ઓટ (ઓટ, જવલો) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની પ્રજાતિ. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ તૃણોની બનેલી છે અને તેનું વિતરણ મુખ્યત્વે સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 30 જેટલી જાતિઓ થાય છે. Avena byzantina Koch કૃષ્ય (cultivated) ઓટ છે અને A. sativa Linn. સામાન્ય ઓટ છે. આ બંને જાતિઓ યુરોપ અને અમેરિકામાં ધાન્ય અને ચારાના પાક તરીકે અને ભારતમાં મર્યાદિત પ્રમાણમાં ચારા તરીકે વાવવામાં આવે છે. A. brevis Roth (ટૂંકી ઓટ), A nuda Linn. (નગ્ન ઓટ) અને A. orientallis Schreb. પણ ધાન્ય ઉત્પન્ન કરતી જાતિઓ છે. A. barbata Brot., A. fatua Linn., A. pratensis Linn. અને A. pubescens Huds કેટલીક ચારાની જાતિઓ છે.
A. byzantina અને A. sativa પૂર્વ મધ્ય એશિયાની નજીક (એશિયા માઇનૉર), ટ્રાન્સકૉકેશિયન પ્રદેશ, ઈરાન અને તુર્કસ્તાનમાં લગભગ બે-એક હજાર વર્ષ પહેલાં ઉદભવી હોવાનું મનાય છે. A. sterilis Linn. ઓટની બધી જાતિઓની પૂર્વજ છે. કેટલાક વિજ્ઞાનીઓ A. nudaને પૂર્વજ હોવાનું માને છે.
ઓટ ઘઉં, ચોખા અને મકાઈ પછી ધાન્યોમાં ઉત્પાદનની ર્દષ્ટિએ દુનિયામાં ચોથા ક્રમે આવે છે. ભારતીય ઓટ (A. byzantina) સામાન્યત: ભૂમધ્યસમુદ્રીય, ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે. ભારતમાં પંજાબ (લુધિયાણા જિલ્લો), હરિયાણા (હિસ્સાર અને કરનાલ જિલ્લો) અને ઉત્તરપ્રદેશ(મેરઠ અને રોહીખંડ જિલ્લા)માં બહોળા પ્રમાણમાં અને હિમાચલપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓરિસા, બિહાર અને પશ્ર્ચિમ બંગાળમાં મર્યાદિત પ્રમાણમાં વાવવામાં આવે છે.
તે 60 સેમી.થી 150 સેમી.થી ઊંચાઈવાળો, 3 મિમી.થી 6 મિમી. વ્યાસના 3થી 5 સાંઠાઓ ધરાવતો મજબૂત પ્રકાંડવાળો એકવર્ષાયુ છોડ છે. તેનાં મૂળ નાનાં, અસંખ્ય રેસામય અને જમીનમાં ફેલાયેલાં હોય છે. તે સાદાં, દ્વિપંક્તિક, લાંબાં, સાંકડાં અને પટ્ટી જેવાં જિહ્વિકા (ligule) યુક્ત પર્ણો ધરાવે છે. પુષ્પવિન્યાસ શૂકિકા (spikelet) પ્રકારનો હોય છે. આ શૂકિકાઓ શૂકી (spike) સ્વરૂપે ગોઠવાયેલી હોય છે. તેની પ્રત્યેક શૂકિકમાં બે પૂર્ણ પ્રકારનાં અને વધારાનું પુષ્પ હોય તો અપૂર્ણ નર-પુષ્પ હોય છે.
રંગસૂત્રોની સંખ્યા અનુસાર ઓટને ત્ર ણ વિભાગમાં વહેંચવામાં આવે છે : (1) રંગસૂત્રો – 7 : A. brevis, A. strigosa, A. wiestii; (2) રંગસૂત્રો – 14 : A. barbata, A. abyssinica અને (3) રંગસૂત્રો – 21 : A. fatua, A. sterilis અને A. sativa.
ભારતમાં ધાન્ય, ચારા તેમજ ચારા તરીકે ઉપયોગી, વધારે ઉત્પાદન આપતી જાતો વિકસાવવામાં આવી છે. IARI (ઇંડિયન ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ), દિલ્હી દ્વારા ‘કૅન્ટ’ અને ‘અલ્જેરિયન’ જેવી જાતોના વાવેતર માટે સીધેસીધો પ્રવેશ કરાવાયો છે. પસંદગી દ્વારા વિકસાવાયેલી જાતોમાં ‘ઑસ્ટ્રેલિયન’, ‘એન.પી. 1’, ‘એન.પી. 2’ અને ‘એન.પી. 3’ અને આંતરજાતીય સંકરણો દ્વારા પ્રાપ્ત થયેલી જાતોમાં ‘એન.પી. સંકર 1’ અને ‘એન.પી. સંકર 3’નો સમાવેશ થાય છે. તે પૈકી ‘એન.પી. 3’ અગ્રિમ (early) ચારાની જાત છે અને ‘વેસ્ટન 11’ અને ‘બ્રુન્કર 10’ સાથે સફળતાપૂર્વક સ્પર્ધા કરે છે. એન.પી. 3 ઉત્તર બિહારમાં ઉગાડવામાં આવે છે. ‘એફ.ઓ.એસ. 1/29’ 140 દિવસમાં ચારા માટે લણી શકાય તેવી શુષ્કતારોધી (drought resistant) જાત છે. ‘ટી 1’ જાત ગવર્મેંટ રિસર્ચ સેન્ટર, કાનપુર દ્વારા વિકસાવાયેલી છે. ‘ફ્લૅમિંગ્સ ગોલ્ડ’, ‘ફ્રેંચ હસ્કડ્’, ‘ગ્રીન માઉન્ટેઇન’ અને ‘ઓવરલડ’ ચારાના હેતુ માટે પ્રવેશ કરાવાયેલી જાતો છે. રવી પાક માટે ભારતનાં જુદાં જુદાં સ્થળોએ શ્રેષ્ઠ જાતોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને એક-કાપણી (single cut) જાતો તરીકે ‘37/14’ અને ‘આઈ.જી.એફ.આર.આઈ. 2688’ની ભલામણ કરવામાં આવી છે. ‘37/14’ની ‘બહુ-કાપણી’ જાત તરીકે અને ‘આઈ.જી.એફ.આર.આઈ. 3021’ બંને એક-કાપણી અને બહુ-કાપણી પ્રબંધ-પદ્ધતિઓ હેઠળ આશાસ્પદ જાતો છે. ‘37/14’ જાત ઝડપથી ઊગે છે અને બહુ-કાપણીમાં પ્રતિ હેક્ટરે 60 ટન લીલો ચારો અને આશરે 13 ટન સૂકું દ્રવ્ય આપે છે. ‘એન.પી. 1’, ‘ફ્લૅમિંગ્સ ગોલ્ડ’ અને ‘કૅન્ટ’નું કર્ણાટકમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. તે પૈકી ‘એન.પી. 1’ મહત્તમ ઉત્પાદન આપતી જાત છે, જોકે શુષ્ક ચારો ‘ફ્લૅમિંગ્સ ગોલ્ડ’માં વધારે મળે છે. વારાણસી જિલ્લામાં ‘કૅન્ટ’ જાત ‘વેસ્ટન 11’ કરતાં વધારે શુષ્કતારોધી જાત છે. ઉત્તર-પ્રદેશના પશ્ચિમ ભાગોમાં ‘ઓટ 17’ શુષ્ક દ્રવ્ય અને પોષકોનું મહત્તમ ઉત્પાદન આપે છે.
A. sativa અને A. byzantinaની પુસામાં કેટલીક આશાસ્પદ સંકર જાતો ઉત્પન્ન કરવામાં આવી છે. A. sativa સારા દાણા અને પુષ્કળ પ્રમાણમાં સાંઠા ઉત્પન્ન કરતી જાતિ છે અને A. byzantina વહેલી પાકતી અને શુષ્કતારોધી જાતિ છે. પંજાબમાં લીલા ચારા અને દાણા માટે વહેલી પાકતી જાતોમાં ‘કૅન્ટ’ સર્વશ્રેષ્ઠ જાત છે. ‘અલ્જેરિયન’ અને ‘એફ. ઓ. એસ. 1/29’ જાતો શુષ્ક પ્રદેશમાં ઉગાડવામાં આવતી જાતો છે.
ઓટનું વાવેતર ભારતના જુદા જુદા પ્રદેશોમાં મોટેભાગે સિંચિત ભૂમિમાં થાય છે. તે બધા પ્રકારની પોષકદ્રવ્યો ધરાવતી ભભરું (friable) ગોરાડુ મૃદામાં ઉગાડાય છે. તે મંદ એસિડિક અને લવણયુક્ત સ્થિતિમાં ટકી રહે છે, પરંતુ દલ-દલ ભૂમિમાં કે ઍલ્કેલાઇન ભૂમિમાં થતી નથી. જ્યારે તેને શિંબી પાક સાથે ઉગાડવામાં આવે ત્યારે દાણાની ગુણવત્તા પ્રોટીન, મેદ, ખનિજ-દ્રવ્યોની ર્દષ્ટિએ વધે છે અને રેસાઓ તથા નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષનું પ્રમાણ ઘટે છે.
રોપાઓ માટે પૂરતી ભેજવાળી ભભરું ક્યારીઓ તૈયાર કરવામાં આવે છે. ઓટ વાવતાં પહેલાં ખેતરને અનેક વાર ખેડવામાં આવે છે. પ્રત્યેક ખેડ પછી પાટિયું ફેરવવામાં આવે છે. ચારાની ઓટ માટેનો દરેક પ્લૉટ 912 ચોમી.ના કદનો તૈયાર કરાય છે.
ઑક્ટોબર કે નવેમ્બરમાં બીજની છુટ્ટી વાવણી અથવા તેને માટે ચાસ પાડવામાં આવે છે. ખેડૂતો જોકે પહેલી પદ્ધતિ પસંદ કરે છે. ચાસ પાડવામાં આવે, ત્યારે બીજ 10 સેમી.થી 15 સેમી. ઊંડાં અને 45 સેમી.થી 60 સેમી. અંતરે વાવવામાં આવે છે. દાણા માટે 45-67 કિગ્રા./હેક્ટર અને ચારા માટે 60-120 કિગ્રા./હેક્ટર બીજ વાવવામાં આવે છે.
સાયકોસેલ 2 કિગ્રા./હેક્ટર પર્ણોને આપતાં દાણાનું ઉત્પાદન 53 %થી 132 % વધે છે, પરંતુ છોડની ઊંચાઈ ઘટે છે. ટેટ્રાસાઇક્લિન હાઇડ્રોક્લોરાઇડ, ડેમેક્લૉસાઇક્લિન હાઇડ્રોક્લોરાઇડ, નાઇસ્ટેટિન અને રૉલિટેટ્રાસાઇક્લિન જેવાં કેટલાંક પ્રતિજૈવિક ઔષધો બીજાંકુરણ ઉપર પ્રેરક અસરો દર્શાવે છે.
ભારતના વિવિધ કૃષિ-આબોહવાકીય પ્રદેશો માટે ચારા તરીકેની ઓટની જાતોની પોષણ સંબંધી જરૂરિયાતો જુદી જુદી હોય છે. ઉત્તર પ્રદેશના જુદા જુદા ભાગોમાં પોષણ-કક્ષ અનુસાર લીલા ચારા માટે 20થી 150 કિગ્રા./હેક્ટર નાઇટ્રોજન આપવામાં આવે છે. દિલ્હી, પંજાબ અને ઉત્તરપ્રદેશના તરાઈ પ્રદેશમાં ચારાની ‘કૅન્ટ’ જાત માટે 112 કિગ્રા. નાઇટ્રોજન/હેક્ટર આપવામાં આવે છે. ફૉસ્ફરસ (P2O5) 30થી 125 કિગ્રા./હેક્ટર ઓટની ચારાની જાતો માટે અપાય છે.
ઉત્તરપ્રદેશમાં વાવણી પછી ત્રણ અઠવાડિયે અને ત્યારપછી દરેક પખવાડિયે સિંચાઈ કરવામાં આવે છે. સિંચાઈની સાથે નાઇટ્રોજન-યુક્ત ખાતર આપવું વધારે લાભદાયી છે.
ઓટ અને શિંબી પાક મિશ્ર વાવવાથી ચારો વધારે પોષક અને પ્રોટીનયુક્ત બને છે. અંકારી (Vicia sativa Linn.), બનમેથી (Melilotus indica All.), વિલાયતી ઘાસ (Medicago sativa Linn.) બરસીમ (Trifolium alexandrium), રાનમેથી (Melilotus alba var. annua Coe.), રાઈ (Brassica spp.) અને વટાણા (Pisum sativum Linn.) ઓટના મિશ્ર પાક તરીકે ઉગાડવામાં આવે છે.
ઓટ ઉપર Puccinia graminis Pers. var. avenae Erikss. & P. Henn. દ્વારા થડનો ગેરુ અને P. coronata Corda var. avenae Erikss દ્વારા કિરીટ ગેરુ થાય છે. થડના ગેરુની રોધક જાતો ‘આઇઓવા 670’, ‘ગોફર’, ‘કંડુલા’, ‘માર્કટોન’, ‘કર્ટ’ અને ‘સૈઆ’ છે; જ્યારે ‘એન.પી. 1’, ‘એન.પી. 2’, ‘કેન્ટ’ અને ‘પંજાબ લોકલ’ થડનો ગેરુ અને કિરીટગેરુ બંને માટે રોગસંવેદી છે. ‘VIII 578’, ‘ઓવરલડ’, ‘બૉન્ડવીક’, ‘બૉન્ડ’, ‘લૅંડહાફર’, ‘ત્રિસ્પર્નિયા’ અને ‘વિક્ટોરિયા’ કિરીટ-ગેરુરોધક જાતો છે. ગેરુનું નિયંત્રણ અવરોધક જાતોના વાવેતરથી, વૈકલ્પિક યજમાનના નાશથી અને ફૂગનાશકોના છંટકાવ દ્વારા થાય છે.
Ustilago hordei (Pers.) Lagerh. syn. U. Kolleri Wille દ્વારા આવૃત અંગારિયો અને U. avenae (Pers.) Rostr. દ્વારા પોચો અંગારિયો થાય છે. અંગારિયાના નિયંત્રણ માટે એરેસેન, સ્પર્ગોન, ડાઉ 9-B અને ડાઇથેન જેવા ઓર્ગેનો-મર્ક્યુરિક ફૂગનાશકોની 2 ગ્રા./કિગ્રા.ની માત્રાએ બીજચિકિત્સા આપવામાં આવે છે.
Helminthosporium avenae Eidam દ્વારા ‘પાનના ડાઘ’નો રોગ થાય છે. બીજને એગ્રોસન જી.એમ. અથવા સેરેસન એમ.ની ચિકિત્સા આપવાથી રોગની તીવ્રતા ઘટે છે. Sclerotium rolfsii દ્વારા પાયાનો સડો થાય છે.
ઓટમોઝેક વાઇરસ અને યલો ડ્વાર્ફ વાઇરસના ચેપથી ઓટના ઉત્પાદનમાં 30 % ઘટાડો થાય છે. વાઇરસનું વિકિરણ ઍફિડ દ્વારા અથવા બીજ દ્વારા થાય છે.
ઓટના પાકને ઘણી જીવાતો નુકસાન પહોંચાડે છે. Chrotogonus, Acridia અને Pyrgomorpha પર્ણની કિનારીઓ અને નાજુક કણસલાંઓ ખાઈ જાય છે. Odontotermes ઓટના મૂળ તંત્ર અને જમીનની નજીકના ભાગો પર આક્રમણ કરે છે. Rhopalosiphum maidis Fitch. અને Aphis cracivora Koch. જેવી મોલોની જાતિઓ કાચા પુષ્પવિન્યાસો અને નાજુક અંગોમાંથી રસ ચૂસે છે. Bagrada cruciferarum Kirk., Nezara viridula અને Dolychorus indicus Stal. જેવી ચૂસિયાંની જાતિઓ નાજુક શૂકિકાઓમાંથી રસ ચૂસે છે. Sesamia inferens અને Chilo partellusની ઇયળો રોપાઓને કોરી ખાય છે.
આ જીવાતોના અસરકારક નિયંત્રણ માટે પેરેથિયોન, ડેમેટોની, મૅલેથિયોન, ઍૅલ્ડ્રિન, એન્ડ્રિન, ક્લોર્ડન, ડી.ડી.ટી., બી.એચ.સી. જેવા જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવે છે.
જાતને અને વાવણી આધારે ઉત્તર ભારતમાં 140-180 દિવસે ઓટનો પાક તૈયાર થાય છે. જોકે મોડી વાવેલી જાતો સામાન્ય જાતોની સરખામણીમાં ઓછા દિવસોમાં પાકે છે. સાંઠા થોડા-ઘણા લીલા હોય ત્યારે દાણાના પાકની લણણી થાય છે. સારો પાક 275-475 ક્વિન્ટલ/હેક્ટર લીલા ચારાનું ઉત્પાદન આપે છે. વાહિતમલ (sewage) સિંચાઈ હેઠળ બે કાપણી દ્વારા આશરે 600 ક્વિન્ટલ/હેક્ટર ઉત્પાદન મળે છે. દાણાઓ માટે લણણી માર્ચમાં થાય છે અને આશરે 25 ક્વિન્ટલ/હેક્ટર ઉત્પાદન થાય છે. બીજી કાપણી પછી તે 5થી 10 ક્વિન્ટલ/હેક્ટર દાણાનું ઉત્પાદન આપે છે.
ઓટ સૌથી પોષક ધાન્યો પૈકીનું એક છે, કારણકે તે મેદ, પ્રોટીન અને ખનિજ-દ્રવ્યોનું ઊંચું પ્રમાણ ધરાવે છે; પરંતુ તેનું છાલું (hull) સહેલાઈથી દૂર થઈ શકતું નથી. ભારતમાં થતી ઓટની જુદી જુદી જાતોના એક રાસાયણિક વિશ્લેષણ પ્રમાણે તે પાણી 7.4 %થી 17.9 %, પ્રોટીન 10.94 %થી 14.2 %, લિપિડ 4.4 %થી 8.5 %, અશુદ્ધ રેસો 8.5 %થી 13.5 %, સ્ટાર્ચ 49.2 %થી 59.2 %, કુલ શર્કરાઓ 6.7 %થી 9.7 %, અપચાયક (reducing) શર્કરાઓ 1.0 %થી 5.3 %, ખનિજો 3.2 %થી 4.9 %; કુલ ફૉસ્ફરસ 80.0 મિગ્રા.થી 128.0 મિગ્રા. (ફાઇટિન P, 20 મિગ્રા.થી 41 મિગ્રા.) અને લોહ 4.2 મિગ્રા.થી 7.3 મિગ્રા./100 ગ્રા. ધરાવે છે. એવિનિન નામનું ગ્લોબ્યુલિન કુલ પ્રોટીનના આશરે 80 % જેટલું હોય છે. સંસાધિત (processed) ઓટ મેળવવા આપવામાં આવતી ઉષ્મા-ચિકિત્સા(heat treatment)ને કારણે પ્રોટીનની ગુણવત્તાને નુકસાન પહોંચે છે. ઓટની જુદી જુદી જાતોમાં આવશ્યક એમીનો-ઍસિડોનું પ્રમાણ આ પ્રમાણે છે : આર્જિનિન 6.0-7.7 ગ્રા., સિસ્ટિન 1.2-1.8 ગ્રા., હિસ્ટિડિન 1.6-1.9 ગ્રા., લ્યુસિન 5.2-7.6 ગ્રા., આઇસોલ્યુસિન 3.4-4.6 ગ્રા., લાઇસિન 2.6-3.6 ગ્રા., મિથિયોનિન 1.2-1.6 ગ્રા., ફિનિલઍલેનિન 3.7-4.2 ગ્રા., થ્રિયોનિન 2.8-3.6 ગ્રા., ટ્રિપ્ટોફેન 1.2-1.5 ગ્રા. અને વેલાઇન 4.3-5.3 ગ્રા./16 ગ્રા. નાઇટ્રોજન.
ઓટના દાણામાં 5-, 6- અને 7-હાઇડ્રૉક્સિ-n-હેન્ટ્રાઇ એકોન્ટન-14, 16 ડાયોનોનું મિશ્રણ હોય છે. તેઓ સ્ટૅરોઇડીય સૅપોનિન, એવિનેકોસાઇડ ‘એ’ અને ‘બી’ ધરાવે છે. આ સંયોજનો પર્ણોમાં પણ હોય છે. ઉપરાંત, દાણામાં β-સિટોસ્ટેરોલ, Δ5-ઍવિનેસ્ટેરોલ, Δ7-ઍવિનેસ્ટેરોલ, કૉલેસ્ટેરોલ, બ્રેસિકેસ્ટેરોલ, કૅમ્પેસ્ટેરોલ, સ્ટિગ્મેસ્ટેરોલ, Δ7-કોલેસ્ટેન-3 b-ઓલ, આલ્કેલૉઇડો-ઓર્ગોથાયોનેનિન અને ટ્રાઇગોનેલિન અને ઍલર્જી કરનારાં સંયોજનો A અને B હોય છે.
રોલ્ડ (rolled) ઓટ નાસ્તામાં વપરાય છે. ઓટની કુશકી, સમિતાયાસ્તર (aleurone layer) અને ભ્રૂણ પ્રોટીન, પ્રજીવકો, (પ્રજીવક ‘બી1’) અને ખનિજો વિપુલ પ્રમાણમાં ધરાવે છે. રોલ્ડ ઓટ સમગ્ર દાણાની નીપજ છે. ઓટમાંથી પુરીઓ અને બિસ્કિટ બનાવાય છે અને તે નાનાં બાળકોના ખોરાક તરીકે ઉપયોગી છે. ગ્લુટેન નહિ હોવાથી તેમાંથી બ્રેડ બનાવાતી નથી. ઓટમાંથી બિયર પણ બનાવવામાં આવે છે.
ઓટનો લોટ પ્રતિ-ઉપચાયક(anti-oxidant)ની હાજરીને લીધે પરિરક્ષક (preservative) સક્રિયતા દાખવે છે. તેથી તેનો મગફળીના માખણ અને માર્ગારિનના પરિરક્ષક તરીકે ઉપયોગ થાય છે. તે દૂધ, આઇસક્રીમ અને ડેરીની બીજી નીપજો, માછલી, માંસ અને ઈંડાની જરદીના પાઉડરના પરિરક્ષણ માટે વપરાય છે. ઓટના લોટ અને કુશકીમાંથી ઓટનો ગુંદર (ઓટ-લાઇકેનિન) અલગ કરવામાં આવે છે. તે સંપૂર્ણપણે ડી-ગ્લુકોઝ ધરાવે છે. તે ખોરાકના સ્થૂલક (thickener) તરીકે, ઔષધોની બનાવટમાં અને અન્ય વનસ્પતિ-ગુંદરોની અવેજીમાં વપરાય છે.
ઓટ ચેતા-ઉત્તેજક, બલ્ય, સ્વાપક (soporific), મૃદુકારી (emollient), પ્રશીતક (refrigerant) અને રેચક છે. તે રોહિણી-અંગઘાત (diphtheric paralysis) અને મરડામાં ઉપયોગી છે. મૉર્ફિન અને આલ્કોહૉલના વ્યસનમાં તેનો પ્રતિકારક (antidote) તરીકે ઉપયોગ થાય છે. તાવના રોગો પછી લાગતા થાકમાં તે પુન:સ્થાપક (restorative) તરીકે કાર્ય કરે છે. તે હૃદ્-સ્નાયુઓ અને ઉત્સર્જનાંગો ઉપર લાભદાયી અસર કરે છે. તે મૂત્રલ (diuretic) છે અને મૂત્રાશય અને મૂત્રવાહિનીઓની ઉદ્વેષ્ટકર (spasmodic)
સારણી 1 : ઓટની ‘એચ.એફ.ઓ. 114’ અને ‘કૅન્ટ’ અને ચારાની જાતોનું રાસાયણિક વિશ્ર્લેષણ (શુષ્કતાને આધારે %માં)
રાસાયણિક ઘટકો |
તરુણ | દૂધ અવસ્થા |
પરિપક્વ | પુષ્પનિર્માણ પૂર્વે એચ.એફ. ઓ. 114 |
કૅન્ટ | પુષ્પનિર્માણ એચ.એફ. ઓ. 114 |
કૅન્ટ | પુષ્પનિર્માણ પછી એચ.એફ. ઓ. 114 |
કૅન્ટ | સૂકું ઘાસ એચ.એફ. ઓ. 114 |
કૅન્ટ | સા’ઇલિજ એચ.એફ. ઓ. 114 |
કૅન્ટ | ખાણ દાણા |
શુષ્ક દ્રવ્ય | – | – | – | 15.6 | 15.8 | 19.0 | 19.8 | 25.1 | 26.1 | 95.4 | 95.8 | 26.1 | 26.7 | – |
અશુદ્ધ પ્રોટીન | 14.63 | 6.44 | 9.24 | 10.1 | 9.6 | 6.3 | 5.7 | 5.7 | 4.8 | 4.4 | 4.2 | 6.1 | 5.6 | 10.07 |
અશુદ્ધ રેસો | 32.88 | 28.72 | 34.82 | 26.9 | 27.8 | 34.2 | 35.7 | 38.1 | 37.9 | 36.9 | 34.5 | 41.7 | 39.7 | 12.71 |
N-મુક્ત નિષ્કર્ષ | 36.44 | 53.20 | 44.78 | 50.9 | 51.1 | 50.9 | 47.9 | 48.2 | 46.9 | 49.1 | 53.3 | 38.5 | 40.8 | 65.88 |
ઈથર નિષ્કર્ષ | 2.14 | 2.31 | 1.80 | 1.9 | 2.1 | 1.7 | 1.8 | 1.5 | 1.5 | 1.2 | 1.4 | 4.1 | 4.2 | 6.55 |
કુલ ભસ્મ | 13.91 | 9.33 | 9.36 | 10.2 | 9.4 | 6.9 | 8.9 | 6.5 | 8.9 | 8.4 | 6.6 | 9.6 | 9.7 | 4.79 |
કૅલ્શિયમ | 0.48 | 0.47 | 0.35 | 0.6 | 0.6 | 0.8 | 0.8 | 0.7 | 0.8 | 0.6 | 0.8 | 0.8 | 0.7 | – |
ફૉસ્ફરસ | 0.33 | 0.22 | 0.15 | 0.1 | 0.1 | 0.1 | 0.1 | 0.1 | 0.1 | 0.1 | 0.1 | 0.1 | 0.1 | – |
હેમીસેલ્યુલોસ | – | – | – | 23.3 | 20.1 | 19.2 | 18.4 | 19.3 | 22.7 | 22.8 | 26.9 | 20.4 | 22.6 | – |
સેલ્યુલોસ | – | – | – | 25.7 | 26.5 | 32.1 | 31.4 | 38.1 | 34.0 | 35.1 | 31.9 | 35.5 | 31.3 | – |
લિગ્નિન | – | – | – | 4.0 | 4.3 | 4.8 | 5.0 | 6.3 | 5.2 | 5.5 | 5.3 | 5.2 | 4.9 | – |
સિલિકા | – | – | – | 1.8 | 1.9 | 2.0 | 2.2 | 2.4 | 2.4 | 2.5 | 2.5 | 3.7 | 4.0 | – |
સ્થિતિ સામે ઝડપી આરામ આપે છે. તે દાંતના સડા સામે સારો પ્રતિકાર કરે છે. દાણામાંથી બનાવેલ ઔષધ ભારતીય અને અમેરિકાના સમચિકિત્સીય (homeopathic) ઔષધકોશ-(pharmacopoeia)માં અધિકૃત ગણાય છે. લકવામાં મગજ અને ચેતાતંત્ર ઉપર, તેમનાં પોષક કાર્યો પર ઓટ અનુકૂળ અસર કરે છે. તાજો દાણો વંધ્યત્વ, હૃદયનાં સ્પંદનો, અનિદ્રા અને થાક ઉપર અસર કરે છે. ઘઉં અને બીજાં ધાન્યો માટે સૂગ ધરાવતી વ્યક્તિઓ માટે તે સારી અવેજી પૂરી પાડે છે. પુરુષો 50 ગ્રા./દિવસ રોલ્ડ ઓટ આપતાં રુધિરમાં કૉલેસ્ટેરોલનું પ્રમાણ ઘટેલું માલૂમ પડ્યું છે.
એસેટિક ઍસિડ સાથે ઓટના લોટનું પાણી કે ઓટનો લોટ ઉકાળી સામાન્ય ચામડીનાં દર્દો, ડાઘ વગેરે પર લગાડાય છે. ઓટના લોટના પાણીનો ઊંચી ગુણવત્તાવાળા ચહેરાના સાબુઓ બનાવવામાં ઉપયોગ થાય છે.
ભારતમાં ઓટ મોટેભાગે ચારાના પાક તરીકે ઉગાડાય છે અને ઘોડાઓ, દૂધ આપતાં પ્રાણીઓ અને મરઘાં-બતકાંને પોષણક્ષમ ખોરાક આપે છે. ઓટનો ચારો કાં તો લીલો કે સા’ઇલિજ તરીકે ઢોરોને આપવામાં આવે છે. ઓટના ચારાનું ‘એચ.એફ.ઓ. 114’ અને ‘કૅન્ટ’ની જાતોનું જુદે જુદે તબક્કે કરવામાં આવેલું એક રાસાયણિક વિશ્લેષણ સારણી-1માં આપવામાં આવ્યું છે. ઓટમાં ખનિજ-દ્રવ્યોની સમતુલા અન્ય ધાન્યો કરતાં વધારે સારી હોય છે. રેસો, હેમીસેલ્યુલોસ, સેલ્યુલોસ, લિગ્નિન અને સિલિકાનું પ્રમાણ પરિપક્વતાએ વધે છે અને પ્રોટીનનું પ્રમાણ ઘટે છે.
ઓટનાં પર્ણોનું (શુષ્કતાને આધારે) રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : અશુદ્ધ પ્રોટીન 10.5 %, અશુદ્ધ રેસો 25.15 %, ઈથર-નિષ્કર્ષ 2.64 %, નાઇટ્રોજનમુક્ત નિષ્કર્ષ 52.05 અને ખનિજો 9.66 %. પર્ણોમાં હોર્ડેનિન નામનું એલ્કેલૉઇડ, પાંચ સમઉત્સેચકો, કેટલાક ન્યૂક્લિઇક ઍસિડનું વિઘટન કરતા ઉત્સેચકો વગેરે હોય છે.
મૂળમાં બે સક્રિય પ્રતિજૈવિક ગ્લાયકોસાઇડ, એવિનેસિન ‘એ’ અને ‘બી’ આવેલાં હોય છે. એવિનેસિન ‘એ’ મુખ્ય ગ્લાયકોસાઇડ છે અને તે સૂક્ષ્મજીવરોધી સક્રિયતા દર્શાવે છે. Ophiobolus graminis નામની ફૂગની વૃદ્ધિ અટકાવે છે. તે રક્તકણોનું લયન કરે છે અને પ્રાણીઓ અંત:ક્ષેપણ કરતાં અતિવિષાક્ત છે.
ઓટના છાલામાંથી ફરફયુરાલ (10 %-13.2 %) જેટલું પ્રાપ્ત થાય છે, જે એક મૂલ્યવાન ઔદ્યોગિક દ્રાવક છે. છાલામાંથી ઝાયલોઝ (8 %-12 %) પણ મળી આવે છે.
નટવરલાલ પુ. મહેતા
મગનભાઈ ઉ. કુકડિયા
સરોજા કોલાપ્પન
બળદેવભાઈ પટેલ