ઓબામા, બરાક હુસેન (જ. 4 ઑગસ્ટ 1961, હોનોલુલુ, હવાઈ રાજ્ય, અમેરિકા) : અમેરિકાના 44મા અને સૌપ્રથમ શ્યામવર્ણા (‘બ્લૅક’) પ્રમુખ. અમેરિકાના 230 વર્ષના ઇતિહાસમાં પ્રમુખપદ માટેની 56મી ચૂંટણીમાં એક આફ્રિકન–અમેરિકન સૌપ્રથમ વાર પ્રમુખપદના હોદ્દા પર ચૂંટાઈ આવ્યા છે. દેશના સર્વોચ્ચ સુકાનીપદે શ્યામવર્ણા નાગરિકને ચૂંટીને ઐતિહાસિક કદમ ઉઠાવવા સાથે અમેરિકા(યુ.એસ.)એ નવા રાજકીય યુગનો આરંભ કર્યો છે. સમગ્ર દેશ તેના સર્વસામાન્ય ક્રમથી ઊફરો ચાલીને સદીઓ જૂના પૂર્વગ્રહોથી ઊંચો ઊઠ્યો છે. અમેરિકાના આ પુનર્જન્મનો યશ તેના 16મા પ્રમુખ અબ્રાહમ લિંકન જેવા અન્ય નેતાઓને ફાળે જાય છે. 1861–65ના તેમના કાર્યકાળમાં ગુલામીપ્રથાની નાબૂદીના પ્રશ્ને આ દેશે ગૃહયુદ્ધ લડવાનું પસંદ કર્યું. આ યુદ્ધ છતાં પ્રમુખ લિંકન ગુલામીપ્રથા નાબૂદ કરીને જ જંપ્યા.
44મા પ્રમુખ તરીકે ચૂંટાયેલા બરાક હુસેન ઓબામા 20 જાન્યુઆરી, 2009ના રોજ પ્રમુખપદના સોગંદ લઈ નવો હોદ્દો ગ્રહણ કરશે. પ્રમુખીય ચૂંટણીમાં 349 ઇલેક્ટોરલ મત મેળવીને તેમણે પ્રચંડ બહુમતી હાંસલ કરી હતી. ડેમૉક્રેટિક પક્ષના ઉમેદવારનો આ ઐતિહાસિક વિજય હતો. યુવાનો તથા નવા મતદારોનું તેમને પ્રચંડ
સમર્થન મળતાં તેઓ ઝડપથી સર્વોચ્ચ હોદ્દાની દિશામાં ગતિ કરી શક્યા. પ્રમુખ તરીકે તેઓ ચૂંટાયા તેની ઘોષણા બાદ તુરત જ શિકાગોના ગ્રાંડ પાર્ક ખાતે અઢી લાખની જનમેદની સમક્ષ આપેલ પ્રવચનમાં તેમણે શ્વેત-શ્યામને સ્થાને અમેરિકનત્વ પર ભાર મૂકી ભાવુકતાસભર ઉદબોધન કર્યું. આ નવા વરાયેલા શિક્ષિત, ઉદારમતવાદી, યુવાન, શ્યામવર્ણા પ્રમુખને ભયંકર આર્થિક મંદી, આતંકવાદ, બેરોજગારી અને કથળતા અર્થતંત્રના પ્રશ્નો સાથે તેમની પ્રમુખીય કારકિર્દીનો પ્રારંભ કરવાનો થશે. અલબત્ત, તેમના વિજયનો યશ તેમની યોગ્યતાને, ચૂંટણી-અભિયાન-કૌશલને અને પ્રભાવક વ્યાખ્યાનશૈલીને જાય છે. રાજકીય સંદર્ભમાં ત્રણ દશકા પછી અમેરિકામાં વિશિષ્ટ અને વિધેયાત્મક સ્થિતિ રચાઈ છે, જેમાં પ્રમુખપદે ડેમૉક્રેટિક પક્ષનો સભ્ય છે અને અમેરિકાની કૉંગ્રેસનાં બંને ગૃહો સેનેટ અને પ્રતિનિધિસભામાં આ જ પક્ષના સભ્યો બહુમતીમાં છે; એથી દેશની વહીવટી અને ધારાકીય પાંખ પરસ્પરના સંવાદ સાથે રાજકીય બાબતોનું સંચાલન કરી શકશે.
બરાક હુસેન ઓબામા(જુનિયર)ના પિતા બરાક હુસેન ઓબામા (સિનિયર) આફ્રિકાના કેન્યા દેશના બુદ્ધિમાન, તેજસ્વી અને મુસ્લિમ યુવાન હતા. તેઓ વધુ અભ્યાસાર્થે અમેરિકા આવ્યા હતા. કેન્યામાં કિસુમનગર પાસે ન્યાન્ઝા વિસ્તારમાંના ન્યાન્ગોમાં કાગેલો ગામે લૂઓ જ્ઞાતિમાં તેમનો જન્મ થયો હતો. તેઓ કેન્યા પાછા ગયા બાદ જોમો કેન્યાટાના શાસનમાં મંત્રી હતા. કેન્યામાં તેમના સાત સાવકાં ભાઈ-બહેન છે. માતાના બીજા લગ્નથી જન્મેલી એક ઓરમાન બહેન પણ છે. તેમની માતા એન ડનહૈમ કેન્સાસ રાજ્યની શ્વેત ક્રિશ્ચિયન હતી. આમ તેઓ આફ્રિકન પિતા અને શ્વેત માતાનું સંતાન છે. બરાકની બે વર્ષની વયે માતા-પિતા લગ્નવિચ્છેદને કારણે અલગ થઈ ગયાં હતાં. પછી તેમના પિતા કેન્યા પાછા ગયા અને ત્યાંના જાણીતા અર્થશાસ્ત્રી તરીકે તેમની કારકિર્દી વિકસી; પરંતુ કાર-અકસ્માતમાં તેમનું અવસાન થયું. તેમની માતા એને ઇન્ડોનેશિયાના મુસ્લિમ યુવક લોલો સોએટોરો સાથે પુનર્લગ્ન કર્યાં. આથી પૂરો પરિવાર ઇન્ડોનેશિયામાં સ્થાયી થયો; પરિણામે દસેકની વય સુધી ઓબામાનો ઉછેર ઇન્ડોનેશિયામાં થયો. ત્યાં શાલેય શિક્ષણ અધૂરું છોડીને તેઓ નાના-નાની સાથે રહેવા અમેરિકાના હવાઈ રાજ્યમાં ગયા, જ્યાં તેમણે માધ્યમિક કક્ષા સુધીનું શાલેય શિક્ષણ મેળવ્યું.
કોલંબિયા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા તે દરમિયાન તેમણે પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો હતો. 1983માં અભ્યાસ પૂરો કરી તેમણે ન્યૂયૉર્કની નાણાકીય સંસ્થામાં ઉપભોક્તા સંગઠનના સલાહકાર તરીકે કારકિર્દી આરંભી. તે પછી તેમણે વિવિધ ક્ષેત્રે કામગીરીના અનુભવો લીધા. શિકાગોમાં ગરીબોની જીવનદશા સુધારવા ચર્ચના ડેવલપિંગ કૉમ્યૂનિટીઝ પ્રૉજેક્ટમાં 1985માં સંયોજક તરીકે નોકરી કરી. આ કામગીરી દરમિયાન જ રાજકારણમાં પરિવર્તન લાવવાનો વિચાર સ્ફુર્યો. વળી પાછા શિક્ષણમાં પ્રવેશી હાર્વર્ડ લૉ સ્કૂલમાં ગયા. ત્યાં ‘લૉ રિવ્યૂ’ના પ્રથમ શ્યામવર્ણા નાગરિક અધ્યક્ષ બન્યા. 1991માં હાર્વર્ડમાંથી કાયદાના સ્નાતક થઈ, શિકાગોની સિડની ઑસ્ટિન લૉ ફર્મમાં સહાયક તરીકે જોડાયા. સિવિલ રાઇટ્સના ઍટર્ની તરીકે તેમણે ત્યાં કારકિર્દીનો પ્રારંભ કર્યો. આ અભ્યાસ દરમિયાન મિશેલ રૉબિન્સન સાથેની મૈત્રી પરિણયમાં પરિણમી અને ઑક્ટોબર, 1992માં મિશેલ સાથે લગ્નથી જોડાયા. 1993માં શિકાગો યુનિવર્સિટીમાં કાયદાના વ્યાખ્યાતા બન્યા.
કાયદાના ક્ષેત્રનો અભ્યાસ અને સિવિલ રાઇટ્સ અંગેની કામગીરીના સમન્વય રૂપે તેઓ જાહેર જીવનથી આકર્ષાયા અને 1996માં ઇલિનૉય રાજ્યની ધારાસભાની સેનેટના સભ્ય તરીકે ચૂંટાયા. યુવાનીના પ્રારંભે ધૂમ્રપાનની ટેવ બાબતે મિત્રો વારંવાર ટોકતા અને કહેતા કે તેમને રાજકારણમાં આ ટેવ આડી આવશે. પરિણામે આ ટેવ છોડી દીધી. અમેરિકાની રાષ્ટ્રીય રમત બાસ્કેટ બૉલ તેમની પસંદગીની રમત છે.
‘ડ્રીમ્સ ફ્રૉમ માય ફાધર’ તેમનું સંસ્મરણાત્મક પુસ્તક છે. ‘ધ ઓડેસિટી ઑવ્ હોપ’ તેમનું અન્ય પુસ્તક છે. આ બંને પુસ્તકો ‘બેસ્ટ સેલર’ નીવડેલાં, જેમાં તેમનો વિશાળ ર્દષ્ટિકોણ વ્યક્ત થયો છે. ગોડફાધર I અને II તેમનાં પ્રિય ચલચિત્રો છે. ટૉની મોરિસનનું ‘સાગ ઑવ્ સોલોમન’ તેમનું પ્રિય પુસ્તક છે. કરવેરા અંગેના ફૉર્મમાં જણાવ્યા અનુસાર ઓબામા પરિવારની વાર્ષિક આવક 42 લાખ ડૉલર છે. બે પુત્રીઓના પિતા ઓબામાની સાથે તેમની સાવકી નાની, 85 વર્ષની સરાહ તેમની સાથે રહે છે, તેમનો ખાસ્સો પ્રભાવ ઓબામા પર રહ્યો છે. તેમનું કુટુંબ આફ્રિકી, મુસ્લિમ, અમેરિકી, ક્રિશ્ચિયન – એમ વિવિધ ધર્મી અને વિવિધ વંશના સભ્યો ધરાવતું હોઈ, પ્રવચનની હળવી ક્ષણોમાં તેઓ તેમના કુટુંબને ‘યુનાઇટેડ નેશન્સ ફૅમિલી’ તરીકે ઓળખાવે છે.
પ્રમુખપદની ચૂંટણી દરમિયાન તેમણે પ્રજાને મુખ્ય ત્રણ વાયદા કર્યા છે : એક, ઈરાનમાંથી સૈન્ય પાછું બોલાવીશું; બે, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેનો ખર્ચફાળો વધારીશું; ત્રણ, મંદી અને બેરોજગારીથી પરેશાન પ્રજાને વિશેષે ગરીબ અને મધ્યમવર્ગની જનતાને રાહતો પૂરી પાડીશું; કારણ સરકારી ખજાનામાંથી 700 અબજ ડૉલર બુશ સરકારે નાણાકીય સંસ્થાઓને નાદારીમાંથી બચાવવા માટે ચૂકવ્યા છે.
2004માં સેનેટર બનેલા ઓબામા ટૂંકી રાજકીય કારકિર્દીની ભૂમિકા ધરાવે છે. શ્યામવર્ણા નાગરિકોને મતદાનનો અધિકાર આપ્યાના બરાબર 43 વર્ષ પછી આ શ્યામવર્ણો નાગરિક અમેરિકાનો પ્રમુખ ચૂંટાવા ભાગ્યશાળી બન્યો છે. 2004ની પ્રમુખીય ચૂંટણી કરતાં 2008ની પ્રમુખીય ચૂંટણીમાં 27 ટકા વધુ ચૂંટણીખર્ચ થયો છે. પાંચ અબજ ડૉલરના ખર્ચનો આંક વટાવી જનારી આ ચૂંટણી આવા ઘણા સંદર્ભમાં ઐતિહાસિક છે.
તેઓ તેમના કાર્યાલયમાં ગાંધીજીની છબી રાખે છે અને ખિસ્સામાં હનુમાનજીની મૂર્તિ. ચૂંટણીમાં ઓબામા અમેરિકાના નાગરિકોને સતત નિજી ઢબે અપીલ કરતા રહ્યા હતા. તેમનું ચૂંટણીસૂત્ર હતું : ‘હા, આ શક્ય છે.’ (‘યસ, વી કૅન.’) આ વિચારથી આરંભીને વિવિધ જાતિ અને રંગના લોકોને તેઓ ચૂંટણીપ્રચાર દ્વારા સ્પર્શ્યા હતા. પ્રત્યેક ઘરે મુલાકાત લઈ શકે તેવું ઐચ્છિક જૂથ (ટીમ) તેમણે ઊભું કરેલું. સૌથી મોટી વાત ચૂંટણી માટેના જબરદસ્ત નાણાભંડોળની હતી, પણ આ કામ તેમણે મુખ્યત્વે ગાંધીની ઢબે કર્યું. પ્રત્યેક ટેકેદારને નાની રકમ ચૂંટણીદાન માટે ફાળવવાની અપીલ દ્વારા તેમણે ઘણું મોટું ભંડોળ પ્રમુખીય ચૂંટણી માટે એકત્ર કર્યું. રંગભેદના કશાયે ઉલ્લેખ વગર શ્રેષ્ઠ બનવાનો આત્મવિશ્ર્વાસ સતત તેમણે વ્યક્ત કર્યો અને અંતે ચમત્કાર સર્જ્યો. રીપબ્લિકન પક્ષના ગઢ ગણાતાં છ રાજ્યોમાં પણ તેઓ લોકમત-પરિવર્તન કરવામાં સફળ રહ્યા અને પ્રજાના હૃદયની લગોલગ પહોંચી પ્રચંડ કરિશ્માતી નેતૃત્વ સાથે અસાધારણ આત્મવિશ્વાસ જગાડી તેમણે ઘણા મતો સંપાદન કર્યા; એથી શ્રેષ્ઠ બનવા-બનાવવાનો એક ઇતિહાસ રચાયો. આ આત્મવિશ્વાસ કદાચ તેમની અપ્રતિમ શક્તિનો દ્યોતક છે અને પ્રજાને માટે નવી આશાનું કિરણ છે.
શ્યામ વર્ણનો એક યુવાન નાગરિક અમેરિકાના સર્વોચ્ચ પદે બિરાજમાન થઈ રહ્યો છે ત્યારે અમેરિકાના ઇતિહાસની એક વિશેષ ઝલક પર ર્દષ્ટિપાત કરવો રસપ્રદ બની રહેશે. 1839માં ‘એમિસ્ટેડ’નું કાળા ગુલામોથી ભરેલું જહાજ કાર્ગો જીવતું દોજખ હતું. લોખંડી સાંકળથી બંધાયેલા ગુલામોના બાવડાની તાકાતથી ચાલતું આ કાર્ગો જહાજ ગુલામોને જંગલી ગણી બદતર વ્યવહાર કરતું હતું. આ ગુલામોના વકીલ બનીને પ્રમુખ જ્હૉન ક્વિન્સી એડમ્સે સર્વોચ્ચ અદાલતના ઐતિહાસિક મુકદ્દમા દ્વારા તેમને મુક્તિ અપાવી. 1861–64 દરમિયાન અમેરિકા ગૃહયુદ્ધ લડ્યું. અબ્રાહમ લિંકન જેવા સુકલકડી દેહધારી મહામાનવે દેશના ભાગલાના ભય છતાં પણ ‘ગુલામી તો ન જ ચલાવી લેવાય’ એ મહામંત્ર સાથે કામ કર્યું. ગુલામી-નાબૂદીની અહાલેક જગાવીને, તેને સ્વીકારાવીને જ તેઓ જંપ્યા. કાળા ગુલામની હૃદયવિદારક કથા ‘અંકલ ટૉમ્સ કૅબિન’ (1811–1896) આલેખીને હેરિયેટ બીચર સ્ટોએ આ પ્રથા પર કુઠારાઘાત કર્યો હતો. એ જ રીતે અલ્બામા રાજ્યમાં પીડિત શ્યામવર્ણા નાગરિકો પર અત્યાચાર કરી હિંસાખોરી આચરવામાં આવેલી. પ્રમુખ જ્હૉન્સને તેને ભારે અવાજે વખોડી કાઢી. શોષિતોની ચીસોને તેમણે ચિંતાનો વિષય ગણી. 15 માર્ચ, 1965ના રોજ મારતી ગાડીએ તેઓ કૅપિટલ હિલ (અમેરિકાની ધારાસભાનું મથક) પહોંચ્યા. ત્યાં પ્રવચન આપ્યું, એ પ્રવચન દ્વારા માનવજાતની ગરિમા ગૌરવને લલકાર્યું, પ્રજાને તેમાં મદદરૂપ બનવા આહવાન આપ્યું. પરિણામે ‘સિવિલ રાઇટ્સ બિલ’માં આવશ્યક સુધારા આમેજ થયા. ‘ઈશ્વરમાં વિશ્વાસ’ હોવાના અમેરિકાની સરકારના સૂત્રને ચરિતાર્થ કરવાનો આ વિશેષ પ્રયાસ હતો. એથી પ્રત્યેક શ્યામવર્ણા નાગરિકને ન્યાયતંત્રની સાખે કશાયે ભેદભાવ વિના શ્વેત નાગરિકની બરોબરમાં સ્વતંત્રતા અને સમાનતા પ્રાપ્ત થયાં. અમેરિકાની પ્રજા અને નેતાઓના પ્રયાસો થકી આજે એક શ્યામવર્ણનો નાગરિક દેશના ટોચના હોદ્દા પર બિરાજમાન બની શકશે. ‘સ્વતંત્રોના દેશ’ના આ પૂર્વજો બરાક હુસેન ઓબામાની ચૂંટણીના પાયામાં હોવાનું જણાયું છે.
આ અંગેના વિશ્વના પ્રતિભાવ પણ રસપ્રદ છે. વિશ્વની વિવિધ પ્રજાઓએ આ પરિણામને ઊલટભેર આવકાર્યું છે. વિશ્વના કેટલાક દેશોના વડાઓએ ‘નવા દોરનું નવું પ્રભાત’ કહી આ ચૂંટણીને બિરદાવી છે. ઓબામાના પિતૃદેશ કેન્યાના રાષ્ટ્રપ્રમુખ મ્વાઇકિબાકીએ 6 નવેમ્બર, 2008ના રોજ ઓબામાની પ્રમુખપદની ચૂંટણીના સમાચારે જાહેર રજા ઘોષિત કરી ! ઇંગ્લૅન્ડના ઇક્વૉલિટી ઍન્ડ હ્યુમન રાઇટ્સ કમિશનના અધ્યક્ષ ટ્રેવર ફિલિપ્સે ત્યાંના જાણીતા દૈનિક ‘ધ ટાઇમ્સ’ને આપેલી મુલાકાતમાં કહ્યું : ‘ઉત્તમ; પરંતુ આ મુલક(ઇંગ્લૅન્ડ)માં ઓબામા 10, ડાઉનિંગ સ્ટ્રીટ(ઇંગ્લૅન્ડના વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન)માં પહોંચી જ શક્યા ન હોત. શાંતિ માટેના નોબેલ પુરસ્કારની વિજેતા સૌપ્રથમ મુસ્લિમ મહિલા અને ઈરાનની વતની શિરીન એબાદીએ આશા વ્યક્ત કરી કે ઓબામા બુશની યુદ્ધખોર નીતિઓથી અલગ પડી વિશ્વને શાંતિ તરફ લઈ જતું નેતૃત્વ પૂરું પાડે તેવી તમન્ના છે. વિશ્વની વિવિધ પ્રજાઓનો આવો આવકાર બદલાતા જતા જગતના શુભ સંકેતરૂપ છે; પરંતુ એથીયે અદકેરી વાત તો એ છે કે અમેરિકાની પ્રજાની જેમ પૂર્વગ્રહમુક્ત માનસ વિવિધ પ્રજાઓ અને દેશોમાં પ્રસરે અને ભેદભાવવિહીન નૂતન સમાજની દિશામાં ઓબામાના ચાહકો યત્કિંચિત્ યોગદાન કરે. ગુજરાતના વિચારશીલ રાજકારણી સનત મહેતાએ કહ્યું છે તેમ, ‘ઓબામાના વિજયથી વિશ્વના શ્યામવર્ણા લોકો, ગરીબો અને વંચિતોમાં એક નવી આશાનો સંચાર થયો છે.’ વાસ્તવમાં એ નિખાલસ, નેકદિલ અને સ્વાતંત્ર્ય ચાહતી પ્રજાનો વિજય છે. પ્રજાએ ઓબામાને ઐતિહાસિક તક આપી છે. ઇતિહાસપુરુષ બનવાનો પુરુષાર્થ હવે તેમણે ખેડવાનો છે. સમગ્ર જગત ઇતિહાસપુરુષ બનવાના તેમના પુરુષાર્થ ભણી આશાની મીટ માંડીને બેઠું છે.
2009માં તેમને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયો છે.
રક્ષા મ. વ્યાસ