ઓબેરૉય, સુરેન્દ્ર પ્રકાશ (સુરેન્દ્રકુમાર) [જ. 26 મે 1930, લ્યાલપુર (હાલ પાકિસ્તાનના ફૈજલાબાદ જિલ્લામાં)] : ઉર્દૂના અદ્યતન વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘બાઝ ગોયી’ (1987) બદલ 1989ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

તેમને કદી વિધિસર શિક્ષણ મળ્યું નથી. તેમણે લાહોરની પંજાબ યુનિવર્સિટીમાં ખાનગી ઉમેદવાર તરીકે શાળા-પરીક્ષા આપી. ભારતના ભાગલા બાદ તેઓ વિવિધ સ્થળોએ રહ્યા બાદ દિલ્હીમાં આવ્યા. ત્યાં તેમણે ફેરિયા, રિક્ષાચાલક, સેલ્સમૅન અને રેસ્ટોરાં-સેવાની સામાન્ય મજૂરી દ્વારા તેમની રોજગારી મેળવી.

11 વર્ષની ઉંમરે તેમની પ્રથમ વાર્તા લાહોરમાંથી પ્રગટ થતાં ફિલ્મ મૅગેઝિન ‘પારસ’માં પ્રસિદ્ધ કરાવી. તે પછી થોડાં વર્ષો સુધી તેમણે આકાશવાણી માટે લેખનકાર્ય કર્યું. તે પછી તેઓ મુંબઈ આવ્યા. ત્યાં તેઓ ફિલ્મો અને ટી.વી. શ્રેણીઓની પટકથાઓ લખતા રહ્યા.

તેમની માતૃભાષા પંજાબી હોવા છતાં તેમણે ઉર્દૂમાં 4 ગ્રંથો આપ્યા છે. ‘દૂરરે આદમી કા ડ્રૉઇંગ રૂમ’ (1968), ‘બર્ફ પર મુકાબલા’ (1980), ‘બાઝ ગોયી’ (1987) અને ‘હાઝિર હાલ ઝારી’ તેમના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહો છે. તેમની વાર્તાઓ વિસ્મય અને આશ્ચર્યની ઊંડી અનુભૂતિ કરાવે છે અને અનભિપ્રેત સ્વપ્નચિત્રો રજૂ કરે છે. તેમનાં પાત્રાલેખનમાં સંવેદનશીલતા સાથે જે તે પાત્રના અજ્ઞાત મન સુધી પહોંચવાની સર્જનાત્મક ગતિવિધિ પ્રગટ થાય છે. પ્રાચીન ભારતીય પૌરાણિક કથાઓની પૃષ્ઠભૂમિકા પર આધુનિક માનવીની દુર્દશા અને તેના અસ્તિત્વને લગતી વેદનાની, તેની મન:સ્થિતિના વિવિધ વિવર્તોની માર્મિક રજૂઆતના કારણે પુરસ્કૃત કૃતિ ‘બાઝ ગોયી’ ઉર્દૂ કથા- સાહિત્યમાં અનોખી ભાત પાડનારી લેખાઈ છે.

બળદેવભાઈ કનીજિયા