ઑન ધ વૉટર ફ્રન્ટ (1954)
January, 2004
ઑન ધ વૉટર ફ્રન્ટ (1954) : શોષિત ગોદી કામદારોના ભ્રષ્ટાચારી નેતા સામે એકલે હાથે બળવો પોકારનાર વીર કામદાર અને તેના સમર્થક પાદરીની કથાને વણી લેતી સિનેકૃતિ.
દિગ્દર્શક : ઇલિયા કઝાન; નિર્માતા : સામ સ્પીગેલ; પટકથા : બડશુલબર્ગ; સંગીત : લિયોનાર્દ બર્નસ્ટીન; અભિનયવૃંદ : માર્લોન બ્રેન્ડો, ઇવા મારી સેન્ટ, કાર્લ માલ્ડેન, લી. જે. કૉબ, રોડ સ્ટાઇગર.
ગોદી કામદાર વિસ્તારોમાં અત્યંત ધગશ અને સમર્પણથી કામ કરનાર એક જેસુઆઇટ પાદરી ફાધર કોરીડાન વિશે માલ્કમ જૉનસને લખેલ પુલિત્ઝર પારિતોષિકવિજેતા લેખમાળા પર આ સિનેકૃતિની પટકથા આધારિત છે. આ કૃતિમાં સ્થળ પરના કામદાર જીવનની વાસ્તવિકતા અને ત્યાં વસતાં પાત્રોના સંઘર્ષના ચિત્રણમાં દિગ્દર્શક ઇલિયા કઝાને દાખવેલું પ્રભુત્વ નોંધપાત્ર છે. અમેરિકા ખાતે અભિનયક્ષેત્રે ‘ગ્રૂપ થિયેટર’ અને ‘એક્ટર્સ સ્ટુડિયો’ જેવી સંસ્થાઓના એક સ્થાપક તરીકે ઇલિયા કઝાને પોતાની આ સંસ્થાઓ દ્વારા અભિનયક્ષેત્રે કેળવેલાં નવાં વલણોનો આ કૃતિમાં સુયોગ્ય ઉપયોગ કર્યો છે. આ નવું વલણ તે તત્કાલ ઉપજાવી કાઢેલો અભિનય. તે ઇમ્પ્રોવાઇઝેશન. ‘ઑન ધ વૉટર ફ્રન્ટ’માં એક ર્દશ્યનાં સિનેકરણ દરમિયાન અભિનેત્રી ઇવા મારી સેન્ટના હાથમાંથી આકસ્મિક રીતે સરકીને ભોંય પર પડી ગયેલ હાથરૂમાલને ર્દશ્યના અંતે ઊર્મિસભર પળોમાં અભિનેતા માર્લોન બ્રેન્ડો દ્વારા અભિનેત્રીને પાછો આપવાની સમયસૂચક ક્રિયાને ઇમ્પ્રોવાઇઝેશન ઉત્તમ ઉદાહરણ તરીકે ટાંકવામાં આવે છે. તે જ રીતે ‘ઍક્ટર્સ સ્ટુડિયો’માં તાલીમ પામેલું સમગ્ર અભિનયવૃંદ અહીં અસરકારક રહ્યું છે. નાયકનો બળવો પોકારવાની પ્રેરણા આપનાર પાદરીના પાત્રમાં કાર્લ માલ્ડેન અને ભ્રષ્ટાચારી યુનિયન નેતા તરીકે રોડ સ્ટાઇગરનો અભિનય ઉત્તમ છે. જ્યારે પોતાના પાત્ર વિશેષની ઊંડી સમજ માર્લોન બ્રેન્ડોના અભિનયમાં વ્યક્ત થાય છે.
1954ના વર્ષમાં ઑસ્કર પુરસ્કારમાંના નવ ઑસ્કર પુરસ્કાર દ્વારા આ સિનેકૃતિને નવાજવામાં આવી હતી. શ્રેષ્ઠ ચિત્ર. શ્રેષ્ઠ અભિનેતા (માર્લોન બ્રેન્ડો), શ્રેષ્ઠ દિગ્દર્શક (ઇલિયા કઝાન), શ્રેષ્ઠ સહઅભિનેત્રી (ઇવા મારી સેન્ટ), શ્રેષ્ઠ સહઅભિનેતા (લી. જે. કોબ), શ્રેષ્ઠ લેખક (કથા-પટકથા : બડશુલબર્ગ), શ્રેષ્ઠ છબીકલા (બોરીસ કૌફમાન), શ્રેષ્ઠ કલાનિર્દેશન (રીચાર્ડ ડે) અને શ્રેષ્ઠ સિનેસંકલન (જીન મિલ્ફર્ડ).
લેખક બડશુલબર્ગે ચલચિત્રની મૂળ કથા-પટકથાની સામગ્રીને પાછળથી વિસ્તૃત કરીને તે નવલકથા રૂપે પ્રસિદ્ધ કરી હતી.
ગુજરાતી વાર્તાલેખક ચન્દ્રકાન્ત બક્ષીએ આ સિનેકૃતિ ઉપરથી ટૂંકી વાર્તા ‘ડૉક-મઝદૂર’ લખેલી છે.
ઉષાકાન્ત મહેતા