ઑર (માનવ) : સગર્ભાવસ્થા દરમિયાન માતા અને તેના ગર્ભ વચ્ચે પોષક દ્રવ્યો, ચયાપચયી કચરો તથા પ્રાણવાયુ અને અંગારવાયુની આપ-લે માટે વિકસતું અંગ. તેને મેલી પણ કહે છે. તે ગર્ભધારણના સત્તરમા દિવસથી શરૂ થઈને ત્રણ મહિના સુધીમાં પૂરેપૂરી વિકસે છે. તે ગોળ અને ચપટી હોય છે. તેની માતા તરફની (ગર્ભાશયી) સપાટી ખરબચડી હોય છે અને તે ગર્ભાશયની આગળની કે પાછળની દીવાલ સાથે જોડાયેલી હોય છે. તેમાં નાના નાના વિભાગો (cotyledons) હોય છે, તે 20 સેમી.નો વ્યાસ ધરાવે છે. તેની જાડાઈ 2થી ૩ સેમી. અને તેનું વજન લગભગ 500 ગ્રામ હોય છે. તેના મુખ્ય બે ભાગ હોય છે : (1) ગર્ભનું બહારનું આવરણ બનાવતું ગર્ભાવરણ (chorion) તથા (2) ફલિત અંડકોશનું સ્થાપન થવાથી ગર્ભાશયની વિશિષ્ટ રૂપમાં ફેરવાયેલી અંદરની દીવાલ, ગર્ભાશયાંત:કલા (endometrium); તેને નિષ્કાસ્ય પડ (decidua) પણ કહે છે. નિષ્કાસ્ય પડના ત્રણ ભાગ છે :

(ક) ગર્ભનું આવરણ બનતું સંપુટીય (capsularis) નિષ્કાસ્ય પડ, (ખ) ગર્ભ જે સ્થળે ગર્ભાશયમાં સ્થાપિત થયો હોય તે તલીય (basalis) નિષ્કાસ્ય પડ અને (ગ) ગર્ભાશયના બાકીના રહેલા ભાગનું અંદરનું દીવાલરૂપે પરિધીય (paritalis) નિષ્કાસ્ય પડ. તલીય નિષ્કાસ્ય પડ ઑરનો માતામાંથી વિકસતો ભાગ છે, જ્યારે ગર્ભાવરણ ઑરનો ગર્ભમાંથી વિકસતો ભાગ છે. ઑરની ગર્ભ તરફની સપાટી પરથી લોહીની નસો ધરાવતી દોરડા જેવી નાળ (umbilical cord) નીકળે છે. તે ગર્ભની નાભિ સાથે જોડાય છે. તેની લોહીની નસો નાળમાંની નસો સાથે જોડાયેલી હોય છે. નાળના ઑર પાસેના છેડે વાહિનીભૂત કલા (allantois) નામનો પડદો આવેલો છે; તેમાંની નસો ગર્ભાવરણીય અંકુરો (chorionic villi) રૂપે વિકસે છે અને ઑરના માતા તરફના ભાગમાં આવેલા લોહી ભરેલા આંતર-અંકુરીય કોટરો(intervillous spaces)માં પ્રવેશે છે. આમ ગર્ભની લોહીની નસો નાળમાં થઈને ઑરમાં માતાની લોહીની નસોના સંપર્કમાં આવે છે. માતા અને ગર્ભના લોહીને વચ્ચેની ખૂબ જ પાતળી દીવાલ જુદાં પાડે છે; પરંતુ તેના દ્વારા પોષક દ્રવ્યો, કચરો, પ્રાણવાયુ અને અંગારવાયુની આપલે થાય છે. ઑર એક અંત:સ્રાવી (endocrine) ગ્રંથિ રૂપે કાર્ય પણ કરે છે અને તે વિવિધ અંત:સ્રાવો ઉત્પન્ન કરીને ગર્ભાવસ્થાની શારીરિક જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થાય છે.

આકૃતિ 1 : (અ) સગર્ભ ગર્ભાશય, (આ) ઑરનો ઊભો છેદ, (ઇ) ઑરની ગર્ભ તરફની સપાટી, (ઈ) ઑરની ગર્ભાશયની દીવાલ તરફની સપાટી. (1) ગર્ભાશય, (2) ઑર, (૩) ગર્ભ, (4) ગર્ભાવરણ, (5) ઑરનો તલીય નિષ્કાસ્ય પડનો બનેલો ભાગ, (6) ઑરનો ગર્ભાવરણથી બનતો ભાગ, (7) નાળ, (8) લોહીની નસો (તીર લોહીના વહનની દિશા દર્શાવે છે), (9) ઑરની ગર્ભ તરફની સપાટી, (10) ઑરની ગર્ભાશયની દીવાલ તરફની સપાટી, (11) વાહિનીભૂત કલા, (12) માતાની ધમની, (1૩) માતાની શિરા, (14) ગર્ભની નસો, (15) ગર્ભાવરણીય અંકુરો, (16) આંતર-અંકુરીય કોટરો.

તે માનવ ગર્ભાવરણીય જનનગ્રંથિ ઉત્તેજી અંત:સ્રાવ (human chorionic gonadotrophin, HCG) ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, માનવ ઑરીય લૅક્ટોજન (human placental lactogen, HPL), સંધિશિથિલક (relaxin) વગેરે અંત:સ્રાવો ઉત્પન્ન કરે છે. HCGને કારણે અંડગ્રંથિમાંના પીતપિંડ(corpus leutum)માંથી પણ ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને સંધિશિથિલક અંત:સ્રાવો બને છે. આ અંત:સ્રાવો ગર્ભાશયની અંદરની દીવાલ તથા સ્તનગ્રંથિઓનો વિકાસ કરે છે; પ્રોટીન, ગ્લુકોઝ અને ચરબીનું ચયન (anabolism) વધારે છે; તથા જન્મ સમયે શ્રોણિનાં હાડકાંના સાંધાને તથા ગર્ભાશયગ્રીવા(uterine cervix)ને પહોળી થવામાં મદદરૂપ થાય છે.

માતાના મૂત્રમાં બીટા પ્રકારના HCGનું પ્રમાણ જાણીને ગર્ભધારણનાં પાંચ અઠવાડિયાં પછી ગર્ભધારણનું નિદાન કરી શકાય છે. ઑર માતાના શરીરમાંની દવાઓ અને વિષને ગર્ભ સુધી પહોંચતાં અટકાવે છે. જોકે માતાએ લીધેલી કેટલીક દવાઓ ગર્ભ સુધી પહોંચે પણ છે. (જુઓ : ઔષધચિકિત્સા, સગર્ભા અને સ્તન્યપાની માતાઓની) ગર્ભશિશુના જન્મ પછી માતાનું ગર્ભાશય સંકોચાય છે અને ઑર છૂટી પડી બહાર આવે છે; તેનો નાશ કરવામાં આવે છે અથવા તેમાંથી વ્યાપારી ધોરણે અંત:સ્રાવો, દવાઓ અને લોહીના કેટલાક ઘટકો બનાવાય છે.

આકૃતિ 2 : પ્રસવક્રિયા : (અ) પ્રસવપૂર્વે ગર્ભ તથા ઑરની સ્થિતિ, (આ) પ્રસવક્રિયાનો એક તબક્કો, (ઇ) પ્રસવ પછી ઑર છૂટી પડવાની ક્રિયા.
(1) ગર્ભાશય (2) ઑર (૩) ગર્ભ (4) યોનિ (5) કરોડસ્તંભ (6) નાળ.

ઑર દાઝેલા ભાગ પરના ચાંદાને ઢાંકવા માટે વાપરી શકાય છે તથા તે નાળ તથા નસોને શિરાનિરોપ (venous graft) તરીકે વાપરીને નસોમાં થતા અવરોધજન્ય રોગોની સારવાર કરી શકાય છે. જો ગર્ભશિશુના જન્મ પહેલાં ઑર છૂટી પડવા માંડે તો ઘણું લોહી વહી જાય છે અને ક્યારેક ગર્ભપાતનો પણ ભય સર્જાય છે.

શિલીન નં. શુક્લ

દક્ષા જાની