ઓઝા, કિરીટ અનંતરાય (જ. 20 જાન્યુઆરી 1951, ભાવનગર) : બાસ્કેટ બૉલની રમત માટે ગુજરાત સરકારના સરદાર પટેલ એવૉર્ડના વિજેતા. માતાનું નામ જયશ્રીબહેન. પ્રાથમિક શિક્ષણ ભાવનગરની ડી. એ. વી. સ્કૂલ, માધ્યમિક શિક્ષણ ઘરશાળા અને કૉલેજશિક્ષણ સર પી. પી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાં પ્રાપ્ત કર્યું. સ્ટેટ બૅંક ઑવ્ સૌરાષ્ટ્રમાં અધિકારી છે.
કૉલેજમાં પ્રવેશ મેળવીને બાસ્કેટબૉલ, વૉલીબૉલ અને ક્રિકેટની રમતમાં ઝંપલાવ્યું. ઊંચાઈ વધારે હોવાથી બાસ્કેટબૉલની રમતમાં ઝડપથી પ્રગતિ થઈ. સારા ખેલાડીઓની રમત જોઈને તેમાંથી પ્રેરણા મેળવીને પોતાની મેળે જ આગળ વધેલા કિરીટ ઓઝા આંતરરાષ્ટ્રીય બાસ્કેટબૉલ ચૅમ્પિયનશિપમાં ભારત તરફથી ભાગ લેવા લાગ્યા. આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચવા માટેના મક્કમ અને ર્દઢ નિશ્ચયને કારણે રમત ઉપર પ્રભુત્વ મેળવવા લાગ્યા અને સતત બેથી ત્રણ વર્ષ સુધી શારીરિક યોગ્યતા ઉપર ધ્યાન આપ્યું હતું.
1968થી 1982 સુધી ગુજરાત રાજ્ય તરફથી રમ્યા. કૅપ્ટન તરીકે પણ રહી ચૂક્યા છે. 1972-73માં પુણે ખાતે 23મી નૅશનલ બાસ્કેટબૉલ ચૅમ્પિયનશિપમાં આંધ્રપ્રદેશ સામે 9654થી જીત્યા ત્યારે કિરીટ ઓઝા એકલાના જ 63 પૉઇન્ટ હતાં. પ્રિ-એશિયન ચૅમ્પિયનશિપ માટે તે રેસ્ટ ઑવ્ ઇન્ડિયાની ટીમના કૅપ્ટન તરીકે પસંદગી પામ્યા હતા. આંતરરાષ્ટ્રીય કક્ષાએ તે ભારતની ટીમમાં પસંદ થઈને 1973માં ફિલિપાઇન્સ અને 1976માં જાપાન ગયા હતા.
હર્ષદભાઈ પટેલ