ઓમ્ (ૐ) : ભારતીય પરંપરા અનુસાર પરમાત્માનો વાચક શબ્દ. સંસ્કૃતકોશ અનુસાર ‘ઓમ્’ શબ્દના, આરંભ, મંગલ, અનુમતિ, સ્વીકાર, અપાકૃતિ (નિરસન), શુભ અને જ્ઞેય બ્રહ્મ એટલા અર્થો છે. ઉપનિષદોમાં ઓમ્ શબ્દ મુખ્યત્વે જ્ઞેય બ્રહ્મ, પરમ બ્રહ્મ એવા અર્થોમાં પ્રયુક્ત થયો છે. કોશ અનુસારના અર્થો આ મુખ્ય અર્થના ફલિતાર્થો છે. ઓમ્ (ૐ) એ ઉપાસ્ય બ્રહ્મનું નામ છે. ઉદગીથ અને પ્રણવ એ તેનાં અન્ય નામો છે. ઓમ્ એ સૃષ્ટિના સર્વ રસોના અર્કરૂપ સર્વોત્તમ રસ છે. ભૂતોનો રસ પૃથ્વી, પૃથ્વીનો રસ જલ, જલનો રસ ઔષધિ, ઔષધિનો રસ પુરુષ, પુરુષનો રસ વાણી, વાણીનો રસ ઋચા (ઋઙ્મંત્ર), ઋચાનો રસ સામ અને સામનો રસ ઉદગીથ એ પ્રકારે ઓમ્ સૃષ્ટિના આઠેય રસોમાં ઉત્તમ છે. વાણી એ ઋચા (સ્તુતિનું સાધન) છે અને સામ (ગેયાત્મક સ્તુતિ) એ પ્રાણ છે. બંનેનું મિલન થતાં ૐકારનો ઉદભવ થાય છે. એ રીતે ઓમ્ એ પરમાત્માનો સર્વશ્રેષ્ઠ મંત્ર છે. યોગશાસ્ત્ર અનુસાર ‘तस्य वाचकः प्रणवः ।’ પ્રણવમંત્ર પરમાત્માનો વાચક શબ્દ એટલે કે તેમનું નામ છે. સર્વ વેદોમાં ઓમ્-કારનું વિધાન છે. સર્વપ્રકારની તપશ્ચર્યાનું એ ફળ છે. ઓમ્-સ્વરૂપ બ્રહ્મની પ્રાપ્તિ માટે જ સાધકો બ્રહ્મચર્યવ્રત પાળે છે. આ તત્વ એ જ ૐકાર.

ઓમ્ શબ્દની વ્યુત્પત્તિ વિશે આધુનિક પંડિતોએ કેટલીક કલ્પનાઓ કરી છે, પણ તે બંધબેસતી લાગવા છતાં યથાર્થ લાગતી નથી. સંસ્કૃતમાં ओ અને आ એ શબ્દો સ્વીકૃતિ અર્થમાં વપરાય છે. આ શબ્દોના સાનુનાસિક રૂપમાંથી ओम् શબ્દ નિષ્પન્ન થયાનું મૅક્સમૂલરે કલ્પ્યું છે; પણ આ ભાષાશાસ્ત્રીય અભિગમ અહીં ઉપયુક્ત લાગતો નથી.

સ્વરૂપની ર્દષ્ટિએ ओम् अ, उ અને म् તથા ̐ (માત્રા)નો બનેલો છે. ૐ બ્રહ્મા છે, उ વિષ્ણુ છે, म् મહેશ્વર છે. આ ત્રણેયનું એક અભિન્ન સ્વરૂપ તે પરબ્રહ્મ, જે ૐ ઉપરની ̐ અર્ધચન્દ્ર માત્રાથી સૂચવાય છે.

ઋચાઓમાંથી अ, યજુર્મંત્રોમાંથી उ અને સામ મંત્રોમાંથી म् એ અક્ષરોનું દોહન કરી ओम् (ૐ) નિષ્પન્ન કરાયો છે. ઉપનિષદો અને પુરાણોમાં भुः, भुवः અને स्वः એ ત્રણ મહાકાવ્યાકૃતિઓમાંથી ओमનું નિર્માણ થયાનું જણાવ્યું છે. ओम्માંનો अ જાગ્રત સ્થિતિનો, उ સ્વપ્ન સ્થિતિનો અને म् સુષુપ્તિ સ્થિતિનો દ્યોતક છે અને ઊર્ધ્વમાત્રા તુરીય સ્થિતિની બોધક છે. अ વિશ્વાત્મા છે, उ તૈજસ આત્મા છે, म् પ્રાજ્ઞ આત્મા છે અને ત્રણેયનું એક સ્વરૂપ તે પરમ આત્મા છે. પરમ શિવના અર્ધનારીશ્વર સ્વરૂપનો પુરુષ-શિવ તે अहम् અને નારી પ્રકૃતિ-શક્તિ તે सः એ બંને અભેદભાવે એકત્વ પામી सोडहम् થાય અને તેમાંના વ્યંજન स् અને ह् નો લોપ થાય ત્યારે ओम् ધ્વનિ અવશેષ રહે છે. અર્થાત્, સર્વ દેવોનું પરમ દેવતત્ત્વ તે ओम् (ૐ) છે. આ રીતે પ્રણવ મંત્ર ‘તે’ પરમાત્માનો વાચક બને છે. ૐકારના જપથી પરબ્રહ્મસ્વરૂપની ભાવના સિદ્ધ થાય છે. કોઈ પણ મંત્રના આરંભે ओम् બોલવાથી તે સમગ્ર મંત્ર ઓમ્-મય બને છે. પ્રાણાયામમાં ૐકાર રટવાથી સર્વ માનસમલ નષ્ટ થાય છે. એનું નિદિધ્યાસન કરવાથી મોક્ષ મળે છે.

પ્રણવ મંત્રના ઋષિ બ્રહ્મા છે. ગાયત્રી તેનો છંદ છે અને અગ્નિ તેનો દેવતા છે. સર્વ કર્મોમાં તેનો વિનિયોગ છે. ૐકારનું ઉચ્ચારણ પ્લુત કરતાંય દીર્ઘતર અને તૈલધારાની જેમ અવિચ્છિન્ન થવું જોઈએ. ઋગ્વેદમાં ૐકારનો સ્વરિતોદાત્ત ઉચ્ચાર થાય છે. યજુર્વેદમાં તેનો ત્રૈસ્વર્ય ઉદાત્ત ઉચ્ચાર થાય છે. સામવેદમાં તેનો દીર્ઘોદાત્ત અને અથર્વવેદમાં સંક્ષિપ્તોદાત્ત ઉચ્ચાર થાય છે.

સ્વદેહને અધરારણિ – નીચેનું અરણિકાષ્ઠ કરી ૐકારને ઉત્તરારણિ – ઉપરનું અરણિકાષ્ઠ કરી ધ્યાનરૂપ મંથન કરતાં પ્રગટેલા અગ્નિમાં ગૂઢ એવા શિવ કે વિષ્ણુનું દર્શન કરાય. અર્થાત્ યૌગિક ઉપાસના વડે પરમાત્મદર્શન કરી શકાય.

ૐકાર એ પર અને અપર એમ બંનેય બ્રહ્મના સ્વરૂપે છે. પરબ્રહ્મ નિર્ગુણ નિરાકાર નિ:શબ્દ હોવાથી તેનો નિર્દેશ કોઈ રીતે થઈ શકે નહિ, પણ અપર બ્રહ્મ વિષ્ણુ, શિવ આદિનો નિર્દેશ તેનાથી થઈ શકે અને તેની ઉપાસનાથી બ્રહ્મપ્રાપ્તિ થાય. ૐકારની સકલ માત્રાઓનું જ્ઞાન ન હોય તોપણ તેના અનુધ્યાનથી પરમગતિ પ્રાપ્ત થાય. સામગાનના અવયવ ઉદગીથ રૂપે પણ ૐકાર પરબ્રહ્મનો વાચક છે. આમ, નામ અને પ્રતીક બંનેય રીતે ૐકાર પરમાત્માનો વાચક ગણાય છે.

નટવરલાલ યાજ્ઞિક