ઓડેસા (Odesa) : યુક્રેઇન પ્રજાસત્તાક(સ્થાપના : 1911)નો 33,300 ચોકિમી. વિસ્તાર ધરાવતો કાળા સમુદ્રના કિનારાનો પ્રદેશ અને તેનું મહત્વનું શહેર તથા બંદર. 460 28′ ઉ. અ. અને 300 44′ પૂ. રે. વસ્તી : પ્રદેશની 25,47,800; શહેરની 10,27,000 (1998). ખેતી અને પશુપાલન ઓડેસા પ્રદેશના મુખ્ય વ્યવસાય છે. ઘઉં, મકાઈ, બીટ, જવ અને સૂર્યમુખી મુખ્ય પાકો છે.
ઓડેસા બંદરેથી સૌથી વધુ નિકાસ ઘઉંની થાય છે. 1905માં રાજકીય બળવા દરમિયાન આ શહેરે મહત્વનો ભાગ ભજવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનો સામેના સંરક્ષણમાં શહેરને ભારે નુકસાન થયું હતું. આ શહેર પ્રદેશના ઔદ્યોગિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પ્રખ્યાત છે. સેર્જી ઇઝન્સ્ટીનની પ્રશિષ્ટ ફિલ્મ ‘પોટેમ્કીન’ 1925માં ઓડેસા શહેરમાં બનાવવામાં આવી હતી.
હેમન્તકુમાર શાહ