ઔદ્યોગિક વસાહતો : વિવિધ ઔદ્યોગિક એકમોના વિકાસઅર્થે ઊભો કરેલો ટેકનિકલ માર્ગદર્શન સહિત વિવિધ સામૂહિક સગવડો અને સુવિધાઓથી સુસજ્જ વિસ્તાર. ભારત તથા અન્ય અલ્પ-વિકસિત દેશોમાં નાના પાયા પરના અને કુટીર તથા ગ્રામીણ ઉદ્યોગોને મહત્વનું સ્થાન આપવામાં આવેલ છે. ભારતના 1956ના ઔદ્યોગિક નીતિના પ્રસ્તાવમાં દર્શાવવામાં આવેલ છે કે આ ઉદ્યોગો તાત્કાલિક મોટા પાયા પર રોજગારી આપી શકે છે, રાષ્ટ્રીય આવકની ન્યાયી વહેંચણી કરી શકે છે તથા મૂડી અને કુશળ કારીગરીનો અસરકારક ઉપયોગ કરી શકે છે. સમગ્ર રાષ્ટ્રમાં ઔદ્યોગિક ઉત્પાદનનાં વિકેન્દ્રિત કેન્દ્રો સ્થાપવાથી શહેરીકરણની કેટલીક જટિલ સમસ્યાઓ પણ નિવારી શકાય છે. વિકસતાં રાષ્ટ્રોમાં નાના ઉદ્યોગોને ખીલવવા તથા વિકસાવવા માટે ઔદ્યોગિક વસાહતોની સ્થાપનાની હિમાયત કરવામાં આવે છે. નાના ઉદ્યોગો સ્થાપવા અને આધુનિક બનાવવા માટે તેમજ તે ઉદ્યોગોની ઉત્પાદકતા વધારી સરેરાશ ખર્ચ ઘટાડવા માટે અને તે ઉદ્યોગોની પેદાશોની ગુણવત્તા સુધારવા માટે તે એક અસરકારક સાધન બની શકે તેમ છે.

ઇતિહાસ : આધુનિક ઔદ્યોગિક વસાહતો આશરે 90 વર્ષ પૂર્વે ઇંગ્લૅન્ડ તથા અમેરિકામાં સ્થાપવામાં આવી હતી. ઇંગ્લૅન્ડના માન્ચેસ્ટરમાં 1896માં સ્થાપવામાં આવેલ વિખ્યાત ટ્રેફૉર્ડ પાર્ક એસ્ટેટ્સ લિમિટેડને ઔદ્યોગિક વસાહતોના જનક તરીકે લેખવામાં આવે છે. પ્રારંભમાં ઔદ્યોગિક વસાહતોનો વિકાસ ધીમો રહ્યો હતો, પરંતુ છેલ્લાં પાંત્રીસ વર્ષોમાં વિશ્વનાં રાષ્ટ્રોમાં તેનો નોંધપાત્ર પ્રસાર થવા પામ્યો છે. વિકસિત રાષ્ટ્રોમાં ઓગણીસમી સદીના અંતભાગમાં જેનું બીજ નાંખવામાં આવેલ તે આજે ફૂલીફાલીને 50 ઉપરાંત વિકસિત તથા અલ્પવિકસિત રાષ્ટ્રોમાં ફેલાઈ ગયેલ છે. અમેરિકામાં તે ઇન્ડસ્ટ્રિયલ પાર્ક કે ડિસ્ટ્રિક્ટસ, ઇંગ્લૅન્ડમાં ટ્રેડિંગ કે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ્સ, ઇટાલીમાં ઇન્ડસ્ટ્રિયલ ઝોન, પોર્ટોરિકોમાં ઇન્ડસ્ટ્રિયલ સબડિવિઝન અને ભારત તથા અન્ય દેશોમાં તે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ્સ તરીકે ઓળખાય છે.

ઔદ્યોગિક વસાહતોનાં નામોની જેમ તેના હેતુઓ પણ જુદા જુદા સમયે વિધવિધ રહેવા પામ્યા છે. ઉદાહરણ તરીકે વિશ્વયુદ્ધ પૂર્વે ઇંગ્લૅન્ડમાં જે વિસ્તારોમાં મોટા પાયા પર બેકારી પ્રવર્તતી હતી તેવા આર્થિક રીતે સંતાપ પામેલા વિસ્તારોમાં ઉદ્યોગોને ખસેડવા માટે ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવી હતી. વર્તમાનમાં ઇંગ્લૅન્ડમાં ઔદ્યોગિક વસાહતો ઉદ્યોગોના સ્થાનિકીકરણને નિયંત્રિત કરવા માટે ઉપયોગી બની રહેલ છે. અમેરિકામાં પ્રાદેશિક આયોજન અર્થે ઔદ્યોગિક વસાહતોનો ઉપયોગ થઈ રહ્યો છે; પોર્ટોરિકોમાં પરદેશથી ઉદ્યોગોને આકર્ષવા માટે તેની અજમાયશ થઈ છે; અને ભારતમાં તથા બીજાં ઘણાંખરાં રાષ્ટ્રોમાં નાના તેમજ મોટા ઉદ્યોગોને ખીલવવા માટે તેનો આશ્રય લેવામાં આવેલ છે. ભારત તેમજ બીજાં કેટલાંક રાષ્ટ્રોમાં વિકાસની પ્રાદેશિક સમતુલાનો હેતુ સિદ્ધ કરવા તેમજ મોટાં શહેરોમાંથી ઉદ્યોગોનું અવિકસિત ક્ષેત્રોમાં સ્થળાંતર કરવા માટે પણ ઔદ્યોગિક વસાહતોની નીતિનો ઉપયોગ થઈ રહ્યો છે.

ઔદ્યોગિક વસાહતોની વ્યાખ્યા : ઔદ્યોગિક સાહસોના સમૂહના ઉપયોગ કાજે એક વ્યાપક યોજના મુજબ નાના નાના હિસ્સામાં વહેંચી નાખેલ વિકસિત જમીનનો પટ્ટો. આ યોજનામાં શેરીઓ તથા રસ્તા, વાહનવ્યવહારની સગવડો તથા અન્ય ઉપયોગી જાહેર સુવિધાઓની વિસ્તૃત જોગવાઈ પણ હોય છે. આ યોજના અન્વયે ક્વચિત્ ઔદ્યોગિક સાહસોને વેચાણ કે ભાડાપટ્ટાની પદ્ધતિથી મકાનોની સવલત પણ ફાળવવામાં આવતી હોય છે.

ઔદ્યોગિક વસાહતોના કાર્યક્રમની મુખ્ય બે લાક્ષણિકતાઓ છે : એક તો વસાહતોમાં ઔદ્યોગિક સાહસોનું યોજનાબદ્ધ જૂથ રચાય છે અને બીજું આવું જૂથ રચાવાના કારણે તે સાહસોને પાયાની અને બીજી આવશ્યક સુવિધા તથા સેવા સરળતાથી ઉપલબ્ધ થતી હોય છે.

કૃષિ, ઉદ્યોગો તથા અન્ય આર્થિક પ્રવૃત્તિઓ માટે કેટલીક પાયાની સુવિધા આવશ્યક હોય છે. આમાં પાણી, વીજળી તથા વાહનવ્યવહાર મુખ્ય છે. કેટલાકના મત મુજબ કાયદો તથા વ્યવસ્થા, શિક્ષણ અને જાહેર આરોગ્ય તથા બધા જ પ્રકારના સંદેશાવ્યવહારનો પણ તે સુવિધામાં સમાવેશ કરેલો છે. ઔદ્યોગિક વસાહતોમાં ઔદ્યોગિક સાહસોને જમીન કે ફેક્ટરીનાં મકાન ઉપરાંત આ સુવિધા સુગમતાથી પ્રાપ્ત થતી હોય છે. ઔદ્યોગિક વસાહતોનો આ પ્રથમ લાભ છે.

આર્થિક વિશ્લેષણમાં પાણી, શક્તિ, વાહનવ્યવહાર તથા અન્ય આવશ્યક સુવિધાઓને સામાજિક સ્થિર મૂડી તરીકે લેખવામાં આવે છે. આવી મૂડીની ઉપલબ્ધિ જ ખાનગી રોકાણ તથા સાહસને જુદી જુદી પ્રત્યક્ષ ઉત્પાદક પ્રવૃત્તિઓમાં પ્રોત્સાહિત કરી શકે છે. ઔદ્યોગિક વસાહતોમાં આવી મૂડીનું નિર્માણ તેની યોજનાના એક અંતર્ગત ભાગ તરીકે થતું હોય છે ને તેથી આ વસાહતો સહેલાઈથી ખાનગી રોકાણ તથા સાહસોને આકર્ષી શકે છે.

ઔદ્યોગિક વસાહતોની સ્થાપનાનો તર્ક મુખ્યત્વે બે પ્રકારના લાભ પર અવલંબે છે. પ્રથમ લાભ ઔદ્યોગિક વસાહતના કદવિકાસમાંથી ઉદભવે છે, જ્યારે દ્વિતીય લાભ સાહસોના એકત્રીકરણમાંથી સર્જાય છે. ઔદ્યોગિક સાહસોને પૂરી પાડવામાં આવતી સુવિધામાં વસાહતોના કદવિકાસને કારણે નોંધપાત્ર લાભ પ્રાપ્ત થઈ શકતા હોય છે. જેમ વસાહતનું કદ વિસ્તરતું જાય તેમ પ્રત્યેક સુવિધા અંગેનો વિકાસ તથા સંચાલનનો એકમ દીઠ ખર્ચ ઘટી શકતો હોય છે. મધ્યમ તથા નાના ઔદ્યોગિક એકમો જો મોટી સંખ્યામાં એક જ સ્થળે એકત્ર થાય તો તે સૌ એક મોટા ઔદ્યોગિક એકમને પ્રાપ્ય સઘળી કરકસરનો લાભ મેળવી શકે છે. ઔદ્યોગિક વસાહતના કદવિકાસના લાભ આ ભૂમિકા પર આધારિત છે. નાના ઔદ્યોગિક એકમોને આશ્રય આપતી ઔદ્યોગિક વસાહત વાસ્તવમાં તો એક મોટા ઔદ્યોગિક એકમ જેવું જ સ્વરૂપ ધારણ કરે છે અને તે એકમની જેમ જ કદવિકાસના લાભ મેળવી શકે છે.

કેળવાયેલા કુશળ કારીગરો, ઉત્પાદન માટે જરૂરી સાધન-સામગ્રીની ઉપલબ્ધિ, વાહનવ્યવહાર તથા સંદેશાવ્યવહારની ઊંચા પ્રકારની સુવિધા ઇત્યાદિ બાહ્ય કરકસરના મુખ્ય અંશો છે.

વ્યક્તિગત ઔદ્યોગિક સાહસને તો તૈયાર જગા કે ફૅક્ટરીનું મકાન મળી જવાથી તેનાં શક્તિ, સમય તથા ખર્ચમાં ઘણી બચત થાય છે. ફૅક્ટરી માટે સાનુકૂળ જગા શોધી તેનો સોદો કરવો, તેના મકાનના પ્લાન મંજૂર કરાવવા, મકાનનું બાંધકામ કરાવવું, પાણી, વીજળી, ગૅસ તથા બીજી સુવિધાનાં જોડાણ મેળવવાં ઇત્યાદિ બાબતોમાં સમયનો ખૂબ વ્યય થતો હોય છે અને બહુ કડાકૂટ કરવી પડતી હોય છે. પરંતુ ફૅક્ટરી માટે તૈયાર વિકસિત જગા અને મકાન તેમજ બીજી સુવિધા સરળતાથી ઉપલબ્ધ થઈ રહે ત્યારે તેને ઘણી રાહત રહે છે.

વ્યક્તિગત ઔદ્યોગિક સાહસને બીજો મહત્વનો લાભ પ્રારંભિક રોકાણમાં થતો હોય છે. જો ભાડા-ખરીદીની યોજના હેઠળ તેને જગા કે મકાન મળી જાય તો તેની કિંમત હપતાથી ચૂકવવાની થાય છે અને તેથી પ્રારંભમાં તેને બહુ ઓછું રોકાણ કરવું પડે છે. આથી પ્લાન્ટ અને મશીનરીની ખરીદીમાં તે પોતાની બાકીની મૂડી ખર્ચી શકે છે. આમ મૂડીરોકાણમાં તેને સહેજે કરકસર થતી હોય છે, વળી ઔદ્યોગિક વસાહતમાં વ્યક્તિગત સાહસને અનેક સગવડ તથા સુવિધા પ્રાપ્ત થતી હોવાને કારણે નવા સાહસનું જોખમ પણ હળવું થતું હોય છે. મૂડીરોકાણમાં કરકસર તથા નવા સાહસના જોખમમાં ઘટાડો તે નાનાસૂના લાભ નથી.

જો ઔદ્યોગિક વસાહતમાં પરસ્પરાવલંબન ધરાવતાં સાહસો એકત્ર થાય તો તે સાહસોને બીજા આનુષંગિક લાભો પ્રાપ્ત થતા હોય છે. વળી જો એક જ પ્રકારની કે એકબીજા સાથે સંકળાયેલી ઉત્પાદન-પ્રવૃત્તિઓમાં રોકાયેલ સાહસો વસાહતમાં એકત્ર થાય તો તેમની વચ્ચે પરસ્પર સહકાર વિશેષ પ્રમાણમાં ખીલી શકે છે. કારણ કે તેમનાં ધ્યેયો અને તેમની સમસ્યાઓ સમાન હોય છે. ટેકનિકલ સમારકામ, માહિતી, પ્રચાર ઇત્યાદિ સેવાની બાબતમાં એક સ્વતંત્ર ઔદ્યોગિક એકમ કરતાં પરસ્પરાવલંબન ધરાવતા ઔદ્યોગિક એકમોનો સમૂહ ઘણી સહેલાઈથી ઓછા ખર્ચે આ સુવિધા અને સેવા મેળવી શકે છે. વળી એક સ્વતંત્ર એકમને કદાચ ના પરવડે પણ ઔદ્યોગિક એકમોના સમૂહને પોતાના કારીગરોને માટે મકાન, વાહન તથા બીજી સગવડો પૂરી પાડવાનું પોષાતું હોય છે.

ઔદ્યોગિક વસાહતો અને વિકાસની પ્રાદેશિક સમતુલા : ભારત જેવા રાષ્ટ્રમાં મોટાં ગામડાં તથા નાનાં શહેરોમાં ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની ખાસ હિમાયત કરવામાં આવે છે. આર્થિક રીતે પછાત પ્રદેશોમાં ઔદ્યોગિક વસાહતો સ્થાપીને વિકાસની પ્રક્રિયામાં પ્રાદેશિક સમતુલાનું ધ્યેય સિદ્ધ કરી શકાય. ગ્રામીણ અને પછાત પ્રદેશોમાં ઔદ્યોગિક વિકેન્દ્રીકરણ કરવાના હેતુસર મોટાં ગામડાં તથા નાનાં શહેરોમાં ઔદ્યોગિક વસાહતો અવશ્ય ઉપયોગી સાધન સાબિત થઈ શકે. પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય સસ્તી જમીન તથા શ્રમનો અમર્યાદિત પુરવઠો ગ્રામીણ પ્રદેશોમાં વસાહતો સ્થાપવા માટેનાં સાનુકૂળ પરિબળો લેખાય. પરંતુ આની વિરુદ્ધ આવા પ્રદેશોમાં ઔદ્યોગિક એકમોને આવશ્યક સુવિધા અલ્પ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. બીજું આ ઔદ્યોગિક એકમોને કાચા માલસામાન તથા તૈયાર વસ્તુનાં બજારો મહદ્ અંશે શહેરોમાં જ હોવાને લીધે વાહનવ્યવહારના ખર્ચનો બોજો વિશેષ પ્રમાણમાં ઉઠાવવાનો આવે. ઉદ્યોગોના સ્થાનિકીકરણના સિદ્ધાંતમાં વાહનવ્યવહારનો ખર્ચ જ નિર્ણાયક પરિબળ હોય છે.

ગામડાંમાં ભલે શ્રમ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોય, પરંતુ અનુભવી અને કેળવાયેલા કુશળ કારીગરો સહેલાઈથી મળી શકતા હોતા નથી. તેમને શહેરોમાંથી ગામડાંમાં આકર્ષવા માટે બહુ ઊંચાં વેતન પણ ચૂકવવાં પડે. બીજું ગ્રામીણ પ્રદેશોમાં શિક્ષણસંસ્થાઓ, આરોગ્યધામો, આનંદપ્રમોદનાં કેન્દ્રો તથા બીજી સામાજિક સુખસગવડો ઉપલબ્ધ ન હોવાને કારણે શિક્ષિત વર્ગ સહેલાઈથી ત્યાં વસવાટ કરવા પ્રેરાતો નથી.

ખાનગી સાહસો નફાના ર્દષ્ટિકોણથી પોતાનો આર્થિક વ્યવહાર કરતાં હોય છે અને સાહસોનું સ્થાન એ રીતે નક્કી કરતાં હોય છે. આ સાહસોને વિકાસની પ્રાદેશિક સમતુલા જેવા હેતુસર ગામડાંમાં વિકેન્દ્રિત કરવા માટે સરકાર તરફથી સબસિડી તથા અન્ય સવલતો અપાય છે. આ પ્રશ્નને માત્ર વ્યક્તિગત ખર્ચ તથા લાભના ધોરણથી મૂલવવાને બદલે સામાજિક ખર્ચ તથા લાભના ધોરણથી મૂલવવામાં આવે તો જ તેને અનુરૂપ સમતોલ પ્રાદેશિક વિકાસની યોજના અને નીતિ સફળતાપૂર્વક પાર પડે.

ઔદ્યોગિક વસાહતો ભારત તથા ગુજરાતમાં : ભારતમાં પ્રથમ ઔદ્યોગિક વસાહત 1957માં દિલ્હી નજીક ઓખલા ખાતે શરૂ થઈ. ત્યારબાદ ભારતમાં નાનાં ઔદ્યોગિક સાહસોને વ્યવસ્થિત રીતે વિકસાવવા કાજે ઔદ્યોગિક વસાહતો એક અગત્યનું માધ્યમ બની રહેલ છે. ભારતમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે એક ચોક્કસ અભિગમ અપનાવેલો છે. તેનો મુખ્ય ઉદ્દેશ ઔદ્યોગિક વિકાસ અને વિશેષે કરીને નાના પાયાના ઔદ્યોગિક એકમોનો વિકાસ કરવાનો છે. ભારતમાં ઔદ્યોગિક વસાહતોનો બીજો ઉદ્દેશ શહેરી વિસ્તારોમાંનું ઉદ્યોગોનું કેન્દ્રીકરણ અટકાવી નાના ઔદ્યોગિક એકમોનો ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ કરી દેશમાં ઔદ્યોગિક પ્રવૃત્તિનું વિકેન્દ્રીકરણ કરવાનો છે.

આ ઉદ્દેશો સિદ્ધ કરવા રાજ્યોમાં ઔદ્યોગિક વિકાસ નિગમોની રચના કરવામાં આવી છે અને તે નિગમો સંબંધકર્તા રાજ્યોમાં ઔદ્યોગિક વસાહતોનાં આયોજન અને સ્થાપનાની કામગીરી બજાવે છે. 31 માર્ચ 1979 સુધીમાં ભારતમાં 1,098 ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવી હતી જેમાંથી 926 વસાહતો કાર્યરત હતી, જ્યારે 72 વસાહતો નિષ્ક્રિય હતી.

1,098 વસાહતોમાં 31 માર્ચ 1979 સુધીમાં 19,056 શેડ ઊભા કરવામાં આવ્યા હતા અને તેમાંથી 17,746 શેડ ઔદ્યોગિક સાહસોને ફાળવી આપવામાં આવ્યા હતા. તેવી જ રીતે આ વસાહતોમાં 31 માર્ચ 1979 સુધીમાં જમીનના 32,819 પ્લૉટ વિકસાવવામાં આવ્યા હતા; તેમાંથી 26,218 પ્લૉટ ફાળવી આપવામાં આવ્યા હતા. 31 માર્ચ 1979ના રોજ ઔદ્યોગિક વસાહતોમાં 18,421 સાહસો કાર્યરત હતાં અને તે સાહસોએ 2,86,200 શ્રમજીવીઓને રોજગારી પૂરી પાડી હતી.

ઔદ્યોગિક વસાહતોની સ્થાપના અને તેમના વિકાસ પરત્વે ગુજરાત રાજ્ય ભારતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. વિક્રમ પ્રગતિનું શ્રેય ગુજરાત ઔદ્યોગિક વિકાસ કૉર્પોરેશન(જી.આઇ.ડી.સી.)ને ફાળે જાય છે. ઉધના ખાતે સહકારી ઔદ્યોગિક વસાહત સ્થપાયેલી છે અને તે સિવાયની ગુજરાતની નાની મોટી ઔદ્યોગિક વસાહતો જી.આઇ.ડી.સી.ના નેજા હેઠળ સ્થાપવામાં આવી છે. જી. આઈ. ડી. સી.એ 1986-87માં તેની કારકિર્દીનાં 25 વર્ષ પૂરાં કર્યાં. આ 25 વર્ષ દરમિયાન તેણે 171 વસાહતો સ્થાપી અને 10,557 શેડનું બાંધકામ પૂરું કર્યું હતું. આમાંથી ઔદ્યોગિક સાહસોને 9,351 શેડ ફાળવી આપ્યા હતા. 1986-87 દરમિયાન જી.આઈ.ડી.સી. વસાહતોમાં 3,500 ઔદ્યોગિક સાહસો કાર્યરત હતાં.

ગુજરાતમાં તથા અન્ય રાજ્યોમાં ઔદ્યોગિક વસાહતો પાણી, વીજળી તથા વાહન અને સંદેશાવ્યવહાર જેવી પાયાની સુવિધાઓ ઉપરાંત બીજી અનેક સગવડો પૂરી પાડે છે તેમજ ભાડા-ખરીદ પદ્ધતિથી ઔદ્યોગિક શેડ કે જમીનના પ્લૉટ ફાળવે છે. આને કારણે ઊગતા ઉદ્યોગ-સાહસિકોને મોટી રાહત મળે છે અને તેઓ ઓછી મૂડીથી પોતાનું સાહસ શરૂ કરી શકે છે. ઔદ્યોગિક વસાહતો ઊગતા ઉદ્યોગ-સાહસિકોને સાહસ ખેડવા માટે પ્રોત્સાહિત કરવાની દિશામાં ઉમદા સાધન પુરવાર થયેલ છે.

ભારતમાં ઔદ્યોગિક વસાહતોના બે ઉદ્દેશોમાંથી પ્રથમ ઉદ્દેશ મહદ્ અંશે પરિપૂર્ણ થયેલ છે, ઔદ્યોગિક વસાહતો નવાં ઔદ્યોગિક સાહસોને અને વિશેષ કરીને આધુનિક ઔદ્યોગિક સાહસોને ખીલવવામાં સારી રીતે સફળ થયેલ છે. પરંતુ ગ્રામીણ પ્રદેશોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિના વિકેન્દ્રીકરણની દિશામાં તેને ધારી સફળતા પ્રાપ્ત થઈ નથી. દા.ત., ભૌગોલિક ર્દષ્ટિએ માર્ચ 1979 સુધી સ્થપાયેલી 1,098 વસાહતોમાંથી 633 વસાહતો શહેરી વિસ્તારોમાં, 296 વસાહતો અર્ધ-શહેરી વિસ્તારોમાં તથા 169 વસાહતો ગ્રામીણ વિસ્તારોમાં સ્થાપવામાં આવી હતી. ગ્રામીણ ઔદ્યોગિક વસાહતોની પ્રગતિ સામાન્યત: ધીમી રહી છે તેટલું જ નહિ તે વસાહતોમાં ઔદ્યોગિક શેડ અને બીજી સુવિધાના ઉપયોગમાં વણવપરાયેલી શક્તિનું પ્રમાણ મોટું રહેવા પામ્યું છે. અમુક કિસ્સાઓમાં ગ્રામીણ ઔદ્યોગિક વસાહતો કાર્યરત થવા પામી જ નથી.

ભારત તથા ગુજરાતમાં મોટેભાગે સામાન્ય ઔદ્યોગિક વસાહતો જ સ્થાપવામાં આવી છે. આ વસાહતોમાં વહેલા તે પહેલાના ધોરણે એકમોને પ્રવેશ આપવામાં આવતો હોવાથી મોટાભાગની વસાહતોમાં બધા જ પ્રકારનાં સાહસો એકત્રિત થયેલાં જોવા મળે છે. પરસ્પર સંકળાયેલા વિશિષ્ટ પ્રકારના ઔદ્યોગિક એકમોનું જૂથ હોય તેવી ઔદ્યોગિક વસાહતો જવલ્લે જ જોવા મળે છે. તેવી જ રીતે આનુષંગિક (ancillary) ઔદ્યોગિક સાહસો ધરાવતી હોય તેવી વસાહતો પણ ખાસ જોવા મળતી નથી. ભારતમાં તેમજ ગુજરાતમાં અનેક પ્રકારનાં ઔદ્યોગિક સાહસો ધરાવતી સામાન્ય ઔદ્યોગિક વસાહતોનું જ પ્રભુત્વ હોવાને કારણે એક જ ઔદ્યોગિક વસાહતમાં આ ઔદ્યોગિક સાહસોને પરસ્પર પૂરક બનવાની અને તે પ્રકારના સંબંધમાંથી પ્રાપ્ત થતા અનેકવિધ આર્થિક લાભો મેળવવાની તક સાંપડી નથી.

રજનીકાન્ત સંઘવી