ઓઝા, ગૌરીશંકર ઉદયશંકર (જ. 21 ઑગસ્ટ 1805, ઘોઘા; અ. 1 ડિસેમ્બર 1891) : ગગા ઓઝા તરીકે જાણીતા, દીર્ઘકાલીન (57 વર્ષ) યશસ્વી કારકિર્દી ધરાવતા, જૂના ભાવનગર રાજ્યના દીવાન. ઘોઘામાં વડનગરા નાગર જ્ઞાતિમાં જન્મ. પિતા ઉદયશંકર, માતા અજબબા. ગામઠી નિશાળમાં સામાન્ય શિક્ષણ. દોઢ વર્ષે માતાનું અને તેર વર્ષે પિતાનું છત્ર ગુમાવનાર, મોસાળમાં અસાધારણ પ્રેમ અને ઉછેર પામનાર ગૌરીશંકર 1821માં સોળમે વર્ષે માસિક રૂપિયા સવા છના વેતનથી અનેકવિધ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહેલા ભાવનગર રાજ્યની સેવામાં જોડાયેલા. 1847માં મુખ્ય દીવાન બન્યા, એ સૌરાષ્ટ્રના ઇતિહાસની એક મહત્વની ઘટના ગણાય છે.

ગૌરીશંકર ઉદયશંકર ઓઝા

ભાવનગર રાજ્યના ભાગ્યવિધાતા તરીકે ગૌરીશંકરે 116 ગામોની હકૂમત પુન: પ્રાપ્ત કરાવી. બંદરોનો વિકાસ, કન્યાકેળવણી, સ્થાનિક સ્વશાસન, વેપારઉદ્યોગ અને ખેતીવાડી, સંસ્કારસિંચન, આધ્યાત્મિક ઘડતર તેમજ અન્ય રચનાત્મક સુધારા કર્યા હતા. આંતરિક નીતિના ક્ષેત્રે શૂન્યમાંથી સર્જન કર્યું હતું. ભાવનગર રાજ્યને અન્ય દેશી રાજ્યોની તુલનાએ એક નમૂનેદાર, પ્રગતિશીલ અને આદર્શ દેશી રાજ્ય તરીકે સ્થાપિત કરી તેનો અસાધારણ ઉત્કર્ષ કર્યો. પરરાજ્યનીતિના ક્ષેત્રે બ્રિટિશ સરકાર સાથેના વિખવાદી પ્રશ્નો કે દેશી રાજ્યો સાથેના સંબંધોમાં આ રાજપુરુષે કુટિલતા અને કટુતા વગરની, મહાન રાજનીતિજ્ઞને શોભે તેવી મુત્સદ્દીગીરી, બુદ્ધિપ્રવણતા અને રાજદ્વારી દૂરદર્શિતા, રાજભક્તિ અને નિષ્ઠા દાખવ્યાં હતાં.

પ્રારંભે તેમણે સુતરાઉ કાપડનો વેપાર કર્યો, પરંતુ ભાવનગર દરબારની નોકરીમાં જોડાવાની ઇચ્છા થતાં તેમના બનેવી સેવકરામ દેસાઈ દ્વારા 1821માં જૂના ભાવનગર રાજ્યની સેવામાં કારકુન તરીકે જોડાયા. આ સમયે ભાવનગરનું રાજકુટુંબ અવ્યવસ્થિત અને ક્લેશકર સ્થિતિમાં હતું. ભાવનગરના દરબારો વિજયસિંહજી, અખેરાજજી, જશવંતસિંહજી, ભાવસિંહજી અને તખ્તસિંહજી જેવા વિવિધ રાજાઓનાં શાસન છતાં માત્ર ગગા ઓઝાની દીવાનગીરીએ આ રાજ્યને એકસૂત્રે બાંધી તેનો ઉત્કર્ષ સાધ્યો. કલ્યાણરાજ્યની વિભાવનાથી અનભિજ્ઞ આ દીવાને પ્રચંડ પુરુષાર્થ આદરી પ્રજાકલ્યાણનાં વિવિધ કાર્યો હાથ ધર્યાં. સામાન્ય કારકુનમાંથી કોળિયાકના વહીવટદાર, સૂરતમાં ગોકળદાસ પારેખના શિરસ્તેદાર, કુંડલાના નાયબ વહીવટદાર, મુંબઈની સદર અદાલતમાં જરૂરી કામ પ્રસંગે વકીલ, રાજકોટ ખાતે મુખ્ય કારભારી પરમાણંદદાસના મદદગાર, પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ – એમ નાની-મોટી વિવિધ કામગીરી બજાવી પોતાના અધિકારો જનસમાજના હિતાર્થે ભોગવી તેમણે અનન્ય રાજભક્તિ, પ્રામાણિકતા, નિર્ભયતા, સ્પષ્ટવક્તૃત્વ, અવિરત ઉત્સાહ અને એકનિષ્ઠાનું રાજા-પ્રજા ઉભયને દર્શન કરાવ્યું. 57 વર્ષ સુધી ભાવનગર રાજ્યનું સુકાન હાથ ધરી પૂર્વ દીવાન પરમાણંદદાસના પુત્ર તથા તેમના પ્રિય અને કુશળ ભાણેજ શામળદાસને દીવાનગીરી/પ્રધાનપદ સોંપી સન્માનપૂર્વક 1879માં 74 વર્ષની ઉંમરે નિવૃત્તિ લીધી.

ભાવનગર-દરબાર સામે અમદાવાદની અદાલતમાં એક શખ્સે 4,20,000નો દાવો કર્યો હતો અને મનસુખરામ નામના શિરસ્તેદારે લાંચ લઈ ભાવનગર રાજ્ય વિરુદ્ધ ફેંસલો અપાવવાનું ષડ્યંત્ર ગોઠવેલું. આ દાવો રાજ્ય વતી ગૌરીશંકર લડ્યા અને રાજ્યના લાભમાં ચુકાદો મેળવ્યો. જોગીદાસ ખુમાણ જેવા નામચીન બહારવટિયાના ત્રાસથી કુંડલા ગામને તેમણે રક્ષણ પૂરું પાડ્યું. 76 ગામો બાબતે જૂનાગઢ સાથે ઊપજ વહેંચવાનો પ્રશ્ન ઉકેલી, મહુવા પરગણું ભાવનગર સાથે જોડ્યું ત્યારે દરબારે તેમને એક આખું ગામ બક્ષિસ આપ્યું, જેનો તેમણે માનભેર અસ્વીકાર કરતાં જણાવેલું કે ‘જ્યાં સુધી 116 ગામો પરથી બ્રિટિશ હકૂમત ઊઠે નહિ ત્યાં સુધી મેં કાંઈ જ કર્યું નથી એમ ગણાય અને હું કાંઈ પણ લેવાને પાત્ર થયો નથી.’ વધુમાં તેમણે જણાવેલું કે ઉપર નિર્દેશેલી કામગીરી પરિપૂર્ણ થશે ત્યારે આપ જે કાંઈ આપશો તે લઈશ. આમ પ્રારંભે નિષ્ઠાપૂર્વક રાજ્યને વિવિધ કરજોથી મુક્ત કર્યું. બ્રિટિશ અધિકારીઓને ઓળખી, સમજી, પત્રવ્યવહાર કરી તેમને ન્યાયબુદ્ધિ માટે પ્રેરી 116 ગામોની હકૂમત બ્રિટિશ સરકાર પાસેથી પાછી મેળવવા ભગીરથ પ્રયાસ કર્યા અને દરબારને સમગ્ર રાજ્યાધિકારની પુન:પ્રાપ્તિ કરાવીને જ જંપ્યા. આ પ્રસંગે દરબારે તેમને તુરખા ગામ બક્ષિસ કર્યું, જેનો તેમણે નમ્રતાપૂર્વક સ્વીકાર કર્યો.

ભાવનગર રાજ્યની વિટંબણાઓ અને પડોશી રાજ્યો સાથેના સંઘર્ષો દૂર કર્યા પછી તેમણે વિકાસનાં કાર્યો પર નજર દોડાવી, રાજ્યને સમૃદ્ધ બનાવવા આપસૂઝથી કેટલાંક પાયાનાં અને લાંબા ગાળાનાં આયોજન કરી રાજ્યને આર્થિક રીતે સુર્દઢ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ માટે સૌપ્રથમ ભાવનગર બંદરનો વિકાસ કરવો આવશ્યક હોવાથી પોતાની હૈયાઉકલતથી સમુદ્રનું પાણી અટકાવવા તેમજ શહેરના વરસાદી પાણીનો નિકાલ કરવા લાકડાના ઝૂલતા દરવાજા બનાવી સમૃદ્ધ બંદર વિકસાવ્યું. ભાવનગરની ખાડીને આગબોટો માટે અનુકૂળ બનાવી, જાતપ્રવાસ કરી આગબોટ માર્ગની શક્યતા તપાસી, ભાવનગર-મુંબઈ વચ્ચેના વેપારને ઉત્તેજન પૂરું પાડ્યું. ખેડૂતો માટે અસીમિત વાત્સલ્યભાવના નાતે ખેડૂતોને કરજમુક્ત બનાવવાનો આદર્શ સિદ્ધ કરતા ‘કણેતું’ જેવા રિવાજો બંધ કરાવી, પડતર જમીનના ખેડાણ માટે આવશ્યક પ્રયાસો કરી ખેતીને સમૃદ્ધ બનાવી. તેમની આ સમગ્ર યશોદાયી કારકિર્દીમાં સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી માત્ર એક બાબત ખટકે છે. 1857ના હિંદના પ્રથમ સ્વાતંત્ર્ય યુદ્ધ-સમયે તેમણે બ્રિટિશ ફોજને મુંબઈ થઈને ઘોઘા બંદરે ઉતારવામાં અને ત્યાંથી અમદાવાદ ખાતે પહોંચાડવામાં વિદેશી સરકારને મદદ કરી હતી. એથી વિપ્લવી તાત્યા ટોપેનો પરાજય નિશ્ચિત બન્યો હતો. દૂરંદેશી ધરાવતા દીવાન વિપ્લવની સ્વાતંત્ર્ય ચિનગારીની પરખ કરવામાં કેમ કાચા પડ્યા હશે એવો પ્રશ્ર્ન અનુત્તર રહે છે.

રાજકોટમાં 1871માં રાજકુમાર કૉલેજની સ્થાપનાનો આરંભ કર્યો, 1871માં બે પહાડોની વચ્ચેની ખીણનો લાભ લઈ સામાન્ય પાળા બાંધી ‘ગૌરીશંકર જલાશય’(ગગા તળાવ)ની રચના દ્વારા ભાવનગરનું ગંગાજળિયા તળાવ કાયમી ધોરણે પાણીથી સભર રહે તેવું આયોજન અમલમાં મૂકી પ્રજાની પાણીની તંગી દૂર કરી. મહુવા વગેરે પરગણાંઓમાં વૃક્ષારોપણ કરાવી, ભાવનગરમાં પાકી સડકો બંધાવી સાર્વજનિક કામો ઉકેલ્યાં. રાજકોટની આજી નદી પર પુલ બાંધવા માટે વાઇસરૉય પાસેથી પ્રારંભે એક લાખ રૂપિયાની અને પછી વધુ 16,000 રૂપિયાની બક્ષિસ મેળવી.

ભાવનગરમાં અંગ્રેજી શાળાની સ્થાપના કરવા સાથે મહિલા-કેળવણીની વ્યવસ્થા કરી. અન્ય શાળાઓનાં મકાનો બંધાવ્યાં, સમરાવ્યાં જેમાં રાજ્યે ઉદારતાપૂર્વક આર્થિક સહાય કરી હતી. તેમનાં આ પ્રજાહિતલક્ષી વિકાસકાર્યોની જાણ અંગ્રેજ અમલદારોને થતી ત્યારે તેમનાં કાર્યો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પ્રશંસાપાત્ર બનતાં. તેમનાં આ પ્રેરણારૂપ કાર્યોની કદરરૂપે 1877માં ‘કંપેનિયન ઑવ્ ધ સ્ટાર ઑવ્ ઇન્ડિયા’(C.S.I.)નો ખિતાબ મળવાની માહિતી ‘ઇન્ડિયા ગૅઝેટ’માં પ્રસિદ્ધ થઈ. તેમનાં આવાં કાર્યોથી બ્રિટિશ સરકાર ખુશ હતી. આથી બી. બી. ઍન્ડ સી. આઈ. રેલવે કંપનીની ઇચ્છા વિરુદ્ધ ભાવનગરથી વઢવાણ સુધીની 105 માઈલની રેલવે-લાઇન શરૂ કરવા બ્રિટિશ સરકારે મંજૂરી આપી.

તેમના મોટા પુત્ર વિજયશંકર પાસે અલભ્ય પ્રાચીન સિક્કા, શિલાલેખો, તામ્રપત્ર આદિનો સંગ્રહ હતો. આ સંગ્રહ જોવા માટે ગવર્નર જેમ્સ ફર્ગ્યુસન 1884માં ગૌરીશંકરના મહેમાન બન્યા ત્યારે ભાવનગર રાજ્ય અંગે તેમણે પારાવાર સંતોષ વ્યક્ત કર્યો અને તેમનાં કાર્યોની કદરરૂપે તેમની અર્ધપ્રતિમા મૂકવાનું સૂચન રાજ્યને કર્યું, જેનો અમલ કરવામાં આવ્યો હતો. વડોદરાના દીવાન ટી. માધવરાવે તેમજ અનેક અંગ્રેજ અધિકારીઓએ ભાવનગરને નમૂનારૂપ રાજ્ય ગણાવ્યું હતું. તેમના આ વિવિધલક્ષી પ્રયાસોથી ભાવનગરનું નાનું ગામ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ વર્ગના રાજ્યમાં રૂપાંતર પામ્યું. તે પછી બાકી રહેલાં કાર્યો ઝડપથી ઉકેલવા તેમણે કમર કસી. 1885માં ભાવનગરમાં વેધશાળા સ્થાપી જેને પછીથી ‘ગૌરીશંકર વેધશાળા’ તરીકે ઓળખવામાં આવી.

આ વ્યાપક કાર્યો અને દીર્ઘકાલીન સેવાઓ બાદ તેમણે નિવૃત્તિની ઘોષણા કરી. બાલવયમાં મેળવેલા ધાર્મિક સંસ્કારોથી ધર્મગ્રંથો તેમને અતિપ્રિય હતા. 20 વર્ષની સુકુમાર વયે શિવપુરાણ, વિષ્ણુભાગવત, દેવીભાગવત, ભારતસાર વગેરેનું શ્રવણ, મનન કરતા. ગાયત્રી-ઉપાસના કરવા ઉપરાંત શિવપંચાક્ષર મંત્ર અને મૃત્યુંજય મહામંત્રના તેઓ અભ્યાસી હતા. આ ધાર્મિક સંસ્કારો થકી લક્ષ્મીને તૃણવત્ ગણી એ જમાનામાં રૂ. 1,15,000ની માતબર રકમ ઉદારતાથી ધર્મશાળા-નિર્માણ, શિવાલયો અને વેદશાળાઓની સ્થાપના, સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનું પ્રકાશન કરવામાં પ્રયોજી. 1886માં ગુરુ ગોવિન્દાનન્દ સરસ્વતી થકી સંન્યાસ ગ્રહણ કરી ‘સચ્ચિદાનંદ બ્રહ્મતીર્થ’ બન્યા. આ ગાળા દરમિયાન ધાર્મિક અભ્યાસ વધાર્યો અને ‘સ્વરૂપાનુસંધાન’ ગ્રંથ રચ્યો, જેને પ્રખર જર્મન વિદ્વાન મૅક્સમૂલરે ‘મૂલ્યવાન મણિમાળા કરતાં પણ સુંદર’ ઉપહાર તરીકે પ્રમાણ્યો હતો.

આઝાદીની પૂર્વસંધ્યા સમયનું ભાવનગર રાજ્ય એ હકીકતમાં ગગા ઓઝાસર્જિત સુરાજ્ય હતું. ગગા ઓઝા યુગ ભાવનગર રાજ્યના સર્વાંગી વિકાસ અને ઘડતર માટે મહત્વપૂર્ણ બની રહ્યો. ભાવનગરના ગગા ઓઝા એમ નહિ, પણ ‘ગગા ઓઝાનું ભાવનગર’ એમ કહેવાતું. 1879માં રાજ્યના દીવાનપદેથી નિવૃત્તિ લઈ સંન્યસ્ત લીધું ત્યાં સુધીનાં 57 વર્ષના દીર્ઘકાલીન સમય દરમિયાન ભાવનગર રાજ્ય પર છવાઈ રહેલા ગગા ઓઝાએ સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોને એક નવા જ પ્રકારની રાજવટ ચીંધી.

પોપટભાઈ ગો. કોરાટ

રક્ષા મ. વ્યાસ