ઔદ્યોગિક મેળો : ઔદ્યોગિક ચીજવસ્તુઓનો પ્રચાર કરવાના તથા વેચાણ વધારવાના હેતુથી ચોક્કસ સ્થળે ચોક્કસ સમય દરમિયાન યોજાતું વિશિષ્ટ પ્રદર્શન. વ્યાપાર અને વાણિજ્યની આધુનિક પ્રવૃત્તિમાં પ્રયોજિત કે ઉત્પાદિત વસ્તુના પ્રચારને સવિશેષ મહત્ત્વ આપવામાં આવે છે અને તેના પર ઉત્પાદકો દ્વારા જંગી ખર્ચ કરવામાં આવે છે, જેને વેચાણખર્ચ કહેવામાં આવે છે. ઔદ્યોગિક મેળા પર થતો ખર્ચ આવા પ્રદર્શનમાં ભાગ લેનાર પેઢી માટે વેચાણખર્ચ હોય છે. આધુનિક જમાનામાં ઉત્પાદનનું વૈવિધ્ય, તેની ઝડપ તથા ગતિશીલતા જોતાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પન્ન થતી બધી જ ચીજવસ્તુઓ અંગેની માહિતી સામાન્ય ગ્રાહક ધરાવી શકે નહિ. એટલું જ નહિ, પરંતુ ટેકનૉલોજિકલ ક્ષેત્રમાં થતા ઝડપી ફેરફારોને લીધે ઉત્પાદિત વસ્તુના સ્વરૂપમાં તથા તેની ઉપયોગિતામાં પણ સતત ફેરફાર થતા હોય છે, જેની જાણકારી પ્રાપ્ત કરવી ગ્રાહક માટે લગભગ અશક્ય હોય છે. તેથી ગ્રાહક વસ્તુની શોધ કરે તેના કરતાં ઉત્પાદકો વિશાળ સંખ્યા ધરાવતા ગ્રાહકો સુધી પોતાની વસ્તુની માહિતી પહોંચાડે અને તે દ્વારા વસ્તુની ખરીદી માટે તેમને પ્રોત્સાહિત કરે એવા આશયથી ઔદ્યોગિક મેળાનું આયોજન કરવામાં આવે છે. આવા મેળામાં મુકાતી વસ્તુઓના ઉપયોગ, વસ્તુની જાળવણી તથા તેની વિશિષ્ટતાઓ તે મેળાના સ્થળે પ્રત્યક્ષ નિદર્શન દ્વારા સમજાવવામાં આવે છે.

બજારોનું સ્વરૂપ, લોકરુચિ, ગ્રાહકોની અપેક્ષાઓ તથા આકાંક્ષાઓ વિકસતી જાય છે તેમ આવા મેળાનાં સ્વરૂપ અને વ્યાપમાં પરિવર્તન આવે તે સ્વાભાવિક છે. દેશનાં જુદાં જુદાં નગરો તથા મહાનગરોમાં આવા મેળાનું અવારનવાર આયોજન કરવામાં આવે છે. ઉપરાંત, દેશના પાટનગરમાં અથવા મોટાં ઔદ્યોગિક શહેરોમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરના ઔદ્યોગિક મેળા યોજવામાં આવતા હોય છે.

ભારત સરકારે આવાં પ્રદર્શનો અને મેળાનું વ્યવસ્થિત આયોજન કરવા માટે ટ્રેડ ઑથૉરિટી ઑવ્ ઇન્ડિયા નામની સંસ્થાની સ્થાપના કરી છે.

હિમાંગી અરવિંદ શેવડે