ઑસિરિસ : ઇજિપ્તની લોકકથાનું નાઇલ નદીના પ્રતીકરૂપ દૈવી પાત્ર. રા (અથવા દક્ષિણ ઇજિપ્તમાં અમોન તરીકે પ્રચલિત), ઓસિરિસ, ઇસિલ અને હોરસ – એ ઇજિપ્તના મહાન દેવો હતા. દેવો પૃથ્વી પર અવતર્યા ત્યારે તેમણે જોડકાં સ્વરૂપો અને સંજ્ઞાઓ ધારણ કરેલ. અમોન હંસ કે ઘેટાનું, રા તીડ કે વૃષભનું અને ઑસિરિસ વૃષભ કે ઘેટાનું પ્રતિનિધિત્વ કરતા. કેટલીક વાર સ્ત્રીઓને આવાં પ્રાણીઓ સમક્ષ જાતીય કાર્ય માટે ધરવામાં આવતી; ખાસ કરીને ઑસિરિસના અવતાર સમા વૃષભને આ માન આપવામાં આવતું.
ઘેટું અને વૃષભ એ ખાસ કરીને ઇજિપ્તવાસીઓ માટે પવિત્ર એટલા માટે હતાં કે તે સર્જનશક્તિ સમાન ગણાતાં. તે ઑસિરિસની માત્ર સંજ્ઞાઓ રૂપે જ નહોતાં, પરંતુ તેના અવતારસમાં હતાં. ઘણી વાર ઑસિરિસને મોટાં અને આગળ પડતાં અંગો તરીકે દર્શાવવામાં આવ્યો છે; તે તેની સર્વોચ્ચ શક્તિનું દ્યોતક છે. ત્રિવિધ લિંગ સાથે ઇજિપ્તવાસીઓ તેનો વરઘોડો કાઢતા; કેટલાક પ્રસંગોએ સ્ત્રીઓ આવા લિંગની પ્રતિમાઓ ઉપાડીને જતી. ઑસિરિસ એ પરોપકારી નાઇલનો પ્રસિદ્ધ દેવ હતો. તેના મૃત્યુ અને પુનર્જન્મને દર વર્ષે નાઇલ નદીની ભરતી અને ઓટ વખતે સાંકેતિક રીતે ઊજવવામાં આવતાં. કદાચ તેને જમીનની ક્ષીણતા અને ફળદ્રૂપતા સાથે સરખાવવામાં આવતો. પછીના રાજવંશોના દરેક ઇજિપ્તવાસી સેત (કે સિત) જેવા સૂકવી નાખતા દુષ્ટ દેવની કથા કહેતા. એ દેવ સળગતા શ્વાસથી ઊભા પાકને ચિમળાવી નાંખતો અને નદીના પૂરથી જમીનની ફળદ્રૂપતા વધારનાર ઑસિરિસ સાથે ગુસ્સે ભરાઈ તેનો વધ કરતો અને ઑસિરિસના રાજ્ય ઉપર પોતાનો નિર્જલ અમલ (જેમ કે નદીમાં પૂર ના આવવું) ચલાવતો; છેવટે ઇસિસનો બહાદુર પુત્ર હોરસ સેતને હરાવી તેનો નાશ કરતો; તે પછી ઑસિરિસ ઇસિસના પ્રેમને સજીવન કરી જીવન બક્ષતો અને ઇજિપ્ત ઉપર પરોપકારી તરીકે રાજ્ય કરતો, નરમાંસભક્ષીઓનો નાશ કરતો, સંસ્કૃતિની સ્થાપના કરતો અને તે પછી સ્વર્ગમાં જઈને એક દેવ તરીકે અનંત કાળ સુધી અમલ ચલાવતો. આ એક ગહન લોકકથા હતી. ઇતિહાસ માટે તે સર્જન અને વિસર્જનનું, ફળદ્રૂપતા અને બિનફળદ્રૂપતાનું, નવસર્જન અને વિનાશનું, સારા અને નરસાનું, જીવન અને મૃત્યુનું પ્રતીક બન્યું.
મહાન માતા ઇસિસની લોકકથા પણ એટલી જ ગહન હતી; તે ઑસિરિસની વફાદાર બહેન અને પત્ની હતી. એક ર્દષ્ટિએ તેના કરતાં વધારે મહાન હતી – સામાન્ય રીતે એક સ્ત્રી તરીકે. તેણે પ્રેમ દ્વારા મૃત્યુ ઉપર વિજય મેળવ્યો હતો, ઑસિરિસ(નાઇલ)ના સ્પર્શથી તે ફળદ્રૂપ બની હતી અને પોતાની ફળદ્રૂપતાથી સમગ્ર ઇજિપ્તને તેણે સમૃદ્ધ બનાવ્યું હતું. એક ગહન સર્જનાત્મક શક્તિની સંજ્ઞા દ્વારા પૃથ્વી અને બધી જ જીવંત વસ્તુનું તેણે સર્જન કર્યું હતું અને માતા તરીકેના ભાવથી જે ભોગ આપવા પડે તે આપીને તેણે યૌવનપૂર્ણ નવજીવનને પોષીને પુખ્ત બનાવ્યું હતું. લોકકથા પ્રમાણે ઇસિસે ઇજિપ્તમાં વણખેડેલી જમીનમાં ઊગતા ઘઉં અને જવ શોધીને ઑસિરિસ-(મનુષ્ય)ને તેનો ખ્યાલ આપ્યો હતો.
જો ઑસિરિસ એટલે કે નાઇલ અને બધી જ વનસ્પતિનું ફરી સર્જન થઈ શકે તો મનુષ્યનું પણ થઈ શકે. તેથી ઇજિપ્તમાં માનવામાં આવતું કે માનવશરીરમાં તેના જેવું જ બીજું શરીર વસે છે; તેને તેઓ કા કહેતા અને વૃક્ષોમાં પાંખો ફફડાવતા પક્ષીની માફક શરીરમાં આત્મા વસે છે. આ બધું જ – શરીર, કા અને આત્મા – દેખીતા મૃત્યુ પછી હયાત રહે છે. ધર્મગુરુઓએ ઑસિરિસને રીઝવવા માટે પ્રાર્થનાઓ, સંજ્ઞાઓ અને બીજી વિગતોવાળું ‘બુક ઑવ્ ડેડ’ લખ્યું હતું. તે મુજબ અસંખ્ય યાતનાઓ અને દુ:ખો સહન કર્યાં પછી મૃતાત્મા છેવટે ઑસિરિસ પાસે પહોંચે ત્યારે તેણે આ મહાન અધિષ્ઠાતાને ઉદ્દેશીને પ્રાર્થના કરવાનું વિધાન હતું. તેમાં દૈવી ઑસિરિસના પ્રવાહી (નાઇલ નદીના પાણી) દ્વારા મૃતદેહને પુનર્જીવન સમર્પવાનો ખ્યાલ રહેલો હતો.
યતીન્દ્ર દીક્ષિત