ઑસ્ટિન, જે. એલ.

January, 2004

ઑસ્ટિન, જે. એલ. (જ. 28 માર્ચ 1911, લૅંકેશાયર, ઇંગ્લૅન્ડ; અ. 8 ફેબ્રુઆરી 1960, ઑક્સફર્ડ) : બ્રિટિશ ફિલસૂફ. 1933માં ‘ઑલ સોલ્સ કૉલેજ’માં ફેલો તરીકે નિયુક્ત થયેલા. 1935થી તેમણે મેગડેલેન કૉલેજમાં સેવા આપેલી. 1952થી 1960 સુધી નૈતિક તત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કામ કર્યું હતું.

ઑસ્ટિનનું મુખ્ય પ્રદાન ભાષાના તત્વજ્ઞાનમાં જોઈ શકાય છે. તેમનો નિબંધ ‘હાઉ ટુ ડુ થિંગ્ઝ વિથ વર્ડ્ઝ’ આ સંદર્ભમાં ખાસ નોંધપાત્ર ગણાય છે. ઑસ્ટિને ભાષાના વિવિધ ઉપયોગોની ખૂબ ઝીણવટપૂર્વક અને અસાધારણ તાત્વિક કુશળતાથી તપાસ કરી છે. તેમણે સર્વસામાન્ય ભાષાને એક પ્રવૃત્તિ તરીકે વિચારી છે. વચન અને કર્મના નિરપેક્ષ ભેદને પડકારીને તેમણે સ્પષ્ટ કર્યું છે કે બોલવું અને તેના દ્વારા પ્રત્યાયન કરવું એ પોતે જ એક કર્મ (act) છે. ભાષાને કેવળ એક અમૂર્ત તંત્ર તરીકે જોવાને બદલે ચોક્કસ પરિસ્થિતિમાં ભાષકનાં ઉચ્ચારણો કયા અર્થમાં વાક્-કર્મ (speech act) બને છે તે બાબતને કેન્દ્રમાં રાખીને જ ઑસ્ટિને પોતાની વિચારણા ચલાવી છે.

પ્રથમ તો ઑસ્ટિને તથ્યનિર્દેશક કે નિવેદનાત્મક ભાષાપ્રયોગો (constatives) અને ક્રિયારૂપ ભાષાપ્રયોગો (performatives) વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો; દા. ત., વચન આપવું, આશીર્વાદ આપવા, અભિનંદન આપવાં, માફી માગવી, ચુકાદો આપવો, હુકમ કરવો, આભાર માનવો, ઉદઘાટનવિધિ દરમિયાન કશાકનું નામકરણ કરવું વગેરેમાં પ્રયોજાતાં વાક્યો પોતે જ કાર્યો છે; તેથી તેને તત્કર્મપરક વાક્યો તરીકે ઑસ્ટિન ઓળખાવે છે; દા. ત., ‘હું વચન આપું છું કે હું કાલે આવીશ’ એ વાક્ય તત્કર્મપરક વાક્ય છે; જ્યારે ‘હું કાલે આવીશ’ એ માત્ર નિવેદનાત્મક કે તથ્યાતથ્યપરક વાક્ય (constative) છે. ‘હું તમારી માફી માગું છું’ એ વાક્ય તત્કર્મપરક છે, કારણ કે તે બોલવામાં જ માફી માગવાનું કર્મ થાય છે; જ્યારે ‘મેં ગઈ કાલે તમારી માફી માગી હતી’ એ વાક્ય હકીકતોનું નિવેદન કે તેનો અહેવાલ છે અને તેથી તે તથ્યાતથ્યપરક વિધાન છે.

તત્કર્મપરક વાક્યો અને તથ્યાતથ્યપરક વાક્યો વચ્ચેનો ભેદ પાડવાનું ધોરણ એ છે કે તત્કર્મપરક વાક્યો ઉચિત કે અનુચિત હોય છે, જ્યારે તથ્યાતથ્યપરક વાક્યો સત્ય કે અસત્ય હોય છે.

આ પ્રકારનો ભેદ પાડ્યા પછી ઑસ્ટિનને જણાયું કે તે ભેદ ટકી શકે તેમ ન હતો કારણ કે જો ચેતવણી આપવી એ તત્કર્મપરક ભાષાપ્રયોગ છે, તો કથન કરવું, નિવેદન કરવું કે અહેવાલ આપવો તે પણ તત્કર્મપરક ભાષાપ્રયોગ જ છે. તેથી અમુક જ પ્રકારનાં વાક્યો ક્રિયાપરક છે અને બાકીનાં કેટલાંક વાક્યો તથ્યાતથ્ય નિર્દેશક છે તેવો ભેદ ટકી શકે તેમ નથી. આ ઉપરાંત જે અર્થમાં તત્કર્મપરક વાક્યો ઉચિત-અનુચિત હોય છે તે જ અર્થમાં તથ્યાતથ્યનિર્દેશક વાક્યોને પણ ઉચિત-અનુચિત તરીકે તપાસી શકાય. તેથી ઑસ્ટિને અધિવાચિક કર્મ(illocutionary act)નો નવો વિચાર રજૂ કર્યો; એમાં ક્રિયાપરક અને કથનાત્મક બંને પ્રકારના ભાષાપ્રયોગોનો આ અધિવાચિક કર્મના પેટાવર્ગ તરીકે જ સમાવેશ થઈ જાય છે.

ઑસ્ટિનના આ નવા અભિગમ પ્રમાણે કશુંક કહેવાનું કર્મ એ વાચિક કર્મ (locutionary act) કહેવાય; કશુંક કહેવામાં થતું કર્મ એ અધિવાચિક કર્મ છે; અને કશુંક કહેવાથી શ્રોતા ઉપર પ્રભાવ પાડવાનું જે કર્મ થાય છે, (એટલે કે તેને ખાતરી કરાવવાનું, પ્રતીતિ કરાવવાનું કે વિશ્વાસ કરાવવાનું જે કંઈ કર્મ થાય છે.) તેને વાચાપ્રેરિત કર્મ (perlocutionary act) કહેવાય; દા. ત., ‘આ બારણું ખુલ્લું છે’ એમ કહેવાનું કર્મ તે વાચિક કર્મ; તેમ કહેવામાં ધમકીનું કે ચેતવણી કે તેવું જે કંઈ કર્મ થાય તે અધિવાચિક કર્મ; અને તેમ કહેવાથી શ્રોતાને મનાવવાનું, ગભરાવવાનું, પ્રતીતિ કરાવવાનું, સાવધાન કરવાનું કે એવું જે કંઈ કર્મ થાય તે વાચાપ્રેરિત કર્મ ગણાય.

ઑસ્ટિન મુજબ, બોલવાનું દરેક કાર્ય વાચિક તેમજ અધિવાચિક કર્મ હોય છે. દરેક વાચિક કર્મમાં ત્રણ પ્રકારનાં કર્મોનો વૈચારિક ભેદ પાડી શકાય. વાચિક કર્મમાં અમુક ધ્વનિ(noises)નું ઉચ્ચારણ થતું હોવાથી ઉચ્ચારણકર્મ (phonetic act) તો થાય જ છે, (2) તે ઉપરાંત આવા ધ્વનિઓને શબ્દ રૂપે વ્યાકરણસંમત રીતે ઉચ્ચારવાનું કર્મ તે વ્યાકરણકર્મ (phatic act) અને (3) આવા શબ્દોને ચોક્કસ તાત્પર્ય (sense) અને વસ્તુનિર્દેશ (reference) સાથે વાપરવાનું કર્મ તે અર્થનિર્દેશક કર્મ (rhetic act) બને છે. ઑસ્ટિનના ર્દષ્ટાન્ત મુજબ, He said, ‘I shall be there’ એ તો વ્યાકરણકર્મ છે, જ્યારે ‘He said that he would be there’ એ અર્થનિર્દેશક કર્મ છે, કારણ કે તેમાં ચોક્કસ તાત્પર્ય અને વ્યક્તિનિર્દેશ છે.

બધાં વ્યાકરણકર્મો ઉચ્ચારણકર્મો છે, પણ બધાં ઉચ્ચારણકર્મો વ્યાકરણકર્મો નથી. તેવી જ રીતે બધાં અર્થનિર્દેશક કર્મો વ્યાકરણકર્મો હોય છે, પણ બધાં વ્યાકરણકર્મો અર્થનિર્દેશક કર્મો નથી.

ઑસ્ટિન મુજબ, એક જ વાચિક કર્મ અનેક રીતે પ્રયોજી શકાય; દા. ત., ‘આ બારણું ખુલ્લું છે’ એ વાક્ય ધમકી રૂપે કે ચેતવણી રૂપે પ્રયોજી શકાય. આમ વાચિક કર્મના ઘણા બધા ઉપયોગો કે કાર્યો (functions) છે. આ બધાં કાર્યોને ઑસ્ટિન અધિવાચિક બળ (illocutionary force) તરીકે ઘટાવે છે.

અધિવાચિક અને વાચાપ્રેરિત કર્મનો ભેદ સ્પષ્ટ કરતાં ઑસ્ટિને દર્શાવ્યું કે કોઈ પણ વાચિક કાર્યને અધિવાચિક બળ સ્પષ્ટ કરવા માટે ચોક્કસ ભાષિક રૂઢિઓ અને યુક્તિઓ હોય છે, જ્યારે વાચાપ્રેરિત કર્મને સ્ફુટ કરવાની આવી કોઈ રૂઢિઓ જ નથી. કોઈ પણ વાચિક કર્મનું અધિવાચિક બળ (force) સ્પષ્ટ કરવાની ચોક્કસ યુક્તિઓ તરીકે તત્કર્મપરક ભાષાપ્રયોગો (performatives) પ્રયોજી શકાય છે; દા. ત., ‘I argue that’, ‘I warn you that’ એ રીતે અધિવાચિક કર્મોને સ્પષ્ટ કરી શકાય છે. પણ કોઈને પ્રતીતિ કરાવવાનું કે તેને ચમકાવી દેવાનું વાચાપ્રેરિત કર્મ આવી રૂઢિગત યુક્તિઓથી સ્પષ્ટ કરી શકાય નહિ; દા. ત., ‘I convince you that’, ‘I alarm you that….’ એવા પ્રયોગો કરી શકાય નહિ. વાચાપ્રેરિત કર્મ અધિવાચિક કર્મ કરવાથી કરી શકાય છે.

આમ, ઑસ્ટિન વાક્યના અર્થ(meaning)ને તેના બળ(force)થી ભિન્ન દર્શાવે છે અને વાચિક કર્મને અર્થ સાથે તેમજ અધિવાચિક કર્મને બળ સાથે જોડી દે છે. વાચિક અને અધિવાચિક કર્મનો ભેદ પાડીને ઑસ્ટિને ભાષાના વ્યવહારશાસ્ત્ર(pragmatics)ને વિકસાવવામાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે.

ઑસ્ટિનના ભાષાવિચારને અમેરિકન ફિલસૂફ જૉન સર્લે નવી દિશામાં વિકસાવ્યો છે. તેમણે ઑસ્ટિનની ટીકા કરતાં દર્શાવ્યું છે કે અર્થનિર્દેશક કર્મ અને અધિવાચિક કર્મનો ઑસ્ટિને દર્શાવેલો તફાવત ટકી શકે તેમ નથી. સર્લનો મત એ છે કે વાક્યના અર્થમાં જ તેનો અધિવાચિક પ્રભાવ રહેલો છે. સર્લ મુજબ દરેક વાચિક કર્મ અધિવાચિક કર્મ જ છે. વાચિક અને અધિવાચિક કર્મની વિભાવનાઓ તાર્કિક ર્દષ્ટિએ અવશ્ય ભિન્ન છે; પણ હકીકતમાં વાચિક કર્મના વર્ગના બધા જ સભ્યો અધિવાચિક કર્મના વર્ગના સભ્યો પણ છે. વાક્યના અર્થ (sentence meaning) અને ભાષકને તે વાક્ય બોલવામાં અભિપ્રેત અર્થ (speaker’s meaning) એ બંનેનો ભેદ સર્લ મુજબ ખૂબ જ મહત્ત્વનો છે. અલબત્ત, સર્લ વાક્યમાં રજૂ થતી સામગ્રી અને તે વાક્યના આધિવાચિક બળનો ભેદ સ્વીકારે છે અને કહે છે કે વાક્યમાં વ્યક્ત થતી વિધાનસામગ્રી (propositional content) અને તેમાં અભિપ્રેત આધિવાચિક બળનો ભેદ જુદા જુદા નિર્દેશકો(indicators)થી દર્શાવી શકાય છે.

મધુસૂદન બક્ષી