ઑન્ટેરિયો : વિસ્તારની ર્દષ્ટિએ બીજા ક્રમે આવતો, કૅનેડાનો પ્રાંત. ભોગોલિક સ્થાન : તે આશરે 420થી 570 ઉ. અ. અને 800થી 950 પ. રે. વચ્ચેનો કુલ 10,68,580 ચો.કિમી. (ભૂમિવિસ્તાર : 8,91,190 ચોકિમી. અને જળવિસ્તાર : 1,77,390 ચોકિમી.) જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રાંત ઉત્તર તરફના હડસનના અખાત અને જેમ્સના અખાત તથા દક્ષિણ તરફ લૉરેન્સ નદી અને ઑન્ટેરિયો, હ્યુરૉન અને સુપીરિયર સરોવરો વચ્ચે આવેલો છે. પૂર્વ તરફ તે ક્વિબૅક પ્રાંતથી અને પશ્ચિમ તરફ મૅનિટોબા પ્રાંતથી ઘેરાયેલો છે. ટૉરેન્ટો તેનું પ્રાંતીય પાટનગર છે, જ્યારે તેના અગ્નિભાગમાં આવેલું ઓટાવા દેશનું પાટનગર છે. આ બંને પાટનગરો ઑન્ટેરિયો પ્રાંતમાં આવેલાં છે. ઑન્ટેરિયો કૅનેડાનું મહત્વનું રાજકીય અને આર્થિક મથક બની રહેલું છે.

ઑન્ટેરિયો

પ્રાકૃતિક વિભાગો : આ પ્રાંત બે ભૌગોલિક વિસ્તારોમાં વહેંચાયેલો છે : (1) ઉત્તર ઑન્ટેરિયો : તે ઓટ્ટાવા અને માટ્ટાવા નદીઓના સંગમથી ઉત્તર તરફ આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ ખડકાળ અને ઊબડખાબડ છે. આ વિસ્તારમાં ગીચ જંગલો, પંકપ્રદેશો અને સરોવરો આવેલાં છે. વળી અહીં ઘણી ખનિજ સંપત્તિ પણ રહેલી છે. આ વિસ્તારમાં ઔદ્યોગિક મથકો તેમજ વાહનવ્યવહારની સુવિધા મળી રહેતી હોવાથી વસવાટનું પ્રમાણ પણ વધુ છે. (2) દક્ષિણ ઑન્ટેરિયો : કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રે અનુકૂળતા ધરાવતો આ વિસ્તાર દેશને જરૂરી ઉપભોક્તા ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડે છે. પ્રાંતનો માત્ર 10 % વિસ્તાર ધરાવતા આ પ્રદેશમાં વસ્તી, ઉદ્યોગ તથા નગરોનું કેન્દ્રીકરણ થયેલું છે.

આબોહવા : આ પ્રાંત સરોવરોના વિસ્તારની નજીકમાં આવેલો હોવાથી સમધાત આબોહવા ધરાવે છે. ઓટાવા અને ટૉરેન્ટોનાં જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે -10.80 અને 20.80 સે. તથા – 4.50 અને 22.10 સે. જેટલાં રહે છે; આ બંને સ્થળોમાં સરેરાશ વાર્ષિક વરસાદ (હિમવર્ષા સહિત) અનુક્રમે 911 મિમી. અને 818 મિમી. જેટલો પડે છે. અનુકૂળ આબોહવાને કારણે કૃષિ અને ઉદ્યોગક્ષેત્રે આ પ્રાંત વિકસ્યો છે.

જંગલો : પ્રાંતના કુલ ભૂમિવિસ્તારમાંથી આશરે 90 % (2,80,00 હેક્ટર) ભાગમાં જંગલો આવેલાં છે, તે પૈકી 50 % જંગલો ઉત્પાદક છે. જંગલો હેઠળના 4,26,000 ચોકિમી. વિસ્તારમાંથી મોટાભાગનો વિસ્તાર ઉત્તર ઑન્ટેરિયોમાં આવેલો છે. અહીંનાં મોટાભાગનાં જંગલો ખાનગી માલિકી હસ્તક છે. અહીં મૅપલ, બીચ, વૉલનટ, એલ્મ, ઍશ જેવાં સખત લાકડાનાં તથા પાઇન, સ્પ્રુસ, બાલ્સમ જેવાં પોચાં લાકડાંનાં વૃક્ષો જોવાં મળે છે.

પ્રાણીજીવન : આ પ્રાંતમાં જોવાં મળતાં પ્રાણીઓમાં મુસ, કાળું રીંછ, હરણ, વરુ, સ્કંક, ખિસકોલી, શાહુડી, ડુક્કર, સસલાં, રાતાં શિયાળ, કસ્તૂરી-ઉંદર (મસ્કરૅટ), બીવર ઓટર વગેરેનો સમાવેશ થાય છે. આ પૈકી કેટલાંક પ્રાણીઓને પકડીને તેમનો વેપાર થાય છે. પક્ષીઓમાં બતક, હંસ, બાજ, ટિટોડી, ઘુવડ, લક્કડખોદ વગેરેનો સમાવેશ થાય છે. અહીં વિવિધ પ્રકારની માછલીઓ પણ જોવા મળે છે.

ખેતી : અનુકૂળ આબોહવાને કારણે આ પ્રાંત કૃષિપેદાશોની બાબતમાં અગ્રતા ધરાવે છે. કૅનેડાની કૃષિપેદાશોમાં આ પ્રાંત 25 % જેટલો ફાળો આપે છે. તમાકુ, દૂધની પેદાશો તથા પશુપાલન માટે આ પ્રાંત જાણીતો છે. નાયગરા દ્વીપકલ્પ વિભાગ અહીંનો મુખ્ય ફળ-ઉત્પાદક વિસ્તાર બની રહેલો છે. કૅન્ટ અને ઇસેક્સ પરગણાં તથા હોલૅન્ડ પંકવિભાગ અહીનાં શાકભાજી(મુખ્યત્વે બટાટા)નાં મુખ્ય મથકો છે. દૂધ અને માંસ માટે અહીં ગાયો અને ડુક્કરનો ઉછેર કરવામાં આવે છે.

ઉદ્યોગ : પ્રાંતના ઝડપી ઔદ્યોગિક વિકાસ માટે પાણીનો જંગી પુરવઠો, સસ્તી જળવિદ્યુત, મૂડી તથા શ્રમનો મબલક પુરવઠો, કાચા માલની છત, સસ્તાં, સુગમ વાહનવ્યવહારનાં સાધનો તેમજ પશ્ચિમ યુ.એસ.નાં ઔદ્યોગિક કેન્દ્રો અને બજારોની ભૌગોલિક નિકટતા જેવાં પરિબળો જવાબદાર છે. અહીં 69 જળવિદ્યુતમથકો, 3 અણુમથકો, 6 ખનિજતેલનાં કેન્દ્રો આવેલાં છે. સિમેન્ટ, વીજસામગ્રી, પરિવહનનાં સાધનો અને તેને માટેના પુરજા, ખાદ્યપ્રક્રમણ, રસાયણો, પોલાદ, કાગળ અહીંના મુખ્ય ઉદ્યોગો છે. ઔદ્યોગિક ક્ષેત્રમાંથી સર્જાતી દેશની કુલ આવકના 50 % જેટલી આવક આ પ્રાંત ઊભી કરે છે.

ખનિજપેદાશો : કૅનેડિયન ભૂકવચના આ વિસ્તારમાં ખનિજ-સંપત્તિનો જથ્થો સારા પ્રમાણમાં રહેલો જોવા મળે છે. ઑન્ટેરિયો પ્રાંત ખનિજપેદાશોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. નિકલ સલ્ફાઇડ અહીં ઉત્પન્ન થતું મુખ્ય ખનિજ છે. દુનિયાભરમાં થતા નિકલના કુલ ઉત્પાદન પૈકી 50 % જેટલું ઉત્પાદન આ પ્રાંત પૂરું પાડે છે. આ ઉપરાંત અહીં કોબાલ્ટ, તાંબું, લોહ, જસત, સોનું અને યુરેનિયમ જેવાં ખનિજોનું પણ ઉત્પાદન લેવાય છે. રેતી, ગ્રેવલ, પથ્થરો પણ અહીંથી મેળવાય છે.

ઉદ્યોગો અને ખનિજપેદાશોના સંદર્ભમાં જોતાં કૅનેડાના કુલ શ્રમિકો પૈકીના 50 % શ્રમિકો આ પ્રાંતમાં કામ કરે છે, આ કારણે ઑન્ટેરિયો દેશનો મુખ્ય ઉત્પાદક પ્રાંત ગણાય છે. બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં આ પ્રદેશમાં તૃતીય કક્ષાની રોજગારીમાં થયેલો વધારો, સેવાવ્યવસાયના ઝડપી વિકાસને આભારી છે. ઑન્ટેરિયો સેવાવ્યવસાયની બાબતમાં કૅનેડાનો મુખ્ય પ્રાંત ગણાય છે.

ઑન્ટેરિયોના પાટનગર ટૉરેન્ટોનો સિટી હૉલ

પરિવહન : આ પ્રાંતમાં 1,59,456 કિમી. જેટલી લંબાઈના માર્ગો આવેલા છે. ટૉરેન્ટોમાં ભૂગર્ભ-માર્ગની પણ સુવિધા છે. કૅનેડિયન નૅશનલ અને કૅનેડિયન પૅસિફિક રેલમાર્ગોનો વહીવટ ઑન્ટેરિયોમાંથી થાય છે. આ પ્રાંતમાં 12 કેન્દ્રીય અને 14 પ્રાંતીય રેલમાર્ગો આવેલા છે. અહીં એર કૅનેડા અને કૅનેડિયન પૅસિફિક નામની બે હવાઈ સેવાઓ ઉપલબ્ધ છે. અહીંનાં મુખ્ય હવાઈ મથકોમાં ટૉરેન્ટો, ઓટાવા, વિન્ડસર, નૉર્થ બે, સડબરી અને થન્ડર બેનો સમાવેશ થાય છે. જળપરિવહનક્ષેત્રે ગ્રેટ લેક્સ અને સેન્ટ લૉરેન્સ નદીમાર્ગો ઍટલૅન્ટિક મહાસાગર સાથે જોડાયેલા છે. સરોવરોને કારણે અહીં જળપરિવહનનો વિકાસ થયો છે.

કુદરતી વાયુ વહન કરતી ટ્રાન્સ કૅનેડિયન પાઇપલાઇન વેસ્ટર્ન પ્રાંતથી ઑન્ટેરિયો સુધી નાંખેલી છે. એ જ રીતે યુ.એસ.ના સહયોગથી કાચા ખનિજતેલનું વહન કરતી આંતરપ્રાંતીય પાઇપલાઇન વેસ્ટર્ન કૅનેડાથી ઑન્ટેરિયો સુધી નાંખેલી છે. નાયગરા ધોધને કારણે નાયગરા નદી પરિવહન માટે ઉપયોગમાં લઈ શકાતી નથી.

વસ્તી : 2019 મુજબ આ પ્રાંતની વસ્તી 1.46 કરોડ જેટલી છે. પ્રાંતની કુલ વસ્તીના 50 % લોકો બ્રિટિશ કુળના, 8 % લોકો ફ્રેન્ચ કુળના, બાકીના 42 % લોકો જર્મન, ઇટાલિયન, ડચ, પૉલિશ કે યુક્રેનિયન કુળના છે. તેમાં અહીંના મૂળ રહીશોનો પણ સમાવેશ થઈ જાય છે.

દેશની કુલ વસ્તીના 37 % લોકો આ પ્રાંતમાં વસે છે. અહીં વસતી અશ્વેત પ્રજા ગુલામોના વંશજો તથા અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાંથી સ્થળાંતર કરીને આવેલા લોકોની છે. મોટાભાગના લોકો મુખ્યત્વે તો અંગ્રેજી ભાષામાં વ્યવહાર કરે છે. હેમિલ્ટન, ઓટાવા, લંડન, ટૉરેન્ટો, વિન્ડસર, કિચનેર, સેન્ટ કૅથેરિના, ઓશાવા, થન્ડર બે, નૉર્થ બે અને સડબરી અહીં મુખ્ય શહેરો છે.

પ્રાંતમાં પ્રાથમિક શિક્ષણ નિ:શુલ્ક તેમજ ફરજિયાત છે. ઉચ્ચ શિક્ષણનું પ્રદાન કરતી 18 જેટલી યુનિવર્સિટીઓ અહીં આવેલી છે. તે પૈકી ટૉરેન્ટો યુનિવર્સિટી (સ્થાપના : 1827) મુખ્ય છે.

પ્રાંતના નાગરિકો માટે સર્વગ્રાહી સ્વાસ્થ્યયોજના લાગુ કરવામાં આવી છે, તેમ છતાં ખાણો, કાગળનો માવો બનાવતાં કારખાનાં તથા યાંત્રિક વાહનોમાંથી વાતાવરણમાં ફેંકાતા દૂષિત ધુમાડાને લીધે અહીં તાજેતરનાં વર્ષો દરમિયાન પ્રદૂષણની સમસ્યા તીવ્ર બની છે.

ઇતિહાસ : સત્તરમી સદીમાં ફ્રેન્ચ લોકો સર્વપ્રથમ અહીં આવેલા. 1763માં આ વિભાગ બ્રિટિશ તાજ હેઠળ આવ્યો. 1841માં ઑન્ટેરિયોને ફ્રેન્ચભાષી ક્વિબૅકમાં ભેળવવાનો પ્રયાસ નિષ્ફળ ગયેલો. 1867માં ઑન્ટેરિયો એક સ્વતંત્ર પ્રાંત તરીકે અસ્તિત્વમાં આવ્યું. તે પછીથી તે નવી સમવાયી સરકારના રક્ષણ હેઠળ મુકાયું. ઑન્ટેરિયો ધીમે ધીમે એક ઔદ્યોગિક અને શહેરી વિસ્તાર તરીકે વિકસતું ગયું. બીજા વિશ્વયુદ્ધ બાદ યુરોપમાંથી આશરે 20 લાખ લોકો સ્થળાંતર કરીને અહીં આવ્યા અને વસ્યા.

વર્તમાન સમયમાં આ પ્રાંતમાં દ્વિગૃહી ધારાસભા કાર્ય કરે છે. પ્રાંતની ચૂંટાયેલી આમસભા પ્રધાનમંત્રીની વરણી કરે છે. પ્રધાનમંત્રી કારોબારીના અન્ય સભ્યોની પસંદગી કરે છે. દેશના ગવર્નર જનરલ પ્રાંતના લૅફટેનન્ટ ગવર્નરની નિમણૂક કરે છે, જે વાસ્તવમાં તો નામની જ સત્તા ધરાવે છે. આ પ્રાંતમાં ત્રણ રાજકીય પક્ષો છે  પ્રૉગ્રેસિવ કન્ઝર્વેટિવ પક્ષ, લિબરલ પક્ષ તથા ન્યૂ ડેમૉક્રેટિક પક્ષ. સમાજવાદીઓ તથા મજૂર મંડળના એકીકરણમાંથી ન્યૂ ડેમૉક્રેટિક પક્ષની સ્થાપના થયેલી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

નીતિન કોઠારી

ગિરીશભાઈ પંડ્યા