ઓઝા, ગૌરીશંકર હી. (જ. 18 સપ્ટેમ્બર 1863, રોહેડા, સિરોહી; અ. 20 એપ્રિલ 1947, રોહેડા, સિરોહી) : રજપૂતાનાના ઇતિહાસના આદ્યલેખક અને ભારતના અગ્રણી વિદ્વાન. એક ગરીબ શ્રીમાળી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. ગામઠી શાળામાં કેળવણી લીધા પછી તેમણે મુંબઈમાં 1885માં સંસ્કૃત અને ગુજરાતી સાથે મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિક્યુલેશન પરીક્ષા પાસ કરી. તે પછી વિલ્સન કૉલેજમાં જોડાયા અને ઇન્ટરમીડિયેટ પરીક્ષા સમયે માંદા પડ્યા અને પરીક્ષા આપી શક્યા નહિ. તેમને કાયદાનો અભ્યાસ પણ અધવચ્ચે છોડવો પડ્યો હતો. તે મુંબઈની ‘રૉયલ એશિયાટિક સોસાયટી’ની લાઇબ્રેરીમાં બેસીને અભ્યાસ કરતા અને તે સાથે ભરણપોષણ માટે ખાનગી ટ્યૂશન પણ કરતા. આ સ્થળે ડૉ. ભગવાનલાલ ઇંદ્રજીએ તેમને પ્રાચીન લિપિઓનો અભ્યાસ કરવા પ્રેર્યા અને સિક્કાઓનો અભ્યાસ કરવા માટેના સિદ્ધાંતો સમજાવ્યા. ‘રાસમાળા’ના લેખક ફોર્બ્સની પ્રેરણાથી રાજપૂત ઇતિહાસના અભ્યાસ માટે તે આકર્ષાયા. ફોર્બ્સ પાસે આબુના અભિલેખો અને બીજા અસંખ્ય દસ્તાવેજો અને છાપો વગેરે સામગ્રી હતી. પાછળથી ટોડના ‘એનાલ્સ ઍન્ડ ઍન્ટિક્વિટિઝ ઑવ્ રાજસ્થાન’ પુસ્તકે તેમના ઉપર ઊંડી અસર કરી. 1887માં તે ઉદયપુર પહોંચ્યા અને ત્યાં ઉદયપુરના ઇતિહાસ વિભાગમાં આસિસ્ટન્ટ સેક્રેટરીની નોકરી તેમને મળી. ‘પૃથુરાજ રાસો’ બારમી સદીની નહિ પણ પછીના સમયની કૃતિ છે એવા કવિ શામળદાસના મંતવ્યને તેમણે સમર્થન આપ્યું હતું. 1890માં જ્યારે ઉદયપુરમાં વિક્ટૉરિયા હૉલ મ્યુઝિયમનું ઉદઘાટન થયું ત્યારે ઓઝાની નિમણૂક તેના ક્યુરેટર તરીકે થઈ. નવેમ્બર 1902માં લૉર્ડ કર્ઝન ઉદયપુર રાજ્યની મુલાકાતે આવ્યા ત્યારે અનેક ઐતિહાસિક સ્થળો બતાવવાનું કામ ઓઝાને સોંપાયું. આ કાર્યથી લૉર્ડ કર્ઝન ખુશ થયા અને 1903માં દિલ્હી દરબારમાં ઉપસ્થિત રહેવા ઓઝાને આમંત્રણ આપ્યું. 1892થી 1908 સુધી ઉદયપુરમાં કામ કર્યા પછી 1908માં લૉર્ડ મિન્ટોએ અજમેરના રાજપૂતાના મ્યુઝિયમના ક્યુરેટર તરીકે તેમની નિમણૂક કરી.
1914માં તેમને ‘રાવબહાદુર’નો અને 1928માં ‘મહામહોપાધ્યાય’નો ખિતાબ એનાયત થયો. 1920માં ‘નાગરી પ્રચારિણી પત્રિકા’ના માનાર્હ સંપાદકનું કામ કરવાનું તેમણે સ્વીકાર્યું ત્યારે આ પત્રિકાને સંશોધન-સામયિકનો દરજ્જો પ્રાપ્ત થયો. તેમણે 13 વર્ષ સુધી તેનું સંપાદન કર્યું. 1924માં દિલ્હીમાં હિન્દી સાહિત્ય સંમેલને 1894માં હિન્દીમાં સર્વપ્રથમ લખાયેલ ‘ભારતીય પ્રાચીન લિપિમાળા’ બદલ તેમને ‘મંગલપ્રસાદ પારિતોષિક’ આપ્યું. 1927માં ભરતપુરના હિન્દી સાહિત્ય સંમેલનના પ્રમુખ તરીકે તેઓ વરણી પામ્યા અને 1928માં નડિયાદમાં ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ વિભાગના પ્રમુખ થયા. 1928માં ઉત્તર પ્રદેશના અલ્લાહાબાદમાં ‘મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ’ (ઈ. સ. 600થી 1200) વિશે હિંદુસ્થાન અકાદમીના ઉપક્રમે તેમણે અંગ્રેજીમાં ત્રણ વ્યાખ્યાનો આપ્યાં, જે પુસ્તકરૂપે પ્રગટ થયાં છે. 1909થી 1938 સુધી રાજપૂતાના મ્યુઝિયમ, અજમેરમાં તેઓ ક્યુરેટર તરીકે રહ્યા. 1933માં હિન્દી સાહિત્ય સંમેલને તેમને ‘ભારતીય અનુશીલન’ની ભેટ આપી. 1933માં તે વડોદરા પ્રાચ્યવિદ્યાના અધિવેશનના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ થયા. 1937માં તેમને ‘સાહિત્ય વાચસ્પતિ’ની ઉપાધિ મળી. એ જ વર્ષે તેમને ડી. લિટ્.ની પદવી બનારસ હિન્દુ યુનિવર્સિટીએ આપી. આંધ્ર યુનિર્વસિટીએ પણ ‘પુરાતત્વવેત્તા’ની પદવી એનાયત કરી.
તેમની ઇતિહાસ વિશેની મુખ્ય કૃતિઓ નીચે પ્રમાણે છે : (1) પ્રાચીન લિપિમાલા (1894, 1918); (2) જેમ્સ ટોડના ‘એનાલ્સ ઍન્ડ ઍન્ટિક્વિટિઝ ઑવ્ રાજસ્થાન’નો હિન્દી અનુવાદ (1902); (3) હિસ્ટરી ઑવ્ સોલંકિઝ (1902); (4) ‘નાગરી પ્રચારિણી પત્રિકા’માંના લેખો; (5) ભારતવર્ષ કે ઇતિહાસ કી પ્રાચીન સામગ્રી (ઇનામી નિબંધ) (1902); (6) રાજસ્થાન – ઐતિહાસિક દંતકથા, પ્રથમ ભાગ (જોધસિંહ મહેતા સાથે); (7) રાજપૂતાના કા ઇતિહાસ, વો. 1 વિ. સં. 1981; (8) ઉદયપુર રાજ્ય કા ઇતિહાસ, વો. 1, વિ. સં. 1985; (9) ઉદયપુર રાજ્ય કા ઇતિહાસ, વો. 2, વિ. સં. 1988; (10) રાજપૂતાના કા ઇતિહાસ, વો. 2, વિ. સં. 1988; (11) રાજપૂતાના કા ઇતિહાસ, વો. 3, ભાગ 1 (ડુંગરપુર), ઈ.સ. 1936; (12) રાજપૂતાના કા ઇતિહાસ, વો. 3, ભાગ 2 (બાંસવાડા), ઈ. સ. 1937; (13) રાજપૂતાના કા ઇતિહાસ, વો. 3, ભાગ 3 (પ્રતાપગઢ), ઈ. સ. 1940; (14) રાજપૂતાના કા ઇતિહાસ, વો. 4, ભાગ 1 (જોધપુર), ઈ. સ. 1938; (15) રાજપૂતાના કા ઇતિહાસ, વો. 4, ભાગ 1 (જોધપુર), ઈ. સ. 1941; (16) રાજપૂતાના કા ઇતિહાસ, વો. 5, ભાગ 1 (બિકાનેર), ઈ. સ. 1939; (17) રાજપૂતાના કા ઇતિહાસ, વો. 5, ભાગ 2 (બિકાનેર), ઈ. સ. 1940.
યતીન્દ્ર દીક્ષિત