ઑટો મેયરહોફ (જ. 12 એપ્રિલ 1884, હૅનોવર, જર્મની; અ. 6 ઑક્ટોબર 1951, ફિલાડેલ્ફિયા, યુ.એસ.) : જર્મન જૈવરસાયણશાસ્ત્રી. સ્નાયુમાં ચયાપચય(metabolism)ની રાસાયણિક પ્રતિક્રિયાઓ પર સંશોધન માટે 1922માં આર્ચિબાલ્ડ વિવિયન હિલ સાથે ફિઝિયૉલોજી/મેડિસિનના નોબેલ પારિતોષિકના સહવિજેતા. સ્નાયુનું કાર્ય સમજવા માટે તેનું ‘ગ્લાયકોજન લૅક્ટિક ઍસિડ ચક્ર’ પાયાનું પ્રદાન ગણાય; જોકે પાછળથી તેના પર વિશેષ સંશોધનો થયાં છે. 1909માં યુનિવર્સિટી ઑવ્ હેડનબર્ગની એમ.ડી.ની પદવી મેળવ્યા પછી મેયરહોફ જર્મનીની કીલ અને અન્ય યુનિવર્સિટીઓમાં શરીરક્રિયાશાસ્ત્ર (physiology) અને ભૌતિક રસાયણશાસ્ત્રના અધ્યાપક બન્યા હતા. 1929થી 1938 દરમિયાન તેમણે હેડનબર્ગમાં કૈસર વિલ્હેમ (હવે મેક્સ પ્લાંક) ઇન્સ્ટિટ્યૂટ ફૉર મેડિકલ રિસર્ચના શરીરક્રિયાશાસ્ત્ર વિભાગના વડા તરીકે સેવા આપી. બે વર્ષ પૅરિસમાં રહ્યા પછી અમેરિકામાં યુનિવર્સિટી ઑવ્ પેન્સિલ્વેનિયામાં સંશોધન પ્રાધ્યાપક તરીકે રહ્યા. તેમણે ઇંગ્લૅન્ડ અને યુ.એસ.માં ઘણાં વ્યાખ્યાન આપ્યાં. તેમણે ‘ધ કેમિકલ ડાયનેમિક્સ ઑવ્ લાઇફ ફિનૉમિનો’ (1924) અને ‘કૉન્ટ્રિબ્યૂશન ટુ સાઇકોલૉજિકલ થિયરી ઑવ્ મેન્ટલ ડિસીઝિસ’ નામનાં પુસ્તકો લખ્યાં હતાં. શરીરમાં થતી વાતજીવી (aerobic) (ઑક્સિજનની હાજરી જરૂરી હોય તેવી) અને અવાતજીવી (anaerobic) (ઑક્સિજનની જરૂર ન હોય તેવી) ચયાપચયી વિધિઓ (processes) કેવી રીતે સંકળાયેલી છે તે પુરવાર કરનાર મેયરહોફ પ્રથમ હતા. અવાતજીવી વિઘટન અને વાતજીવી પુનર્યોજન(recombination)ના ગુણોત્તરને ‘મેયરહોફ ભાગાકાર (quotient)’ કહે છે.

હરિત દેરાસરી