ઓ એ ઓ : ભ્રમણ કરતી ખગોળવિજ્ઞાની વેધશાળા (Orbiting Astronomical Observatory) આયનમંડળ(ionosphere)ના ઉપલા સ્તરોથી ઊંચેના અંતરીક્ષમાંથી આવતાં પારજાંબલી તથા ઍક્સ-કિરણોનાં ગુચ્છ, ઊર્જા અને સ્રોતનું સર્વેક્ષણ કરતો ઉપગ્રહ.
OAO–I : ઉપર્યુક્ત ખગોળીય સંશોધન માટે, 1966ના એપ્રિલની 8 તારીખે, સૌપ્રથમ વખત તરતા મૂકેલા આ શ્રેણીના ઉપગ્રહની ભ્રમણકક્ષા 800 કિમી. ઊંચાઈએ અને 350 નમનકોણે વૃત્તીય હતી. પ્રત્યેક ભ્રમણનો આવર્તકાળ 101 મિનિટ અને તેમાં મૂકેલાં ઉપકરણોનું વજન 1,773 કિગ્રા. હતું; પરંતુ બીજા દિવસે તેનો વિદ્યુતપુરવઠો બંધ પડી જતાં, પ્રયોગ નિષ્ફળ ગયો. તે પછી 1968માં સ્મિથસોનિયન ખગોળીય ભૌતિકવિજ્ઞાનની પ્રયોગશાળા(Smithsonian Astrophysical Laboratory)માં બનાવેલાં, પારજાંબલી વિકિરણના સર્વેક્ષણ માટે ભિન્ન ભિન્ન સંવેદિતા ધરાવતાં 30 સેમી.નાં ચાર દૂરબીનો સાથેના, બીજા OAO-I ઉપગ્રહને સફળતાપૂર્વક કાર્યરત કર્યો. દરેક દૂરબીનમાંથી મળતું પ્રતિબિંબ 20 ર્દષ્ટિ-ક્ષેત્ર(field of view)ના દૂરદર્શન પરિચાયક (T. V. detector) પર ઝિલાતું હતું. તેની કામગીરીના 16 મહિના દરમિયાન આકાશના ભાગનું નિરીક્ષણ થઈ શક્યું હતું અને 13,646 અવલોકનના આધારે 5,068 પારજાંબલી વિકિરક તારાઓનો નકશો પ્રગટ થયો. આ જ ઉપગ્રહમાં 20થી 40 સેમી. વ્યાસના મુખવાળાં અનેક દૂરબીનોને પ્રકાશીય ફિલ્ટર સાથે રાખવામાં આવ્યાં હતાં. તેનાથી પૃથ્વીના વાતાવરણ, બીજા ગ્રહો અને આકાશગંગાઓ તેમજ તેમની પેલે પારથી આવતાં પારજાંબલી કિરણોની તેજસ્વિતા તથા વર્ણપટ-વિસ્તારને લગતી માહિતી પ્રાપ્ત થઈ. ચાર વર્ષના ગાળામાં દરરોજનાં બાર અવલોકનના અભ્યાસે દર્શાવ્યું કે આપણી આકાશગંગામાં થઈને, વિતરણ પામેલાં 0.01 માઇક્રોન ત્રિજ્યાના ગ્રૅફાઇટના કણ અસ્તિત્વ ધરાવે છે, જે ઠંડા, જૂના અને ખૂબ કાર્બનવાળા તારામાંથી નીકળતા કણ જેવા હોય છે. બાજુની અન્ય આકાશગંગાઓમાંથી પણ આવા કણનું ઉત્સર્જન થતું હોવાનું જણાયું. ટાગો-સાકો-કાસાકા અને બેનેટ એવા બે ધૂમકેતુની નજીકમાં, સૂર્યના કદ કરતાં અડધા કદનાં હાઇડ્રોજન વાયુનાં વાદળોની, અનપેક્ષિત શોધ થઈ. તેમાં H2, OH અને O વાયુનું અસ્તિત્વ સૂચવે છે કે ધૂમકેતુની નાભિમાં થીજેલું પાણી મુખ્ય ઘટક હોઈ શકે.
OAO–II (બીજું નામ કૉપરનિકસ) : અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીની વેધશાળાએ બનાવેલ એથેલ ગ્રેટિંગયુક્ત પ્રકાશવીજ-વર્ણપટમાપક સાથે 80 સેમી.નું દૂરબીન લઈને, આ ઉપગ્રહ 1972માં ભ્રમણ કરતો થયો. દૂરબીનની વિભેદનક્ષમતા 0.005થી 0.01 nm ( = 0.05થી 0.1 Å) હતી. તેનાથી આંતરતારકીય માધ્યમમાં આંતરક્રિયાથી નીપજતી ઝાંખી અવશોષણ-રેખા પણ શોધી શકાઈ. આ ઉપગ્રહની મદદથી ઘણી જાતના અણુ-પરમાણુઓના પારજાંબલી અવશોષણ-વર્ણપટ-વિસ્તાર જોવા મળ્યા. આંતરતારકીય વાદળમાં C, O, N અને P તત્ત્વો કરતાં, હાઇડ્રૉજનનો સમસ્થાનિક એવો ડ્યુટેરિયમ (ભારે હાઇડ્રોજન) વાયુ વધારે પ્રમાણમાં હોવાનું જણાયું.
OAO–III : લંડન યુનિવર્સિટીએ બનાવેલ, ખગોળીય ઍક્સ-કિરણોના સ્રોત શોધવા માટેના ઉપકરણ સાથે, આ ઉપગ્રહ 1972ના ઉત્તરાર્ધમાં છોડવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિક અવલોકનની કાર્યવહી પણ તે યુનિવર્સિટીએ સંભાળી હતી. ઉહુરુ ઉપગ્રહમાં મોકલેલાં ઉપકરણોની તુલનાએ, આ ઉપકરણો વિવિક્ત (discrete) સ્રોતનાં સ્થાન વધારે ચોકસાઈથી નક્કી કરી શકતાં હતાં. ત્યારબાદ અમેરિકાના સહયોગથી ડચ વૈજ્ઞાનિકોએ ખગોળવિજ્ઞાની નેધરલૅન્ડ ઉપગ્રહ(Astronomical Netherland Satellite – ANS)ને 1974ના ઑગસ્ટ માસમાં તરતો મૂક્યો. તેમાં પારજાંબલી અને 250 eV (તરંગલંબાઈ 50 Å) જેટલી નિમ્ન ઊર્જાનાં ઍક્સ-કિરણોના સ્રોત શોધવા માટેનાં ઉપકરણો ગોઠવવામાં આવ્યાં હતાં.
કાંતિલાલ મોતીલાલ કોટડિયા