ઔદ્યોગિક માળખું : પ્રાકૃતિક સાધનો પર પ્રક્રિયા કરીને વાપરવા યોગ્ય માલનું અથવા વિશેષ ઉત્પાદનપ્રક્રિયા માટેના માલનું ઉત્પાદન કરનારા વિવિધ પ્રકારના ઉદ્યોગોની સંરચના. તેમાં ઉપભોગ્ય તથા ઉત્પાદક વસ્તુઓનું યંત્રશક્તિ વડે મોટા પાયા પર ઉત્પાદન કરતા એકમો ઉપરાંત કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો તથા હાથકારીગરીના એકમોનો સમાવેશ થાય છે.

ઉત્પાદનનું સ્વરૂપ તથા ઉત્પાદન-વ્યવસ્થા અને તેની પ્રક્રિયામાં માનવશ્રમના ફાળાને આધારે ઔદ્યોગિક માળખું ત્રણ સ્તરનું હોઈ શકે : (क) પ્રાથમિક ઉદ્યોગો : એમાં કૃષિ, વન, મત્સ્ય, ઢોરઉછેર, ખાણ તથા ખનિજ-ઉત્પાદનનો સમાવેશ થાય છે. અલ્પવિકસિત તથા વિકસતા દેશોના અર્થતંત્ર પર આ ક્ષેત્રનું વર્ચસ્ હોય છે, જે તેમના અર્થતંત્રના સ્તરનો નિર્દેશ કરે છે. આનુષંગિક (secondary) તથા પૂરક ઉદ્યોગો અને વ્યવસાયો(tertiary)ના વિકાસ સાથે રાષ્ટ્રીય ઉત્પાદનમાં પ્રાથમિક ઉદ્યોગોના ફાળાનું પ્રમાણ ઘટતું જાય છે. (ख) આનુષંગિક ઉદ્યોગો : આમાં કાચા માલમાંથી અંતિમ વપરાશની અથવા અર્ધતૈયાર ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો ઉપરાંત જળવિદ્યુત-શક્તિ, ભૂઉષ્મીય ઊર્જા, સૌર ઊર્જા, પવન-ઊર્જા તથા બાંધકામને લગતા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આ ઉદ્યોગોના બે પેટાવિભાગોમાં ભારે અથવા પાયાના અથવા ચાવીરૂપ ઉદ્યોગો અને અંતિમ વપરાશની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ઉત્પાદનના કદની ર્દષ્ટિએ પણ તેના બે પેટાવિભાગ પાડી શકાય : મોટા પાયા પર અને નાના પાયા પર ઉત્પાદન કરતા ઉદ્યોગો. આર્થિક વિકાસની સાથે રાષ્ટ્રીય ઉત્પાદનમાં આનુષંગિક ઉદ્યોગોનો ફાળો સતત વધતો જાય છે. (ग) તૃતીય ઉદ્યોગો : તે અર્થતંત્રને પૂરક સેવા પૂરી પાડે છે. આ ક્ષેત્રમાં ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન થતું નથી છતાં વિવિધ સેવા દ્વારા તે સંપત્તિનું સર્જન કરે છે. તેમાં બૅંકિંગ, વીમો, નાણાં અને શાખનું સંયોજન, મૂડીરોકાણ, વ્યાપાર, વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર, માહિતીપ્રસારણ, જાહેરાતો, તજ્જ્ઞોની સલાહ (consultancy), પ્રવાસન, શિક્ષણ, સ્વાસ્થ્ય, સામાજિક કલ્યાણ, જાહેર વહીવટ, પોલીસ તથા સંરક્ષણ જેવી સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે.

ઉત્પાદનના કદ અથવા પ્રમાણ અને ઉત્પાદનપદ્ધતિની ર્દષ્ટિએ ઔદ્યોગિક માળખાના (क) સંગઠિત તથા (ख) અસંગઠિત એવા વિભાગ પાડી શકાય. સંગઠિત ઉદ્યોગોમાં યંત્રશક્તિના બહોળા ઉપયોગ દ્વારા મોટા પાયા પર એકસરખા ધોરણવાળી (standardised) ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે, તો અસંગઠિત ઉદ્યોગોમાં યંત્રનિર્મિત ઉત્પાદનનું પ્રમાણ તથા કદ સામાન્ય રીતે મર્યાદિત હોય છે તથા તેમાં એકસરખાં ધોરણવાળી વસ્તુઓનું ઉત્પાદન શક્ય હોતું નથી. હસ્તકારીગરીના વ્યવસાયમાં તો કારીગરના વ્યક્તિગત કૌશલ્યનું પ્રાધાન્ય વધારે હોય છે.

માલના સ્વરૂપની ર્દષ્ટિએ વિચારીએ તો ઔદ્યોગિક માળખામાં બે પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો હોય છે : ઉત્પાદક વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો; દા.ત., અર્ધતૈયાર માલ, યંત્રો, ઓજારો, કાચો માલ, છૂટા ભાગ (spare parts) વગેરે; અને ઉપભોક્તાને સીધો તુષ્ટિગુણ આપે તેવી ઉપભોગ્ય ચીજવસ્તુઓ, જેને અંતિમ વપરાશની વસ્તુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઉદ્યોગોમાં રોકાયેલી મૂડીના પ્રમાણને આધારે ઔદ્યોગિક માળખામાં બે પ્રકારના ઉદ્યોગો હોઈ શકે : મૂડીપ્રધાન ઉદ્યોગો – એમાં મૂડીરોકાણનું પ્રમાણ વધારે હોય છે અને માનવશ્રમની સરખામણીમાં યંત્રશક્તિનો બહોળો ઉપયોગ થતો હોય છે. સ્વાભાવિક રીતે આવા ઉદ્યોગોમાં રોજગારીનું પ્રમાણ ઓછું હોય છે. તેનાથી ઊલટું, શ્રમપ્રધાન ઉદ્યોગોમાં મૂડીનો ઉપયોગ ઓછો અને શ્રમશક્તિનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. જે અર્થતંત્રમાં માનવશ્રમની છત અને મૂડીની અછત હોય તે અર્થતંત્ર માટે રોજગારીની તક વિસ્તારવા માટે શ્રમપ્રધાન ઉદ્યોગોની સ્થાપના અને તેમના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. દા.ત., ત્રીજા વિશ્વના દેશો.

સ્પર્ધાનું સ્વરૂપ તથા તીવ્રતાના સંદર્ભમાં વિચારીએ તો ઔદ્યોગિક માળખામાં પૂર્ણ સ્પર્ધાવાળા ઉદ્યોગો, સંપૂર્ણ ઇજારો કે એકાધિકાર હેઠળના ઉદ્યોગો, ઇજારાયુક્ત અથવા અપૂર્ણ હરીફાઈવાળા ઉદ્યોગો અને અલ્પહસ્તક ઇજારો ધરાવતા ઉદ્યોગો  એમ વર્ગીકરણ કરવામાં આવે છે. પૂર્ણ હરીફાઈવાળા ઉદ્યોગોમાં ઉત્પાદકોની સંખ્યા ઘણી મોટી હોવાથી કોઈ એક પેઢી પોતાના ઉત્પાદનના કદમાં ફેરફાર કરી વસ્તુની બજાર કિંમત નિર્ધારિત કરી શકે નહિ. પરંતુ સંપૂર્ણ ઇજારામાં એક જ ઉત્પાદક હોવાથી સમગ્ર પુરવઠા પર તેનો એકાધિકાર હોય છે, જેને લીધે તે ઉત્પાદનમાં ફેરફાર કરી વસ્તુની કિંમત પર અસર કરી શકે છે. ઇજારાયુક્ત અથવા અપૂર્ણ હરીફાઈમાં ઉત્પાદકોની સંખ્યા મોટી હોય છે, પરંતુ વસ્તુવિકલન તથા વેચાણખર્ચને જોરે તેઓ પોતાની વસ્તુના બજાર પર એકાધિકાર ધરાવતા હોય છે. અલબત્ત, ઉત્પાદકોની સંખ્યા મોટી હોવાથી એકાધિકાર છતાં તે બીજા ઉત્પાદકો સાથે સ્પર્ધા ટાળી શકતા નથી. અલ્પહસ્તક ઇજારામાં પેઢીઓની સંખ્યા એક કરતાં વધારે, પરંતુ મર્યાદિત હોય છે. ભાવયુદ્ધ તથા અનિર્ણીત માંગરેખા તેનાં મુખ્ય લક્ષણો ગણાય છે. જો પેઢીઓની સંખ્યા બે હોય તો તેને દ્વિહસ્તક ઇજારો કહેવામાં આવે છે, જે અલ્પહસ્તક ઇજારાનો એક વિશિષ્ટ પ્રકાર છે.

માલિકીના સંદર્ભમાં ઔદ્યોગિક માળખામાં ત્રણ પ્રકારના ઉદ્યોગો હોઈ શકે : સીધી સરકારી માલિકીવાળા કે રાષ્ટ્રીયકૃત ઉદ્યોગો, સંયુક્ત માલિકીવાળા ઉદ્યોગો અને ખાનગી માલિકીના ઉદ્યોગો. આ ત્રણને ક્રમશ: જાહેર ક્ષેત્રના, સંયુક્ત ક્ષેત્રના તથા ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો તરીકે પણ ઓળખવામાં આવે છે. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોમાં સરકારી તથા ખાનગી બંને પ્રકારની મૂડીનું રોકાણ થયેલું હોય છે. સંરક્ષણને લગતા ઉદ્યોગો તથા દેશની કરોડરજ્જુ ગણાય તેવા પાયાના કે ચાવીના ઉદ્યોગો પર મહદ્અંશે સરકારની સીધી માલિકી હોય છે. વિકાસશીલ દેશોના આર્થિક વિકાસમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનો ફાળો નોંધપાત્ર હોય છે, તેથી જ આયોજનની પ્રક્રિયામાં તેને વિશિષ્ટ સ્થાન આપવામાં આવે છે.

ઉદ્યોગોની માલિકી તથા સંચાલન પર વર્ચસ્ની ર્દષ્ટિએ દેશમાં બે પ્રકારના ઉદ્યોગોનું માળખું હોઈ શકે : સ્વદેશી ઉદ્યોગોમાં દેશની મૂડી રોકાયેલી હોય છે અને તેનું સંચાલન દેશના નાગરિકો/તજ્જ્ઞો કરતા હોય છે. આવા ઉદ્યોગોને મળતા નફા પર દેશનો અધિકાર હોય છે અને તેથી તે રાષ્ટ્રીય આવકની ગણતરીનો ભાગ બને છે. વિદેશી માલિકીના ઉદ્યોગો – એમાં વિદેશી મૂડી તથા સંચાલનનું વર્ચસ્ હોય છે અને તેના નફાનું આંતરરાષ્ટ્રીય પ્રેષણ (remittance) થતું હોય છે.

સળંગ ઉત્પાદનના સાતત્યને આધારે જોઈએ તો ઔદ્યોગિક માળખામાં બે પ્રકારના ઉદ્યોગો અસ્તિત્વ ધરાવે છે : બારમાસી ઉદ્યોગો – જેમાં વર્ષ દરમિયાન સતત, વિક્ષેપ વિના ઉત્પાદન થઈ શકે છે. દા.ત., લોખંડ અને પોલાદ, સિમેન્ટ, રસાયણ, યંત્ર ઉદ્યોગ વગેરે. પરંતુ કેટલાક ઉદ્યોગો વર્ષ દરમિયાન નિશ્ચિત સમય દરમિયાન ઉત્પાદન કરી શકતા હોય છે. આવા ઉદ્યોગોને ઋતુગત ઉદ્યોગોની કક્ષામાં મૂકવામાં આવે છે. દા.ત., કૃષિ, ખાંડ વગેરે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે