ઑમ્બડુઝમૅન : જાહેર ફરિયાદોના સરળ અને ઝડપી નિવારણ માટેની સંસ્થા અને તેનો અધિકારી. સરકારનાં કાર્યો અને વહીવટી તંત્રની ગેરરીતિઓની તપાસ કરવા તેમજ સરકારના પેચીદા તંત્રમાં સામાન્ય નાગરિક વતી દરમિયાનગીરી કરવાની ખાસ કામગીરી આ સંસ્થા બજાવે છે. મૂળ સ્વીડિશ ભાષાનો આ શબ્દ લોકપાલ કે લોકાયુક્તની નિકટનો ‘કમિશનર’નો અર્થ ધરાવે છે.
18મી સદીના પ્રારંભે સ્વીડનના રાજા ચાર્લ્સ 12માએ આ પ્રથાની સૌપ્રથમ વાર શરૂઆત કરી અને ‘સુપ્રીમ ઑમ્બડુઝમૅન’નો હોદ્દો ઊભો કર્યો. થોડાંક વર્ષો બાદ આ જ હોદ્દેદાર ‘ચાન્સેલર ઑવ્ જસ્ટિસ’ તરીકે ઓળખાવા લાગ્યો. કાયદાની અમલ-બજવણીની વ્યવસ્થા પર દેખરેખ રાખવાનું કામ તેનું ગણાતું હતું. 1809થી સ્વીડનની સંસદ – Riksdag – આ હોદ્દેદારની નિમણૂક કરવા લાગી; એથી આ હોદ્દાને કાનૂની મહત્વ સાંપડ્યું, તેની જાહેર હિતના રખેવાળ તરીકેની કામગીરી વિકાસ પામી. વર્તમાન સમયમાં સ્વીડનમાં બે ઑમ્બડુઝમૅન છે : એક, દીવાની દાવાઓ માટે અને બીજો, લશ્કરી બાબતો માટે.
સંસદ દ્વારા ચાર વર્ષ માટે નિમાતો આ અધિકારી સરકારની વિવિધ વહીવટી શાખાઓની કામગીરી તપાસી શકે છે. તેની કામગીરીમાં અદાલતી કાર્યો અંગેની ફરિયાદો પણ સમાવેશ પામે છે. આ અંગે બે પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ છે. એક, સામાન્ય નાગરિક કે લોકો વહીવટી તંત્ર વિશે ફરિયાદ કરે તો તેવી ફરિયાદના આધારે તપાસ કરવામાં આવે છે. બીજી વ્યવસ્થા અનુસાર કોઈ જાહેર ફરિયાદ ન આવે છતાં આપમેળે તે વહીવટી કામગીરીની તપાસ કરી શકે છે. મહત્વના કિસ્સાઓમાં જરૂર પડે તો અદાલતી કાર્યવહી શરૂ કરી શકે છે. જરૂર જણાય તો અમુક ઘટકોની નિયતકાલિક નિયમિત તપાસ તે હાથ ધરે છે; દા. ત., જેલોની કામગીરી અંગેની. આવી કામગીરી દરમિયાન તેને ગેરરીતિ જણાય તો તે પોતે આવી બાબત અંગે વહીવટી તંત્ર સામે પગલાં લેવાની શરૂઆત કરે છે.
સ્વીડનને અનુસરીને સ્કૅન્ડિનેવિયાના કેટલાક દેશોએ અને તે પછી પશ્ચિમના ઘણા દેશોએ આ પ્રકારની વ્યવસ્થાનો સ્વીકાર કર્યો. ફિનલૅન્ડે 1919માં, ડેન્માર્કે 1955માં, ન્યૂઝીલૅન્ડે 1962માં અને નૉર્વેએ 196૩માં આ સંસ્થાનો સ્વીકાર કર્યો. 1960 પછી વિવિધ દેશોમાં આ સંસ્થાનો પ્રસાર થયો. બ્રિટને 1967માં તેનો સ્વીકાર કર્યો અને થોડા ફેરફારો સાથેની એવા જ સ્વરૂપની અન્ય નામથી કામ કરતી સંસ્થાઓ ત્યાં વિકસી; જેમ કે, બ્રિટનમાં સંસદીય કમિશનર અને સોવિયેત સંઘમાં પ્રૉક્યોરેટ જનરલ.
ભારતે પણ અન્ય દેશોને અનુસરીને આ દિશામાં શરૂઆત કરી છે. લોક-ફરિયાદોના નિવારણ માટે વહીવટી સુધારણા પંચની ભલામણોને આધારે લોકપાલની રચના કરવાની ભલામણ છે, જે આ જ સ્વરૂપની સંસ્થા છે. આ અંગેનો ખરડો ઘડી સરકારે તેને વખતોવખત સંસદ સમક્ષ મૂક્યો, પણ આજદિન સુધી તેને સંસદે મંજૂરી આપી નથી. 1968થી આ માટેના પ્રયાસો ચાલુ છે. 1971, ’77, ’85, ’89 અને ’90માં પણ તેની રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ ખરડો કાયદાનું રૂપ પામી શક્યો નથી. ભારતમાં રાજ્ય સરકારની કક્ષાએ આવી સંસ્થા લોકાયુક્ત નામથી ઓળખાય છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ જેવાં રાજ્યોએ લોકાયુક્તની રચના કાયદા થકી કરી છે. ભારતના ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’એ પોતાના સમાચાર-પત્રના લોકાયુક્ત તરીકે પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ પી. એન. ભગવતીને નીમ્યા હતા.
અમેરિકામાં સમવાય સરકારની કક્ષાએ તેનાં કેટલાંક મંત્રાલયોએ અને કેટલાંક શહેરોએ પણ આ સંસ્થાનો સ્વીકાર કર્યો છે. અમેરિકાના વાણિજ્ય-મંત્રાલયે, ન્યૂયૉર્કની નાસૂ કાઉન્ટીએ આ અંગેના હોદ્દા માન્ય રાખ્યા છે. ફરિયાદોના નિવારણની ઑમ્બડુઝમૅનની કામગીરી એટલી આકર્ષક નીવડી છે કે ત્યાંનાં ખાનગી અને વિશાળ ઉદ્યોગગૃહો જેવાં કે જનરલ ઇલેક્ટ્રિક કંપની, ઝેરોક્સ કંપની વગેરે સંસ્થાઓએ પણ આ પદ્ધતિનો સ્વીકાર કર્યો છે. વિવિધ દેશોમાં આ કચેરીનું કામ વર્ષોવર્ષ મોટા પ્રમાણમાં વધતું જાય છે.
આ સંસ્થા સંસદ પ્રત્યેની વહીવટી જવાબદારીના સિદ્ધાંત પર આધાર રાખે છે. સ્વીડન-સ્થિત આંતરરાષ્ટ્રીય ઑમ્બડુઝમૅન સ્ટીયરિંગ સમિતિના મત મુજબ ઑમ્બડુઝમૅન એટલે ‘સરકારી અધિકારીઓ, કર્મચારીઓ કે એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદીઓને સાંભળનાર, કાયદા દ્વારા નિમાયેલ સ્વતંત્ર અને ઊંચી કક્ષાનો જાહેર અધિકારી અથવા એવો અધિકારી જે પોતે પહેલ કરીને કાર્યવહી કરે છે અને તેને તપાસ કરવાની, કઠોર પગલાં ભરવાની તેમજ અહેવાલ રજૂ કરવાની સત્તા હોય છે.’ ઑમ્બુડઝમૅન અધિકારી અસાધારણ સચ્ચાઈ તથા પ્રામાણિકતા ધરાવતી નિષ્પક્ષ વ્યક્તિ હોય એ અત્યાવશ્યક છે. ઑમ્બડુઝમૅનનાં લક્ષણો નીચે મુજબ દર્શાવી શકાય :
1. તે વહીવટી તંત્ર પર દેખરેખ રાખવા માટેનું સંસદનું સાધન છે. બીજા શબ્દોમાં નાગરિક અધિકારોનો રક્ષક છે. સરકારની રોજિંદી પ્રવૃત્તિઓ પર પ્રજા વતી દેખરેખ રાખે છે.
2. તેમાં વહીવટી તંત્રથી તદ્દન સ્વતંત્ર અને તટસ્થ અધિકારીને કામગીરી સુપરત થાય છે.
૩. લોકફરિયાદ વગર પણ તે આપમેળે પહેલ કરે છે. આ સંદર્ભે તે ન્યાયિક કામગીરીથી એક ડગલું આગળ વધીને કાર્યવહી કરી શકે છે.
4. તે તપાસનું સંચાલન અનૌપચારિક રીતે કરે છે. ફરિયાદોની છાન-બીનમાં ફાઇલો તપાસે, અધિકારીઓ પાસે સ્પષ્ટીકરણ માંગે અને કિસ્સાની પૂરી તપાસ સ્વતંત્ર રીતે કરે છે.
5. તેની કામગીરીમાં તે નોંધપાત્ર લવચીકતા (flexibility) ધરાવે છે. વહીવટી અધિકારી વિરુદ્ધ કાર્યવહી કરે, તેને ઠપકો આપે તેમજ ટીકાને બદલે સમજાવટભરી દરમિયાનગીરી કરી શકે છે. અંતે તે આવા કિસ્સાઓ સંસદના અહેવાલમાં સમાવે છે.
વિશ્વના વિભિન્ન દેશોમાં વિવિધ નામ અને સ્વરૂપ સાથે આ સંસ્થા/હોદ્દાને વ્યાપક સ્વીકૃતિ સાંપડી છે.
રક્ષા મ. વ્યાસ