ઓમર શરીફ (જ. 10 એપ્રિલ 1932, ઍલેક્ઝેન્ડ્રિયા, ઇજિપ્ત; અ. 10 જુલાઈ 2015, કેરો, ઇજિપ્ત) : ઇજિપ્તના સુવિખ્યાત ચલચિત્ર અભિનેતા. મૂળ નામ માઇકેલ શાલહૌબ. ધનિક પિતાના આ પુત્રે નાનપણથી જ પશ્ચિમી પદ્ધતિની તાલીમ મેળવી હતી. અભિનેતા બનતાં પહેલાં થોડો સમય તેણે પિતાની પેઢીમાં કામ કર્યું હતું. કાળા વાળ, કાળી આંખો અને ચહેરા ઉપર જાદુઈ સ્મિત ધરાવતો આ અભિનેતા 1962માં જ્યારે ડૅવિડ લીનની ભવ્ય પ્રભાવવાળી ફિલ્મ ‘લૉરેન્સ ઑવ્ અરેબિયા’માં ચમક્યા ત્યારે રાતોરાત આંતરરાષ્ટ્રીય નામના હાંસલ કરીને વિશ્વના ઉત્તમ અભિનેતાઓની હરોળમાં પહોંચી ગયા. તેમની અગાઉની અભિનય-કારકિર્દી 1954થી 1961 સુધીના સમયમાં ઇજિપ્તની ફિલ્મો પૂરતી હતી.
ઇજિપ્તની ફિલ્મોમાં સુપર સ્ટાર બનતાં ત્યાંની અભિનેત્રી ફાતેમા હામામા સાથે લગ્ન કર્યાં, જે વિચ્છેદમાં પરિણમેલાં. ‘લૉરેન્સ ઑવ્ અરેબિયા’ની સફળતા પછી ભવ્ય પોશાકચિત્રોમાં માર્કો પોલો અને ચંગીઝખાન જેવી ભૂમિકાઓમાં તેમણે કામ કર્યું. ફરી એક વાર ‘ડૉ. ઝિવાગો’ જેવી ફિલ્મમાં ડૅવિડ લીનના હાથ નીચે મુખ્ય ભૂમિકાની તક તેમને મળી. 1968માં પ્રખ્યાત અભિનેત્રી બાર્બરા સ્ટ્રીસેન્ડ સાથે સંગીતમય ફિલ્મ ‘ફની ગર્લ’માં કામ કર્યું. અભિનય ઉપરાંત ઓમર શરીફને બ્રીજ રમવાનો ખૂબ શોખ છે અને તે વિશ્વના એક અગ્રણી બ્રીજ ખેલાડી ગણાય છે. તેમનાં લોકપ્રિય ચલચિત્રોમાં ‘મૅકેનાઝ ગોલ્ડ’નો ઉલ્લેખ પણ થાય છે.
પીયૂષ વ્યાસ