ઑર્બિક્યુલર સંરચના : અગ્નિકૃત ખડકોમાં જોવા મળતી વિશિષ્ટ પ્રકારની સંરચનાનો ક્વચિત્ મળી આવતો એક વિરલ પ્રકાર. મુખ્યત્વે ગ્રૅનાઇટ કે ડાયોરાઇટ જેવા સંપૂર્ણ સ્ફટિકમય કણરચના ધરાવતા કેટલાક અંત:કૃત ખડકોમાં ક્યારેક આ સંરચના જોવા મળી જાય છે; એમાં તેનો મધ્યસ્થ ભાગ (nucleus) કોઈક આગંતુક ખડકનો બનેલો હોય અને તેની આજુબાજુ વિવિધ ખનિજીય બંધારણવાળાં વલયાકાર પડ વીંટળાયેલાં હોય. આ વલયાકાર પડ પૂર્ણ કે અપૂર્ણ દડા આકારનાં સંકેન્દ્રણોના સ્વરૂપમાં જોવા મળે છે; તેમનો વ્યાસ 2 સેમીથી 15 સેમી. સુધીનો હોઈ શકે છે. આ માટેનું જગપ્રસિદ્ધ ઉદાહરણ કૉર્સિકાનો ઑર્બિક્યુલર ડાયોરાઇટ છે. ભૂમધ્ય સમુદ્રમાં કૉર્સિકાના ટાપુમાં મળી આવતા ઑર્બિક્યુલર સંરચના ધરાવતા ડાયોરાઇટને કૉર્સાઇટ અને નેપોલિયનાઇટ જેવાં વિશિષ્ટ નામ અપાયેલાં છે.

ઑર્બિક્યુલર સંરચના

આ કૉર્સાઇટનો કેન્દ્રભાગ ડાયોરાઇટનો બનેલો છે. તેની ફરતે વિકેન્દ્રિત ગોઠવણીવાળા બાયટોનાઇટ-ફેલ્સ્પારનાં અને ઓછા ફેલ્સ્પાર સહિતનાં હૉર્નબ્લેન્ડ-પાયરૉક્સિનાઇટ મિશ્રણનાં બનેલાં વારાફરતી ગોળાકાર પડ વીંટળાયેલાં છે. ઑર્બિક્યુલર સંરચનાનાં મોટાભાગનાં ઉદાહરણો તો આકસ્મિક આગંતુક ખડકો સાથેની પ્રક્રિયા કરતા વિશિષ્ટ નમૂના સાથે સંકળાયેલાં હોય છે.

ગિરીશભાઈ પંડ્યા