ઔદ્યોગિક હીરા : રત્ન તરીકે બિનઉપયોગી પણ શ્રેષ્ઠ કઠિનતાને કારણે ઉદ્યોગમાં કાપવાના, આકાર આપવાના અને પ્રમાર્જક (polishing) તરીકેના કાર્યમાં ઉપયોગી પ્રકારના હીરા. વિશ્વના હીરાના કુલ ઉત્પાદનનો 90 % જેટલો ભાગ ઔદ્યોગિક હીરાનો હોય છે. કુદરતમાં મળતા આવા હીરાના ત્રણ પ્રકારો છે : (1) સ્ફટિકમય અને વિદલનીય (cleavable) પણ રંગ તથા કક્ષાની (grade) ર્દષ્ટિએ રત્ન તરીકે બિનઉપયોગી હીરા; (2) અર્ધપારદર્શક કે અપારદર્શક, ભૂખરા કે ઘેરા તપખીરી રંગના, અવ્યવસ્થિત સ્ફટિકરચનાવાળા બૉર્ટ (bort) તરીકે ઓળખાતા હીરા અને (3) અપારદર્શક, વિદલન વગરના પણ કઠણ સ્ફટિકમય જૂથરૂપ, કાળા હીરા કાર્બન (carbon) કે કાર્બોનેડો (carbonado) તરીકે ઓળખાતા હીરા. બૉર્ટ સૌથી વધુ વપરાતો પ્રકાર છે અને તે દક્ષિણ આફ્રિકામાં મળે છે. કાર્બોનેડો બ્રાઝિલમાં મળી આવે છે. આ હીરા કુદરતી સ્ફટિક તરીકે અથવા વિવિધ મેશ(mesh)ના ભૂકારૂપે વપરાય છે. પાણી અથવા ખનિજ તેલ માટેના કૂવાના શારકામમાં વપરાતી શારડીમાં બૉર્ટ (0.1થી 1 કેરેટના, 1 કેરેટ = 0.2 ગ્રામ) જડાય છે. કાપવાનાં, વહેરવાનાં, આકાર આપવાનાં, ઘસવાનાં અને પહેલ પાડવાનાં સાધનોમાં હીરાનો ભૂકો વપરાય છે. તાર ખેંચવાની ડાઇ(die)માં ચોક્કસ માપના છિદ્રવાળા હીરા વપરાય છે. હીરાની ઉષ્માવાહકતા ઊંચી છે તેથી તે ઘર્ષણને કારણે ગરમ થતા નથી. વળી તેની કઠિનતા ઉપર ગરમીની અસર થતી નથી.
1957 પછી સંશ્લેષિત હીરા ચૂર્ણરૂપે (0.1 મિમી.) મળવા માંડ્યા છે. બોરોન નાઇટ્રાઇડ કઠિનતામાં હીરા પછીના ક્રમે આવે છે તે સંશ્લેષિત રીતે બનાવવામાં આવે છે. ઔદ્યોગિક હીરાનું ઉત્પાદન 1,20,00,000 કેરેટ જેટલું છે. યુ.એસ.માં સંશ્લેષિત હીરાનું ઉત્પાદન 1980માં 5,00,00,000 કેરેટ જેટલું હતું.
સુભાષ દેસાઈ