ઑનસેગર, લાર્સ (જ. 27 નવેમ્બર 1903, ક્રિસ્ટિયાના (હવે ઑસ્લો), નૉર્વે; અ. 5 ઑક્ટોબર 1976, કોરલ ગેબલ્સ, ફ્લોરિડા, યુ.એસ.) : જન્મે નૉર્વેજિયન અમેરિકન રસાયણવિદ અને 1968ના રસાયણશાસ્ત્રના નોબેલ પારિતોષિકવિજેતા. વકીલના પુત્ર એવા ઓસામુર 1920માં ટ્રૉન્ડહીમની નોર્જીસ ટેક્નિસ્ક વૉગસ્કૂલ(Norges Tekniske Wogskde)માં રાસાયણિક ઇજનેરીના અભ્યાસ માટે દાખલ થયા. સાંખ્યિકીય (statistical) યાંત્રિકી (mechanics) ઉપરના તેમના શરૂઆતના સંશોધનકાર્યથી નોબેલ પારિતોષિક વિજેતા ડચ રસાયણવિદ પીટર ડીબાયનું ધ્યાન ખેંચાયેલું.

1923માં ડીબાય અને હ્યુકેલે પ્રબળ વિદ્યુતવિભાજ્યો(strong electrolyts)ની વર્તણૂક સમજાવતો ડીબાય-હ્યુકેલ સિદ્ધાંત રજૂ કર્યો હતો, જે પ્રાયોગિક અવલોકનો સાથે બંધબેસતો ન હતો. ઑનસેગરે શોધી કાઢ્યું કે જો આયનોની બ્રાઉનિયન ગતિ (Brownian movement) લક્ષમાં લેવામાં આવે તો સિદ્ધાંત અને પ્રયોગ વચ્ચે સામંજસ્ય (agreement) સાધી શકાય. ઑનસેગર ડીબાયને મળ્યા અને ફક્ત આટલું જ કહ્યું, ‘પ્રો. ડીબાય, વિદ્યુતવિભાજ્યો અંગેનો આપનો સિદ્ધાંત ખોટો છે.’ ઑનસેગરની રજૂઆતથી ડીબાય પ્રભાવિત થયા અને તેમને મદદનીશ તરીકે જોડાવા પ્રસ્તાવ મૂક્યો. આ પ્રસંગ ઑનસેગર જેવા નવદીક્ષિતના આત્મવિશ્વાસનું અને ડીબાય જેવા લબ્ધપ્રતિષ્ઠ વૈજ્ઞાનિકની, નવદીક્ષિતને સાંભળવાની તૈયારીનું ઉમદા ઉદાહરણ છે. ઑનસેગરની પ્રથમ ઉપલબ્ધિ ડીબાય-હ્યુકેલના સિદ્ધાંતને સુધારવાની હતી (1925). આ સુધારો ડીબાય-હ્યુકેલ-ઑનસેગર સિદ્ધાંત તરીકે ઓળખાય છે.

આ પછી ઑનસેગરે યુ.એસ. ખાતે સ્થળાંતર કર્યું અને ત્યાં જ સ્થાયી થયા. જ્યાં તેમણે બાલ્ટિમોરની જ્હૉન હૉપકિન્સ યુનિવર્સિટી અને પ્રૉવિડન્સની બ્રાઉન યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું. 1933માં તેઓ યેલ યુનિવર્સિટીના શિક્ષકગણમાં જોડાયા અને 1935માં તે યુનિવર્સિટીની ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1945માં તેઓ આ યુનિવર્સિટીમાં સૈદ્ધાંતિક રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા અને 1973માં ત્યાંથી નિવૃત્ત થયા. યુનિવર્સિટી ઑવ્ મિયામીએ તેમને વિશિષ્ટ (distinguished) પ્રાધ્યાપક તરીકે નિમણૂક આપેલી.

બ્રાઉન યુનિવર્સિટીના કાર્યકાલ દરમિયાન તેમણે અપ્રતિવર્તી પ્રક્રિયાઓમાં વ્યસ્ત-સંબંધો (reciprocal relation) અંગેનો વાદ રજૂ કરેલો, જે ઉષ્માગતિશાસ્ત્રના ચોથા નિયમ તરીકે ઓળખાય છે. ઑનસેગરે  જણાવ્યું કે જે પ્રણાલીઓ સમતોલનમાં હોતી નથી તેમાં વિભિન્ન ફેરફારો થયાં કરે છે. આને પરિણામે ઊર્જા અને દળ (mass) જેવી રાશિઓ પ્રણાલીના એક ભાગમાંથી બીજા તરફ વહે છે, આ પ્રકારના પ્રવાહ (flow) યુગ્મિત હોય છે એટલે કે એક રાશિ બીજા ઉપર આધાર રાખે છે. આ વ્યસ્ત-સંબંધો અથવા પારસ્પરિક સંબંધો (reciprocal relations) તરીકે ઓળખાય છે. આ સિદ્ધાંત ઑનસેગરે 1931માં વિકસાવેલો. દ્રાવણમાંના આયનની ગતિ, વિક્ષુબ્ધતા (disturbances) તથા તરલ ઘનતા (fluid density) સાથે સંબંધ ધરાવે છે તેવા સ્પષ્ટીકરણે, ભૌતિકરસાયણના વિકાસમાં અગત્યનો પ્રભાવ પાડ્યો છે. તેમનું સંશોધનકાર્ય, મુખ્યત્વે પ્રબળ વિદ્યુતવિભાજ્યોનાં દ્રાવણો અને પ્રવાહી હીલિયમમાંનાં વમળો(vortexes)ના ક્વોન્ટમીકરણ (quantisation) સાથે સંકળાયેલું છે. અપ્રતિવર્તી પ્રક્રમોના ઉષ્માગતિકીય અભ્યાસમાં, તેમના નામ ઉપરથી ઓળખાતા, પાયારૂપ વ્યસ્ત સંબંધોની શોધ માટે, 1968નું રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક તેમને એનાયત થયું હતું.

લાર્સ ઑનસેગર

અત્યંત સંકીર્ણ સૈદ્ધાંતિક કૂટ પ્રશ્નોના ઉકેલ તે ઘણી સહજતાથી મેળવી શકતા. કોઈ પણ વ્યક્તિ જરૂરી મહેનત કરે તો બૌદ્ધિક સજ્જતામાં તેમને આંબી શકે તેવું તે ર્દઢતાપૂર્વક માનતા. તેમની ગણના અત્યંત ઊંચી બુદ્ધિપ્રતિભા ધરાવનાર વૈજ્ઞાનિકોમાં કરવામાં આવે છે.

ઇન્દ્રવદન મનુભાઈ ભટ્ટ