માનસિક. વ્યસનકારી ઔષધની શરીરના કોષો પરની અસરને કારણે જ્યારે તે ઔષધ ન લેવાય ત્યારે તેની ઊણપ રૂપે ઔષધરહિતતાનાં લક્ષણો ઉત્પન્ન થાય છે. વ્યક્તિ તેનાથી ઉદભવતી અસ્વસ્થતાને અટકાવવા વારંવાર ઔષધનું સેવન કરે છે. આમ શારીરિક માંગ અથવા શારીરિક અવલંબનને કારણે ‘શારીરિક’ વ્યસનાસક્તિ થાય છે. વ્યક્તિ જ્યારે ઉત્તેજના અથવા આનંદ મેળવવા કે ચિંતા દૂર કરવા નશાકારક ઔષધનું વારંવાર સેવન કરે છે ત્યારે તેનું તેને માનસિક અવલંબન થાય છે. એ રીતે તે ‘માનસિક’ વ્યસનાસક્તિનો ભોગ બને છે.
વ્યસનાસક્તિની વ્યક્તિ પરની અસરો તથા ઔષધ મેળવવા માટેની તેની પ્રવૃત્તિને કારણે ઉદભવતી વર્તણૂક વ્યક્તિ તથા સમાજને નુકસાનકારક હોય છે. નશાકારક ઔષધ વારંવાર લેવાથી તેના તરફનું ચેતાતંત્રીય અનુકૂલન વધે છે તથા તેનો અપચય પણ વધે છે. આ બંને કારણોને લીધે નશાકારક ઔષધ વધુ ને વધુ માત્રામાં અને વારંવાર લેવું પડે છે. તેને ઔષધ-સહ્યતા કહે છે. વ્યસનાસક્તિ થવાનાં વ્યક્તિગત તેમજ સામાજિક ઘણાં કારણો છે.
વૈશ્વિક સમસ્યા : વિશ્વના દરેક દેશમાં, તેનો ઉપદ્રવ હોય છે. ખાસ કરીને પશ્ચિમી રાષ્ટ્રોમાં, તેની સમસ્યા વધુ ગંભીર છે. તમાકુ અને દારૂના વ્યસનને કારણે ઇંગ્લૅન્ડમાં દર વર્ષે 1 લાખ વ્યક્તિ મૃત્યુ પામે છે. કેટલાંક નશાકારક ઔષધની વ્યસનાસક્તિના આંકડા સારણી 1માં આપ્યા છે.
વ્યસનાસક્તિનાં કારણો : સામાન્ય રીતે એક નહિ પણ વધુ કારણરૂપ સંજોગો અને સ્થિતિઓ વ્યક્તિને વ્યસનાસક્તિ તરફ લઈ જાય છે. તેમને મુખ્યત્વે ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (ક) સામાજિક, (ખ) કૌટુંબિક અને (ગ) વ્યક્તિગત.
સામાજિક કારણોમાં મુખ્યત્વે (1) સમવયસ્કોનું દબાણ કે તેમની સોબત છૂટી જવાનો ભય, (2) વ્યસન તરફ સમાજનું વલણ, (3) ફૅશન, (4) નશાકારક દવા/દ્રવ્યની ઉપલભ્યતા અથવા મેળવવાની સરળતા, (5) સામાજિક અને આર્થિક કારણોસર ઊજળા ભવિષ્યની ઓછી શક્યતા તથા (6) ધાર્મિક આસ્થા અને આચારસંહિતાનો અભાવ ગણી શકાય. ધૂમ્રપાન, તમાકુ, દારૂ કે અન્ય દ્રવ્યો ઘણી વખત સામાજિક પ્રસંગોએ સરળતાથી ઉપલબ્ધ હોય અથવા તે સામાજિક મુલાકાતો કે સંમેલનોમાં સહજતાથી લેવાતાં હોય ત્યારે વ્યસનાસક્તિ તરફની સભાનતા ઓછી રહે છે. વળી વ્યક્તિ જાહેરમાં નશાકારક દવા/દ્રવ્ય લેતાં અચકાતી નથી. ક્યારેક નાટક, સિનેમા તથા અન્ય પ્રચાર-માધ્યમો દ્વારા ધૂમ્રપાન કે મદ્યપાન કરનાર વ્યક્તિ ‘પોતે સમય સાથે જીવે છે’ એવી છાપ ઊભી કરે છે. વિવિધ કારણોસર ઝૂંપડપટ્ટીમાં અથવા અતિ ધનાઢ્ય વર્ગમાં કેફી પદાર્થો સહજ રીતે મળી રહે છે. ગરીબી તથા બેકારીની સમસ્યા હતાશા ઉપજાવે છે અને સમાજનો કોઈ વર્ગ આવી રીતે હતાશ હોય તો તેમાં વ્યસનાસક્તિનું પ્રમાણ વધે છે. ધાર્મિક અને નૈતિક મૂલ્યો અને આચારો માણસને વ્યસનાસક્તિ તરફ ઢળતો અટકાવવામાં મહત્વનો ફાળો આપે છે.
સારણી 1 : વિવિધ દેશોમાં નશાકારક ઔષધોની વ્યસનાસક્તિનું પ્રમાણ
દર્શાવતા આંકડા
ઔષધ/દ્રવ્ય | દેશ | સંખ્યા (વ્યસનીઓની) | |
1. | હેરોઇન | ભારત | 10,00,000 |
(અફીણ સહિત) | |||
ઇંગ્લૅન્ડ | 70,000 | ||
અમેરિકા | 5,00,000 | ||
ઑસ્ટ્રેલિયા | 60,000 | ||
2. | ચરસ | ભારત | 28,00,000 |
ઇંગ્લૅન્ડ | 10,00,000 | ||
અમેરિકા | 2,00,00,000 | ||
કૅનેડા | 1,50,00,000 | ||
3. | દારૂ | ઇંગ્લૅન્ડ | પુખ્ત વયની વસ્તીના 90 % |
અમેરિકા | 70,00,000 | ||
4. | ઘેનપ્રેરક (sedative) અને પ્રશામક (tranquilizer) |
ઇંગ્લૅન્ડ અમેરિકા |
15,000થી વધુ 60,00,000 |
5. | કોકેન | અમેરિકા | 2,00,00,000 |
કૅનેડા | 2,60,000 | ||
ઑસ્ટ્રેલિયા | 29,000 | ||
6. | એમ્ફેટિમાઇન | ઇંગ્લૅન્ડ | 90,000 |
7. | એલ. એસ. ડી. | અમેરિકા | 10,00,000 |
8. | તમાકુ | ઇંગ્લૅન્ડ | પુખ્ત વયની વસ્તીના 40 % |
ઔષધ/દ્રવ્ય | દેશ | સંખ્યા (વ્યસનીઓની) | |
1.
|
હેરોઇન
|
ભારત
|
10,00,000
(અફીણ સહિત) |
ઇંગ્લૅન્ડ | 70,000 | ||
અમેરિકા | 5,00,000 | ||
ઑસ્ટ્રેલિયા | 60,000 | ||
2.
|
ચરસ
|
ભારત | 28,00,000 |
ઇંગ્લૅન્ડ | 10,00,000 | ||
અમેરિકા | 2,00,00,000 | ||
કૅનેડા | 1,50,00,000 | ||
3.
|
દારૂ
|
ઇંગ્લૅન્ડ | પુખ્ત વયની વસ્તીના 90 % |
અમેરિકા | 70,00,000 | ||
4. | ઘેનપ્રેરક (sedative) અને પ્રશામક (tranquilizer) |
ઇંગ્લૅન્ડ | 15,000થી વધુ |
અમેરિકા | 60,00,000 | ||
5.
|
કોકેન
|
અમેરિકા | 2,00,00,000 |
કૅનેડા | 2,60,000 | ||
ઑસ્ટ્રેલિયા | 29,000 | ||
6. | એમ્ફેટિમાઇન | ઇંગ્લૅન્ડ | 90,000 |
7. | એલ. એસ. ડી. | અમેરિકા | 10,00,000 |
8. | તમાકુ | ઇંગ્લૅન્ડ |
પુખ્ત વયની વસ્તીના 40 % |
વ્યસનાસક્ત વ્યક્તિઓને ઘણી કૌટુંબિક મુશ્કેલીઓ હોય છે એવું જોવા મળેલું છે. આવાં કુટુંબોના અભ્યાસોમાં તારવવામાં આવેલું છે કે (1) તેમાં માતા-પિતાના સંબંધો તણાવપૂર્ણ હોય, (2) માતા-પિતાએ છૂટાછેડા લીધેલા હોય, (3) માતા, પિતા કે વાલી કેફી પદાર્થનું સેવન કરતાં હોય અને અથવા (4) કુટુંબમાં માનસિક રોગ હોય. માતા-પિતા વચ્ચે ઘર્ષણ, ક્રોધ કે અણબનાવ બાળકની માનસિક શાંતિને હરે છે; વેરવિખેર થયેલા કુટુંબનાં બાળકો, માતાપિતાથી અલગ થઈ ગયેલાં બાળકો અથવા છૂટાછેડા લીધેલાં મા-બાપનાં બાળકો પણ માનસિક અશાંતિ ભોગવે છે. કુટુંબમાં જો કોઈને માનસિક રોગ હોય તો તેનાથી સર્જાતો તણાવ, ઘર્ષણ કે લાગણીઓની અપરિતૃપ્તિ પણ વ્યક્તિને કેફી દ્રવ્યોના સેવનથી શાંતિ અને આશ્વાસન મેળવતું કરી મૂકે છે. માતા, પિતા કે વાલી જ્યારે નશાકારક પદાર્થનું સેવન કરે ત્યારે બાળકો કે પાલ્ય માટે વ્યસનાસક્તિવાળી વર્તણૂક સ્વીકાર્ય બને છે. આવા પદાર્થોની ઉપલબ્ધિ પણ સરળ બને છે તથા બાળક કે પાલ્ય તેના વડીલને અનુસરવાનો પ્રયત્ન કરે છે. વળી કુટુંબમાં વડીલની વ્યસનાસક્તિ કુટુંબમાં તણાવ અને ઘર્ષણનું વાતાવરણ પણ સર્જે છે.
ઉપર જણાવેલી વિપરીત સામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ હોવા છતાં દરેક વ્યક્તિ કાંઈ વ્યસનનો ભોગ બનતી નથી. વ્યસનશીલ વ્યક્તિમાં સામાન્ય રીતે કેટલીક લાક્ષણિકતાઓ જોવા મળે છે; જેમ કે, (1) અતિશય લાગણીશીલતા, (2) ખિન્નતા (depression) અને તણાવયુક્ત મનોદશા, (3) બેકાબૂ આવેગ, (4) સહનશીલતાનો અભાવ, (5) બંડખોર સ્વભાવ, (6) વ્યસનાસક્તિનો વિકાર સ્વીકારવાની સહજતા, (7) માનસિક રોગ, (8) શારીરિક રોગ કે વિકાર વગેરે. વારંવાર દુ:ખ, નિરાશા, આનંદ કે ક્રોધની લાગણીઓ અનુભવતા લોકો લાગણીઓના આવેગથી છૂટવા નશાકારક દ્રવ્યનો આશ્રય લે છે. સતત તણાવ કે ખિન્નતાની સ્થિતિ અથવા આવેગો પર કાબૂ ન રાખી શકતી વ્યક્તિ આનંદ મેળવવા માટે નશાકારક દ્રવ્યોનો આશ્રય લે છે. નાની નાની બાબતોમાં ધીરજ ખોઈ બેસતી વ્યક્તિ હિંમત હારી જાય છે. આવી વ્યક્તિઓ મનોમુક્તિ (escapism) માટે નશાકારક દ્રવ્યો તરફ વળે છે; જ્યારે બંડખોર વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ સામાજિક બંધનોને તોડવા માટે પણ નશાકારક દ્રવ્યોનું સેવન શરૂ કરે છે. કેટલીક વ્યક્તિઓને વ્યસનાસક્તિના વિકારનો ક્ષોભ પણ હોતો નથી. મોટાભાગની વ્યસનાસક્ત વ્યક્તિઓ માનસિક રોગને કારણે અદમ્ય વિકૃત લાગણીઓથી છૂટવા માટે કેફી પદાર્થો લેવાનું શરૂ કરતી હોય છે. ક્યારેક જીવલેણ કે લાંબા ગાળાના પીડાકારક શારીરિક રોગને કારણે કે મૃત્યુના ભયને કારણે વ્યસનસેવન શરૂ કરાય છે.
મન પર અસર કરતી પ્રશામક કે બાર્બિચ્યુરેટ દવાઓ માનસિક રોગની સારવારમાં સૂચવાય છે. તેના સેવનની માત્રા વધી જાય અને તે વારંવાર અને લાંબા સમય સુધી લેવાતી રહે ત્યારે વ્યક્તિ તેની વ્યસની બની જાય છે.
વ્યસન, અર્થશાસ્ત્ર અને રાજકારણ : એક અનુમાન પ્રમાણે દુનિયામાં દર વર્ષે ત્રણસો અબજ ડૉલરની કિંમતના નશાકારક પદાર્થોનું વેચાણ થાય છે. તે એક મોટું આર્થિક પરિબળ છે, જે રાષ્ટ્રીય ને આંતરરાષ્ટ્રીય રાજકારણ, ગુનાખોરી, ત્રાસવાદ અને દાણચોરીની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું ગણાય છે. આને કારણે વ્યસનાસક્તિ સામેના પ્રયત્નો સફળ થવામાં મોટાં વિઘ્ન નડે છે.
સારણી 2 : વિવિધ વ્યસનાસક્તિ કરતા પદાર્થો
વ્યસનની જીવન પર અસર : સામાન્ય રીતે નશાકારક પદાર્થ સંતોષ, શાંતિ, મંદતા અથવા ઉત્તેજનાનો ભાવ પેદા કરે છે. કયો પદાર્થ કઈ વ્યક્તિમાં કેવી અસર ઉત્પન્ન કરશે તે અગાઉથી જાણવું અઘરું છે. તે પદાર્થ પહેલાં કેટલી વાર લેવાયો છે, તેની અસરની શી અપેક્ષા છે તથા તે કેવા સંજોગોમાં લેવાયેલો છે તેના ઉપર તેની અસરનો આધાર હોય છે.
વાંધાજનક શારીરિક અસરો : (1) વધુ માત્રામાં વારંવાર લેવાતા નશાકારક પદાર્થની શરીરના કોષો પર ક્રમશ: ઓછી ને ઓછી અસર થાય છે. તેને ઔષધસહ્યતા કહે છે. તેને કારણે તે લેવાની માત્રા વધે છે અને બે માત્રા વચ્ચેનો સમયગાળો ઘટે છે. ક્યારેક આવું થવાનું કારણ તેમાં થતી ભેળસેળ પણ હોય છે. ક્યારેક તેને કારણે આવા સંજોગોમાં મૃત્યુ પણ થાય છે. (2) જો ઇન્જેક્શન દ્વારા દવા લેવાતી હોય તો પ્રદૂષિત સોય દ્વારા મલેરિયા, મૅનિન્જાઇટિસ, ન્યુમોનિયા, ચેપી કમળો તથા એઇડ્ઝ જેવા ચેપી રોગોનો ફેલાવો થાય છે. (3) જ્યારે બે પ્રકારના કેફી પદાર્થોનું મેળવણ કરીને લેવાતું હોય ત્યારે પરિણામરૂપ થતી અસર જુદા જ પ્રકારની હોઈ શકે છે. જો બંને કેફી પદાર્થો ચેતાતંત્રની ક્રિયાઓને દાબી દેનારા હોય તો ક્યારેક વ્યક્તિનું મૃત્યુ પણ નીપજે છે. ક્યારેક સ્નાયુ પરનો કાબૂ ગુમાવવાને કારણે વાહન કે યંત્ર ચલાવનાર કે રસ્તો ઓળંગતી વ્યક્તિ અકસ્માતનો ભોગ બને છે.
વાંધાજનક માનસિક અસરો : લાંબા સમયના કેફી પદાર્થના વ્યસનને કારણે વ્યક્તિ નિર્હેતુકતા સંલક્ષણ(amotivational syndrome)થી પીડાય છે. તેની વિચારવાની અને કામ કરવાની ક્ષમતા ઘટે છે.
વ્યસનાસક્તિની ગર્ભ પર અસર : વ્યસનગ્રસ્ત માતા ઘણી વખતે કુપોષણથી પીડાતી હોય છે અને તેથી ગર્ભની વૃદ્ધિ અને વિકાસ ઘટે છે. ચેતાતંત્રને દાબી દેતાં ઔષધો ઑર (placenta) દ્વારા ગર્ભમાં પ્રવેશે તો તેનો વિકાસ ઘટે છે તેમજ તે અધૂરા મહિને (premature) જન્મ લે છે અથવા તો જન્મ પછી તરત જ ઔષધરહિતતાને કારણે મૃત્યુ પામે છે.
સારવાર : તેનાં મુખ્ય બે પાસાં છે. (ક) વ્યસનકારી દવા લેવાનું બંધ કરવાથી ઉદભવતા શારીરિક અને માનસિક વિકારોની સારવાર અને (ખ) તે ફરીથી વ્યસનાસક્ત ન થાય તે માટેનો ઉપચાર. મોટાભાગના દર્દીઓને વ્યસનમુક્તિ (deaddiction) માટે હૉસ્પિટલમાં દાખલ કરવા આવશ્યક હોય છે. વ્યસનાસક્ત દર્દી નશાકારક દવા લેવાનું બંધ કરે ત્યારે ઔષધરહિતતાને કારણે તથા તેના પર ઉદભવેલા અવલંબનને કારણે શારીરિક અને માનસિક તકલીફો ઊભી થાય છે. શરૂઆતમાં પ્રશામક દવા શરૂ કરીને ધીરે ધીરે તેની માત્રા ઓછી કરાય છે ને છેવટે થોડા દિવસમાં તે બંધ કરાય છે. હેરોઇન કે બ્રાઉન શુગરના વ્યસનવાળા દર્દીને મેથાડોન આપવામાં આવે છે. જો વ્યક્તિ તેના વગર રહી જ ન શકતી હોય તો તે લાંબા સમય સુધી આપવી પડે છે. વ્યસનાસક્તિ કરતાં દ્રવ્યો વચ્ચે પ્રતિઅવલંબન(cross dependence)ની સ્થિતિ હોય છે. ચેતાતંત્રીય અવદાબકો અને ઘેનકારકો તથા પ્રશામકો વચ્ચેના પ્રતિઅવલંબનને કારણે વ્યસનમુક્તિની સારવાર કરતી વખતે ઔષધરહિતતાનાં ચિહનો ન ઉદભવે માટે પ્રશાંતકોનો ઉપયોગ કરી શકાય છે. મેથાડોનનો ઉત્સર્ગ(excretion) ધીમો હોવાથી તેનાથી ઔષધરહિતતા જલદીથી થતી નથી. આમ તે પણ અવેજી સારવાર-(substitution therapy)માં વપરાય છે. વ્યસનમુક્તિ માટે દવા ઉપરાંત મનશ્ચિકિત્સકની સારવાર દ્વારા તેના માનસિક સંઘર્ષોની જાણકારી મેળવાય છે તથા તેનો ઉપચાર કરાય છે.
વ્યક્તિ ફરીથી વ્યસનાસક્ત ન થાય તે માટે તેનો પુનર્વાસ (rehabilitation) જરૂરી છે. તે સમાજ અને કુટુંબથી વિખૂટો પડી ગયેલ હોય તો તેને પુન:સ્થાપિત કરીને એક જવાબદાર વ્યક્તિ તરીકે જીવન વિતાવે તેવા પ્રયત્નો કરાય છે. આ માટે તેના માનસિક અને કૌટુંબિક સંઘર્ષો નિવારવા પ્રયત્ન કરાય છે. આને માટે કૌટુંબિક ચિકિત્સા (family therapy) જરૂરી બને છે. તેને વ્યવસાયલક્ષી તાલીમ આપીને તેની સર્જનક્ષમતાને તથા આત્મવિશ્વાસને પુન: જાગ્રત કરાય છે. એક જ જાતની તકલીફવાળા દર્દીઓ એકબીજાની તકલીફ સમજીને એકબીજાને મદદ કરી શકે તે માટે સ્વસહાયક અથવા સ્વાશ્રયી સમૂહ (self-help group) બનાવવામાં આવે છે. તેઓ વ્યસનમુક્ત થવા માટે એકબીજા પાસેથી પ્રોત્સાહન મેળવી શકે છે તથા પરસ્પર લાગણીઓ અનુભવી શકે છે.
વ્યસનાસક્તિ કરતાં કેટલાંક ઔષધો : વ્યસનાસક્તિ અને શારીરિક અવલંબન પેદા કરતાં ઔષધોને 8 જૂથોમાં વહેંચી શકાય છે : (1) અફીણ (opium) અને અફીણજૂથ(opioids)નાં ઔષધો; (2) કેન્દ્રીય ચેતાતંત્રનાં અવદાબકો (depressants); (3) કેન્દ્રીય ચેતાતંત્રનાં ઉત્તેજકો (stimulants); દા.ત., કોકેન, એમ્ફેટિમાઇન વગેરે; (4) નિકોટિન તથા તમાકુની બનાવટો; (5) ભાંગ અને ચરસજૂથનાં ઔષધો; (6) માનસિક વિક્ષિપ્તતા પેદા કરતાં ઔષધો; (7) ફેન્સાક્લિડિન જેવાં ઔષધો અને (8) સૂંઘવામાં લેવાતાં કેટલાંક દ્રાવકો. જોકે આ બધાં ઔષધોની ઘણી લાક્ષણિકતાઓ એકસરખી હોય છે છતાં તેમની વિશિષ્ટ લાક્ષણિકતાઓને કારણે આ ઔષધોની વ્યસનાસક્તિ, ચિકિત્સીય અસરો તથા ઔષધરહિતતામાં મહત્વના તફાવતો પણ ઉદભવે છે. તેમની આવી વિશિષ્ટ લાક્ષણિકતાઓ જાણવી જરૂરી ગણાય છે :
(1) અફીણ અને અફીણજૂથનાં ઔષધો : અફીણ અને તેના આલ્કેલૉઇડ્ઝ મૉર્ફિન, પૅથેડિન, હેરોઇન વગેરે ઘણાં અસરકારક પીડાનાશકો છે. તેમનો વારંવાર ઉપયોગ કરવાથી તે વ્યસનાસક્તિ અને અવલંબન કરે છે. તેથી તેમને નશાકારક (narcotic) પીડાનાશકો પણ કહે છે. બીજા વિશ્વયુદ્ધ પછી યુવાનોમાં આ ઔષધોની વ્યસનાસક્તિ વધી છે. તેનાથી કાયદાકીય અને સામાજિક પ્રશ્નો ઉદભવ્યા છે. તેના શરૂઆતના ઉપયોગમાં ઊબકા અને ઊલટી જેવી અણગમતી આડઅસરો થાય છે; પરંતુ તે લેવાથી વ્યક્તિ આંતરિક સંતોષની લાગણી અનુભવે છે. શિરામાં લેવાતા તેના ઇંજેક્શન પછી જાતીય સંભોગની પરાકાષ્ઠા જેવો ક્ષણિક અનુભવ થાય છે. તે સમયે ચામડીની લોહીની નસો પહોળી થાય છે, વ્યક્તિ ગરમી અનુભવે છે; જેને ‘રશ’, ‘કિક’ કે ‘થ્રિલ’ જેવા શબ્દોથી વર્ણવાય છે. જ્યાં સુધી ઔષધો મળે ત્યાં સુધી વર્તણૂકમાં ફેરફાર જણાતો નથી. છતાંયે સહેલાઈથી તેને મેળવી શકતી વ્યક્તિઓ પણ ધીમે ધીમે સમાજ ને કુટુંબથી અળગી પડીને એકલવાયું જીવન જીવે છે. કેટલીક વ્યક્તિઓની વર્તણૂક વધુ પ્રમાણમાં બદલાય છે. તે ઔષધને ગેરકાયદે મેળવવાનો પ્રયત્ન કરીને સામાજિક અને આર્થિક ગુનેગાર બની બેસે છે. તે વારંવાર ઇન્જેક્શનો લેતી હોય છે અને ઇન્જેક્શનની એક જ સોયનો વધુ માણસો ઉપયોગ કરતા હોય છે. તેથી ઘણી વખત ચેપી રોગોના ભોગ બને છે અને મૃત્યુને ભેટે છે. ઔષધસહ્યતાને કારણે તેની પીડાનાશક અને શ્વસનદાબી (hypoventilatory) અસરો, ઊબકા, ઊલટી તથા આનંદદાયક અસરો ઓછી થાય છે અને તેથી તે તેની માત્રા વધારે છે. ઘણી વખત તો તે સામાન્ય રીતે વિષમાત્રા (toxic dose) જેટલી કે તેથી વધુ માત્રામાં આ ઔષધો લેતા હોય છે. તેથી તેમનામાં કબજિયાત કે સંકોચાયેલી કીકી જેવાં સામાન્ય રીતે અન્યથા જોવા મળતાં લક્ષણો અને ચિહનો માલૂમ પડતાં નથી.
ઔષધ લેવાનું બંધ થયાના 8થી 12 કલાકમાં આંખ અને નાકમાંથી પાણી પડે છે, બગાસાં આવે છે અને પરસેવો વળે છે. 12થી 14 કલાક પછી આવી વ્યક્તિ ઊંઘમાં સતત પડખાં ફેરવે છે અને જાગતાં વધારે તકલીફ અનુભવે છે. આંખની કીકીઓ પહોળી થાય છે, ભૂખ મરી જાય છે, ચામડીની રુવાંટી ઊભી થઈ જાય છે તેમજ ધ્રુજારી અને માનસિક તાણનો અનુભવ થાય છે. મૉર્ફિન અને હેરોઇનમાં આ ચિહનો 48થી 72 કલાકમાં પરાકાષ્ઠાએ પહોંચે છે. ઉપરાંત થાક અને બેચેની વધે છે. ઊબકા, ઊલટી અને ઝાડા થાય છે. હૃદયના ધબકારાની સંખ્યા અને લોહીનું દબાણ વધે છે. વારંવાર ઠંડી લાગે, પરસેવો વળે અને રોમાંચ અનુભવાય છે. પેટમાં ચૂંક આવે છે તેમજ પીઠનાં હાડકાં અને સ્નાયુઓમાં દુખાવો થાય છે. સ્નાયુઓનું વારાફરતી સખત સંકોચન થતાં વ્યક્તિ લાતો મારે છે. લોહીના શ્વેતકોષોનું પ્રમાણ વધે છે. ખોરાક અને પાણીના અભાવે તેમજ ઝાડા, ઊલટી અને સતત પરસેવાને કારણે શરીરમાં પાણી ઘટે છે. વજન ઘટે છે અને શરીર સુકાય છે. ક્યારેક અચાનક હૃદય અને રુધિરાભિસરણ નબળાં પડી જાય છે. આ ચિહનો 7થી 10 દિવસમાં ધીમે ધીમે શમી જાય છે અથવા વ્યસનાસક્તિ પેદા કરનાર કે તેના જેવું ઔષધ આપવાથી તરત શમી જાય છે. વ્યસનાસક્ત વ્યક્તિઓને મૉર્ફિનના પ્રતિવિષ (antidote) ઔષધો નેલોર્ફીન કે નેલૉક્સોનની થોડી માત્રા ઇન્જેક્શનથી આપવાથી તરત જ આ ઔષધરહિતતાનાં ચિહનો ઉદભવે છે. વ્યસનાસક્ત માતાને પેટે જન્મેલ નવજાત શિશુમાં પ્રસૂતિ પછી થોડા કલાકે આવાં ચિહ્નો પેદા થાય છે અને તે નવજાત શિશુ માટે જીવલેણ બની શકે છે.
આ ઔષધોની વ્યસનાસક્તિમાં ઔષધ છોડાવવાની સારવાર માટે મેથાડોન નામના ઔષધની યોગ્ય માત્રા દરરોજ આપવી પડે છે અને ધીમે ધીમે મેથાડોનની માત્રા ઓછી કરી સંપૂર્ણ વ્યસનમુક્તિ કરી શકાય છે. મેથાડોનને કારણે ઔષધરહિતતાની તકલીફ થતી નથી. આવી વ્યસનમુક્ત વ્યક્તિઓ ફરી વ્યસનાસક્ત ન બને તે માટે માનસિક અને સામાજિક સંસ્થાકીય સારવાર જરૂરી બને છે. અઠવાડિયામાં બેત્રણ વખત મોં વાટે લેવાથી અસરકારક બનતાં આ કેફી ઔષધોની આનંદિત અસર રોકતાં નેલટ્રૉક્સોન જેવાં ઔષધો હવે ઉપયોગી બન્યાં છે.
(2) કેન્દ્રીય ચેતાતંત્રનાં અવદાબકો : તેમને બે જૂથમાં વહેંચવામાં આવે છે. (ક) બાર્બિટ્યુરેટ અને તેના જેવાં નિદ્રાજનક ઔષધો (hypnotic) અને (ખ) મદ્યાર્ક(દારૂ)વાળાં પીણાં.
(ક) બાર્બિટ્યુરેટની જાતનાં અને તેના જેવાં બીજાં નિદ્રાજનક ઔષધોનો કુપ્રયોગ વધવા પામ્યો છે. તેનો કુપ્રયોગ વ્યસનાસક્તિ ઉત્પન્ન કરે છે. મૉર્ફિનથી ઊલટું આ ઔષધો માટેની ઔષધસહ્યતા જુદા જ પ્રકારની હોય છે અને તેથી તેમની વિષમાત્રા બહુ વધી શકતી નથી. આને લીધે વ્યસનાસક્ત વ્યક્તિ તેની માત્રા વધારે તો તેની ઝેરી અસરને લીધે બેભાન થઈ જાય છે.
તેમનું સેવન અચાનક બંધ થાય તો અનિદ્રા, ચિંતા, નબળાઈ અને ધ્રુજારી જણાય છે તથા ક્યારેક ઉન્માદ અને આંચકી પણ થાય છે. તેની વ્યસનાસક્તિને કારણે કામકાજમાં અને વિચારોમાં મંદતા, યાદશક્તિની નબળાઈ અને નિર્ણયશક્તિમાં અનિશ્ચિતતા ઉદભવે છે. એકાગ્રતા ઘટે છે. લાગણીવશતા વધે છે. વ્યક્તિત્વની ઊણપ છતી થાય છે. ખાસ કરીને ઝઘડાખોરી, સતત ચિંતા અને વિચારોની વિચિત્રતા વધી જાય છે. કેન્દ્રીય ચેતાતંત્રના કાર્યમાં આ રીતે ઘણી ખામીઓ જણાય છે. આ ઉપરાંત ચામડી ઉપર લાલ ફોલ્લીઓ કે અછબડા જેવી ફોલ્લીઓ પેદા થાય છે. શારીરિક અનુકૂલન અને ઝડપી અપચય (catabolism) – એમ બંને પ્રકારે તેમની વિરુદ્ધની અસહ્યતા પેદા થાય છે. વધારે ઔષધરહિતતાનાં ચિહનો ઔષધનું સેવન બંધ કર્યા પછી 12થી 16 કલાકમાં શરૂ થઈને 10 દિવસ કે ક્યારેક થોડાં અઠવાડિયાં સુધી રહે છે અને ક્યારેક ઘાતક પણ નીવડે છે. તેમની વ્યસનમુક્તિ માટેની સારવાર વિશેષ ધ્યાન માગી લે છે. તે માટે લાંબો સમય હૉસ્પિટલમાં સારવાર આપવી પડે છે. ઔષધરહિતતાનાં ચિહનોને ‘ફિનોબાર્બિટોન’ની જરૂરી માત્રાથી રોકવામાં આવે છે. બેત્રણ દિવસ આ માત્રા સ્થિર રાખીને પછી ધીમે ધીમે ઓછી કરતા જઈ, બેથી ચાર અઠવાડિયાંમાં બંધ કરી શકાય છે. આંચકી આવે તે ઘાતક ન નીવડે તે માટે તેની સતત દેખરેખ જરૂરી બને છે. મનશ્ચિકિત્સકની સારવાર વડે પુનર્વ્યસનાસક્તિ થતી રોકવામાં આવે છે.
(ખ) દારૂવાળાં પીણાં : મદ્યપાન વિશ્વભરમાં પ્રચલિત છે અને ઘણા દેશોમાં તેનો ઉપયોગ સામાજિક જરૂરિયાત બની ચૂક્યો છે. મદ્યાર્કની વ્યસનાસક્તિમાં ક્યારેક મિલનોમાં થતા મદ્યપાનથી માંડીને સખત વ્યસનાસક્તિ સુધીના બધા પ્રકારો જોવા મળે છે. મદ્યપાન શરૂઆતમાં મગજનાં ઉચ્ચ કેન્દ્રોની અનુશાસક અસરોને ઓછી કરીને વ્યક્તિને ચિંતામુક્ત કરે છે. તેને વિશેષ માત્રામાં લેવાથી નિર્ણયશક્તિની મંદતા ઊભી થાય છે અને વિષમ માત્રામાં વ્યક્તિ ભાન ગુમાવી બેસે છે અને શ્વસનતંત્રની અતિમંદતા મૃત્યુ નિપજાવી શકે છે. સામાન્ય અને વિષમ માત્રાની વચ્ચેની પરિસ્થિતિમાં એક તરફ વ્યક્તિ નિશ્ચિંત બને છે અને તે ઉન્માદ અનુભવે છે અને બીજી તરફ તેની પરાવર્તી ક્રિયાઓ (reflexes) અને નિર્ણયશક્તિ મંદ પડે છે, જેનો વ્યક્તિને ખ્યાલ હોતો નથી. આ પરિસ્થિતિ, નશાની અસર નીચે થતા રસ્તા પરના મોટાભાગના પરિવહન-અકસ્માતોનું કારણ બને છે. મદ્યાર્ક સામે ઉદભવતી સહ્યતા ઘણે અંશે બાર્બિટ્યુરેટ જાતનાં ઔષધો સામે ઉદભવતી સહ્યતા જેવી જ હોય છે. મદ્યપાનની વ્યસનાસક્તિ પ્રજીવકો (vitamins) અને પોષણની ખામીઓ પેદા કરે છે. શરીરમાં મદ્યાર્કના અપચયથી ઉષ્માશક્તિ પેદા થાય છે; પણ સાથે સાથે પોષણ અને પ્રજીવકોની ખામી રહે છે. ભૂખ ઓછી લાગવાથી ખોરાક ઓછો અને અનિયમિત લેવાય છે. તેથી આ ખામી વધે છે. લાંબા ગાળે અરુચિ, હાથપગના જ્ઞાનતંતુઓની નબળાઈ, પેલાગ્રા, અપોષણથી થતી ર્દષ્ટિક્ષીણતા, મગજનાં દર્દો અને માનસિક દર્દો પેદા થાય છે. યકૃતમાં ચરબીનો ભરાવો થઈ સોજો થાય છે અને વખત જતાં યકૃતકાઠિન્ય (liver cirrhosis) થાય છે. આવી જ રીતે હૃદયના અને શરીરના સ્નાયુઓ પણ ક્ષીણ થતા જાય છે. સ્ત્રીઓમાં વ્યસનાસક્તિ ગર્ભસ્થ શિશુમાં પણ ક્ષીણતા પેદા કરે છે અને આ બાળકોમાં માનસિક નબળાઈનું પ્રમાણ વધે છે. વ્યસનાસક્ત વ્યક્તિમાં મદ્યાર્ક મળવો બંધ થયા પછી 12થી 72 કલાકમાં ઔષધવિયોગી ચિહનો પેદા થાય છે. હળવાં ચિહનોમાં ઊંઘની અવ્યવસ્થા, ઊબકા, નબળાઈ, ચિંતા અને ધ્રુજારી પેદા થાય છે અને એકાદ દિવસમાં મટી જાય છે. વધારે વ્યસનાસક્ત વ્યક્તિઓમાં ધ્રુજારી વધતી જાય છે. ઉન્માદાવસ્થા પેદા થાય છે અને ક્યારેક આંચકી પણ આવે છે. 24થી 48 કલાકમાં ધ્રુજારીની અવસ્થા મહત્તમ બને છે અને આંચકી આવવાની સંભાવના પણ પહેલા 24 કલાકમાં વિશેષ હોય છે. ઔષધરહિતતાનાં ચિહનો વધતાં વ્યક્તિ આંતરર્દષ્ટિ ગુમાવે છે, નબળાઈ વધે છે, દ્વિધા વધે છે અને અકારણ ગુસ્સો અનુભવે છે. વ્યક્તિને પીડતો વિભ્રમ પેદા થાય છે. ત્રણેક દિવસમાં પેદા થતી આવી અવસ્થાને પ્રકંપી-ઉન્માદ (delirium tremens) કહે છે. આનું વર્ણન કરતાં 1913માં થૉમસ સટ્ટને કહેલું કે આ અવસ્થામાં ઉપર દર્શાવેલ ચિહનો ઉપરાંત તાવ આવે છે, થાક લાગે છે અને ક્યારેક હૃદય અને રુધિરાભિસરણની મંદતા મૃત્યુ પણ નિપજાવી શકે છે. સાધારણ રીતે આ ચિહનોમાં 5થી 7 દિવસમાં સુધારો થાય છે પણ ક્યારેક આ ચિહનો ફરીફરીને દેખાતાં રહે છે. વ્યસનાસક્ત માતાના નવજાત શિશુમાં પણ ઔષધરહિતતાનાં ચિહ્નો પેદા થાય છે.
દારૂની વ્યસનમુક્તિ માટે મદ્યાર્કવાળાં પીણાં બંધ કર્યા પછી ઔષધરહિતતાનાં ચિહનોની સારવાર ડાયઝેપામ અથવા ફિનોબાર્બિટોનથી કરાય છે અને આ દવાઓની માત્રા ધીમે ધીમે ઘટાડીને બંધ કરાય છે. વ્યસનાસક્તિથી મુક્ત થયા પછી વ્યક્તિગત નબળાઈઓ અને બીજી આર્થિક-સામાજિક પરિસ્થિતિઓ આ વ્યક્તિઓને ફરી ફરીને મદ્યપાન તરફ પ્રેરે છે. આ અંગે જરૂરી સારવાર સતત આપતાં રહેવું પડે છે. ફરી મદ્યપાન અટકાવવા માટે ડાઇસલ્ફિરામ નામની દવાની ગોળીઓ મોઢેથી અપાય છે. આ દવાની શરીરમાં અસર હોય ત્યાં સુધી જો વ્યક્તિ મદ્યપાન કરે તો બહુ જ અણગમતી અસરો, ઊબકા અને ઊલટી થાય છે; જે વ્યક્તિને મદ્યપાન ટાળવાના પ્રયત્નોમાં ઉપયોગી થાય છે. આ ઔષધ દારૂની અપચયનની સંપૂર્ણ ક્રિયાને વચ્ચે રોકીને આલ્ડિહાઇડ રસાયણ એકઠું થવા દે છે. તેને લીધે આવી અણગમતી અસરો પેદા થાય છે.
(3) કેન્દ્રીય ચેતાતંત્રીય ઉત્તેજકો : એમ્ફેટિમાઇનના પ્રકારનાં ઔષધો અને કોકેન માનસિક અને કેન્દ્રીય ચેતાતંત્રના ઘણા ભાગોમાં ઉત્તેજના જન્માવે છે, અનિદ્રા પેદા કરે છે, અનિદ્રાથી થતો થાક ઓછો કરે છે અને વ્યસનાસક્તિ પેદા કરે છે. આ પદાર્થો સૂંઘીને, મોઢેથી તેમજ ઇન્જેક્શનથી લેવાય છે. માનસિક ઉત્તેજનાનો અનુભવ તેનો કુપ્રયોગ સર્જે છે તથા તેની સામેની સહ્યતા પેદા થાય છે. તેથી વ્યક્તિ ઔષધની માત્રા વધારે છે. આની સાથે કેટલાંક વિશેષ અનિચ્છનીય ચિહનો પેદા થાય છે. આવી વ્યક્તિઓ સતત શંકાશીલ બને છે અને પોતાના ઉપર કોઈ સતત ધ્યાન રાખતું હોય કે જાસૂસી કરતું હોય તેવી શંકા અનુભવે છે. હાથપગ ઉપર અને ચહેરા ઉપર સતત ચૂંટીઓ ખણે છે. ચામડી નીચે જંતુ સરકતાં હોય તેવું અનુભવે છે અને વિભ્રમ પણ અનુભવે છે. આવી વ્યક્તિઓ વિચારોની વિવિધતા, પ્રબળતા અને વિચિત્રતા અનુભવે છે. શારીરિક અને માનસિક શક્તિઓની વૃદ્ધિ અનુભવે છે. તેમને નિદ્રા અને ખોરાકની જરૂરિયાત ઓછી લાગે છે. ઇન્જેક્શનથી શિરામાં ઔષધ દાખલ કરતી વ્યક્તિઓ જાતીય સંભોગની પરાકાષ્ઠા જેવો ક્ષણિક આનંદ અનુભવે છે. આવા કુપ્રયોગથી વ્યક્તિ પોતાને કાર્ય ને વિચારોમાં સબળ માને છે; પરંતુ તેના વર્તનમાં અને કાર્યમાં એકવિધતા આવી જાય છે; દા.ત., વસ્તુઓના ભાગો તે છૂટા પાડી નાખે છે, પણ સતત પ્રયત્ન કરવા છતાં એ છૂટા ભાગોને તે યોગ્ય રીતે ગોઠવીને ભેગા કરી શકતી નથી. સતત ઉપયોગથી અનિદ્રા અનુભવ્યા પછી આ વ્યક્તિઓ 12થી 18 કલાકની ગાઢ ઊંઘમાં સરી પડે છે અને જાગ્યા પછી સખત ભૂખ અને થાક અનુભવે છે. માનસિક બેચેની અને અતિમંદતા અનુભવે છે. આ વ્યક્તિઓ વખતોવખત ઉત્તેજના અને અતિમંદતાનાં આવાં ચક્રોમાંથી પસાર થતી જોવા મળે છે. કોકેન એ ઇરિથ્રોઝાયલોન-કોકા નામની વનસ્પતિમાંથી મળતું આલ્કેલૉઇડ છે. આ ઔષધ સ્થાનિક નિશ્ચેતના (local anaesthesia) કરવા વપરાયેલું પહેલું ઔષધ હતું. તેના કુપ્રયોગથી વ્યસનાસક્તિ પેદા થવાથી તેનો ઔષધીય ઉપયોગ નિયંત્રિત બન્યો છે. સ્થાનિક નિશ્ચેતના પેદા કરવા બીજાં ઔષધો વપરાય છે. ગેરકાયદે મેળવાતા દ્રવ્યનો કુપ્રયોગ અને તેની વ્યસનાસક્તિ, વખતોવખત જોવા મળે છે. આ ઔષધના સતત ઉપયોગથી પેદા થતી સહ્યતા નિયત માત્રાની હોય છે. સતત વપરાશથી મન:ક્ષીણતા પેદા થાય છે. અવનવા અવાજો સંભળાતા હોવાનો ભ્રમ થાય છે. લાગણીઓમાં ફેરફારો થાય છે અને આવાં ચિહનોને વિચ્છિન્ન વ્યક્તિત્વનાં ચિહનોથી જુદાં તારવવાં મુશ્કેલ બને છે. સતત વપરાશથી લોહીની નસો અને મગજના કોષોને નુકસાન થાય છે. ઔષધ બંધ કરતાં 4થી 8 કલાકમાં જ વ્યક્તિ સખત થાક અનુભવે છે અને ઝોકાં ખાય છે. માનસિક નિરાશા પ્રબળ બને છે, ઊંઘ આવવા લાગે છે, અતિશય ખાવાની ઇચ્છા રહે છે અને ઔષધ મેળવવાની તાલાવેલી ખૂબ તીવ્ર બનતી જાય છે. માનસિક ચિહનોની તીવ્રતા વધતી જાય છે પણ બીજાં શારીરિક ચિહનો પેદા થતાં નથી. વ્યસનમુક્તિ માટે ઔષધ લેવાનું બંધ કરાવીને ઉપરનાં ચિહનોની સારવાર કરાય છે. માનિસક અને સામાજિક પરિસ્થિતિ સમજીને વ્યક્તિનું અનુકૂલન જરૂરી બની રહે છે.
(4) નિકોટિન અને તમાકુની બનાવટો : તમાકુનો છોડ ‘નિકોટિયાના ટેબેકમ’ તરીકે ઓળખાય છે. નિકોટિન એ તમાકુમાં રહેલું આલ્કેલૉઇડ છે. આખી દુનિયામાં તમાકુ, સિગારેટ અને સિગાર રૂપે તેમજ બીડી, ચલમ, કે હુક્કામાં તે ધૂમ્રપાન માટે વપરાય છે; ઉપરાંત ચાવવા, મોઢામાં રાખવા, દાંતે ઘસવા ને સૂંઘવા માટે પણ વપરાય છે. ધૂમ્રપાનના ધુમાડામાં 4,000 જાતનાં રસાયણો ઓળખાયાં છે. તેમાં નિકોટિન, કાર્બન મૉનૉક્સાઇડ, નાઇટ્રોસમાઇન, એક્રોલિન જાતનાં કીટોન અને ‘ટાર’ નામનાં રસાયણોનો સમૂહ મુખ્ય છે. ટારમાં કૅન્સરકારક (carcinogenic) રસાયણો હોય છે. આ રસાયણોથી ફેફસાં, મૂત્રાશય અને અન્ય અવયવોનાં કૅન્સર થાય છે. ચાવવા વગેરેમાં વપરાતી તમાકુ મોઢા, ગળા અને અન્નનળીનું કૅન્સર પેદા કરે છે. તમાકુમાં રહેલ નિકોટિન, કેન્દ્રીય ચેતાતંત્ર ઉપર અસર કરીને આ દ્રવ્યનો ફરી ફરીને ઉપયોગ કરવા પ્રેરે છે. શરૂઆતમાં નિકોટિનની અસરથી ઊબકા, ઊલટી અને ચક્કર આવે છે પણ આ અસરો તરફ ઝડપથી સહ્યતા પેદા થાય છે. ધૂમ્રપાન અને તમાકુની વ્યસનાસક્ત વ્યક્તિઓથી પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શકાતો હોય, ધ્યાન આપી શકવાની સરળતા પેદા થતી હોય અને યાદશક્તિ સુધરતી હોય તેવું લાગે છે. ભૂખ ઓછી લાગે છે. ધૂમ્રપાનના ધુમાડાની રજકણો ઉપર રહેલ નિકોટિન મુખ્યત્વે ફેફસાંની રુધિરવાહિનીઓ મારફત ઝડપથી લોહીમાં શોષાતું રહે છે. તમાકુ અને ધૂમ્રપાનના લાંબા ગાળાના ઉપયોગથી કૅન્સર ઉપરાંત ઘણાં ખરાબ દર્દોને પોષણ મળે છે. હૃદયની ધમનીઓનું સંકોચન અને તેમાં લોહીનું ગઠન થવાથી હૃદયરોગ પેદા કરે છે. પગ, હાથ અને આંખના પડદાની રુધિરવાહિનીઓનું સંકોચન તેના અલ્પરુધિરાભિસરણ (ischaemia) જેવાં દર્દો પેદા કરે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટતાં અને ફેફસાંની શ્વાસનળીઓમાં ફેરફારોને લીધે શ્વાસના અવરોધના રોગો થાય છે. ધૂમ્રપાન કરનારા વિશેષત: અનિદ્રા, માનસિક નિરાશા, ગુસ્સાનો આવેગ, ચિંતા ને જઠરનાં ચાંદાંનાં દર્દોના ભોગ બને છે. પોતે ધૂમ્રપાન ન કરતી હોય તેવી વ્યક્તિઓ પણ બીજાના ધૂમ્રપાનના ધુમાડાને શ્વાસમાં લે કે તેમની સાથે રહે તો તે પણ આવાં દર્દોનો ભોગ બને છે. ધૂમ્રપાન અને તમાકુ બંધ કરવાથી થતાં લક્ષણોમાં ઘણા વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. તેનાથી થતા શારીરિક અવલંબન વિશે હજી નિષ્ણાતો એકમત નથી. ઔષધરહિતતાનાં ચિહનોમાં મુખ્યત્વે ચિંતા, વ્યગ્રતા, અકારણ ગુસ્સો અને એકાગ્રતાના અભાવ જેવી તકલીફો છે, જે કલાકોથી માંડીને કેટલાંક અઠવાડિયાં સુધી ચાલુ રહે છે. આ વ્યક્તિઓ ઝોકાં આવવાની, માથાના દુખાવાની, વધારે ભૂખ લાગવાની અને અનિદ્રાની ફરિયાદ કરતી હોય છે. સાધારણ રીતે પહેલા 24 કલાકમાં આ ચિહનો જણાય છે અને ભૂખ અને એકાગ્રતાના અભાવ જેવી તકલીફ ઘણાંને અઠવાડિયાથી માંડીને મહિનાઓ સુધી ચાલુ રહે છે. વજન વધે છે. શ્વાસની તકલીફો ઓછી થાય છે. ધૂમ્રપાન કરવાની તલપની તીવ્રતા સમય સાથે વધતી જાય છે. સવાર કરતાં સાંજના સમયે તલપ વધારે તીવ્ર બને છે. ધૂમ્રપાન છોડવા માટે વ્યક્તિનું આત્મબળ અને મિત્રો તથા સહયોગીઓનું પ્રોત્સાહન જરૂરી છે. ધૂમ્રપાન છોડવાનો પ્રયત્ન કરનારામાં જેટલી વ્યક્તિઓ થોડા દિવસ ધૂમ્રપાન બંધ રાખી શકે છે. આમાંથી 20થી 40 ટકા વ્યક્તિઓ બારેક મહિના સુધી ધૂમ્રપાન બંધ રાખી શકે છે. નિકોટિન નાખેલા ચાવવાના ગુંદર જેવા પદાર્થો ધૂમ્રપાન ઓછું કરાવવામાં બહુ ઉપયોગી નીવડ્યા નથી. ધૂમ્રપાનની ખરાબ અસરો વિશેનો શિક્ષણપ્રચાર અને તમાકુની બનાવટોમાં, ખૂબ ધન કમાતી અને પ્રચાર કરતી પેઢીઓનું કાયદેસર નિયંત્રણ, ધીમે ધીમે આ ટેવ ઓછી કરાવવામાં અસરકારક નીવડશે એમ મનાય છે.
(5) ભાંગ–ચરસના જૂથના પદાર્થો : આ દ્રવ્યો ભાંગના છોડ કેનાબિસ ઇન્ડિકામાંથી બને છે. છોડના પુષ્પગુચ્છના છેડાના ભાગમાંથી મળતા રસના ચીકાશવાળા ભાગને ચરસ અથવા હશીશ કહે છે. નાનાં પાંદડાંમાંથી મળતા ચીકાશવાળા રસને સૂકવીને ગાંજો બનાવે છે. આ બંને ધૂમ્રપાન માટે વપરાય છે. નાનાં પાંદડાંના અને ફૂલોના સુકાયેલા ભૂકાને ભાંગ કહે છે, જે પીણાં તરીકે વપરાય છે. આ બધાં દ્રવ્યોના જૂથ માટે અમેરિકન નામ ‘મારિજુઆના’ છે. આ દ્રવ્યોમાં માનસિક અસર કરનાર રસાયણ ‘ટેટ્રાહાઇડ્રૉકેનાબિનોલ’ છે જેનું પ્રમાણ 0.5થી 11 ટકા સુધીનું હોય છે. દ્રવ્યો મુખ્યત્વે મન, હૃદય અને લોહીની નસો ઉપર અસર કરે છે. સાધારણ માત્રામાં લેવાથી સારું લાગવાની લાગણી પેદા થાય છે. માનસિક તાણ હળવી બને છે અને ઘેન લાગે છે. સમૂહમાં લેવાથી એકબીજા ઉપરના પ્રભાવથી બીજી અસરો પણ પેદા થાય છે અને આ વ્યક્તિઓ વિશેષ પ્રમાણમાં વારંવાર હસે છે. વધારે અસર થવાથી યાદશક્તિ ક્ષીણ થતી જાય છે. તરતના બનાવો ભુલાઈ જાય છે, વિચારવાની શક્તિ મંદ પડે છે અને વધારે માનસિક શ્રમ અને સતત ધ્યાન માગી લેતાં કાર્યો કરવામાં મુશ્કેલી પડે છે. વ્યક્તિત્વનું ભાન ઓગળતું લાગે છે. બનાવોમાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય વચ્ચેની ભેદરેખાઓ ભૂંસાઈ જાય છે. વ્યક્તિને પોતાની જાત પણ પોતાને જુદી અને અજાણી લાગે છે; શારીરિક સ્થિરતા રાખી શકાતી નથી અને બંધ આંખે વ્યક્તિ અસ્થિર બની જઈ સમતોલન ગુમાવી બેસે છે, સ્નાયુઓનું કાર્ય નબળું બને છે અને સ્થિરતા કે સમતોલન માગી લેતાં કાર્યો, વધારે અવ્યવસ્થિત થઈ જાય છે. માત્રા પ્રમાણે આવી અસરો (વ્યક્તિની પોતાની ધારણા કરતાં વધારે લાંબો સમય) 4થી 8 કલાક સુધી રહે છે. આ દ્રવ્યોના ઉપયોગ સાથે મદ્યપાનની અસર વધારે તીવ્ર બને છે. સમયનું પ્રમાણભાન ખાસ કરીને ક્ષીણ થઈ જાય છે. મિનિટો, લાંબા કલાકો જેવી અને સમય લંબાતો અને વિસ્તરતો જતો લાગે છે. વધારે અને સતત ઉપયોગને લીધે વિચારોની વિચિત્રતા, વિષમતા, અસ્થિરતા, આભાસ અને ગુનાઇત લાગણીઓ વધે છે. વિચારવાની શક્તિ અવ્યવસ્થિત અને બેહૂદી બની જાય છે. વ્યક્તિત્વ ભૂંસાતું જાય છે. શરૂઆતની આનંદદાયક લાગણી પછી ચિંતા અને વ્યગ્રતામાં ફેરવાઈ જાય છે. વધારે પડતી માત્રાને લીધે વિચ્છિન્ન વ્યક્તિત્વ અને સતત આભાસ પેદા થાય છે. વ્યક્તિ આત્મર્દષ્ટિ ગુમાવી બેસે છે. આવી અસર તરત પણ થાય અને ક્યારેક મહિનાઓના વપરાશ પછી પણ જણાય. હૃદયના ધબકારા વધી જાય છે, આંખો લાલ બને છે, લોહીના દબાણમાં વધઘટ થાય છે, પરસેવો ઘટતાં, શરીરનું તાપમાન વધે છે. લાંબા ગાળાના સતત વપરાશથી અકર્મણ્યતા, જડતા, અનિશ્ચિતતા, બેધ્યાનપણું અને યાદશક્તિની ક્ષીણતા પેદા થાય છે. વ્યક્તિ પોતાનાં અને કુટુંબનાં કાર્યોમાંથી રસ ગુમાવી બેસે છે. સતત વપરાશ ઔષધસહ્યતા પેદા કરે છે. તમાકુના ધુમાડા કરતાં આ દ્રવ્યોનાં ધૂમ્રપાનના ધુમાડામાં કૅન્સર પેદા કરનારાં રસાયણો વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે.
(6) મનોવિક્ષિપ્તતા પેદા કરનારાં બીજાં દ્રવ્યો (psychedelics) : ઘણાં દ્રવ્યો માનસિક શક્તિઓનું સમતોલન બદલી નાખીને ર્દષ્ટિભ્રમ, વિચારોની વિષમતા અને લાગણીઓની વિષમતા પેદા કરે છે. એલ. એસ. ડી. આવી અસરો કરનાર સંશ્લેષિત રસાયણ છે. તેનું આખું નામ ‘લિસર્પિક ઍસિડ ડાઇઇથાઇલ અમાઇડ’ છે. મેસ્કેલિન અને સાઇલોસિન વનસ્પતિમાંથી મળતાં આવી અસર કરનારાં આલ્કેલૉઇડ છે. વનસ્પતિ અને ફૂગમાંથી પેદા થતાં બીજાં પણ આવાં રસાયણો છે. તેમના ઉપયોગથી મનોવિક્ષિપ્ત દશા ઊભી થાય છે. વ્યક્તિને પોતાની સંવેદનશીલતા વધતી લાગે છે. સંવેદનો વધારે સ્પષ્ટ બને છે પણ સંવેદનશીલતા ઉપરનું પોતાનું વર્ચસ્ વ્યક્તિ ગુમાવી બેસે છે. વ્યક્તિને પોતાનો એક ભાગ નિષ્ક્રિય રીતે બીજા ભાગને જોનાર હોય તેવું લાગે છે અને બીજો ભાગ સંવેદનોની તીવ્રતા અને અનુભવોની વિચિત્રતા અનુભવે છે. વાતાવરણ નવું, સુંદર અને અનુકૂળ બને છે. વિચારો સ્પષ્ટ લાગે છે. નાનામાં નાનાં સંવેદનો વિરાટ રૂપ ધારણ કરતાં લાગે છે. વસ્તુઓ અને વિચારોની અર્થગંભીરતા અને સચ્ચાઈ વિશેષ અગત્યની લાગે છે. વસ્તુઓ વચ્ચેની ભેદરેખાઓ અસ્પષ્ટ બને છે. તેવી જ રીતે પોતાની જાત અને આસપાસના વાતાવરણ વચ્ચેનો ભેદ ક્ષીણ થઈ જાય છે. સમગ્ર માનવજાત ને વિશ્વ સાથે એકરૂપતા અનુભવાય છે. મન જાણે વ્યક્ત કરી શકાય તે કરતાં વધારે અનુભવતું અને સમજાવી શકાય તે કરતાં વધારે જોઈ શકતું લાગે છે. તેમના વપરાશથી ક્યારેક આવી રુચિકારક અસરોને બદલે અણગમતી અસરો પણ ઊભી થાય છે ત્યારે સતત અને અતિશય ભયની લાગણી ઊભી થાય છે. આવી અસર 24 કલાક રહે છે. કોઈ કોઈને વખતોવખત આવી અસર થાય છે. બીજાં કેટલાંકને મહત્તમ ખિન્નતા અને ઘાતક મનોદશા ઉત્પન્ન થાય છે. આવી મનોવિક્ષિપ્ત દશા ક્યારેક લાંબી ચાલે છે. આ દ્રવ્યોનું શારીરિક કરતાં માનસિક અવલંબન વિશેષ પેદા થાય છે અને તે તેનો કુપ્રયોગ અને વ્યસનાસક્તિ પ્રેરે છે. આ દ્રવ્યોમાંથી વ્યસનમુક્તિ માટે ભાંગ-ચરસ જૂથની વ્યસનમુક્તિ માટેના સિદ્ધાંતો ઉપયોગી છે.
(7) ‘ફેનસાઇક્લિડિન’ પ્રકારનાં ઔષધો : આ ઔષધ, પ્રાણીઓમાં નિશ્ચેતક તરીકે વપરાય છે. માનવીના ઉપયોગમાં તેની નિશ્ચેતક અસર પૂરી થયા પછી ઉન્માદજનક અસર જણાતાં નિશ્ચેતક તરીકેનો ઉપયોગ બંધ થયો. ગેરકાયદે મેળવાતાં રસાયણનો સૂંઘવામાં અને ધૂમ્રપાનમાં કુપ્રયોગ થતો રહ્યો છે. આ ઔષધ નશાકારક ભાવ ઊભો કરે છે. ચાલતાં લથડિયાં આવે છે, બોલી અસ્પષ્ટ બને છે, આંખો આંદોલિત થતી રહે છે, હાથપગ ભારે લાગે છે. પરસેવો થાય છે અને ર્દષ્ટિ એક તરફ કે સામે મંડાયેલી રહે છે. શરીર વિશેનો પોતાનો ભાવ બદલાતો જણાય છે. વિચારો વિક્ષિપ્ત થઈ જાય છે, ઘેન ચડે છે અને લાગણીશૂન્યતા અનુભવાય છે. વર્તન વિચિત્ર અને ક્યારેક ઘાતક પણ બને છે. તેના સતત ઉપયોગથી વર્તણૂકના ફેરફારો ઊભા થાય છે. વ્યક્તિ નશામાં રહે છે, મૂંઝવણ અનુભવે છે અને ઘાતકી બની બેસે છે. વધારે પડતી માત્રાથી બેભાન બની જાય છે અને ક્યારેક આંચકી પણ ઊપડે છે. કેટલાકને મનોવિક્ષિપ્ત દશા પેદા થઈને લાંબો સમય સુધી ચાલુ રહે છે. આ વ્યસનાસક્તિ ઉત્પન્ન થયા પછી ઔષધ છોડી દેવાય તો શરીરમાં ધ્રુજારી થાય છે. ભયની લાગણી પેદા થાય છે અને ચહેરાના સ્નાયુઓ સતત ફરકે છે. કેટલાકને નજીકના ભૂતકાળના પ્રસંગો યાદ કરવામાં તકલીફ પડે છે તેમજ બોલવામાં અને વિચારવામાં પણ મુશ્કેલી પડે છે. આવી હાલત 6થી 12 માસ સુધી ચાલુ રહે છે. તે ઉપરાંત તેનાથી વ્યક્તિત્વના ફેરફારો, સામાજિક કાર્યોમાંથી નિવૃત્તિ, એકલવાયાપણું, ચિંતા અને સતત નિરાશા પણ પેદા થાય છે. વ્યસનાસક્તિની સારવારમાં સચોટ નિદાન અને ઔષધરહિતતાનાં ચિહનોની લાંબી સારવાર જરૂરી બને છે.
(8) સૂંઘવાના પદાર્થો, નિશ્ચેતક વાયુઓ, દ્રાવકો વગેરે : કેટલીક વ્યક્તિઓને ઈથર અને ઔદ્યોગિક વપરાશમાં આવતાં કેટલાંક દ્રાવકો સૂંઘવાની ટેવ પડે છે. આ ટેવથી આ રસાયણો હૃદયની ગતિને અનિયમિત બનાવતી અસર કરે તેવો સંભવ છે. ફેફસાંની રુધિરવાહિનીઓમાં દબાણ વધવા સંભવ છે અને લાંબા ગાળે હાથપગના ચેતાતંતુઓ તથા મગજના કોષોને નુકસાન થવા સંભવ છે.
(9) જાયફળ : સામાન્ય રીતે ઘરવપરાશમાં મીઠાઈની વાનગીઓમાં અલ્પપ્રમાણમાં વપરાતું આ દ્રવ્ય પણ વ્યસનાસક્તિ પેદા કરી શકે છે. વિશેષત: કેદખાનામાં કેદીઓ આનો ઉપયોગ કરતા જાણવામાં આવ્યા છે. બે-એક જાયફળનો ભૂકો ખાવાથી થોડા કલાકમાં હાથપગ ભારે લાગે છે, વ્યક્તિત્વનો લોપ થતો લાગે છે અને અવાસ્તવિક લાગણીઓની પરિસ્થિતિ પેદા થાય છે. આ ઉપરાંત એટ્રોપીન જેવી અસરો થાય છે. મોઢું સુકાય છે, તરસ લાગે છે, હૃદયની ગતિ વધે છે અને ચહેરો લાલ થઈ જાય છે.
કાયદાકીય અને સામાજિક અભિગમોની ઔષધકુપ્રયોગના પ્રકારો અને પ્રચાર પર અસર : ઔષધોનો કુપ્રયોગ કરવામાં મોટેભાગે કારીગરો, સમાજના નીચલા થરના લોકો, ઓછી આવકવાળા શહેરી જનો, યુવાનો અને પુરુષો સંકળાયેલા હોય છે. અફીણ કે અન્ય ઔષધથી વ્યસનાસક્ત વ્યક્તિઓમાં ધૂમ્રપાન કે મદ્યપાન કરનારાઓની સંખ્યા વધુ હોય છે. સામાન્ય માન્યતાથી વિરુદ્ધ એવું તારણ કાઢવામાં આવેલું છે કે વ્યસનકારી દ્રવ્યોને કાયદેસર રીતે ઉપલબ્ધ કરવાથી તેનો ઉપયોગ અને તેની સાથે જોડાયેલી ગુનાઇત પ્રવૃત્તિઓ ઘટશે નહિ. સામાન્ય રીતે આવી દવાઓ વેચનારા કે લાવી આપનારા નવા ગ્રાહકોમાં તેને ઘુસાડવા વ્યાપક પ્રયત્ન કરતા હોતા નથી. તેમને માટે ‘જાણીતો’ ગ્રાહક વધુ સલામતી દર્શાવે છે. આવાં દ્રવ્યોની લે-વેચમાં ‘વેચનારાના બજાર’ જેવી સ્થિતિ છે. તેથી સામાજિક અને કાયદાકીય પ્રતિબંધોનું મહત્વ ઘણું છે અને તેથી જ આ પ્રકારના ગુનામાં કડક સજાની જોગવાઈની હિમાયત કરવામાં આવે છે. ધૂમ્રપાન, મદ્યપાન, અફીણ અને અફીણજૂથની દવાઓ, ઘેનકારકો અને પ્રશામકો જેવાં નશાકારક દ્રવ્યોના સેવનની પ્રક્રિયાને તબીબો સીધી રીતે અસર કરી શકે છે. તેથી તેમનો આ પ્રકારની વ્યસનાસક્તિના વ્યાપને રોકવામાં મહત્વનો ફાળો હોય એવું માનવામાં આવે છે. તે ઉપરાંત વ્યસનમુક્તિ-કાર્યક્રમમાં પણ તેમનો મહત્વનો ફાળો રહે છે. વ્યસનાસક્તિ કરાવતી દવાઓના ચિકિત્સીય ઉપયોગ પર કાયદાકીય નિયંત્રણો ઉપયોગી રહે છે. સતત આરોગ્ય-શિક્ષણપ્રચાર દ્વારા ધૂમ્રપાન, મદ્યપાન અને ઔષધકુપ્રયોગનો વ્યાપ ઘટાડવા દુનિયાના તમામ દેશોમાં ઝુંબેશ ચલાવવાની જરૂર પર ભાર મુકાય છે.
કૃષ્ણકાન્ત છ. દવે
સોહન દેરાસરી
શિલીન નં. શુક્લ