ઑન્ટેરિયો (સરોવર)
January, 2004
ઑન્ટેરિયો (સરોવર) : ઉત્તર અમેરિકામાં આવેલું તથા અમુક અંશે અમેરિકા અને કૅનેડાની સરહદ નક્કી કરતું સરોવર. ગ્રેટ લેઇક્સના નામથી ઓળખાતાં પાંચ સરોવરો પૈકી આ સૌથી નાનું સરોવર છે. પૂર્વથી પશ્ચિમ તરફ તે 310 કિમી. તો ઉત્તરથી દક્ષિણ તરફ તે 85 કિમી. જેટલું વિસ્તરેલું છે. તેનો કુલ વિસ્તાર આશરે 18,941 ચોકિમી. અને પૃષ્ઠ વિસ્તાર 7,340 ચોકિમી. છે. તેની વધુમાં વધુ ઊંડાઈ 237 મીટર અને સરેરાશ ઊંડાઈ 90 મીટર છે. તેના કુલ વિસ્તારમાંથી અડધા કરતાં થોડોક વધુ ભાગ કૅનેડામાં અને બાકીનો અમેરિકામાં છે. તેની ઉત્તરે કૅનેડાનો ઑન્ટેરિયો પ્રાંત તો દક્ષિણે અમેરિકાનું ન્યૂયૉર્ક રાજ્ય આવેલાં છે. નાયગ્રા નદી દ્વારા તેને મુખ્યત્વે પોષણ મળે છે. કૅનેડા તરફના તેના કિનારા પર ટૉરેન્ટો, હૅમિલ્ટન, કિંગ્સટન, પોર્ટ હોપ તથા કોબર્જ બંદરો આવેલાં છે, તો અમેરિકા તરફના તેના કિનારા પર ઑસ્વેગો, સૅકેટ્સ હાર્બર અને શાર્લોટે બંદરો છે. ટૉરેન્ટો તથા હૅમિલ્ટન એ બે બંદરોના વિસ્તારમાં વિશેષ પ્રમાણમાં ઉદ્યોગીકરણ થયેલું છે, તો દક્ષિણ તરફના તેના કિનારા પર બાગબગીચા તથા ફળના ઉત્પાદનનો વિકાસ થયેલો છે. તેના ઉત્તર તરફના ભૂવિસ્તારમાં આવેલા મેદાની ઇલાકામાં વ્યાપક પ્રમાણમાં ખેતી થાય છે.
લગભગ આખા વર્ષ દરમિયાન તેમાં પરિવહન દ્વારા ઘઉં, કાચું લોખંડ, પોલાદ, કોલસા, ભરતરનું લોખંડ, લાકડાનાં પાટિયાં તથા ઢોરઢાંખરની હેરફેર મોટા પાયા પર થતી હોવાથી ઉદ્યોગ તથા વ્યાપારના વિકાસમાં આ સરોવરનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. 1959માં સેન્ટ લૉરેન્સ માર્ગ પરિવહન માટે ખુલ્લો થતાં દરિયાઈ મુસાફરી તથા મોટાં જહાજો માટે આ સરોવર ઉપયોગી બન્યું છે. આ સરોવર ઇરી સરોવર સાથે વેલાન્ડ નહેર તથા નાયગ્રા નદી દ્વારા સંકળાયેલું છે. તેનાં પાણી સેન્ટ લૉરેન્સ નદીમાં ઠલવાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે