ઑસ્કાર એવૉર્ડ

January, 2004

ઑસ્કાર એવૉર્ડ : ચલચિત્રજગતમાં શ્રેષ્ઠ પ્રદાન માટે દર વર્ષે એનાયત કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રથમ કક્ષાના ગૌરવવંતા એવૉર્ડ. સ્થાપના અમેરિકામાં 1929માં. વર્ષ – દરમિયાન રજૂ થયેલી ફિલ્મોમાંથી ઉત્તમ ફિલ્મોની પસંદગી કરીને એકૅડેમી ઑવ્ મોશન પિક્ચર આર્ટ્સ ઍન્ડ સાયન્સિઝ તરફથી પારિતોષિક રૂપે જે સુવર્ણપ્રતિમા આપવામાં આવે છે તેને ‘ઑસ્કાર’ નામે ઓળખવામાં આવે છે. વિશ્વનાં અન્ય પારિતોષિકોની સરખામણીમાં આનું મૂલ્ય અને ગૌરવ વિશેષ આંકવામાં આવે છે. એવૉર્ડ રૂપે અપાતી પ્રતિમા સાડા તેર ઇંચ ઊંચી અને એક તબક્કે પોણા સાત પાઉન્ડ વજનની હતી. દસ કૅરેટ સુવર્ણ સાથે અન્ય ધાતુનું મિશ્રણ કરીને આ પ્રતિમા બનાવાય છે.

સુવર્ણ પ્રતિમાના રૂપમાં ઑસ્કાર એવૉર્ડ

1927ના વર્ષ દરમિયાન તે સમયના ફિલ્મ-ઉદ્યોગના અગ્રણીઓ ચિંતિત હતા. સમાજમાં ફિલ્મ-ઉદ્યોગનું જે ગૌરવવંતું સ્થાન હોવું જોઈએ, તે નથી એમ તેમને લાગ્યું. એક બાજુ સેન્સરશિપનું કડક વલણ અને બીજી બાજુ આ ઉદ્યોગ સામે ચર્ચની લાલ આંખ તેમની પ્રગતિ અને મોભામાં અવરોધરૂપ હતાં. ફિલ્મમાં એક નવી અને ગૌરવવંતી પ્રતિભા ઊભી કરવાની જરૂર હતી. ફિલ્મ-ઉદ્યોગના 36 આગેવાનોએ એક ભોજનસમારંભમાં નક્કી કર્યું કે તેઓ બિનવ્યાવસાયિક ધોરણે એકૅડેમી ઑવ્ મોશન પિક્ચર આર્ટ્સ ઍન્ડ સાયન્સિઝની સ્થાપના કરીને ફિલ્મોના સ્તરને ગુણવત્તાના ધોરણે ઊંચું લાવવાનો પ્રયત્ન કરશે. તે સમયના આ ઉદ્યોગના આગેવાન લુઇસ બી. મેયરે ઉત્તમ ગુણવત્તા બદલ ઇનામ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ એવું સૂચન કર્યું જે માન્ય કરવામાં આવ્યું. કલાનિર્દેશક સેડ્રિક ગિબન્સે કાગળ પર સ્કેચ બનાવીને આકૃતિ તૈયાર કરી, જે એવૉર્ડના પ્રતીક તરીકે સ્વીકારવામાં આવી. શિલ્પી જ્યૉર્જ સ્ટેન્લીએ આકૃતિ મુજબ તેનો દેહ ઘડી કાઢ્યો. ફિલ્મના રીલ ઉપર ઊભેલો તલવારધારી સૈનિક સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો. સમય જતાં આ પ્રતિમામાં માત્ર વજન સિવાય બીજો કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અત્યારે તેનું વજન સાડા આઠ પાઉન્ડ છે.

1927ની 11 જાન્યુઆરીએ એકૅડેમી ઑવ્ મોશન પિક્ચર્સ આર્ટ્સ ઍન્ડ સાયન્સિઝની વિધિવત્ સ્થાપના કરાઈ હતી અને ઇનામ-વિતરણનો પહેલો સમારંભ 16 મે 1929ના રોજ યોજાયો. ત્યારથી 1931 સુધી ‘ઑસ્કાર’ નામવિહીન પૂતળા રૂપે રહ્યો હતો. એકૅડેમીની વ્યવસ્થાપક દિગ્દર્શક માર્ગારેટ હેરિક એક દિવસ પૂતળાને જોતાં બોલી ઊઠ્યાં હતાં કે ‘અરે, આ તો મારા કાકા ઑસ્કાર જેવો લાગે છે.’ સાથે ઊભેલા એક પત્રકારે સાંભળેલા આ શબ્દો સમાચાર રૂપે પ્રગટ થતાં જ આ પૂતળાનું નામ ‘ઑસ્કાર’ પ્રચલિત થયું. 1933ના વર્ષથી કૅલેન્ડર-વર્ષ પ્રમાણે એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બરના સુધીના સમયને ઑસ્કાર માટેનું વર્ષ ગણવામાં આવે છે.

એકૅડેમી ઑવ્ મોશન પિક્ચર આર્ટ્સ ઍન્ડ સાયન્સિઝ વિવિધ શાખાઓમાં વહેંચાયેલી છે – અભિનય, દિગ્દર્શન, છબિકલા વગેરે. શરૂઆતમાં માત્ર મુખ્ય શ્રેણીઓ એટલે કે શ્રેષ્ઠ ચિત્ર, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી વગેરે બાર જેટલી શ્રેણીઓમાં એવૉર્ડ અપાતા હતા; પણ ચિત્રનિર્માણમાં બીજાં પાસાંઓનું મહત્વ વધવા માંડ્યું તેમ તેમ આ ટેકનિકલ પાસાંઓનો પણ એવૉર્ડમાં સમાવેશ થતો ગયો. શ્રેષ્ઠ ચિત્રની પસંદગી માટે જે ઉમેદવારો નક્કી કરવાના હોય તે એકૅડેમીના તમામ સભ્યો (તેમની સંખ્યા લગભગ 6,000 છે.) બંધ કવરમાં મતદાન કરે છે. સૌથી વધુ મત મેળવેલી પાંચ ફિલ્મો આ એવૉર્ડ માટે નક્કી કરવામાં આવે છે. બીજી શાખાઓ જેમ કે; અભિનય, દિગ્દર્શન વગેરે માટેની પસંદગી માટે માત્ર તે જ શાખાના સભ્યો મતદાન કરે છે. અભિનયની શાખા માટે માત્ર અભિનેતાઓ અને લેખકની પસંદગી માટે લેખકવર્ગના સભ્યો જ મતદાન કરી શકે. દરેક વિભાગમાં પાંચ જ ઉમેદવારો પસંદ કરવાના હોય છે. જોકે ભૂતકાળનાં વર્ષોમાં કોઈ વાર પાંચ કરતાં વધુ ઉમેદવારો પસંદ કરાયા હોય એવાં ઉદાહરણો છે.

દરેક વિભાગમાં પાંચ ઉમેદવારો પસંદ થયા પછી ઑસ્કારના વિજેતાનાં નામ જાહેર કરવાનો તબક્કો આવે. ફરી પાછું વિજેતાની પસંદગી માટે મતદાન કરવામાં આવે. આ મતદાન માત્ર એકૅડેમીના તમામ સભ્યો પૂરતું જ મર્યાદિત રાખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ધોરણે પ્રતિષ્ઠિત એવી જાહેર એકાઉન્ટની કંપની આ મતપત્રોની ચકાસણી કરે છે. વિજેતાઓનાં નામો બંધ કવરમાં સીલ કરવામાં આવે છે. ઇનામવિતરણના સમારંભની રાત્રિએ જ આ સીલ કરેલું કવર ખોલવામાં આવે છે અને વિજેતાનાં નામો એક પછી એક જાહેર કરવામાં આવે છે અને એ જ વખતે ઑસ્કાર એનાયત થાય છે. ઑસ્કારની પ્રતિષ્ઠા એટલી છે કે એવૉર્ડ ન જીત્યા હોય અને માત્ર નામાંકન મેળવ્યું હોય તોપણ એ તેની સિદ્ધિ બની રહે છે.

કેટલાક વિભાગોમાં જે માનાર્હ ઑસ્કાર આપવામાં આવે છે તેનું મતદાન કરવામાં આવતું નથી. ફિલ્મ-ઉદ્યોગની વિશિષ્ટ સેવા બદલ આ માનાર્હ ઑસ્કાર આપવામાં આવે છે. ભારતના સત્યજિત રાયને માનાર્હ ઑસ્કાર મળ્યો હતો. 1927-28માં ઑસ્કાર મેળવનારું ચિત્ર ‘વિંગ્સ’ પ્રથમ અને એકમાત્ર મૂકચિત્ર હતું. એ પછીના વર્ષે 1928-29માં ઑસ્કાર મેળવનારું ચિત્ર ‘ધ બ્રૉડવે મેલડી’ પ્રથમ સવાક ચિત્ર હતું. 1939માં ‘ગૉન વિથ ધ વિન્ડ’ ઑસ્કાર મેળવનારું પ્રથમ રંગીન ચિત્ર હતું. ઑસ્કાર સમારંભનું પ્રથમ રેડિયો-પ્રસારણ 1930ની ત્રીજી એપ્રિલે કરાયું હતું. ઑસ્કાર સમારંભનું પ્રથમ ટીવી-પ્રસારણ 1953માં કરાયું હતું. 1966ની 18મી એપ્રિલે ઑસ્કાર સમારંભને લોકોએ પ્રથમ વાર રંગીન ટેલિવિઝન પર નિહાળ્યો હતો.

શ્રેષ્ઠ ચિત્રનો ઑસ્કાર જીતનારી ફિલ્મોની સાલવાર સૂચિ : 1927-28 – વિંગ્સ, 1928-29 – ધ બ્રૉડવે મેલડી, 1929-30 – ઑલ ક્વાયેટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ, 1930-31 – સિમારોન, 1931-32 – ગ્રાન્ડ હોટેલ, 1932-33 – કેવલ્કેડ, 1934 – ઇટ હૅપન્ડ વન નાઇટ, 1935 – મ્યૂટિની ઑન ધ બાઉન્ટી, 1936 – ધ ગ્રેટ ઝિગફેલ્ડ, 1937 – ધ લાઇફ ઑવ્ એમિલ ઝોલા, 1938  યુ કાન્ટ ટેક ઇટ વિથ યુ, 1939 – ગૉન વિથ ધ વિન્ડ, 1940 – રેબેકા, 1941  હાઉ ગ્રીન માય વૅલી વૉઝ, 1942 – મિસિસ મિનિવર, 1943 – કાસાબ્લાન્કા, 1944 – ગોઇંગ માઇ વે, , 1945 – ધ લૉસ્ટ વીકએન્ડ, 1946 – ધ બેસ્ટ યર્સ ઑવ્ અવર લાઇવ્ઝ, 1947 – જેન્ટલમૅન્સ એગ્રીમેન્ટ, 1948 – હૅમ્લેટ, 1949 – ઑલ ધ કિંગ્સમૅન, 1950 – ઑલ એબાઉટ ઇવ, 1951 – એન અમેરિકન ઇન પૅરિસ, 1952 – ધ ગ્રેટેસ્ટ શો ઑન ધી અર્થ, 1953 – ફ્રૉમ હિયર ટુ ઇટરનિટી, 1954 – ઑન ધ વૉટરફ્રન્ટ, 1955 – માર્ટી, 1956 – એરાઉન્ડ ધ વર્લ્ડ ઇન એઇટી ડેઝ, 1957 – ધ બ્રિજ ઑન ધ રિવર ક્વાઇ, 1958 – ગિગિ, 1959 – બેનહર, 1960 – ધી એપાર્ટમેન્ટ, 1961 – વેસ્ટ સાઇડ સ્ટૉરી, 1962 – લૉરેન્સ ઑવ્ અરેબિયા, 1963 – ટૉમ જૉન્સ, 1964 – માય ફેર લેડી, 1965 – ધ સાઉન્ડ ઑવ્ મ્યૂઝિક, 1966 – અ મૅન ફૉર ઑલ સીઝન, 1967 – ઇન ધ હિટ ઑવ્ ધ નાઇટ, 1968 – ઑલિવર, 1969 – મિડનાઇટ કાઉબૉય, 1970 – પેટન, 1971 – ધ ફ્રેન્ચ કનેક્શન, 1972 – ધ ગૉડફાધર, 1973 – ધ સ્ટિંગ, 1974 – ધ ગૉડફાધર પાર્ટ-2, 1975 – વન ફ્લ્યુ ઓવર ધ કકૂઝ નેસ્ટ, 1976 – રૉકી, 1977 – એની હૉલ, 1978 – ધ ડિયર હન્ટર, 1979 – ક્રેમર વર્સસ ક્રેમર, 1980 – ઑર્ડિનરી પીપલ, 1981 – ચેરિયટ્સ ઑવ્ ફાયર, 1982 – ગાંધી, 1983 – ટર્મ્સ ઑવ્ એન્ડિયરમેન્ટ, 1984 – એમેડિયસ, 1985 – આઉટ ઑવ્ આફ્રિકા, 1986 – પ્લેટૂન, 1987 – ધ લાસ્ટ એમ્પરર, 1988 – રેન મૅન, 1989 – ડ્રાઇવિંગ મિસ ડેઇઝી, 1990 – ડાન્સિઝ વિથ વૂલ્વ્ઝ, 1991 – ધ સાયલેન્સ ઑવ્ લૅમ્બ્સ, 1992 – અનફર્ગિવન, 1993 – શિન્ડલર્સ લિસ્ટ, 1994 – ફૉરેસ્ટ ગમ્પ, 1995 – બ્રેવ હાર્ટ, 1996 – ધી ઇંગ્લિશ પેશન્ટ, 1997 – ટાઇટૅનિક, 1998 – શેક્સપિયર ઇન લવ, 1999 – અમેરિકન બ્યૂટી, 2000  ગ્લૅડિયેટર, 2001 –  એ બ્યૂટિફુલ માઇન્ડ, 2002 – શિકાગો, 2003 – ધ લૉર્ડ ઑવ્ રિંગ્ઝ.

પીયૂષ વ્યાસ

હરસુખ થાનકી