ઔષધોની ઉપચારલક્ષી (clinical) કસોટીઓ
January, 2006
ઔષધોની ઉપચારલક્ષી (clinical) કસોટીઓ : માણસના રોગમાં ઔષધ તરીકે વપરાનારા રસાયણની ઉપયોગિતા તથા આડઅસરો કે વિષાક્તતા (toxicity) નિશ્ચિત કરવા માટેની કસોટીઓ. પ્રાણીઓ પરના પ્રયોગોની માહિતીને આધારે ઔષધશાસ્ત્રી, જૈવરસાયણવિદ અને વિષવિદ (toxicologist) જે તે રસાયણનો માણસ પર ઔષધ તરીકે ઉપયોગ કરવા માટેના પ્રારંભિક પ્રયોગો અંગે નિર્ણય કરે છે. આવું રસાયણ પ્રાણીઓ પરના પ્રયોગોમાં સુરક્ષિત અને અસરકારક હોવું જરૂરી ગણાય છે. માણસમાં પણ તેની અસરકારકતા અને સુરક્ષિતતા નિશ્ચિત કરવા માટે પ્રાણીઓમાં જોવા મળતી આડઅસરો માટે ખાસ ધ્યાન રખાય છે. માણસ માટે તેની માત્રા (dose) નિશ્ચિત કરતી વખતે સૌપ્રથમ કે જેટલી જ માત્રાથી શરૂઆત કરાય છે. આવા રસાયણની દ્રાવ્યતા અને સ્થિરતા (stability) જાણી લેવાય છે. માણસ પરના પ્રયોગોને 4 તબક્કાઓમાં વહેંચવામાં આવે છે. જોકે તે એક સળંગ પ્રક્રિયા છે અને એક વ્યક્તિ પર ધ્યાનપૂર્વક પ્રયોગ આદરીને પછી 10-10નાં જૂથોમાં તેનો પ્રયોગ કરાય છે. પ્રયોગ માટેની વ્યક્તિઓ તંદુરસ્ત અને સ્વેચ્છાએ પ્રયોગમાં જોડાયેલી હોવી જરૂરી છે. ત્યારબાદ ઔષધ માટેની રાષ્ટ્રીય કક્ષાની નિયામક વ્યવસ્થાની સ્વીકૃતિ મળ્યેથી તેને દર્દીઓના સો-સોના જૂથમાં પ્રયોગરૂપે વપરાય છે. અંતે તેને ઉપચારનિર્દેશ સૂચન (prescription) માટે પરવાનો અપાય છે. પ્રયોગના કોઈ પણ સ્તરે તે હાનિકારક જણાય તો તેના પરના આગળના તબક્કાના પ્રયોગો બંધ કરી દેવાય છે.
(1) પહેલો તબક્કો : પ્રયોગના પ્રથમ તબક્કામાં દવાની જૈવશાસ્ત્રીય ક્રિયા (biological activity) અને સહ્યતા (tolerability) તેની માત્રાના પ્રમાણની સીમા (range), તેની સુરક્ષિતતા અને વિષાક્તતા, તેની ઔષધક્રિયાત્મક (pharmacodynamic) અસરો તથા શોષણ, વિતરણ, ચયાપચય અને ઉત્સર્ગ જેવી ઔષધવાહી (pharmacokinetic) અસરોની નોંધ લેવામાં આવે છે. મર્યાદિત કેન્દ્રોમાં 20થી 50 જેટલી સ્વેચ્છાએ જોડાતી વ્યક્તિઓ કે દર્દીઓ પર ખૂબ જ ટૂંકા સમયમાં પ્રયોગ કરીને વિગતવાર માહિતી મેળવાય છે. તે સમયે વ્યક્તિલક્ષી અને વસ્તુલક્ષી મૂલ્યાંકન કરાય છે તથા અતિજરૂરી નિદાન માટે શાખાકીય પરીક્ષણો કરાય છે. ચિકિત્સા-સંશોધકે દર્દીમાં નિશ્ચિત રૂપે અગાઉથી જાણીતી દવાને બદલે પ્રયોગલક્ષી દવા ક્યાં સુધી આપવી તથા તેની સાથે બીજી કઈ સારવારપદ્ધતિ ચાલુ રાખવી તે નક્કી કરતી વખતે નૈતિક વ્યવહારની ર્દષ્ટિએ પણ વિચારવું આવશ્યક ગણાય છે. અન્ય દવાઓ સાથે સાથે અપાતી હોય તો તેમની વચ્ચેની આંતરક્રિયાઓ નોંધવી જરૂરી છે. આ પ્રયોગની શરૂઆત કરતાં પહેલાં તેમાં જોડાનાર વ્યક્તિઓની લેખિત સંમતિ લેવાય છે. આ તબક્કામાં બાળકો અને પ્રજનનશીલકાળ(child-bearing age)ની સ્ત્રીઓનો સમાવેશ થતો નથી. પ્રયોગને નીતિશાસ્ત્રીય સમિતિની મંજૂરી મળેલી હોવી જરૂરી ગણાય છે. જે ક્ષેત્રમાં રોગનું કારણ અને પેશી પરની અસરો સ્પષ્ટ રીતે જાણીતી હોય તેવા ક્ષેત્રમાં પ્રથમ તબક્કાના પ્રયોગમાં પણ ચોક્કસ (precise) માત્રાત્મક (quantitative) અને પૂર્વધારણાન્વિત (predictable) પ્રયોગો શક્ય છે; દા.ત., ગલગ્રંથિઅલ્પતા- (hypothyroidism)ના દર્દીમાં થાયરૉક્સિનનો પ્રયોગ. સામાન્ય રીતે આ તબક્કાના પ્રયોગો ઉપચારલક્ષી ઔષધગુણવિદ્યા(clinical pharmacology)ની સાધનસજ્જ પ્રયોગશાળામાં કરાય છે, જેથી તત્કાલ સંકટ(emergency)ની સ્થિતિને તરત જ પહોંચી વળી શકાય.
(2) બીજો તબક્કો : પ્રથમ તબક્કાની સફળતા પછી 50થી 300 દર્દીઓનો જૂથ પર ઔષધની ચિકિત્સાકીય (therapeutic) અને પ્રતિરોધલક્ષી (prophylactic) ક્રિયાશીલતા અને અસરકારકતા નક્કી કરવા, તેની યોગ્ય માત્રા અને આડઅસરો અને વિષાક્તતા નક્કી કરવા તથા તેનું સર્વોત્તમ ઔષધ-સ્વરૂપ (formulation) નિશ્ચિત કરવા માટે પ્રયોગ કરાય છે. આવા પ્રયોગ દ્વારા ઔષધક્રિયાની પ્રવિધિ (mechanism) પણ નિશ્ર્ચિત કરાય છે.
(3) ત્રીજો તબક્કો : અગાઉથી જાણીતી તથા પ્રમાણિત (standard) દવા કે છદ્મઔષધ(placebo)ની સરખામણીમાં નવી દવા કેટલે અંશે અસરકારક અને સુરક્ષિત છે તે જાણવાના નિયંત્રિત ઉપચારલક્ષી પ્રયોગો(controlled clinical trials)ને ત્રીજા તબક્કામાં આવરી લેવાય છે. બંને પ્રકારની દવાઓને બે અલગ અલગ જૂથમાં એકસાથે આપીને અથવા એક જ વ્યક્તિમાં અલગ અલગ સમયે આપીને તેમની અસરોની નોંધ લેવામાં આવે છે. 250થી 1,000 દર્દીઓને બે જૂથમાં વહેંચીને પ્રમાણિત દવા કે છદ્મઔષધને એક જૂથમાં તથા નવી દવાને બીજા જૂથમાં આપીને અસરો નોંધવાના પ્રયોગો વધુ પ્રમાણમાં થાય છે. આવા પ્રયોગમાં દર્દીઓનું બે જૂથમાં સ્વૈર (random) વિભાજન કરવાનું હોય છે તથા બધા જ દર્દીઓ ઔષધની અસરો વિશે કશું જાણતા હોતા નથી. જ્યારે તેમને દવા આપનાર અને તેની અસરો નોંધનાર ચિકિત્સક પણ બંને ઔષધની ઓળખ ધરાવતો ન હોય ત્યારે તેવા પ્રયોગને દ્વિરંધ (double blind) પ્રયોગ કહે છે. બીજા પ્રકારના પ્રયોગોમાં દર્દી પોતે જ જુદા જુદા સમયે નિયંત્રિત અથવા પ્રયોગપાત્ર સ્થિતિમાં હોય છે. દર્દીને કાં તો પહેલાં નવું ઔષધ અથવા તો પ્રમાણિત કે છદ્મઔષધ અપાય છે. અથવા તો તેનાથી વિપરીત ક્રમમાં નવું અથવા પ્રમાણિત કે છદ્મ-ઔષધ અપાય છે. તેની અસરો નોંધી લીધા પછી તે જ દર્દીને અગાઉ ન અપાયેલું નવું અથવા પ્રમાણિત કે છદ્મઔષધ અપાય છે. આને પ્રત્યાંતરિત (cross-over) પ્રયોગ કહે છે. દવા આપનાર તથા તેની અસરો નોંધનાર ચિકિત્સક અપાયેલી દવાની ઓળખ ધરાવતો હોતો નથી.
થોડાંક કેન્દ્રોમાં આવા નિયંત્રિત પ્રયોગો કર્યા પછી તેમનાં પરિણામોને બહુકેન્દ્રીય પ્રયોગો દ્વારા ચકાસવામાં આવે છે. ત્યારબાદ તેને સામાન્ય વપરાશ માટે પરવાનાને લાયક ગણવામાં આવે છે. આવો પરવાનો મેળવતી વખતે ઉત્પાદિત ઔષધ (product), તેના ઉપયોગો, માત્રાસૂચન (dosage), આડઅસરો, ઝેરી અસરો, અતિમાત્રા(over dose)થી થતો વિકાર, ચિકિત્સાકીય ઉપયોગિતા (indication), વર્જ્યતાઓ (contraindications), જરૂરી ચેતવણી (warnings) અને સાવચેતી(precautions)ની પૂરેપૂરી માહિતી આપવી જરૂરી લેખાય છે.
(4) ચોથો તબક્કો : સામાન્ય વપરાશ માટે દવાને બજારમાં મૂક્યા પછી જ ઘણી વખત તેની અસરો/આડઅસરો વિશે નવી અતિઆવશ્યક માહિતી પ્રાપ્ત થાય છે. તેથી સતત તેના વિશે પરિવીક્ષણ (monitoring) કરવું જરૂરી છે. આવા સંજોગોમાં નિયંત્રિત જૂથ મેળવવાની પ્રયોગજૂથમાં મોટી સંખ્યામાં દર્દીઓ મેળવવાની તથા સતત ધ્યાન (survillance) રાખવાની પ્રક્રિયા મુશ્કેલ છે અને તેથી નિયંત્રિત કિસ્સાનો અભ્યાસ (case-control study) કરાય છે.
શિલીન નં. શુક્લ
મીનાક્ષી શાહ