ઓઝાર્કનો ઉચ્ચ પ્રદેશ : ઉત્તર અમેરિકાની નૈર્ઋત્યે આ ઉચ્ચ પ્રદેશ આવેલો છે. અમેરિકાના ઓકલાહોમા, મિસુરી અને આરકાન્સાસ રાજ્યમાં લગભગ 1,28,000 ચોકિમી.ના વિસ્તારમાં પથરાયેલા આ ઉચ્ચ પ્રદેશનું સૌથી ઊંચું શિખર માઉન્ટ બોસ્ટન છે. મિસુરી અને આરકાન્સાસ નદીઓ દ્વારા ઉચ્ચ પ્રદેશનાં ભૂમિર્દશ્યો રચાયાં છે. પરિણામે સહેલાણીઓ માટે આ પ્રવાસધામ બનેલું છે. કુદરતી ઝરણાં, સરોવર અને બાગબગીચાથી આ પ્રદેશ મનોહર બનેલો છે. આ ઉચ્ચ પ્રદેશ કુદરતી સૌંદર્ય ઉપરાંત જસત અને સીસાની ખાણો માટે પણ પ્રખ્યાત છે. પૂર્વમાં એપેલિશિયન પર્વતમાળા અને પશ્ચિમે રૉકીઝ પર્વતમાળા વચ્ચે આવેલો આ ઉચ્ચ પ્રદેશ વનસંપત્તિ માટે પણ જાણીતો છે.

મહેશ મ. ત્રિવેદી