ઑલ્ટમેન, સેમ (જ. 22 એપ્રિલ, 1985, શિકાગો, અમેરિકા) : અમેરિકન ઉદ્યોગસાહસિક, રોકાણકાર અને વર્ષ 2019થી ઓપનAIના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઇઓ). આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI – કૃત્રિમ બૌદ્ધિકતા)ની તેજીના યુગમાં દુનિયામાં ટૅક્નૉલૉજી ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ઉદ્યોગસાહસિકોમાં સામેલ. હાલ દુનિયામાં વધુ ને વધુ ઉપયોગ થઈ રહેલું ચૅટબોટ સૉફ્ટવેર ચૅટGPT એ ઓપનAIની માલિકીનું છે, જે નવેમ્બર, 2022માં પ્રસ્તુત થયા પછી છ મહિનામાં દુનિયાભરમાં સૌથી વધુ ઝડપથી વિકસતી સૉફ્ટવેર ઍપ્લિકેશન બની ગઈ છે.

સેમ ઑલ્ટમેન
યહૂદી પરિવારમાં જન્મ. મિસૂરી રાજ્યના સેન્ટ લૂઇસમાં ઉછેર. માતા ડર્મેટોલૉજિસ્ટ અને પિતા રિયલ એસ્ટેટ બ્રોકર. આઠ વર્ષની વયે પ્રથમ કમ્પ્યૂટર એપલ મેકિન્ટોશ મેળવ્યું. એ જ વયથી કોડિંગ કેવી રીતે કરવું અને કમ્પ્યૂટર હાર્ડવેર વિશે શીખવાની શરૂઆત કરી. વર્ષ 2005માં સ્ટેન્ડફૉર્ડ યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર સાયન્સમાં અભ્યાસ કરવા માટે પ્રવેશ મેળવ્યો. બે વર્ષ અભ્યાસ કર્યા પછી શિક્ષણ છોડી દીધું અને સ્નાતકની ડિગ્રી ન મળી. પછી મોબાઇલ સોશિયલ નેટવર્કિંગ સર્વિસ લૂપ્ટની સ્થાપના કરી. આ સાહસ માટે 30 મિલિયન ડૉલરથી વધારે વેન્ચર મૂડીરોકાણ મેળવ્યું.
વર્ષ 2011માં ઑલ્ટમેન સ્ટાર્ટઅપ એક્સલરેટર વાય કૉમ્પિનેટરમાં સામેલ થયાં અને વર્ષ 2014થી વર્ષ 2019 સુધી તેના પ્રેસિડન્ટની જવાબદારી સંભાળી. વર્ષ 2019માં તેઓ ઓપનAIના સીઇઓ બન્યા. ઓપનAIની સ્થાપના સેવાભાવી સંસ્થા તરીકે ઑલ્ટમેન, ગ્રેગ બ્રોકમેન, એલોન મસ્ક, જેસ્સિકા લિવિંગ્સ્ટોન, પીટર થિયેલ, માઇક્રોસૉફ્ટ, એમેઝોન વેબ સર્વિસીસ, ઇન્ફોસિસ અને વાયસી રિસર્ચે કરી હતી. જ્યારે વર્ષ 2015માં ઓપનAI લૉંચ થયું હતું, ત્યારે 1 અબજ ડૉલરનું મૂડીભંડોળ ઊભું કરવાની ખાતરી મળી હતી.
વર્ષ 2018માં ઑલ્ટમેનના મિત્ર મસ્કે બોર્ડ ઑફ ડાયરેક્ટરમાંથી રાજીનામું આપ્યું. માર્ચ, 2019માં ઑલ્ટમેને વાય કૉમ્બિનેટરમાંથી રાજીનામું આપી દીધું, કારણ કે તેઓ ઓપનAI પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છતા હતા. ઓપનAI સેવાભાવી સંસ્થામાંથી નફાકારક કંપની બની ગઈ છે. ડિસેમ્બર, 2022માં ઓપનAIની ચૅટબોટ ઍપ્લિકેશન ચૅટGPT સૉફ્ટવેર ઍપ્લિકેશન જાહેર થઈ અને દુનિયાભરમાં બહોળો પ્રતિસાદ મળ્યો. મે, 2023માં ઑલ્ટમેને દુનિયાનો પ્રવાસ શરૂ કર્યો અને વિવિધ મોટા દેશોના શાસકોને મળીને એઆઈ વિશે વાત કરી. વર્ષ 2023માં ઑલ્ટમેન દુનિયામાં 100 સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિઓમાં સામેલ થયા.
ઑલ્ટમેન ટૅક્નૉલૉજી પર આધારિત મૂડીવાદમાં માને છે. ડિસેમ્બર, 2024માં રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ માટે ઇનઑગરલ ફંડમાં 1 મિલિયન ડૉલરનું દાન કર્યું હતું. સાથે સાથે 400થી વધારે કંપનીઓમાં ઑલ્ટમેન રોકાણ ધરાવે છે. આ કંપનીઓ સ્વચ્છ ઊર્જા, બાયૉટેક, ફાઇનાન્સ વગેરે ક્ષેત્રોમાં સંકળાયેલી છે.
તેમણે પોતાની અડધી સંપત્તિનું દાન કરવાની જાહેરાત કરી છે.
કેયૂર કોટક