ઓવૈસી, અસદુદ્દીન (. 13 મે 1969, હૈદરાબાદ) : લોકસભા સાંસદ, રાજકીય પક્ષ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના પ્રમુખ અને વકીલ.

અસદુદ્દીન ઓવૈસી

અસદુદ્દીનનો પ્રારંભિક અભ્યાસ હૈદરાબાદમાં જ થયો હતો. નિઝામ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ તેમણે બ્રિટનની લિકન્સ ઈનમાંથી વકીલાતનો અભ્યાસ કર્યો હતો. ઉર્દૂ-હિન્દી અને અંગ્રેજી ભાષા પર પક્કડ ધરાવતા અસદુદ્દીનનો વિશ્વના 500 શક્તિશાળી મુસ્લિમ નેતાઓમાં સમાવેશ થાય છે.

અસદુદ્દીન ઓવૈસીને રાજકારણ વારસામાં મળ્યું છે. તેમના દાદા અબ્દુલ વાહેદ ઓવૈસીએ 1957માં એઆઈએમઆઈએમને ફરીથી શરૂ કરી હતી. આ પાર્ટી 1927માં મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (એમઆઈએમ)ના નામથી સ્થપાઈ હતી, પરંતુ નિઝામની સમર્થક પાર્ટી પર વિભાજન બાદ 1948માં પ્રતિબંધ મૂકાયો હતો. હૈદરાબાદના નિઝામ સમર્થિત નેતા કાસીમ રિઝવી એમઆઈએમના છેલ્લાં પ્રમુખ હતા. આઝાદ ભારતમાં રિઝવીને જેલ થઈ હતી અને પાકિસ્તાનમાં જવાની શરતે મુક્ત કરાયા બાદ તેણે પાર્ટીની જવાબદારી હૈદરાબાદના વકીલ અને મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસીના દાદા અબ્દુલ વાહેદને સોંપી હતી. એ પછી એઆઈએમઆઈએમ નવા નામે પાર્ટી શરૂ થઈ હતી.

અસદુદ્દીનના પિતા સુલતાન સલાહુદ્દીન ઓવૈસી આંધ્રપ્રદેશ વિધાનસભાના સભ્ય હતા અને પાર્ટીના પ્રમુખ હતા. 1984માં હૈદરાબાદની લોકસભા બેઠક પરથી સલાહુદ્દીન વિજેતા બન્યા હતા અને સતત છ ચૂંટણી સુધી તેમણે આ બેઠક જાળવી રાખી હતી. 2004માં અસદુદ્દીન માટે બેઠક ખાલી કરી આપી હતી. ત્યારથી અસદુદ્દીન હૈદરાબાદ બેઠક પરથી સતત ચાર વખત વિજેતા બનીને લોકસભામાં પહોંચે છે. લોકસભાના સાંસદ ઉપરાંત 2008થી અસદુદ્દીન ઓવૈસી એઆઈએમઆઈએમના પ્રમુખ છે.

આંધ્રપ્રદેશમાંથી તેલંગણા અલગ રાજ્ય બન્યું ત્યારથી તેલંગણા વિધાનસભામાં મતની હિસ્સેદારીની રીતે બીજા નંબરની પાર્ટી છે. તેલંગણા ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ એઆઈએમઆઈએમના મતદારો વધ્યા છે. 2019માં ઔરંગાબાદ લોકસભાની બેઠક પરથી પાર્ટીના નેતા સૈયદ ઈમ્તિયાઝે વિજેતા બનીને અપસેટ સર્જ્યો હતો. બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં એઆઈએમઆઈએમ વિધાનસભાની ચૂંટણી લડે છે. જૂના હૈદરાબાદમાં ઓવૈસીની મજબૂત પક્કડ છે. વારંવાર વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે ઓવૈસી જાણીતા છે, પરિણામે તેમના પર અલગ અલગ સમયે કેસ નોંધાઈ ચૂક્યા છે અને બદનક્ષીના કેસોમાં જામીન પર મુક્ત થયા છે. અસદુદ્દીનના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી તેલંગણા વિધાનસભામાં ધારાસભ્ય છે. તેના એક ભાઈ બુરહાનુદ્દીન ઓવૈસી ઉર્દૂ અખબાર ઈતરમાદના તંત્રી છે.

હર્ષ મેસવાણિયા