ઓમાન : અરબી દ્વીપકલ્પના અગ્નિખૂણામાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : 220 00′ ઉ. અ. અને 580 00′ પૂ. રે.. ભૂતકાળમાં તે મસ્કત અને ઓમાનના સંયુક્ત નામથી ઓળખાતું હતી. હોરમુઝની સામુદ્રધુનીમાં તે વ્યૂહાત્મક સ્થાને છે. તેની નૈર્ઋત્યે યેમેન (એડન), પશ્ચિમમાં સાઉદી અરેબિયા, વાયવ્યમાં સંયુક્ત આરબ અમીરાત (UAE), ઉત્તરમાં ઓમાનનો અખાત તથા અગ્નિ દિશામાં અરબી સમુદ્ર છે. કુલ વિસ્તાર : ૩,09,500 ચોકિમી. મીટર તથા વસ્તી 48,29,473 (2020). વસ્તીની ર્દષ્ટિએ મસ્કત, સુર અને નિઝવા આ ત્રણ નગરો મહત્વનાં છે. મસ્કત તેનું પાટનગર છે; તેની વસ્તી આશરે 14,21,404 (2020) છે. માતરા (Matrah) મસ્કત નજીકનું બંદર છે. આ ઉપરાંત મીના અને સાલાહ નામનાં બીજાં બે બંદરો પણ ત્યાં આવેલાં છે. ઓમાન રણ, પર્વતોની હારમાળા તથા ઝાડ અને ઝાંખરાંવાળી જમીન ધરાવતો પ્રદેશ છે. અલ હજર પર્વતમાળા ઓમાનના અખાતના કાંઠાને સમાંતર છે. તે આ પ્રદેશની ભૌગોલિક વિશિષ્ટતા ગણાય છે. ઓમાનનો સાગરકાંઠો 1,700 કિ.મિટર લાંબો છે.

આ પ્રદેશમાં માનવ-વસવાટની શરૂઆત ઓછામાં ઓછાં 10,000 વર્ષ પહેલાં થઈ હોય તથા ઈ. પૂ. નવમા શતકમાં ત્યાં આરબોનું સ્થળાંતર શરૂ થયું હોય તેવા સંકેત સાંપડે છે. સાતમા શતકમાં આ પ્રદેશમાં ઇસ્લામનો ફેલાવો થતાં ચૂંટણી દ્વારા પસંદ થયેલા ઇમામનું શાસન ઈ. સ. 751માં પહેલી વાર દાખલ થયું. ઈ. સ. 1154 પછી ત્યાં રાજવંશની સ્થાપના થઈ. ઈ. સ. 1508માં મસ્કત તથા ઓમાનના દરિયાકાંઠાના પ્રદેશ પર પોર્ટુગલનું આધિપત્ય શરૂ થયું હતું. ઈ. સ. 1624 પછી સમર્થ ઇમામોની પરંપરા શરૂ થતાં ઈ. સ. ની સત્તરમી સદીના અંત સુધીમાં પોર્ટુગીઝ વર્ચસ્માંથી આ પ્રદેશ મુક્ત થયો હતો. અઢારમી સદીની છેલ્લી પચીસી દરમિયાન ત્યાં ઇંગ્લૅન્ડનો પ્રભાવ વધ્યો. તેને પરિણામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપારનો ઇજારો બક્ષવામાં આવ્યો. ઓગણીસમી સદીની શરૂઆતમાં ઓમાનનું સામ્રાજ્ય સ્થાપિત થતાં પૂર્વ આફ્રિકા, બલૂચિસ્તાન તથા ઈરાનના કેટલાક વિસ્તારો તેમાં સામેલ કરવામાં આવ્યા હતા.

ઓમાન

ઓમાનની વસ્તીમાં આરબોનું પ્રભુત્વ વધારે છે. તે પછી ઈરાની, બલૂચી, ભારતીય, પાકિસ્તાની તથા હબસી કુળની વસ્તી છે.

ઇસ્લામ ત્યાંનો મુખ્ય ધર્મ, અરબી તેની રાજભાષા અને ઇસ્લામપ્રેરિત સંસ્કૃતિનું ત્યાં વર્ચસ્ છે. અરબી ઉપરાંત બલૂચી, ઉર્દૂ તથા હિંદી ભાષામાં વ્યવહાર કરનારાની સંખ્યા નોંધપાત્ર છે.

ઓમાનની આબોહવા ગરમ તથા સૂકી છે. મસ્કતનું જાન્યુઆરીનું તાપમાન 280 સે. અને જુલાઈનું તાપમાન 460 સે. હોય છે. સાગરકાંઠાના પ્રદેશમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. ઉનાળામાં સખત ગરમી, જ્યારે શિયાળો સૌમ્ય હોય છે. સરેરાશ વાર્ષિક વરસાદ 50-100 મિલીમિટર થાય છે. અહીં ૩૩,020 કિમી.ના માર્ગો છે તે પૈકી 550 કિમી. મોટરમાર્ગો તથા 2,600 કિમી.ના ધોરી માર્ગો છે.

1964માં ખનિજતેલની શોધ થઈ ત્યારથી ખનિજતેલ અને પ્રાકૃતિક વાયુ દેશની મુખ્ય આર્થિક સંપત્તિ બનેલ છે. 1975માં ખનિજતેલનું રોજનું ઉત્પાદન ૩,80,000 બૅરલ હતું. 1999માં અહીં 2,470 તેલકૂવા હતા તેમાંથી રોજનું 9,04,000 બિલિયન બેરલ જેટલું ઉત્પાદન થતું હતું. રાજ્યની લગભગ બધી જ જાહેર આવક ખનિજતેલ પૂરી પાડે છે. નિકાસોમાં પણ ખનિજતેલનું મહત્વ વધતું જાય છે.

દેશની વાર્ષિક રાષ્ટ્રીય પેદાશ (GNP) ૩,90,00,00,000 ડૉલર તથા સરેરાશ માથાદીઠ આવક 9,960 ડૉલર (1999) છે. કુલ જમીનના એક ટકા કરતાં પણ ઓછી જમીન ખેતી હેઠળ છે (40,000 હેક્ટર). દેશના કુલ શ્રમદળમાંથી 80 ટકા ખેતીમાંથી આજીવિકા મેળવે છે, છતાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિક્ષેત્રનો ફાળો ૩ ટકા કરતાં પણ ઓછો છે. પાણીની અછતને લીધે કૃષિવિકાસ મર્યાદિત રહ્યો છે. ખેડૂતો જીવનનિર્વાહ પૂરતી જ ખેતી કરે છે. ચોખા મુખ્ય ખોરાક છે. તેની આયાત થાય છે. વાર્ષિક રાષ્ટ્રીય ઉત્પાદનમાં બાંધકામ તથા ઉદ્યોગ ક્ષેત્રોનો ફાળો 1/7 (0.14) જેટલો છે. ખજૂર, લીંબુ, અલ્ફાલ્ફા, કેરી, ટેટી, તરબૂચ, કેળાં, ડુંગળી તથા ઘઉં મુખ્ય પેદાશ છે. લાંબા દરિયાકાંઠાને લીધે મત્સ્યઉદ્યોગનો વિકાસ થયો છે. દેશમાં 15,000 માછીમારો છે, જે દર વર્ષે સરેરાશ 60,000 ટન માછલાં પકડે છે. દેશનો મોટાભાગનો વ્યાપાર ઇંગ્લૅન્ડ, પશ્ચિમ જર્મની, જાપાન તથા સંયુક્ત અરબ અમીરાત સાથે થાય છે. કુલ આયાતમૂલ્ય કરતાં કુલ નિકાસમૂલ્ય સામાન્ય રીતે વધારે હોય છે.

ઓમાનનું પાટનગર મસ્કત

વાર્ષિક જન્મદર 1,000દીઠ 2૩, વસ્તીવધારાનો સરેરાશ વાર્ષિક દર ૩.7 ટકા તથા જન્મસમયે આયુષ્યની અપેક્ષિત મર્યાદા આશરે 69 છે (1994).

1970 પછીના ગાળામાં જાહેર સ્વાસ્થ્યની વ્યવસ્થામાં થયેલ સુધારાને લીધે ક્ષયરોગ અને મલેરિયા જેવા અગાઉ જીવલેણ ગણાતા રોગો પર નોંધપાત્ર પ્રમાણમાં કાબૂ મેળવવામાં આવ્યો છે. તેને લીધે જીવનની ગુણવત્તામાં વધારો થયો છે.

1956માં છેલ્લા ઇમામને રુખસદ આપવામાં આવતાં દેશમાં શાંતિ અને સ્થિરતાનાં મંડાણ થયાં છે. 1971માં ઓમાન અરબ લીગ તથા રાષ્ટ્રસંઘમાં જોડાતાં તેને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થયેલી છે.

આ દેશ વંશપરંપરાગત રાજાશાહી ધરાવે છે. સુલતાન સર્વોચ્ચ રાજકીય વડા છે અને કાયદા ઘડનાર સત્તાધીશ છે. તેમની મદદ માટે કૅબિનેટ કામ કરતી હોય છે. ‘બેઝિક સ્ટૅટ્યૂટ ઑવ્ સ્ટેટ’ કાયદો 1996માં સુધારવામાં આવ્યો હતો. કાબૂસ બિન સઇદ અલ સઇદ તેના વર્તમાન સુલતાન છે. 1991માં નવી સલાહકાર સંસ્થા ‘મજલિસ અલ શુરા’ રચવામાં આવી હતી. મજલિસમાં 8૩ સભ્યો ૩ વર્ષ માટે ચૂંટાય છે. તેનું કામ દેશની આંતરિક સમસ્યાઓની ચર્ચા કરવાનું છે. તે કોઈ ધારાકીય સત્તા કે નિષેધાધિકાર (veto) સત્તા ધરાવતી નથી. સપ્ટેમ્બર, 2000માં નવી મજલિસની ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં 541 ઉમેદવારો (21 મહિલાઓ સહિત) મેદાનમાં હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

રક્ષા મ. વ્યાસ