ઑર્ડોવિસિયન રચના (Ordovician System) : ભૂસ્તરીય કાળગણનાક્રમ મુજબ પ્રથમ જીવયુગની છ ખડકરચનાઓ પૈકીની દ્વિતીય ક્રમે આવતી રચના. આ રચના તૈયાર થવા માટેનો સમયગાળો એટલે ઑર્ડોવિસિયન કાળ. ભૂસ્તરીય ઇતિહાસના અતીતમાં ગણતરી મૂકતાં 6.5 કરોડ વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલેલો ઑર્ડોવિસિયન કાળ આજથી 50 કરોડ વર્ષ પૂર્વે શરૂ થયેલો અને 43.5 કરોડ વર્ષ પૂર્વે પૂરો થયેલો. આ રચના માટે લેપવર્થે 1879માં આપેલું ‘ઑર્ડોવિસિયન’ નામ ઇંગ્લૅન્ડની પશ્ચિમે આવેલા, ઑર્ડોવિસયન ખડકો માટે વિશિષ્ટ વિસ્તાર ગણાતા વેલ્સના મધ્યભાગમાં તે વખતે વસતી સેલ્ટિક ઑર્ડોવાઇસીસ નામની જૂની જાતિ પરથી પડેલું છે.

ઑર્ડોવિસિયન સમયના ખડકસ્તરો નીચે તરફ કૅમ્બ્રિયન વયના ખડકોથી સ્પષ્ટ અસંગતિ દ્વારા જુદા પડે છે અને ઉપર તરફ સાઇલ્યુરિયન રચનાથી જોડાયેલા છે. આ રચનાની નિમ્નસીમા અરેનિગ શ્રેણીના તળથી શરૂ થાય છે અને ઊર્ધ્વસીમા એશ્ગિલ શ્રેણીના મથાળાથી પૂરી થાય છે.

સ્તરવિદ્યાની ર્દષ્ટિએ દુનિયાભરમાં પ્રમાણભૂત ગણાતા બ્રિટિશ ટાપુઓમાં મળતી ઑર્ડોવિસિયન રચનાનું વર્ગીકરણ દર્શાવતો ભૂસ્તરીય કાળક્રમ મુજબનો કોઠો :

ઑર્ડોવિસિયન રચનાના પ્રાચીન ભૌગોલિક સંજોગો : કૅમ્બ્રિયન, ઑર્ડોવિસિયન અને સાઇલ્યુરિયનને આવરી લેતા પ્રથમ જીવયુગના સમગ્ર પૂર્વાર્ધના કાળગાળા દરમિયાન પશ્ચિમ યુરોપથી ઉત્તર અમેરિકા સુધી વિસ્તરેલા, ઈશાન-નૈર્ઋત્ય ઉપસ્થિતિ ધરાવતા વિવિધ નિક્ષેપોથી અવારનવાર ભરાતા જતા અને દબાતા જતા લાંબા, સાંકડા, ઊંડા ભૂસંનતિમય થાળામાં ઘણી બધી ખડકસ્તરશ્રેણીઓની રચના થયેલી છે. વિશેષે કરીને ઑર્ડોવિસિયન કાળ દરમિયાન તો તે વારંવાર ભરાયું છે અને ખડકબોજને કારણે દબ્યું પણ છે. વળી આ જ કાળ દરમિયાન પ્રચંડ જ્વાળામુખી-પ્રસ્ફુટનો એક પછી એક બે વાર થયાં છે, જે કેલિડોનિયન ગિરિનિર્માણક્રિયાની પ્રારંભિક અવસ્થાનો નિર્દેશ કરે છે.

જીવન : કૅમ્બ્રિયનની સરખામણીમાં અહીં વધુ વિકસિત ત્રિખંડી (આર્થોપોડા) પ્રાણીઓના જીવાવશેષોનું પ્રમાણ વિપુલ છે, બ્રેકિયોપોડા રજૂઆત પામે છે; (ઍકિનોઇડ) શૂળત્વચા સમુદાયનો વર્ગ કેટલીક કક્ષાઓમાં પુષ્કળ છે; પરવાળાંની શરૂઆત થાય છે; સર્વપ્રથમ પૃષ્ઠવંશી (માછલી) મળે છે (અમેરિકામાં મળે છે, યુરોપમાં હજી નથી); ગ્રેપ્ટોલાઇટના વિવિધ અવશેષો એટલા બધા પ્રમાણમાં છે કે આખીયે ઑર્ડોવિસિયન રચનાનું તેના આધારે તો વિભાગીકરણ થઈ શક્યું છે; થોડાંક ગૅસ્ટ્રોપોડ છે ખરાં, પરંતુ સીફેલોપોડ તો તદ્દન નહિવત્ છે. યુરોપ અને અમેરિકાના તત્કાલીન જીવાવશેષો અરસપરસ સામ્ય દર્શાવે છે, જે સૂચવી જાય છે કે આ વિસ્તારોમાં સળંગ દરિયાઈ થાળું હતું.

ઑર્ડોવિસિયન રચનાનું ખડકબંધારણ મુખ્યત્વે કૉંગ્લૉમરેટ, ચૂનાખડકો, મૃદ્ખડકો અને રેતીખડકોનું બનેલું છે. આ સાથે જ્વાળામુખીજન્ય ખડકો પણ મળે છે.

ભારતમાં દ્વીપકલ્પીય ભાગમાં આ કાળના ખડકો બિલકુલ મળતા નથી, કારણ કે વિંધ્યરચના પછી ખંડનિર્માણને કારણે નિક્ષેપવિરામ પડેલો. આ બાબતમાં ભારત ‘ભૂસ્તરીય સંગ્રહની અપૂર્ણતા’ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. બાહ્ય દ્વીપકલ્પના સ્પિટિ તેમજ કાશ્મીર વિસ્તારમાં કૅમ્બ્રિયનની હેમન્તા રચના ઉપર ઑર્ડોવિસિયન સમયના ક્વાર્ટ્ઝાઇટ અને ગ્રિટ મળી આવે છે. તેના તળ ભાગમાં કોંગ્લૉમરેટ અને ઉપર તરફ ચૂનાખડકો, રેતીખડકો અને ક્વાર્ટ્ઝાઇટ તેમજ શેલ રહેલા છે, આ બધાંની ઉપર સાઇલ્યુરિયન રચના આવે છે.

નીચેના રેતાળ ખડકો જીવાવશેષરહિત છે, પરંતુ ઉપરના શેલ – ચૂનાખડકોમાં બ્રેકિયોપોડ, સિસ્ટિડ, ક્રિનોઇડ, પરવાળાં તેમજ ત્રિખંડી જીવાવશેષો મળી આવેલા છે, જે ઇંગ્લૅન્ડ અને યુરોપના જીવાવશેષો સાથે ગાઢ સંબંધ દર્શાવે છે. સ્પિટિના ઑર્ડોવિસિયન ખડકો વિપુલ પ્રમાણમાં જીવાવશેષવાળા છે, પરંતુ કાશ્મીરમાં તેમ નથી.

બાહ્ય દ્વીપકલ્પના સ્પિટિ વિસ્તારની ઑર્ડોવિસિયન રચનાનું વર્ગીકરણ :

ગિરીશભાઈ પંડ્યા