ઓરી (measles, rubeola) : તાવ, ખાંસી, શરદી, નેત્રકલાશોથ (conjuctivitis) અને ચામડી તથા શ્લેષ્મકલા (mucosa) પર નાના ડાઘા અને ફોલ્લીરૂપ સ્ફોટ (rash) કરતો ઉગ્ર અને અતિશય ચેપી વિષાણુજન્ય (viral) રોગ. દસમી સદીમાં રહેઝેસે (Rhezes) અને સત્તરમી સદીમાં સિડેન્હામે (Sydenham) તેનું વર્ણન કર્યું હતું. વળી 1905 અને 1911માં પ્રયોગો દ્વારા જાણી શકાયું હતું કે તે જીવાણુ(bacteria)ને ગાળી શકતી ગળણીમાંથી પસાર થઈ શકે તેવા સૂક્ષ્મજીવોથી થતો રોગ છે. ઓરીનો વિષાણુ લોહી તથા થૂંકબિન્દુ કે છીંકબિન્દુઓ દ્વારા ફેલાય છે. તેનું મધ્યદળ (core) RNAનું બનેલું છે અને તેનાં આવરણો પ્રોટીન તથા કંટકો (spikes) રૂપે ગોઠવાયેલાં લાઇપોપ્રોટીનના અણુઓનાં બનેલાં હોય છે. તેનો વ્યાસ 120થી 250 નેનોમીટર હોય છે. સામાન્યત: તે માણસમાં જ ચેપ કરે છે, પરંતુ પ્રયોગશાળામાં વાંદરાને પણ ચેપગ્રસ્ત કરી શકાય છે. ચેપગ્રસ્ત માણસ અથવા વાંદરાના મૂત્રપિંડમાંથી વિષાણુઓ મેળવીને તેમની ક્રમિક પેઢીઓને વારંવાર ઉછેરવામાં આવે છે. તેમાંથી ‘સજીવન-વિષાણુ’વાળી રસી બનાવી શકાય છે. રસીના ઉપયોગથી પશ્ચિમી દેશોમાં તેનો વાવર (epidemic) અટક્યો છે. પરંતુ ગીચ-ગરીબ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશોમાં તે પાંચ વર્ષથી નીચેનાં બાળકોમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ગર્ભાશયની અંદર રહેલો ગર્ભ માતામાંથી ઓરીના વિષાણુ સામેનાં પ્રતિદ્રવ્યો (antibodies) મેળવે છે અને તે જન્મ પછી પણ 6થી 8 મહિના સુધી શિશુને રક્ષણ આપે છે. મંદક્રિયાશીલ (attenuated) સજીવ વિષાણુવાળી રસી આ પ્રતિદ્રવ્યો નાશ પામે તે પછી જ (9 માસની ઉંમરે) અપાય છે અને તે ચેપનું સંક્રમણ (transmission) કરીને આજીવન પ્રતિરક્ષાલક્ષી રક્ષણ પૂરું પાડે છે. જન્મ પછીના પ્રથમ 6થી 8 મહિનામાં અપાયેલી રસી ઓછી અસરકારક રહે છે. પંદરમા વર્ષે ફરીથી રસી મૂકવાનું સૂચવાય છે.
શરીરમાં પ્રવેશ્યા પછી વિષાણુ શ્વસનમાર્ગના અધિચ્છદ (epithelial) કોષોમાં ઊછરે છે અને લોહી દ્વારા શરીરમાં બધે ફેલાય છે. ત્યારબાદ તે લસિકાભપેશી(lymphoid tissue)માં સ્થાયી થઈને સંખ્યાવૃદ્ધિ કરે છે. ગલોફામાં પ્રતિરક્ષાલક્ષી સંકુલો, વૉરથિન – ફિંકલડે (Worthink – finkeldey)ના બહુકેન્દ્રી કોષો જમા થાય છે અને કોપ્લિક બિન્દુઓ (Koplik’ spots) ઉત્પન્ન કરે છે, જ્યારે ચામડીમાંની કેશવાહિનીઓના કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે ચામડી પર લાલ ડાઘા (ચાઠાં) થાય છે અને તેને ત્વકીય સ્ફોટ કહે છે. ગળાની લસિકાગ્રંથિઓ (lymphnodes) તથા આંતરડાંનાં પેયરનાં ચકતાં-(Payer’s patches)માંની લસિકાભપેશીનું અતિવિકસન (hyperplasia) થાય છે. તેને કારણે ગળામાં લસિકાગ્રંથિની ગાંઠો ફૂલે છે અને પેટમાં દુખાવો થાય છે તથા ક્યારેક ખૂબ ઝાડા થઈ આવે છે.
ચેપ લાગ્યા પછી 9થી 11 દિવસે થાક, ચીડિયાપણું, સતત વધતો જતો 1050 જેટલો તાવ, આંખો લાલ થવી, તેમાંથી અને નાકમાંથી પાણી પડવું, આંખોનાં પોપચાંનો સોજો, પ્રકાશ-અસહ્યતા (photophobia), મધ્યમ તીવ્રતાવાળી સૂકી ખાંસી વગેરે જોવા મળે છે. ત્યારબાદ ગલોફાંમાં નાનાં, લાલ, અનિયમિત આકારનાં કોપ્લિકનાં બિન્દુઓ જોવા મળે છે. તે નિદાનસૂચક ગણાય છે. (જુઓ આકૃતિઓ 1 અને 2). ચેપ લાગ્યા પછી બે અઠવાડિયે ચામડી પર નાના ડાઘાનો સ્ફોટ (ત્વકીય છાંટ, macules) અને નાની ફોલ્લીઓ (papules)નો સ્ફોટ કપાળ અને કાનના પાછલા ભાગથી શરૂ થઈને ચહેરો, ગળું, અને ડોક, છાતી અને પેટ તથા છેલ્લે લગભગ બીજા ૩ દિવસમાં હાથ-પગ પર ફેલાય છે. ચામડી પર સ્ફોટ દેખાય ત્યારપછી એક-બે દિવસમાં તાવ, શરદી, આંખની લાલાશ ઘટે છે. સ્ફોટ પણ ૩ દિવસ રહે અને આમ 6 દિવસમાં તે સંપૂર્ણપણે વિલાય છે. તે સમયે ચામડીનો રંગ શ્યામ બને છે તથા ઝીણી ભૂકી રૂપે ચામડીના ઉપલા પડની પોપડીઓ ઊખડે છે. દર્દી સ્ફોટ થતાં અગાઉના 4 દિવસ અને તે થયા પછીના 5 દિવસ સુધી ચેપકારક (infective) રહે છે. રોગ દરમિયાન ગળાની લસિકાગ્રંથિઓ વિકસે છે અને દર્દીની કોષીય પ્રતિરક્ષા (cellular immunity) ઘટે છે. (જુઓ આરોગ્ય અને રોગપ્રતિરોધ.)
વિષાણુની વ્યાધિકારકતા એકસરખી જ હોવાને કારણે અન્ય પરિબળો રોગની તીવ્રતા, આનુષંગિક તકલીફ તથા મૃત્યુ થવાનાં કારણો સર્જે છે. 5 વર્ષથી નાનાં બાળકોમાં અશક્ત વ્યક્તિઓમાં મોટી ઉંમરના વૃદ્ધોમાં રસી વડે સુરક્ષિત ન હોય એવાં કે પ્રોટીન કૅલરી અપપોષણ ધરાવતાં બાળકોમાં, ગીચ-ગરીબ વસ્તીમાં, અપૂરતી તબીબી સંભાળ તથા પ્રદૂષિત વાતાવરણવાળી સ્થિતિમાં રોગની તીવ્રતા, આનુષંગિક જીવાણુજન્ય ચેપ અને મૃત્યુનું પ્રમાણ વધારે છે. આનુષંગિક તકલીફોરૂપે ન્યૂમોનિયા, મધ્યકર્ણશોથ (otitis media), સ્વરપેટીશોથ (laryngitis), પેટમાં દુખાવો તથા ઝાડા અને ક્યારેક નિર્જલન (dehydration), મગજનો ચેપજન્ય સોજો અથવા મસ્તિષ્કશોથ (encephalitis), ફેફસાંનો ક્ષય વગેરે જોવા મળે છે. આનુષંગિક તકલીફવાળા દર્દીઓમાં મૃત્યુ પણ નીપજે છે.
મંદક્રિયાશીલ સજીવ-વિષાણુવાળી રસી પછી જો ઓરીનો નવો ચેપ લાગે તો રોગની તીવ્રતા ઓછી હોય છે અને ત્યારે ક્યારેક ફક્ત તાવ અથવા ચામડી પર થોડા પ્રમાણમાં થતો સ્ફોટ જોવા મળે છે. આવા સંજોગોમાં કોપ્લિકનાં બિન્દુઓ જોવા મળતાં નથી.
વિષાણુઘ્ન ઔષધ ઉપલબ્ધ ન હોવાને કારણે આરામ, ખાંસી અને તાવ સામે રાહત આપતી દવાઓ, એરિથ્રોમાઇસિન જેવી નાના કાર્યક્ષેત્રવાળી ઍન્ટિબાયૉટિક ઔષધોથી જોખમી જીવાણુજન્ય ચેપનો અટકાવ તથા પૂરતા પ્રમાણમાં પ્રવાહી અને ખોરાક લઈને પોષણની જાળવણી વગેરે સારવારના મુખ્ય સિદ્ધાંતો છે.
શિલીન નં. શુક્લ
આબિદા મોમીન