ઓશન લાઇનર : નિયત કરેલાં બંદરો વચ્ચે, નિયત કરેલા પ્રવાસમાર્ગે સફર કરતું જહાજ. બે પ્રકારનાં જહાજ હોય છે (1) માલવાહક અને (2) પ્રવાસીવાહક.
કોઈ પણ બંદરે માગણી કરવાથી બંદરનો માલ લઈ જતી આગબોટો(tramp ship)ના કરતાં માલવાહક જહાજોની ગતિ વધુ હોય છે, કારણ કે તેમને નિયત સમયે માલ પહોંચાડવાનો હોય છે. માલ ભરવા-ઉતારવાની સુવિધા ધરાવતાં બંદરોને અનુકૂળ થઈ પડે તેવી યાંત્રિક સામગ્રીથી આ માલવાહક જહાજો સજ્જ હોય છે. આ સદીના છઠ્ઠા દશકા પહેલાં સામાન્ય માલવાહક જહાજોની માંગ હતી, ત્યારપછી આ પ્રકારનાં માલવાહકોની માંગ ઘટી છે. 20’ × 8’ × 8’ અથવા 40’ × 8’ × 8’ના માપની પેટીઓનું વહન કરી શકે તેવા પાત્રવાહક જહાજ(container liner)ની ખૂબ માંગ છે. પેટીઓને જહાજના અંદરના ભાગમાં તેમજ ડેક પર ગોઠવવામાં આવે છે. આ પાત્રવાહક જહાજો જ્યાં પેટીઓની હેરફેરની, તેમને વખારમાં ગોઠવવાની અને ભૂમિમાર્ગ, રેલવેમાર્ગ કે જળમાર્ગ દ્વારા પરિવહનની સુવિધા હોય તેવાં બંદરો (special container ports) પૂરતી જ કામ આપે છે. આટલાન્ટિક, પૅસિફિક અને હિન્દી મહાસાગરમાં સફર ખેડતાં આવાં પાત્રવાહક જહાજો 1500 પેટીઓ લઈ જવાની ક્ષમતા ધરાવતાં હોય છે અને તેમની ગતિ કલાકના 18થી 25 દરિયાઈ માઈલ-(knot) હોય છે. આવાં વિશિષ્ટ પ્રકારનાં જહાજના પરિમાણ 250 મી. × 32 મી. × 22 મી. હોય છે; તેને તરવા માટે ઓછામાં ઓછી ઊંડાઈ 12 મી. જોઈએ અને તેને ચલાવવા માટે 30,000 kw ઊર્જા જોઈએ.
પરંપરાગત રીતે ‘ઓશન લાઇનર’નો અર્થ ‘પ્રવાસી વહાણ’ એમ ઘટાવવામાં આવતો. ઓગણીસમી સદીમાં યુરોપના અસંખ્ય પ્રવાસીઓ આટલાન્ટિક પાર કરીને અમેરિકા ગયેલા છે. યુરોપથી એશિયા અને પૂર્વના દેશોને માલ અને પ્રવાસીઓને પહોંચાડવાની માંગ વધતી ગઈ. તેને પહોંચી વળવાનું એકમાત્ર સાધન હતું જળમાર્ગ. લોખંડ અને સ્ટીલનો ઉદ્યોગોમાં ઉપયોગ શરૂ થયો અને બાષ્પશક્તિનો ઉપયોગ થવા લાગ્યો. તેમાંથી આધુનિક પ્રવાસીવાહક જહાજોનો જન્મ થયો. આ જહાજ સ્ટીલનાં બનાવવામાં આવતાં. પ્રત્યાગામી વરાળ એન્જિનથી પ્રેરિત ચાલક-પંખાઓની મદદથી તેને ચલાવવામાં આવતું, ત્યારપછી મોટાં બૉઇલરોમાં કોલસો બાળી વરાળ ટર્બાઇનથી તેમને ચલાવવામાં આવતાં.
ત્યારપછી કોલસાનું સ્થાન ખનિજતેલે લીધું. વરાળથી ચાલતાં એન્જિનોનું સ્થાન ડીઝલ તેલથી ચાલતાં એન્જિનોએ લીધું. તેમનો આજે જે ઉપયોગ થઈ રહેલ છે તે અનુસાર તે પ્રવાસી અને માલવાહક જહાજ છે, કારણ કે તે બંનેને લઈ જાય છે. વીસમી સદીની શરૂઆતથી તેમની માંગ નોંધપાત્ર રીતે વધી છે. 1907માં આટલાન્ટિકમાં પ્રવાસ ખેડતું પ્રવાસી જહાજ ‘મૉરિટાનિયા’ તરતું મુકાયું. 232 મીટર લાંબું આ જહાજ 31,000 ટન પાણીનું સ્થળાંતર કરતું, 1748 પ્રવાસીઓનું વહન કરી શકતું અને 25 દરિયાઈ માઈલની ગતિએ પ્રવાસ કરતું.
1929માં મહામંદીનું મોજું ફરી વળ્યું ત્યાં સુધી આટલાન્ટિકમાં પ્રવાસીઓના સ્થળાંતર માટે આવી માંગ વધતી જ ગઈ. 1930માં હવાઈ પ્રવાસનો પ્રારંભ થયો, તોપણ છઠ્ઠા દશકાના પ્રારંભ સુધી પ્રવાસી જહાજોની માંગ રહી. 1947થી 1957ના સમયગાળામાં ‘ક્વીન ઇલિઝાબેથ’ અને ‘ક્વીન મૅરી’ ધૂમ કમાણી કરી આપતાં જહાજ જ હતાં.
હવાઈ જહાજનું આગમન થતાં પ્રવાસ-સમય ખૂબ ઘટી જતો હોવાથી પ્રવાસી જહાજોની માંગ ઘટી. જીવનધોરણ ઊંચું ગયું. આથી વૈભવશાળી પ્રવાસી જહાજોનો જન્મ થયો. આવાં જહાજો સાર્વજનિક રૂમો, તૂતક પર રમાતી રમતો, સ્નાનાગારો, દુકાનો જેવી સુવિધાઓ પૂરી પાડતાં. આ જાતની સૌથી વધુ સગવડો 1967માં તરતા મુકાયેલા જહાજ ‘ક્વીન ઇલિઝાબેથ II’માં હતી. આ જહાજ 294 મીટર લાંબું અને 32 મીટર પહોળું હતું. 1000 જહાજ-કામદારો ઉપરાંત 2025 પ્રવાસીઓને લઈ જવાની તેની ક્ષમતા હતી. તેને ચલાવવામાં 8200 kw ઊર્જા વપરાતી અને તે 28.5 દરિયાઈ માઈલની ગતિએ ચાલતું. તે સળગી જવાથી નાશ પામ્યું. 1930થી ધીરે ધીરે મોટાં જહાજોનું સ્થાન પર્યટન-જહાજ (cruise liners) લઈ રહ્યાં છે. આ જહાજો આનંદ અને પર્યટન માટે પ્રવાસીઓને નિયત માર્ગે પ્રવાસ કરાવે છે. પર્યટન માટે જનાર જનસમૂહને શક્ય હોય તેટલી વધુ સુવિધાઓ આ જહાજો પૂરી પાડે છે. પર્યટન-જહાજના ઘણા પ્રકાર છે; પ્રવાસીઓ અને પર્યટકોને લઈ જનાર જહાજ (દા.ત., ‘સાગ ઑવ્ નૉર્વે’, કુનાર્ડ એડવેન્ચરર, જેમનો ઉપયોગ કેરેબિયન સમુદ્રમાં ટૂંકા અંતરનાં પર્યટનો માટે થાય છે). વિશ્વ-પર્યટન માટેનાં જહાજ (‘રૉયલ વાઇકિંગ સ્ટાર’), આટલાન્ટિકનાં પર્યટનો માટેનાં જહાજ (‘લિંડબ્લાડ એક્સપ્લોરર’), કાર 2 લઈ જવાની સુવિધા સાથે ટૂંકા અંતરનો પ્રવાસ કરાવનાર (‘ઇગલ’) જહાજ વગેરે. પર્યટક જહાજ માલવાહક જહાજ કરતાં કદમાં ઘણાં નાનાં હોય છે. તેમની લંબાઈ 140 મી. અને પહોળાઈ 24 મી. હોય છે અને તેમની ઝડપ 20થી 25 દરિયાઈ માઈલ હોય છે.
પ્રવાસી જહાજો આંતરખંડીય પ્રવાસ માટે પણ સેવા આપતાં હોય છે; જેમ કે, મુંબઈથી લંડન, મુંબઈથી ન્યૂયૉર્ક, ચેન્નઈથી સિંગાપોર, લંડન(અથવા સાઉધમ્પ્ટન)થી ન્યૂયૉર્ક, લા હાવરે(ફ્રાન્સ)થી ન્યૂયૉર્ક, બ્રેમેન(જર્મની)થી ન્યૂયૉર્ક, જિનોઆ(ઇટાલી)થી ન્યૂયૉર્ક વગેરે. આ જહાજોમાં પંચતારક હોટલો જેવી જ સગવડો હોય છે. આ ઉપરાંત નૌકાદળનાં જહાજ પણ હોય છે.
એસ. સી. મિશ્રા
આર. કે. બુદ્ધભટ્ટી
અનુ. વાસુદેવ યાજ્ઞિક