ઑરબૉઇડ ઑવ્ બ્રેચીન, લૉર્ડ જૉન

January, 2004

ઑરબૉઇડ ઑવ્ બ્રેચીન, લૉર્ડ જૉન (જ. 21 સપ્ટેમ્બર 1880, કીલમોર્સ, આયર-શાયર; અ. 25 જૂન 1971, એડઝલ, એન્ગસ) : 1949નો શાન્તિ માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર આહાર અને પોષણના વિષયના નિષ્ણાત બ્રિટિશ વૈજ્ઞાનિક. ગ્લાસગો યુનિવર્સિટીમાં શિક્ષણ લીધા પછી 1914માં એબર્ડીન યુનિવર્સિટીના પ્રાણી-પોષણ વિભાગના તેઓ અધ્યક્ષ નિમાયા હતા. 1929માં તે જ સ્થળે તેમણે પ્રાણી-પોષણના વિષય માટે ઇમ્પીરિયલ બ્યૂરોની સ્થાપના કરી હતી.

19૩5માં તેમણે બ્રિટનના લોકોના આહારનું સર્વેક્ષણ કરીને ‘ફૂડ, હેલ્થ ઍન્ડ ઇન્કમ’ નામે અહેવાલ પ્રગટ કર્યો, તેના ઉપરથી 10 % લોકો પોષણક્ષમ આહાર લઈ શકતા નથી તેમ પુરવાર થયું. તેમના આ અહેવાલના આધારે બ્રિટનની માપબંધીની યોજના ઘડવામાં આવી હતી.

યુદ્ધ દરમિયાન તેઓ મંત્રીમંડળની વૈજ્ઞાનિક સમિતિના સભ્યપદે રહ્યા હતા. 1945માં તેઓ ગ્લાસગો યુનિવર્સિટીના રેક્ટર, બ્રિટનની સંસદના સભ્ય અને યુનોના ફૂડ ઍન્ડ એગ્રિકલ્ચરલ ઑર્ગેનાઇઝેશનના અધ્યક્ષ તરીકે નિમાયા હતા; જ્યાં તેમણે 1948 સુધી કાર્ય કર્યું હતું.

લૉર્ડ જ્હૉન (દંપતી), બૉરબાઇડ ઑવ્ બ્રેચીન

તેમનાં જાણીતાં પ્રકાશનોમાં ‘નૅશનલ ફૂડ સપ્લાય ઍન્ડ ઇટ્સ ઇન્ફલુઅન્સ ઑન પબ્લિક હેલ્થ’ (19૩4), ‘ફૂડ ઍન્ડ પીપલ’ (194૩), ‘ફૂડ ધ ફાઉન્ડેશન ઑવ્ વર્લ્ડ યુનિટી’ (1948) અને ‘ધ વ્હાઇટ મૅન્સ ડાઇલેમા’ (196૩) નોંધપાત્ર છે.

દેવવ્રત પાઠક