ઑસ્લર, વિલિયમ (સર) (જ. 12 જુલાઈ 1849, બૉન્ડહેડ, કૅનેડા-વેસ્ટ; અ. 29 ડિસેમ્બર 1919, ઑક્સફર્ડ) : કૅનેડિયન ચિકિત્સક અને શિક્ષણશાસ્ત્રી. 1872માં મેકગિલમાંથી મેડિકલ ડિગ્રી મેળવ્યા પછી 1873માં તેમણે ત્યાંસુધીમાં લોહીમાંના નહિ ઓળખાયેલા ગઠનકોશો (platelets) ઓળખી બતાવ્યા. તે 1875માં મેકગિલના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિનમાં લેક્ચરર, 1878માં મોન્ટ્રિયલ જનરલ હૉસ્પિટલમાં પૅથૉલૉજિસ્ટ અને 1884માં ફિલાડેલ્ફિયામાં ક્લિનિકલ મેડિસિનના અધ્યક્ષ બન્યા. ફિલાડેલ્ફિયામાં તેમણે ‘ઍસોસિયેશન ઑવ્ અમેરિકન ફિઝિશિયન્સ’ની સ્થાપના કરી. 1888માં બાલ્ટિમોરમાં હૉપકિન્સ યુનિવર્સિટી મેડિકલ સ્કૂલમાં તેઓ પ્રૉફેસર નિમાયા. શિક્ષણમાં તેઓ વિવિધ પ્રયોગો અને શાખાકીય તપાસ કરવા કરતાં દર્દીના ખાટલા પાસે બેસીને કરાતી તેની શારીરિક તપાસ(clinical examination)ને તે વધુ મહત્વ આપતા.
તેમનું પુસ્તક ‘ધ પ્રિન્સિપલ્સ ઍન્ડ પ્રૅક્ટિસ ઑવ્ મેડિસિન’ 1892માં પ્રસિદ્ધ થયું હતું. તે આયુર્વિજ્ઞાનના શિક્ષણક્રમમાં ખૂબ માનીતું પાઠ્યપુસ્તક ગણાયું. ઑસ્લર રોગપ્રતિરોધવિદ્યા-(preventive medicine)ના નિર્માતા ગણાય છે. તે જાહેર સફાઈ તથા અન્ય આરોગ્ય અને સ્વાસ્થ્યને લગતી તાલીમના હિમાયતી હતા. 1905માં તેમને ઑક્સફર્ડમાં રીજિયસ ચૅર(The Regious Chair)નું સન્માન્ય પદ પ્રાપ્ત થયું હતું. 1911માં તેમને બૅરોનેટનો ખિતાબ મળ્યો હતો. ‘ધ વે ઑવ્ લાઇફ’ (1913) અને ‘મૉડર્ન મેડિસિન, ઇટ્સ થિયરી ઍન્ડ પ્રૅક્ટિસ’ (1907-1910)ના 6 ગ્રંથ તેમના વિશાળ જ્ઞાનના ઉત્તમ નમૂના છે.
હરિત દેરાસરી