ઓર્મુઝ (Hormuz) : ઓર્મુઝની સામુદ્રધુની ઉપરનો ઈરાનમાં આવેલો એ નામનો ટાપુ. ભૌગોલિક સ્થાન : 260 34′ ઉ. અ. અને 560 15′ પૂ. રે. વિસ્તાર 41 ચોકિમી. બંદર અબ્બાસથી પૂર્વમાં આશરે 80 કિમી. દૂર આધુનિક મિનાબ શહેરની નજીક ઓર્મુઝ શહેર આવેલું હતું. ઓર્મુઝની સામુદ્રધુની ઓમાનના અખાતને પર્શિયન અખાત સાથે સાંકળે છે. આઠ કિમી. લાંબા આ ટાપુના ઉત્તરી છેડે ઓર્મુઝ બંદરના અવશેષો હાથ લાગ્યા છે. ચૌદમીથી સોળમી સદી દરમિયાન ઓર્મુઝ પર્શિયન અખાતનું અગ્રણી વેપારકેન્દ્ર હતું. આ ટાપુ ઉપર મુખ્ય વસ્તી ઈરાનીઓની હતી. ઉપરાંત બલુચીઓ અને અરબોની થોડી વસ્તી હતી. આજે આ સામુદ્રધુનીનું તેલવાહક જહાજો લાવવા લઈ જવા માટે વ્યૂહાત્મક મહત્વ છે. અહીંથી પશ્ચિમ તરફ તેમજ જાપાન સુધી તેલ પહોંચાડાય છે.

ઈ.પૂ.ની ચોથી સદીના નીઆરકુશની દરિયાઈ લૉગબુકમાં ઓર્મુઝનો સર્વપ્રથમ નિર્દેશ સાંપડે છે. ચિનાબ નદીના મુખ ઉપર હોરમોઝિયાના કાંઠે ઍલેક્ઝાન્ડરનું નૌકાદળ લાંગર્યું હતું ત્યારે સાસાની શાસક અર્દેશીર પહેલાએ અહીં આ શહેર સ્થાપ્યું હોવાનું કહેવાય છે, પરંતુ એનું મહત્વ વધ્યું અરબ આક્રમણ પછી. ઇદ્રિસી, ઇસ્તખ્રી, અલ મકદિસિ જેવા ભૂગોળવિદોએ ઓર્મુઝનો ઉલ્લેખ વેપારના મુખ્યમથક તરીકે કર્યો છે. અરબ ભૂગોળવિદ્ યાકુત-(બારમી-તેરમી સદી)ના મત મુજબ ભારત અને ચીનના વેપારનું તે એક કેન્દ્ર હતું. માર્કો પોલોએ (1272-1293) આ બંદરની બે વખત મુલાકાત લીધી ત્યારે ઓર્મુઝ વેપારનું મહત્વનું કેન્દ્ર હતું.

1507માં પૉર્ટુગીઝોએ આ બંદર ઉપર હુમલો કરેલો. 1514-15માં આલ્ફાન્ઝો આલ્બુકર્કની સબળ નેતાગીરી હેઠળ પૉર્ટુગીઝોએ ઓર્મુઝ બંદર કબજે કર્યું અને તેણે અહીં કિલ્લો બાંધ્યો હતો. અહીં 1622 સુધી પૉર્ટુગીઝોનો કબજો રહ્યો હતો. દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પર્શિયા સાથેના વેપારી સંબંધોની સ્થાપના થઈ. અંગ્રેજો પૉર્ટુગીઝો સાથે વારંવાર સંઘર્ષમાં આવ્યા. પોતાની હકૂમત હેઠળના ઓર્મુઝ બંદર ઉપર પૉર્ટુગીઝોનો કબજો સહન ન થતાં શાહ અબ્બાસ પહેલાએ અંગ્રેજ નૌકાદળની મદદ લઈ 1622માં ઓર્મુઝ બંદર જીતી લીધું. આ પછી વેપારી પ્રવૃત્તિઓ ઓર્મુઝથી ખસીને અબ્બાસ બંદરે શરૂ થઈ. ઓર્મુઝનાં ખંડેરોમાં પૉર્ટુગીઝ કિલ્લો મોજૂદ છે.

રસેશ જમીનદાર