ઑટોમૅટિક પિક્ચર ટ્રાન્સમિશન સિસ્ટમ : ભૂમિ પરના રેડિયો મથકેથી, ઉપગ્રહ દ્વારા અથવા તો રેડિયો અને કેબલ દ્વારા કોઈ તસવીર કે ચિત્રનો દૂરસંચાર કરવા માટેની પદ્ધતિ. અવકાશયાન (space craft) અથવા કૃત્રિમ ઉપગ્રહમાં ગોઠવેલા કૅમેરાની મદદથી પૃથ્વીની સપાટીની તસવીર તથા પૃથ્વીના વાયુમંડળમાં સર્જાતાં વાદળોનાં વમળો, તેમના આકાર અને પ્રવહન દર્શાવતી તસવીરો લઈને, સ્વયંસંચાલિત યુક્તિથી તેમને ભૂમિમથકે મોકલવામાં આવે છે. આ અંગેના કૅમેરા બે પ્રકારના હોય છે. – (1) અસંગ્રહી (non-storage) અને (2) સંગ્રહી. 1966માં અમેરિકાએ ESSA (Environmental Survey Satellite) નામનો ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી આશરે 600-1000 કિમી. ઊંચાઈએ દીર્ઘવૃત્ત આકાર(elliptical)ની ધ્રુવીય ભ્રમણકક્ષામાં તરતો મૂક્યો. 1969માં એવો બીજો ઉપગ્રહ એવી જ ભ્રમણકક્ષામાં ઘૂમતો કર્યો. બંને ઉપગ્રહમાં ઇલેક્ટ્રૉનિક યુક્તિઓ સાથેના, ઉપર દર્શાવેલા બંને પ્રકારના કૅમેરા ગોઠવવામાં આવ્યા હતા.

કાર્યપદ્ધતિ : સ્થાનિક વિસ્તારને તાત્કાલિક ઉપયોગી નીવડે તેવી હવામાનની માહિતી મેળવવા માટે, ઉપગ્રહમાં ગોઠવેલો અસંગ્રહી કૅમેરા કામ આપે છે. આ કૅમેરાની કાર્યપદ્ધતિને ઑટોમૅટિક પિક્ચર ટ્રાન્સમિશન (A.P.T.) સિસ્ટમ કહે છે. તે પદ્ધતિને અનુસરીને સૂર્યપ્રકાશિત ભૂપ્રદેશો ઉપર થઈને ઉપગ્રહ પસાર થાય ત્યારે, તેમાંનો કૅમેરા, વાદળો અને તેમના આંતરિક પ્રવાહની તસવીરો ખેંચે છે અને પૂર્વનિધારિત પ્રોગ્રામ અનુસાર દર 10થી 15 મિનિટના ગાળે આ તસવીરોનું વીજસંકેતમાં રૂપાંતર કરી, પૃથ્વી ઉપર મોકલે છે. આ પ્રેષણ (transmission) ધીમી ગતિનું હોઈ, સાદાં અભિલેખન (recording) સાધનોથી તસવીરોને રેકર્ડ કરી શકાય છે. અમેરિકાના TIROS અને NIMBUS તેમજ રશિયાના COSMOS જેવા METSAT (metereological satellite) પ્રકારના ઉપગ્રહમાં ગોઠવેલો આવો કૅમેરા સ્વયંસંચાલિત પ્રેષણ-પદ્ધતિ દ્વારા પૃથ્વી ઉપરના 94 દેશો તથા રક્ષિત-સંસ્થાનોમાં 500 કરતાં વધારે ભૂમિમથકોને હવામાન અંગેની માહિતી સીધેસીધી મોકલે છે, જેથી કોઈ પણ મથક metsat પાસેથી જરૂરી માહિતી પ્રાપ્ત કરવા માટે તત્કાળ પૃચ્છા કરી શકે. આ ઉપગ્રહની ભ્રમણકક્ષા ધ્રુવીય હોવાથી, પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળે દિવસમાં ઓછામાં ઓછો એક વખત તો તેનો સીધો સંપર્ક થતો હોય છે, તેથી જ તે પ્રદેશનાં વાદળોથી નિર્દેશિત હવામાન વિશે માહિતી મળે છે અને અલ્પ સમયમાં જ તે અંગેની આગાહી કરી શકાય છે. આવી અસંગ્રહી કૅમેરાવાળી APT સિસ્ટમની સાથે સંગ્રહી કૅમેરા રાખવાથી સમગ્ર પૃથ્વીને આવરી લેતી જાગતિક (global) હવામાનની સ્થિતિની માહિતી મળે છે. કૅમેરાએ ઝડપેલી તસવીરોને સુધારેલા (sophisticated) સંચારપદ્ધતિવાળા કમ્પ્યૂટરમાં યુક્તિ-પ્રયુક્તિથી સંઘરી રાખવામાં આવે છે અને તેનું ટેપરેકર્ડ કરી લેવામાં આવે છે. પછી જ્યારે ઉપગ્રહ અમુક સ્થાપિત ભૂમિ-રેડિયો સંગ્રાહક મથકોનો સંપર્ક થઈ શકે તેવા અંતરે આવે ત્યારે ટેપરેકર્ડ કરેલી તસવીરોનું અનુરૂપ વાચન (deciphering) કરવાથી મળેલા વીજસંકેતોને ભૂમિ-સંગ્રાહક મથક ઉપર મોકલવામાં આવે છે. ત્યાંથી તે સંકેતો તાર-ટેલિફોન દ્વારા રાષ્ટ્રીય પર્યાવરણ ઉપગ્રહ કેન્દ્ર(National Environmental Satellite Centre  NESC)ને મળે છે. ઉપગ્રહ દ્વારા ઊંચાઈ તેમજ સ્થાન વિશે મળતી માહિતી ઉપરથી NESCમાં, પ્રવર્તમાન હવામાનની પરિસ્થિતિને નકશારૂપે દર્શાવવામાં આવે છે. રસ ધરાવતાં અભ્યાસવર્તુળોને તે નકશાઓની પ્રતિકૃતિઓ મોકલવામાં આવે છે.

ESSA-7 ઉપગ્રહમાંના કૅમેરાએ 17 ઑક્ટોબર 1968ના રોજ ઝડપેલી 28 તસવીરોને એકત્ર કરીને નકશાના રૂપમાં નિદર્શન. 100 Nથી 200 N અક્ષાંશ અને 300 Eથી 450 E રેખાંશના વિસ્તાર ઉપર ગ્લોરીઆ નામથી ઓળખાતા ચક્રવાતી વાદળ(typhoon)ની તસવીર.

ધ્રુવીય કક્ષામાં ઘૂમતો આવો ઉપગ્રહ 24 કલાકમાં પૃથ્વીની 13 પ્રદક્ષિણાઓ પૂરી કરે છે. તે દરમિયાન વાયુમંડળના ફેરફારોની સંચિત માહિતીનો જાગતિક ધોરણે, જુદા જુદા ર્દષ્ટિકોણથી ઉપયોગી તારણ મેળવવા માટે વિશાળ પાયા ઉપર અભ્યાસ કરવામાં આવે છે. વૉશિંગ્ટન નજીકના NESC કેન્દ્ર અને મોસ્કો સ્થિર કેન્દ્ર વચ્ચે અમેરિકાના ESSA (metsat) અને રશિયાની Cosmos ઉપગ્રહશ્રેણી દ્વારા પ્રાપ્ત થયેલી માહિતીનો વિનિમય થતો રહે છે. ફક્ત આ બે દેશો જ હવામાન અંગેની જાગતિક માહિતી પૂરી પાડવા ક્રિયાશીલ ઉપગ્રહો ધરાવે છે. અમેરિકાની National Environmental Satellite Service (NESS) સંસ્થાએ 1971થી metsatનું સંચાલન સંભાળી લીધું હતું. તે બે પ્રકારની સેવા પૂરી પાડે છે. (i) પૃથ્વીની આસપાસ છવાયેલાં વાદળો અંગેની માહિતી સંગ્રહવામાં આવેલી હોય તેને મોકલવા માટે, અમેરિકાનાં બે મથકો પૈકીનું કોઈ મથક, ઉપગ્રહમાંની કમ્પ્યૂટરસજ્જ યંત્રસામગ્રીને આદેશ-સંકેત (command signal) મોકલે છે. આદેશથી મળેલી માહિતી, તે NESS મથકને મોકલાવે છે અને રસ ધરાવતા દેશોને તે માહિતી NESS પહોંચતી કરે છે. (ii) સંગ્રહ કર્યા વગરની અને ઉપગ્રહમાં જ વાચન કરવામાં આવેલી હવામાન-માહિતીને તત્કાળ A.P.T. સિસ્ટમ હેઠળ, પ્રાદેશિક હવામાનની સ્થિતિ તેમજ તેની આગાહી માટે, ઉપગ્રહ માહિતી મોકલી આપે તેનું ધ્યાન રાખે છે.

કાંતિલાલ મોતીલાલ કોટડિયા