ઓર્તેગા ય ગાસેત, યોઝ (જ. 9 મે 1883, મેડ્રિડ, સ્પેન; અ. 18 ઑક્ટોબર 1955, મેડ્રિડ, સ્પેન) : સ્પૅનિશ લેખક અને ચિંતક. જર્મનીમાં તત્વજ્ઞાનનો પાંચ વર્ષ અભ્યાસ. 1910-1936 સુધી મૅડ્રિડ યુનિવર્સિટીમાં અધ્યાત્મવાદ(metaphysics)ના અધ્યાપક. તે પ્રિમો દ રિવેરાની તાનાશાહીના વિરોધી હતા. સ્પેનના આંતરવિગ્રહ દરમિયાન તેમણે સ્વયં દેશવટો ભોગવ્યો હતો. 1945માં તે સ્પેન પાછા ફરેલા. તેમણે તત્વજ્ઞાન, સાહિત્ય, રાજકારણ વગેરે વિવિધ વિષયોનું વિપુલ લેખન કર્યું હતું. ઓર્તેગાની લેખનશૈલી એક સાહિત્યિક કલાકારની હતી.

યોઝ ઓર્તેગા ય ગાસેત

1914માં તેમનું પ્રથમ પુસ્તક ‘મેડિટેશન્સ ઑન કિહોટે’ (1961) પ્રગટ થયું. તેમણે આપેલું પ્રવચન ‘ઓલ્ડ ઍન્ડ ન્યૂ પોલિટિક્સ’, ઇતિહાસકારોને મન રાજાશાહીનું પતન લાવનારું નીવડ્યું. 1915માં તેમણે એઝોરિન, બરોજા અને પરેઝ દ અપાલાના સહકારથી પ્રભાવશાળી સામયિક ‘એસ્પાના’ (સ્પેન) શરૂ કર્યું. તેમણે ‘રિવ્યૂ ઑવ્ ધ વેસ્ટ’ નામનું બીજું સામયિક શરૂ કર્યું હતું (1923-35). તેમનાં બીજાં જાણીતાં પુસ્તકો ‘ઇનવર્તેબ્રેત સ્પેન’ (1937); ‘ધ મૉડર્ન થીમ’ (1933) અને ‘ધ ડિહ્યૂમનિઝમ ઑવ્ આર્ટ’ (1948). ‘મેડિટેશન્સ ઑન કિહોટે’ના ઉપોદઘાતમાં ઓર્તેગાના તત્વચિંતનનું હાર્દ પ્રગટ થવા પામ્યું છે. માનવની વ્યાખ્યા આપતાં તેમણે કહ્યું છે : ‘આઇ ઍમ માઇસેલ્ફ ઍન્ડ માઇ સરાઉન્ડિંગ્સ’ જર્મન તત્વચિંતક વિલ્હેમ ડિલ્થીની કૃતિઓના સંપર્કથી ઓર્તેગાને તેમની ઇતિહાસ વિશેની માન્યતાને ટેકો મળ્યો. આ માન્યતા ‘હિસ્ટરી ઍઝ એ સિસ્ટમ’(1961)માં વ્યક્ત થયેલી છે. ઓર્તેગાને વિશ્વવ્યાપી ખ્યાતિ અપાવનાર કૃતિ છે. – ‘ધ રિવોલ્ટ ઑવ્ ધ માસિસ’. ઓર્તેગા અત્યંત બુદ્ધિશાળી હોવા ઉપરાંત શબ્દના કલાકાર છે. આથી તેમની વિચારધારા અને તેમનું તત્વચિંતન સુંદર સાહિત્યસર્જન બની રહે છે.

કૃષ્ણવદન જેટલી