ઓમાન, રૉબર્ટ જે. (જ. 8 જૂન 1930, ફ્રેન્કફર્ટ, જર્મની) : વર્ષ 2005 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા ગણિતજ્ઞ. તેઓ વર્ષ 1956થી જેરૂસલેમ ખાતેની હિબ્રૂ યુનિવર્સિટીના ગણિત વિભાગમાં અધ્યાપન કરી રહ્યા છે (1956–2005). વિખ્યાત ગણિતજ્ઞ હોવા છતાં તેમણે અર્થશાસ્ત્રના રમતના સિદ્ધાંત(Theory of Games)માં જે સંશોધન કર્યું છે અને નવા અભિગમ દ્વારા તેના પર જે પ્રકાશ પાડ્યો છે તેના માટે અમેરિકાની મેરિલૅન્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના સન્માનનીય પ્રોફેસર ટૉમસ સી. શેલિંગ સાથે નોબેલ પારિતોષિકના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. તેમણે 1950માં ન્યૂયૉર્કની સિટી કૉલેજમાંથી ગણિત વિષય સાથે સ્નાતકની બી.એસ.ની પદવી, 1952માં તે જ વિષય સાથે વિખ્યાત મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજી(MIT)ની સ્નાતકોત્તર એસ.એમ.ની પદવી તથા 1955માં તે જ સંસ્થામાંથી તે જ વિષયમાં ડૉક્ટરેટની પદવી મેળવી હતી.
જેરૂસલેમની હિબ્રૂ યુનિવર્સિટીમાં 1956માં ગણિત વિષયમાં તાલીમ આપનાર ઇન્સ્ટ્રક્ટરના પદ પર દાખલ થયા પછી વર્ષ 2005 સુધી તેમણે સતત પદોન્નતિ મેળવી છે; દા.ત., 1958માં વ્યાખ્યાતા, 1961માં વરિષ્ઠ વ્યાખ્યાતા (senior lecturer), 1964માં એસોસિયેટ પ્રોફેસર, 1968માં પ્રોફેસર અને વર્ષ 2001માં સન્માનનીય પ્રોફેસર (professor emeritus). દરમિયાન તેમણે આ ગાળામાં બીજી ઘણી યુનિવર્સિટીઓમાં એક યા બીજા સ્વરૂપે અધ્યાપનને લગતી સેવાઓ આપી છે; દા.ત., 1968–69માં અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીના ઇકૉનોમેટ્રિક રિસર્ચ પ્રોગ્રામમાં રિસર્ચ એસોસિયેટ; 1964–65માં યેલ યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિભાગમાં મુલાકાતી પ્રાધ્યાપક તથા સાથોસાથ અર્થશાસ્ત્રમાં સંશોધનને વરેલી સંસ્થા કાઉલ્સ ફાઉન્ડેશનમાં સંશોધન અધિકારી; 1969–70 દરમિયાન ઇઝરાયલની તલ-અવીવ યુનિવર્સિટીમાં ખંડ સમયના પ્રાધ્યાપક; 1971માં અને ફરી 1985–86 દરમિયાન કૅલિફૉર્નિયાની બર્કલે યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના ફૉર્ડ વિઝિટિંગ રિસર્ચ પ્રોફેસર; 1972, 1978 અને 1984માં યુનિવર્સિટી કૅથલિક દ લૉવેનમાં સેન્ટર ફૉર ઑપરેશન્સ રિસર્ચ ઍન્ડ ઇકૉનોમેટ્રિક્સ ખાતે મુલાકાતી પ્રોફેસર; 1975–76 અને 1980–81 દરમિયાન અમેરિકાની સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના મુલાકાતી પ્રોફેસર; 1979–80 દરમિયાન હિબ્રૂ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍડવાન્સ સ્ટડીઝમાં ફેલો; વર્ષ 1984માં અમેરિકાની મિનેસોટા યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅથેમૅટિક્સ ઍન્ડ ઍપ્લિકેશનના સભ્ય; 1985–86માં બર્કલે યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅથેમૅટિકલ સાયન્સિઝ રિસર્ચના સભ્ય; 1986–89 અને ફરી 1991–2005માં સ્ટોની બ્રુક ખાતેની સ્ટેટ યુનિવર્સિટી ઑવ્ ન્યૂયૉર્ક ખાતે ખંડ સમયના પ્રાધ્યાપક; 1989માં યેલ યુનિવર્સિટીની કાઉલ્સ ફાઉન્ડેશન ફૉર રિસર્ચ ઇન ઇકૉનોમિક્સમાં મુલાકાતી સ્કૉલર; 1991થી જેરૂસલેમની હિબ્રૂ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફૉર સ્ટડી ઑવ્ રૅશનાલિટી ખાતે સભ્ય; 1997માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રમાં ઓસ્કાર મૉર્ગેન્સ્ટર્ન મુલાકાતી પ્રોફેસર અને 1999–2000માં નૉર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાં નેમર્સ પ્રોફેસર ઑવ્ ઇકૉનોમિક્સ.
રૉબર્ટ જે. ઓમાન વૈશ્વિક સ્તરે વિખ્યાત ગણાતી ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમને મળેલા ઍવૉર્ડ, પારિતોષિકો અને માનસન્માનની યાદી પણ લાંબી છે; દા.ત., 1983માં ઇઝરાયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજી દ્વારા એનાયત થયેલ હાર્વે પ્રાઇઝ ઇન સાયન્સ ઍન્ડ ટેક્નૉલોજી, 1988માં જર્મનીની બૉન યુનિવર્સિટી દ્વારા ડૉક્ટરેટની માનાર્હ પદવી, 1989માં કૅથલિક દ લૉવેન દ્વારા ડૉક્ટરેટની માનાર્હ પદવી, 1992માં શિકાગો યુનિવર્સિટી દ્વારા માનાર્હ ડૉક્ટરેટ, 1994માં ઇઝરાયલ રાષ્ટ્ર દ્વારા અર્થશાસ્ત્રનું પારિતોષિક, 1995માં લૅન્ચેસ્ટર પ્રાઇઝ ઇન ઑપરેશનલ રિસર્ચ, 1998માં ઇરવિન પ્લેન નેમર્સ પ્રાઇઝ ઇન ઇકોનૉમિક્સ વગેરેનો સમાવેશ થાય છે.
1966થી તેઓ ઇકૉનોમેટ્રિક સોસાયટીના ફેલો, 1977–82 દરમિયાન ઇકૉનોમેટ્રિક સોસાયટીની કાઉન્સિલના સભ્ય, 1982–85ના ગાળા દરમિયાન ઇકૉનોમેટ્રિક સોસાયટીની કારોબારીના સભ્ય, 1990–92 દરમિયાન ઇઝરાયલ ગણિત મંડળના પ્રમુખ, 1993થી અમેરિકન ઇકૉનૉમિક ઍસોસિયેશનના માનાર્હ સભ્ય અને 1998–2003 વચ્ચે ગેમ થિયરી સોસાયટીના પ્રમુખપદે કાર્યરત છે.
રૉબર્ટ જે. ઓમાને દેશવિદેશમાં ઘણી વિખ્યાત સંસ્થાઓની નિશ્રામાં જાહેર વ્યાખ્યાનો આપ્યાં છે, જેની સંખ્યા 20 જેટલી થાય છે (1970–2003). ઉપરાંત, તેઓ ઘણી સંસ્થાઓના સલાહકાર તરીકે પણ કામ કરી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ તેર વિદ્યાર્થીઓએ ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી છે; વળી 1971–2000 દરમિયાન તેમણે ઘણાં સામયિકોનાં સંપાદક મંડળો પર કામ કરેલું છે, જેમાં ‘ઇન્ટરનેશનલ જર્નલ ઑવ્ ગૅમ થિયરી’, ‘જર્નલ ઑવ્ મૅથેમૅટિકલ ઇકૉનોમિક્સ’, ‘જર્નલ ઑવ્ ઇકૉનોમિક થિયરી’, ‘ઇકૉનોમેટ્રિકા’, ‘એસ. આઇ. એ. એમ. જર્નલ ઑન ઍપ્લાઇડ મૅથેમૅટિક્સ’, ‘જર્નલ ઑવ્ યુરોપિયન મૅથેમૅટિકલ સોસાયટી’ વગેરેનો સમાવેશ થાય છે.
વર્ષ 2005નું અર્થશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક રમતના સિદ્ધાંતમાં તેમના વિશિષ્ટ પ્રદાન માટે તેમને ટૉમસ સી. શૅલિંગ સાથે એનાયત કરવામાં આવ્યું છે. અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવનાર તેઓ ઇઝરાયલના પ્રથમ વિદ્વાન છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે