ઑસ્ટ્રેલિયન બાવળ

January, 2004

ઑસ્ટ્રેલિયન બાવળ : વનસ્પતિઓના દ્વિદળી વsર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia auriculiformis A. Cunn. syn. A. moniliformis Griseb છે. ખીજડો, વિલાયતી આંબલી, ચંદુ ફળ, રાતો શિરીષ, લજામણી વગેરે તેના સહસભ્યો છે. તે સીધું, મધ્યમકદનું, 16 મી. જેટલી ઊંચાઈ ધરાવતું વૃક્ષ છે. તેની ઉપશાખાઓ ખૂણાવાળી હોય છે. તે ઑસ્ટ્રેલિયાનું મૂલનિવાસી છે અને બિહાર, ઓરિસા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશના અર્ધ-શુષ્ક (semi-arid) પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે. તેની છાલ સફેદ, લીસી અને ચીરાઓવાળી હોય છે. પર્ણો દ્વિપિચ્છાકાર (bipinnate) સંયુક્ત હોય છે. પર્ણદંડ લીલો અને ચપટો બની પ્રકાશસંશ્લેષી કાર્ય કરતો હોવાથી તેને દાંડીપત્ર (phyllode) કહે છે. પુષ્પો સફેદથી માંડી પીળા રંગનાં અને સુગંધિત હોય છે અને કક્ષીય, નાજુક, 3.75 સેમી.થી 6.25 સેમી. લાંબી શૂકી (spike) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. શિંગ સખત અને પરિપક્વતાએ અમળાયેલી હોય છે.

તે ઝડપથી વધતું અને ઊંચી બીજાંકુરણ-ક્ષમતા ધરાવતું વૃક્ષ છે અને હલકી મૃદામાં પણ સારી રીતે ઊગે છે. મૃદામાં નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટૅશિયમ ઉમેરવાથી તેની વૃદ્ધિ ઝડપી બને છે. તેનું ઝાડીવન (coppice) સારી રીતે થાય છે. તે Eucalyptus-(નીલગિરિ)ની અવેજીમાં ઉગાડી શકાય છે. તે રેતી-બંધક (sand-binder) તરીકે ઉપયોગી છે અને શોભન-વૃક્ષ તરીકે વાવવામાં આવે છે. ઑસ્ટ્રેલિયામાં તેનાં વિશાળ વૃક્ષો લાંબું આયુષ્ય ધરાવે છે.

તેના પર Ganoderma lucidum અને Stereum nitidulum નામની ફૂગ અને Loranthus longiflorus અને Dendrophthoe falcata જેવી પરોપજીવી સપુષ્પ વનસ્પતિઓ આક્રમણ કરે છે. તેને લાખની પોષિતા તરીકે પણ ઉગાડવામાં આવે છે.

તેની છાલમાં 12 %થી 16 % જેટલું ટેનિન હોય છે. છાલનો બાવળની છાલની અવેજીમાં ઉપયોગ થાય છે. કાષ્ઠમાંથી મેળવેલા ગરનો ઉપયોગ વીંટાળવાના, લખવાના અને છાપવાના કાગળો બનાવવામાં થાય છે. કાષ્ઠમાંથી રાચરચીલું બનાવવામાં આવે છે અને તે બળતણ તરીકે પણ વપરાય છે. તેનું વિશિષ્ટ ગુરુત્વ 0.60થી 0.75 જેટલું અને કૅલરી-મૂલ્ય 4800 કૅલરીથી 4900 કૅલરી/કિગ્રા. જેટલું હોય છે.

બીજનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 9.2 %, પ્રોટીન 25.0 %, પેન્ટોસન 15.5 %, જલદ્રાવ્ય શ્લેષ્મ 6.0 % અને શ્લેષ્મમાં પ્રોટીન 29.6 %. બીજમાંથી લગભગ 6.0 % જેટલું મેદીય તેલ પ્રાપ્ત થાય છે.

મ. ઝ. શાહ