ઓવેન, વિલ્ફ્રેડ એડ્વર્ડ સાલ્ટર (જ. 18 માર્ચ 1893, ઑસ્વેસ્ટ્રી, શ્રૉપશાયર; અ. 4 નવેમ્બર 1918, ફ્રાન્સની યુદ્ધભૂમિ પર) : ‘યુદ્ધકવિઓ’ તરીકે નામના પામેલા રુપર્ટ બ્રુક, આઇઝેક રૉઝેનબર્ગ, એડ્વર્ડ ટૉમસની હરોળના બ્રિટિશ કવિ. વિલ્ફ્રેડ ઓવેન લિવરપૂલના બર્કનહેડ ઇન્સ્ટિટ્યૂટ અને શુઝબેરી ટેકનિકલ કૉલેજમાં અભ્યાસ કરી 1910માં લંડન યુનિવર્સિટીમાં દાખલ થયેલા. કવિ કીટ્સની કવિતાથી પ્રભાવિત થઈને તેમણે કાવ્યલેખન શરૂ કરેલું. 1912માં યુનિવર્સિટી કૉલેજ, રીડિંગમાં થોડાં અઠવાડિયાં અભ્યાસ કર્યા બાદ બીમારીને કારણે કૉલેજ છોડી દીધી. 1913માં તે ફ્રાંસના બોર્દોમાં એક કુટુંબમાં શિક્ષક હતા ત્યારે ફ્રેંચ પ્રતીકવાદી કવિ લૉરેં તૈલહાદ(1854-1919)ના સંપર્કમાં આવતાં તેનાથી પ્રભાવિત થયેલા. 1915માં ઇંગ્લૅન્ડ આવી તે પાયદળમાં જોડાયા. 1917ના જૂન માસમાં લડાઈમાં ઘાયલ થતાં તેઓ ઇંગ્લૅન્ડની ક્રૈગ્લોકહાર્ટ હૉસ્પિટલમાં દાખલ થયા અને યુદ્ધવિરોધી કાવ્યો લખનાર સીગફ્રીડ સાસૂનના પરિચયમાં આવ્યા. આ કવિની મૈત્રીએ તેમની કવિત્વશક્તિને વિશેષ ખીલવી. ઓસ્બર્ટ અને એડિથ સિટવેલ એ ભાઈબહેનનો પ્રભાવ પણ તેમણે ઝીલ્યો હતો. 1918ના ઑગસ્ટમાં તેઓ લશ્કરમાં ફ્રાંસ ગયા. ત્યાં બહાદુરી માટે તેમને લશ્કરી ચંદ્રક એનાયત થયો. તે સોંબ્રે નહેર પાર કરતાં યુદ્ધમાં 25 વર્ષની ભરયુવાન વયે મૃત્યુ પામ્યા.
ઓવેનની કવિ તરીકેની કારકિર્દી મૃત્યુ બાદ પ્રસરી હતી. 1920ના ડિસેમ્બરમાં સીગફ્રીડ સાસૂને તેમનો કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો અને 1931માં એડમન્ડ બ્લન્ડને ફરીથી નવી આવૃત્તિમાં આ સંગ્રહ સાથે કવિ વિશેનાં સંસ્મરણો ઉમેરીને કવિની ખ્યાતિમાં વધારો કર્યો. તેમનાં કેટલાંક કાવ્યો બ્રિટને ‘વૉર રિકવાયમ’માં સંગીતબદ્ધ કર્યાં હતાં. ‘ધ ક્લેક્ટેડ પોએમ્સ’ 1963માં પ્રગટ થયું હતું. ઓવેનની કવિતાનું સર્જન લગભગ એક વર્ષ(1917-1918)ના ગાળામાં જ થયું હતું. તેમને યુદ્ધ પ્રત્યે તિરસ્કાર હતો, ‘ફ્યુટિલિટી’ અને ‘એન્થમ ફૉર ડૂમ્ડ યૂથ’ વગેરે તેમનાં જાણીતાં કાવ્યો છે. તે પ્રથમ કક્ષાના યુદ્ધકવિ ગણાય છે. 1974માં તેમનું જીવનચરિત્ર જોન સ્ટાલવર્ધીએ પ્રગટ કર્યું હતું. તેમના જીવનકાળ દરમિયાન માત્ર 4 કાવ્યો જ પ્રસિદ્ધ થયાં હતાં. એમાંય તેમનું ‘સાગ ઑવ્ સાગ્ઝ’ તો અનામી કવિ તરીકે છપાયું હતું. ઓવેન કહે છે : ‘મારો વિષય યુદ્ધ છે અને તે પણ યુદ્ધની દયા. આ દયામાં જ કવિતા છે.’ સૈનિકો માટે તે લખે છે, ‘વૉટ પાસિંગ બેલ્સ ફૉર ધોઝ, હુ ડાઇ ઍઝ કૅટલ’ – કોઈ પણ જાતના ભાન સિવાય હણાઈ ગયેલ પશુઓ જેવા આ સૈનિકોને માટે માનઅકરામના આ ઘંટારવ વગાડીને તમે શું કરી રહ્યા છો ?’ કવિના ભાઈ હર્બર્ટ ઓવેને ત્રણ ગ્રંથોમાં ‘જર્ની ફ્રૉમ ઑબ્સ્ક્યૂરિટી’(1960-65)માં કવિની જીવનકથા લખી છે.
કૃષ્ણવદન જેટલી
વિ. પ્ર. ત્રિવેદી