ઓનાગ્રેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી – વજ્ર-પુષ્પી (Calyciflorae), ગોત્ર  મિર્ટેલીસ, કુળ – ઓનાગ્રેસી. આ કુળને ઇનોથેરેસી કે એપિલોબિયેસી તરીકે પણ ઓળખાવવામાં આવે છે. તે લગભગ 20 પ્રજાતિઓ અને 650 જાતિઓનું બનેલું છે અને સમગ્ર વિશ્વમાં થાય છે, છતાં ખાસ કરીને નવી દુનિયાના સમશીતોષ્ણ પ્રદેશોમાં જોવા મળે છે. તે દક્ષિણ અમેરિકામાં પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે. આ કુળની મુખ્ય પ્રજાતિઓમાં Oenothera (200 જાતિઓ), Epilobium (200 જાતિઓ), Fuchsia (100 જાતિઓ), Jussiaea (40 જાતિ) અને Ludwigia(30 જાતિઓ)નો સમાવેશ થાય છે. Jussiaea repens Raven., Ludwigia octovalvis (પાનલવંગ), L. perennis L. અને Trapa bispinosa Roxb. (શિંગોડાં) ગુજરાતમાં થતી આ કુળની જાતિઓ છે. જોકે Trapaને હવે અલગ કુળ ટ્રેપેસી કે હાઇડ્રૉકેર્યેસીમાં મૂકવામાં આવે છે.

મોટેભાગે આ કુળની વનસ્પતિઓ શાકીય હોય છે અને કેટલીક વાર તેઓ જલોદભિદ છે. તે ભાગ્યે જ ક્ષુપ (દા.ત., Fuchsia) કે વૃક્ષ(દા.ત., Hauya)-સ્વરૂપ ધરાવે છે. પર્ણો સાદાં, એકાંતરિક કે સંમુખ, અનુપપર્ણીય (exstipulate) કે ઉપપર્ણીય (stipulate) હોય છે. Fuchsia અને Circaeaમાં શીઘ્રપાતી (caducous) ઉપપર્ણો હોય છે.

પુષ્પવિન્યાસ એકાકી કક્ષીય પરિમિત કે શૂકીસમ(spicate)થી માંડી અપરિમિત (racemose) પ્રકારનો હોય છે. Fuchsia spp.માં લઘુપુષ્પગુચ્છી (paniculate) પ્રકારનો પુષ્પવિન્યાસ જોવા મળે છે. પુષ્પ નિયમિત અથવા કેટલીક વાર અનિયમિત (દા.ત., Lopezia), દ્વિલિંગી, ઉપરિજાય (epigynous) અને ચતુરઅવયવી (tetramerous) હોય છે.

વજ્ર મોટેભાગે ચાર અથવા ક્વચિત્ 2, 3, 5 કે 6 વજ્રપત્રોનું બનેલું, ધારાસ્પર્શી અને દીર્ઘસ્થાયી (દા.ત., Jussiaea, Ludwigia) કે પતનશીલ (deciduous) હોય છે. વજ્ર બીજાશય સાથે જોડાઈ સ્પષ્ટ હાઇપેન્થિયમ (hypanthium) બનાવે છે. દલપુંજ ઘણે ભાગે 4, કેટલીકવાર બે કે તેથી વધારે, નહોર આકારના, સંવલિત (convolute) કે કોરછાદી (imbricate) દલપત્રોનું બનેલું હોય છે. Ludwigiaમાં દલપુંજ હોતો નથી.

પુંકેસરચક્ર દલપત્રોની સંખ્યા જેટલા અથવા તેથી બેગણા પુંકેસરોનું બનેલું હોય છે. Lopeziaમાં એક ફળાઉ અને એક વંધ્ય પુંકેસર હોય છે. પુંકેસરચક્ર દ્વિચક્રીય હોય છે, ત્યારે બહારનું ચક્ર દલપત્રોથી એકાંતરિક હોય છે. આ સ્થિતિને દ્વિઆવર્તપુંકેસરી (diplostemonous) કહે છે. પુંકેસરો હાઇપેન્થિયમથી મુક્ત અથવા તેની ધાર ઉપરથી ઉત્પન્ન થાય છે. પરાગાશયો દ્વિખંડી અને મધ્યડોલી (versatile) અધોબદ્ધ (cinnate) હોય છે અને તેમનું લંબવર્તી સ્ફોટન થાય છે. કેટલીક વાર પરાગાશયનો પ્રત્યેક ખંડ બે (દા.ત., Circaea) કે તેથી વધારે (દા.ત., Clarkia) આડા ભાગોમાં વિભાજિત થાય છે. સ્ત્રીકેસરચક્ર ચતુ:યુક્તસ્ત્રીકેસરી (ભાગ્યે જ 2 કે 5 સ્ત્રીકેસરો) અધ:સ્થ બીજાશયનું બનેલું હોય છે. જરાયુવિન્યાસ અક્ષવર્તી પ્રકારનો જોવા મળે છે; જેમાં પડદાઓ કેટલીકવાર અપૂર્ણ હોય છે. પ્રત્યેક જરાયુ ઉપર એક કે તેથી વધારે અધોમુખી (anatropous) અંડકો હોય છે. પરાગવાહિની એક અને પાતળી હોય છે. પરાગાસન સામાન્યત: સમુંડ (capitate), કેટલીકવાર ખાંચવાળું (દા.ત., Circaea) અથવા અરીય રીતે શાખિત (દા.ત., Oenothera, Epilobium) હોય છે.

ફળ મોટેભાગે વિવરીય (loculicidal) પ્રાવર, અનષ્ઠિલ (દા.ત., Fuchsia) અથવા કાષ્ઠમય (દા.ત., Gaura) હોય છે. બીજ ગુચ્છકેશી (comose) કે અરોમિલ અને અભ્રૂણપોષી (non-endospermous) હોય છે. ભ્રૂણ સીધો જોવા મળે છે.

આકૃતિ 1 : ઓનાગ્રેસી : (અ) Fuchsia : પુષ્પીય શાખા, (આ) Epilobium :
રોમિલ બીજ, (ઇ) Oenothera : પુષ્પીય શાખા, (ઈ) Lopezia : પુષ્પ,
(ઉ) Clarkia : (ઉ1) પુષ્પીય શાખા, (ઉ2) પુષ્પનો ઊભો છેદ, (ઉ3) બીજાશયનો
આડો છેદ

બેસી, વેટસ્ટેઇન અને રેન્ડલ આ કુળને મિર્ટીફ્લોરીમાં મૂકે છે. હચિન્સને તેનો સમાવેશ લિથ્રેલીસ ગોત્રમાં કર્યો છે. રૈમાને આ કુળને ફળનાં લક્ષણો પરથી આઠ જનજાતિઓ(tribes)માં વર્ગીકૃત કર્યું છે : જ્યુસીઈ, એપિલોબીઈ, હોથી, ઓનાગ્રી, ગોરી, ફુચ્સીઈ, સર્સી અને લોપેઝી.

Oenothera (રક્તલાલી) Fuchsia (દીવડાં) અને Clarkia (કોયલ) જેવી મોટાભાગની પ્રજાતિઓ શોભન-વનસ્પતિઓ તરીકે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે.

સરોજા કોલાપ્પન

બળદેવભાઈ પટેલ