ઑલ્ટરનેરિયા (Alternaria) : ફૂગમાં આવેલા ડ્યુટેરોમાયસેટિસ વર્ગની ડીમેશીએસી કુળની એક પ્રજાતિ. દુનિયામાં સર્વત્ર ફેલાયેલી આ ફૂગ, મોટેભાગે મૃતોપજીવી (sprophytic) તરીકે, જ્યારે કેટલીક પરોપજીવી (parasitic) તરીકે જીવન ગુજારે છે. આ ફૂગનો ફેલાવો કણીબીજાણુઓ (conidia) દ્વારા થાય છે. કણીબીજાણુઓ હારમાળામાં ગોઠવાયેલા, બહુકોષીય અને આડા તેમજ ઊભા પડદા ધરાવે છે. કણીબીજાણુવૃંત (conidiophore) દૈહિક કવકતંતુજાલ (somatic hyphae) સાથે સંલગ્ન હોય છે. પ્રયોગશાળામાં થતા પ્રયોગોમાં વિક્ષેપો ઊભા કરવા ઉપરાંત, A Solani બટાટાનો આગોતરા સુકારાનો રોગ (early blight of potatoes) પેદા કરે છે. હે ફીવર પણ આ ફૂગને લીધે થાય છે.

A. alternata દ્વારા ધાન્યમાં ‘કાળાં ટપકાં’નો રોગ થાય છે. આ પ્રજાતિ વિવિધ પ્રકારનાં ફૂગ-વિષ (mycotoxins) ઉત્પન્ન કરે છે.

બટાટાના આગોતરા સુકારામાં બટાટાના પર્ણિકાઓ પર વિખરાયેલાં આછાં બદામી ટપકાં જોવા મળે છે. આ ફૂગ દ્વારા ટામેટાં, રિંગણ અને મરચીને પણ રોગ લાગુ પડે છે. તે પેશીઓનો નાશ કરે છે. ભેજવાળી આબોહવામાં આ ટપકાં જોડાઈને સડાવાળા મોટા વિસ્તારો બનાવે છે અને તેઓ કરમાય છે. શુષ્ક આબોહવામાં પર્ણો વાંકડિયાં બની જાય છે અને પ્રકાશ-સંશ્લેષી-ક્ષેત્ર ઘટી જાય છે. તેથી બટાટાની સંખ્યા અને કદમાં ઘટાડો થાય છે. કણીબીજાણુઓ અને કવકજાલ જમીનમાં જીવંત રહે છે, જે અનુગામી ઋતુમાં પ્રાથમિક સંક્ષેપ (inculum) તરીકે કાર્ય કરે છે. કણીબીજાણુ દ્વારા દ્વિતીયક વિસ્તરણ (spreading) થાય છે.

ખેતરની સ્વચ્છતા (sanitation) અને પાકની ફેરબદલી દ્વારા તેનો ચેપ ઘટાડી શકાય છે. બ્લીરોક્ષ-5 (0.25 %), ડાઇફોલેટેન, ડેકોનીલ અને કૅપ્ટાન જેવાં વ્યાપારિક ફૂગનાશકોનો નિયમિત અને સમયસર છંટકાવ રોગનું અસરકારક નિયંત્રણ કરે છે. ડાઇથેન Z-78 સૌથી અસરકારક છે.

હરિવદન હીરાલાલ પટેલ